Revised Common Lectionary (Semicontinuous)
40 તેથી યહોવાનો કોપ પોતાના લોકો સામે સળગી ઊઠયો;
અને પોતાના વારસોથી કંટાળી ગયા, ને તેમના પર ધૃણા થઇ.
41 તેમણે તેઓને વિદેશીઓના હાથમા સોંપી દીધાં;
અને તેમના શત્રુઓએ તેમના ઉપર રાજ કર્યુ.
42 તેઓના શત્રુઓએ પણ તેઓને કચડ્યા; અને,
તેઓના હાથ નીચે પડીને તેઓ તાબેદાર થયા.
43 યહોવાએ વારંવાર મુકત કર્યા ગુલામીમાંથી;
છતાં દેવ વિરુદ્ધ બંડ કરવાનું ચાલુ રાખ્યુ;
અને પોતાના પાપને લીધે તેઓ તારાજ થયા.
44 તેમ છતાં યહોવાએ તેમની પ્રાર્થનાઓ સાંભળી,
અને તેઓની આફતો તરફ તેમણે ધ્યાન આપ્યું.
45 યહોવાએ તેમની સાથે કરેલો તેમનો કરાર યાદ કર્યો
અને તેઓ પ્રતિ તેમનો મહાન પ્રેમ દર્શાવ્યો.
46 જે શત્રુઓએ તેના લોકો કેદ કર્યા હતાં,
દેવે તેઓની પાસે તેમનાં પર કરુણા દર્શાવડાવી.
47 હે યહોવા અમારા દેવ, અમને તાર;
પ્રજાઓ મધ્યેથી અમને ફરીથી એકત્ર કરો;
જેથી અમે તમારા પવિત્ર નામનો આભાર માનીએ
અને સ્તુતિ ગાઇને તમારો જયજયકાર કરીએ.
48 હે ઇસ્રાએલના દેવ યહોવા,
અનાદિકાળથી અનંતકાળ સુધી સ્તુત્ય મનાઓ;
સર્વ લોકો આમીન કહો.
અને તમે યહોવાની સ્તુતિ કરો!
12 મેં પૂછયું, “યહોવા, કોણ એવો શાણો છે જે આ સર્વ સમજી શકે? તે સમજાવનાર યહોવાનો સંદેશાવાહક ક્યાં છે? વળી આ દેશ શા માટે અરણ્ય જેવો થઇ ગયો છે કે તેમાં થઇને મુસાફરી કરવાની કોઇ હિંમત કરતું નથી?”
13 યહોવાએ કહ્યું,
“એનું કારણ એ છે કે લોકોએ એમને માટે મેં રજૂ કરેલી નિયમસંહિતાનો ત્યાગ કર્યો છે.
તેમણે નથી મારું કહ્યું સાંભળ્યું કે
નથી તેનું પાલન કર્યું.
14 તેના બદલે તેઓએ પોતાને ગમ્યું તે કર્યું છે.
અને તેઓના પિતૃઓએ શીખવ્યા પ્રમાણે બઆલની મૂર્તિઓની પૂજા કરી છે.”
15 આથી હું, ઇસ્રાએલનો દેવ, સૈન્યોનો દેવ યહોવા કહું છું કે,
“હવે હું આ લોકોને ખાવા માટે કડવી વેલ
અને પીવા માટે ઝેર આપવાનો છું.
16 હું તેમને સમગ્ર વિશ્વમાં વિખેરી નાખીશ,
તેઓ દૂરના દેશોમાં વિદેશીઓ જેવા થશે;
ત્યાં પણ વિનાશકારી તરવાર તેઓનો પીછો કરશે.
આમ તેઓનો સંપૂર્ણ નાશ થશે.”
17 સૈન્યોનો દેવ યહોવા કહે છે,
“પરિસ્થિતિઓનો વિચાર કરીને દુ:ખનાં ગીતો ગાનારીઓને બોલાવો.
દુ:ખનાં ગીતો ગાવામાં જે
પારંગત હોય તેને બોલાવો;
18 જલદી કરો, તેમને કહો કે
‘આપણે માટે જલ્દી દુ:ખનાં ગીતો ગાય,
જેથી આપણી આંખોમાં ચોધાર આંસુ વહે
અને આપણી પાંપણો ભીંજાઇ જાય.’
19 “સિયોનમાં વિલાપના સ્વર સંભળાય છે:
‘આપણો વિનાશ કેટલો ભયંકર છે!
આપણે કેવા શરમિંદા થવું પડ્યું?
આપણને આપણી ભૂમિ છોડવાની ફરજ પડી,
કારણ કે તેઓએ આપણા
ઘરોને તોડી પાડયા છે.’”
20 પરંતુ હે વિલાપ કરનારી સ્ત્રીઓ,
દેવનો સંદેશો સાંભળો.
તે શું કહે છે તે ધ્યાનથી સાંભળો;
“તમારી પુત્રીઓને અને તમારી પડોશણોને મરશિયા ગાતાં શીખવો.
21 ‘મૃત્યુ આપણી બારીઓમાં થઇને આપણી હવેલીઓમાં અંદર ઊતર્યું છે.
અને આપણા બાળકોને વધેરી નાખ્યા છે.
તેઓ હવે રસ્તા પર રહ્યાં નથી,
અને તરુણો જાહેર ચોકમાં રહ્યાં નથી.’”
22 યહોવા કહે છે: “તેઓને આ પ્રમાણે કહો,
‘ખેતરમાં ખાતરની માફક
તથા કાપણી કરનારની પાછળ કલ્લા પડે છે
તેની માફક મૃત શરીરો ખેતરોમાં વિખરાયેલા હશે.
અને તેઓને દફનાવનાર કોઇ હશે નહિ.’”
23 યહોવા કહે છે,
“જ્ઞાનીએ પોતાના જ્ઞાનની કે બળવાને
પોતાના બળની કે ધનવાને
પોતાના ધનની બડાશ મારી અભિમાન કરવું જોઇએ નહિ.
24 પરંતુ તેઓ ફકત
આ એક બાબતમાં અભિમાન કરે
કે તેઓ મને સાચે જ ઓળખે છે અને સમજે છે
કે હું નિષ્પક્ષ અને ન્યાયી યહોવા છું
અને મારી પ્રીતિ અવિચળ છે
કારણ કે આ જ મને પસંદ છે.”
આ યહોવાના વચન છે.
25 યહોવા કહે છે કે, “એવો સમય આવે છે કે જ્યારે હું સર્વ બે સુન્નતીઓને શિક્ષા કરીશ; 26 જ્યારે મિસર, યહૂદિયા, અદોમ, આમ્મોન, અને મોઆબના વતનીઓને તેમજ જેઓ રણમાં ભટકતા ફરે છે અને તે બધાં જેઓ પોતાના વાળના ખૂણાઓ કાપે છે તેમને હું સજા કરનાર છું. કારણ, આ બધી પ્રજાઓની સુન્નત થઇ નથી અને ઇસ્રાએલીઓના હૃદય સુન્નત થયા નથી.”
યહૂદિઓની ન્યાયસભા સમક્ષ પિતર અને યોહાન
4 જ્યારે પિતર અને યોહાન લોકોને વાત કરતા હતા, ત્યારે કેટલાક માણસો તેમની પાસે આવ્યા. ત્યાં કેટલાક યહૂદિ યાજકો, મંદિરનું રક્ષણ કરતા સૈનિકોના સરદારો અને કેટલાક સદૂકિયો હતા. 2 તેઓ અસ્વસ્થ હતા કારણ કે પિતર અને યોહાન લોકોને ઈસુના સંદર્ભમાં બોધ આપતા હતા અને તે બે પ્રેરિતો લોકોને કહેતા હતા કે મૃત્યુ પામેલા લોકોનું ઈસુ દ્ધારા પુનરુંત્થાન થશે. 3 યહૂદિ આગેવાનોએ પિતર અને યોહાનની ધરપકડ કરીને તેઓને જેલમાં પૂર્યા. તે વેળા લગભગ રાત હતી. તેથી તેઓએ પિતર અને યોહાનને બીજા દિવસ સુધી જેલમાં રાખ્યા. 4 પણ ઘણા બધા લોકોએ પિતર અને યોહાનનો બોધ સાંભળ્યો અને તેઓએ જે કહ્યું તેમાં વિશ્વાસ મૂક્યો. હવે તેઓના વિશ્વાસીઓના સમૂહમાં લગભગ 5,000 માણસોની સંખ્યા થઈ.
5 બીજા દિવસે યહૂદિ અધિકારીઓ, વડીલો, અને શાસ્ત્રીઓ યરૂશાલેમમાં ભેગા થયા. 6 અન્નાસ (પ્રમુખ યાજક) કાયાફા, યોહાન, અને આલેકસાંદર ત્યાં હતા. પ્રમુખ યાજક પરિવારના પ્રત્યેક ત્યાં હતા. 7 તેઓએ પિતર અને યોહાનને ભેગા થયેલા બધા લોકોની સામે ઊભા રાખ્યા. યહૂદિ આગેવાનોએ તેઓને ઘણી બધી વાર પૂછયું, “તમે કેવી રીતે આ અપંગ માણસને સાજો કર્યો? તમે કયા સાર્મથ્યનો ઉપયોગ કર્યો? તમે કોના અધિકારથી આ કર્યુ?”
8 પછી પવિત્ર આત્માથી ભરપૂર થઈને પિતરે તેઓને કહ્યું, “લોકોના આગેવાનો અને વડીલ આગેવાનો: 9 આ અપંગ માંદા માણસનું સારું કામ થયું છે તેના વિષે તમે પ્રશ્નો કરો છો? તમે અમને પૂછો છો કે તેને સાજો કોણે કર્યો? 10 અમે તમને બધાને અને બધા જ યહૂદિ લોકોને જણાવવા ઈચ્છીએ છીએ કે નાસરેથના ઈસુ ખ્રિસ્તના સાર્મથ્યથી આ માણસ સાજો થયો છે. તમે ઈસુને વધસ્તંભે જડી દીધો. દેવે તેને મૃત્યુમાંથી ઉઠાડ્યો. આ માણસ લંગડો હતો પણ હવે તે સાજો થયો છે અને તમારી આગળ ઊભો રહેવા સમર્થ છે. તે ઈસુના સાર્મથ્યનું જ પરિણામ છે.
11 ‘જે પથ્થર તમે બાંધનારાઓએ નકામો ગણ્યો હતો.
પણ હવે એ જ પથ્થર ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.’(A)
12 માત્ર ઈસુ એકલો જ લોકોનું તારણ કરી શકે તેમ છે. દુનિયામાં તેના એકલાના નામમાં જ આ સાર્મથ્ય છે. જે લોકોનું તારણ કરવા માટે આપવામાં આવેલ છે. ઈસુના વડે આપણું તારણ થવું જોઈએ!”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International