Revised Common Lectionary (Semicontinuous)
19 યાદ કર કે, હું તો માત્ર ગરીબ શરણાથીર્ છું,
અને હું દિવસે દિવસે કડવા અનુભવમાંથી પસાર થાઉં છું.
20 નિરંતર મારું ચિત્ત તેનો જ વિચાર કર્યા કરે છે;
અને હું નાહિમ્મત થઇ જાઉં છું.
21 એ હું મનમાં લાવું છું
અને તેથી જ હું આશા રાખું છું.
22 યહોવાની કરૂણા, ખૂટી પરવારી નથી તેમ જ
તેની દયાનો પણ અંત આવ્યો નથી.
23 દરરોજ સવારે તારી કૃપાઓ નવેસરથી મને મળે છે,
માણસ તારી પર હંમેશા નિર્ભર રહી શકે.
24 મેં કહ્યું, “મારી પાસે જે કંઇ છે તે યહોવા છે.
તેથી હું તેનામાં મારી આશા મૂકું છું.”
25 જે તેનામાં વિશ્વાસ રાખે છે અને જેઓ તેની વાટ જોવાનું ચાલુ રાખે છે.
તેમના માટે યહોવા સારો છે.
26 ચૂપ રહેવું અને યહોવા તમને બચાવે
તેની રાહ જોવી તે સારું છે.
યરૂશાલેમનું પતન
52 સિદકિયા ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 21 વર્ષની હતી, તેણે યરૂશાલેમમાં અગિયાર વર્ષ રાજ્ય કર્યું. તેની માતાનું નામ હમૂટાલ હતું અને તે લિબ્નાહના યર્મિયાની પુત્રી હતી. 2 સિદકિયાએ યહોયાકીમની જેમ જ યહોવાની ષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કર્યું. 3 હકીકત એ છે કે, યરૂશાલેમે અને યહૂદિયાએ યહોવાનો એટલો બધો રોષ વહોરી લીધો કે આખરે તેણે તેમને પોતાના સાન્નિધ્યમાંથી હાંકી કાઢયાં, અને સિદકિયાએ બાબિલ સામે છળકપટ કર્યું.
4 સિદકિયાના રાજ્યકાળમાં નવમે વર્ષે દશમાં મહિનાના દશમાં દિવસે બાબિલના રાજા નબૂખાદરેસ્સારે પોતાની આખી સૈના સહિત આવીને યરૂશાલેમ પર હુમલો કર્યો. 5 તેણે એ શહેરને કબજે કર્યુ અને તેની ફરતે ઘેરો બાંધવા માટેની દીવાલો બાંધી, રાજા સિદકિયાના શાસનમાં અગિયારમા વર્ષ સુધી આમ ચાલ્યું. 6 ચોથા મહિનાના નવમે દિવસે નગરમાં અન્નની ભારે તંગી વર્તાતી હતી અને લોકોને ખાવાનું મળતું નહોતું. 7 પછી નગરની દીવાલમાં એક બાકોરું પાડવામાં આવ્યું, અને રાતોરાત રાજા પોતાના આખા સૈન્ય સાથે રાજાના બગીચા પાસે આવેલા બે દીવાલો વચ્ચેના દરવાજેથી ભાગી ગયો, આમ બન્યું તે દરમ્યાન ખાલદીઓએ નગરને ઘેરી લીધું હતું તેમ છતાં તેઓ યર્દનની ખીણ તરફ આગળ વધ્યા.
8 પરંતુ ખાલદીઓની સૈનાએ તેનો પીછો પકડ્યો અને યરીખોના મેદાનમાં તેને પકડી પાડ્યો, અને તેની આખી સૈના તેને છોડીને વેરવિખેર થઇ ગઇ. 9 બાબિલનો રાજા હમાથ રાજ્યના રિબ્લાહ નગરમાં હતો. તેઓ સિદકિયાને ત્યાં લઇ ગયા અને રાજા આગળ રજૂ કર્યો, અને તેણે તેના પર કામ ચલાવ્યું. 10 બાબિલના રાજાએ રિબ્લાહ ખાતે સિદકિયાની નજર આગળ તેના પુત્રોને મારી નાખ્યા અને યહૂદિયાના બધા અમલદારોને પણ મારી નાખ્યાં. 11 ત્યારબાદ રાજા સિદકિયાની આંખો ફોડી નાખવામાં આવી અને તેને સાંકળોથી બાંધીને બાબિલ લઇ જવામાં આવ્યો અને તેને આજીવન કેદ કરવામાં આવ્યો.
સ્મુર્નામાંની મંડળીને ઈસુનો પત્ર
8 “સ્મુર્નામાંની મંડળીના દુતને આ લખ કે:
“એક જે પ્રથમ અને છેલ્લો છે તે આ હકીકતો તમને કહે છે. તે એક છે જે મૃત્યુ પામ્યો અને ફરી જીવતો થયો.
9 “તારી મુસીબતો હું જાણું છું. અને તું ગરીબ છે તે પણ જાણું છું પરંતુ ખરેખર તું ધનવાન છે! તારા વિષે કેટલાક લોકો ખરાબ વાતો કરે છે તે પણ હું જાણું છું. પેલા લોકો કહે છે કે તેઓ યહૂદીઓ છે. પણ તેઓ સાચા યહૂદીઓ નથી તેઓ શેતાનની સભા છે. 10 તારી સાથે જે કંઈ બનશે તેથી તું ડરતો નહી. હું તમને કહું છું શેતાન તમારામાંના કેટલાકને બંદીવાન બનાવશે. તે તમારું પરીક્ષણ કરવા માટે આમ કરશે. તમારે દશ દિવસ સુધી સહન કરવુ પડશે. જો તારે મૃત્યુ પામવું પડે તો પણ વિશ્વાસુ રહેજે. જો તું વિશ્વાસુ બની રહેશે તો પછી હું તને જીવનનો મુગટ આપીશ.
11 “પ્રત્યેક વ્યક્તિ જે આ વાતો સાંભળે છે, તે આત્મા, મંડળીઓને જે કહે છે તે સાંભળે. જે વ્યક્તિ વિજય પ્રાપ્ત કરે છે તેને બીજા મૃત્યુનું નુકશાન થશે નહિ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International