Revised Common Lectionary (Semicontinuous)
ઝાઇન
49 હું તમારો સેવક છું, કૃપા કરીને મને આપેલા તમારા વચનને યાદ કરો,
તે વચન મને આશા આપે છે.
50 મને મારા દુ:ખમાઁ આશ્વાસન મળ્યું છેં;
અને તમારા વચને મને જિવાડ્યો છે.
51 અભિમાની લોકો મારી મજાક કરે છે,
પણ હું તમારા નિયમમાંથી પાછો હઠયો નથી.
52 હે યહોવા, પુરાતન કાળથી પ્રચલિત તમારા ન્યાયવચનો મેં મારા બાળપણથીજ યાદ રાખ્યા છે.
અને મને હંમેશા સાંત્વન મળ્યું છે.
53 જે ભૂંડાઓ તમારા નિયમ અવગણના કરે છે;
તેઓ પર મને ક્રોધ ઉપજે છે.
54 તમારા વિધિઓ આ મારી જીવનયાત્રામાં
મારા માટે આનંદદાયક સ્તોત્ર બન્યા છે.
55 હે યહોવા, મને રાત્રે તમારા નામનું સ્મરણ થાય છે,
અને હું તમારા નિયમો પાળુ છું.
56 આ મારું આચરણ છે; હું તમારા શાસનો પાલન કરું છું.
16 દસ્તાવેજી નકલ બારૂખને આપ્યા પછી મેં પ્રાર્થના કરી:
17 “હે સૈન્યોનો દેવ યહોવા, તમેં તમારી પ્રચંડ શકિતથી આકાશ અને પૃથ્વી સર્જ્યા છે. તમારે માટે કશું અશકય નથી. 18 હજારો પ્રત્યે તું કરૂણા બતાવે છે, પણ પૂર્વજોનાં પાપની સજા તેમનાં સંતાનોને કરે છે. તું મહાન અને બળવાન છે. તારું નામ સૈન્યોનો દેવ યહોવા છે. 19 તારી યોજના મહાન છે, તારાં કાર્યો પ્રચંડ છે, તારી આંખો માણસોનું બધું જ હલનચલન જુએ છે, અને તું દરેકને તેનાં કાર્યોને અનુરૂપ બદલો આપે છે. 20 તેં મિસરમાં ચમત્કારો અને અદભૂત કાર્યો કરી નામના મેળવી હતી અને ઇસ્રાએલમાં અને બીજી પ્રજાઓમાં આજ સુધી તું એમ કરતો રહ્યો છે. 21 મહાન ચમત્કારો અને મહાપરાક્રમ દર્શાવીને તથા શત્રુને ભયભીત કરીને તમે ઇસ્રાએલને મિસરની બહાર લઇ આવ્યા હતા.
22 “ત્યારબાદ તેમના પિતૃઓને વચન આપ્યા પ્રમાણે તેં આ ભૂમિ જ્યાં દૂધ અને મધની રેલછેલ છે તેમને આપી હતી. 23 તેમણે આવીને એનો કબજો લીધો. પણ તેમણે તારું કહ્યું ન કર્યું કે, ન તારા નિયમશાસ્ત્રનું પાલન કર્યુ. તેમણે તારી બધી સૂચનાઓની અવગણના કરી અને તેથી તે આ બધી આફત તેમની પર ઉતારી.
24 “શત્રુએ નગરનાં સામે મજબૂત મોરચાઓ બાંધ્યા છે. બાબિલનું સૈન્ય તરવાર વડે તથા નગરમાં પ્રવર્તતા દુકાળ અને મરકીને કારણે નગરને જીતી લેશે. તમે કહ્યું હતું અને તમે નક્કી કર્યું હતું તે જ પ્રમાણે બની રહ્યું છે, તમે તમારી જાતે જોઇ શકો છો.
25 “અને છતાં, સૈન્યોનો દેવ યહોવા મારા પ્રભુ, તેં મને આજ્ઞા કરી કે, સાક્ષીઓના દેખતાં પૈસા ચૂકવીને ખેતર ખરીદી લે; જો કે શહેર તો અત્યારે બાબિલ વાસીઓના હાથમાં જઇ રહ્યું છે.”
26 પછી યર્મિયાને યહોવાની વાણી સંભળાઇ; 27 “હું, યહોવા, માનવ માત્રનો દેવ છું, શું મારા માટે કાઇં અશક્ય હોઇ શકે ખરું?” 28 તેથી આ યહોવા કહે છે, “જુઓ, હું આ નગર નબૂખાદનેસ્સારને સોપી રહ્યો છું. 29 જે ખાલદીઓ લડી રહ્યાં છે, તેઓ આવીને તેને આગ લગાડી દેશે. તે તેમના ઘરની સાથે સળગાવી દેશે, જેના છાપરા પર બઆલ દેવના બલિદાન અર્પણો અને બીજા દેવોને ધરેલા પેયાર્પણો હતા. આ બાબતે મને ખૂબ ક્રોધિત કરી દીધો. 30 હા ઇસ્રાએલના અને યહૂદિયાના લોકોએ તેમના ઇતિહાસના પ્રારંભથી જ મારી નજરમાં અયોગ્ય ગણાય એવાં કાર્યો કર્યા છે, અને પોતાના એ કાર્યોથી મારો રોષ વહોરી લીધો છે. 31 આ નગર બાંધવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી તેઓએ હું ક્રોધિત થાઉં તેવા જ કાર્યો કર્યા છે. તેથી તેઓને દૂર કરવાનો મેં નિરધાર કર્યો છે. 32 ઇસ્રાએલના અને યહૂદિયાના બધા લોકોએ તથા તેમના રાજાઓ યાજકો અને પ્રબોધકોએ અને યહૂદિયાના માણસો અને યરૂશાલેમના લોકોએ દુષ્કૃત્યો કર્યા છે, અને તેને કારણે હું એને મારી નજર આગળથી દૂર કરવા માંગુ છું.
33 “તેમણે મારા તરફ મોઢું નહિ, પીઠ ફેરવી છે, અને જો કે હું તેમને સતત ઉપદેશ આપતો રહ્યો છું, છતાંય તેઓ સાંભળતા નથી કે શીખતા નથી. 34 તેઓએ મારા પોતાના મંદિરમાં તેઓની ધિક્કારપાત્ર મૂર્તિઓની પૂજા કરીને તેને પણ અપવિત્ર કર્યું છે.
35 “તેમણે હિન્નોમની ખીણમાં બઆલ દેવ માટે ઉચ્ચસ્થાનકો બાંધ્યા છે. ત્યાં તેઓએ મોલેખની સામે પોતાનાં સંતાનોને અગ્નિમાં હોમીને બલિદાન આપ્યાં છે. મેં એવી સૂચના તેઓને કદી આપી જ નથી. તેઓ આવા ધૃણાજનક કાર્ય કરશે અને યહૂદિયાના લોકોને પાપમાં નાખશે. એવો વિચાર મારા મનમાં આવ્યો જ નથી.
લાવદિકિયાંમાંની મંડળીને ઈસુનો પત્ર
14 “લાવદિકિયામાંની મંડળીના દૂતને લખ કે:
“જે આમીન[a] છે તે તમને આ વાતો કહે છે. તે વિશ્વાસુ તથા સાચો સાક્ષી છે. દેવે જે બધું બનાવ્યું છે તેનો તે શાસક છે. તે જે કહે છે તે આ છે:
15 “તું શું કરે છે તે હું જાણું છું. તું ગરમ કે ઠંડો નથી; હું ઇચ્છુ છું કે તું ગરમ કે ઠંડો થાય! 16 પણ તું માત્ર હૂંફાળો છે, નથી ગરમ કે નથી ઠંડો. તેથી હું મારા મુખમાંથી તને થૂંકી નાખીશ. 17 તું કહે છે કે તું શ્રીમંત છે. તું વિચારે છે કે તું ધનવાન બન્યો છે અને તને કશાની જરુંર નથી. પણ તને ખબર નથી કે તું ખરેખર કંગાલ, બેહાલ, દરિદ્રી, આંધળો, અને નગ્ન છે. 18 હું તને સલાહ આપુ છું કે તું મારી પાસેથી અગ્નિમાં શુદ્ધ કરેલુ સોનું વેચાતું લે. પછી તું સાચો શ્રીમંત થઈ શકીશ. હું તને આ કહું છું. ઊજળાં વસ્ત્રો જે છે તે ખરીદ. પછી તું તારી શરમજનક નગ્નતાને ઢાંકી શકીશ. હું તને આંખોમા આંજવાનું અંજન પણ ખરીદવાનુ કહું છું. પછી તું ખરેખર જોઈ શકીશ.
19 “હું જે લોકોને ચાહું છું તે સવૅને હું સધારું છું અને શિક્ષા કરું છું. માટે તું ઉત્સાહી થા, પસ્તાવો કર. 20 હું અહીં છું! હું બારણાં આગળ ઉભો રહીને ખબડાવું છું. જો કોઈ વ્યક્તિ મારી વાણી સાંભળે છે અને બારણું ઉઘાડે છે તો હું અંદર આવીશ અને તે વ્યક્તિ સાથે જમીશ અને તે મારી સાથે જમશે.
21 “જે વ્યક્તિ વિજય પ્રાપ્ત કરે છે તેને હુ મારી સાથે મારા રાજ્યાસન પર બેસવા દઈશ. મારી સાથે પણ એમ જ હતું. મેં વિજય મેળવ્યો અને મારા બાપ સાથે તેના રાજ્યાસન પર બેઠેલો છું. 22 પ્રત્યેક વ્યક્તિ જે આ વાત સાંભળે છે. તેણે આત્મા મંડળીઓને જે કહે છે તે સાંભળવું જોઈએ.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International