Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, તમે મારા હૃદયની પરીક્ષા કરી છે;
અને તમે મારા વિષે બધું જાણો છો.
2 મારું બેસવું તથા ઊઠવું તમે જાણો છો;
મારા વિચારો પણ તમે વેગળેથી સમજો છો.
3 તમે જાણો છો હું ક્યાં જઇ રહ્યો છું અને હું ક્યારે સુઇ જાઉ છું.
હું જે બધું કરું છું તે તમે જાણો છો.
4 હું બોલું તે અગાઉ તમે જાણો છો,
કે હું શું કહેવા ઇચ્છુ છું.
5 તમે મને આગળને પાછળ ઘેરી લીધો છે;
અને તમે તમારા હાથે મને ઝાલી રાખ્યો છે.
6 આવું જ્ઞાન મને તો અતિ ભવ્ય અને અદૃભૂત છે;
તે અતિ ઉચ્ચ છે, હું તેને કળી શકતો નથી.
13 મારું અંત:કરણ તમે ઘડ્યુઁ છે,
અને મારી માતાના ઉદરમાં મારી રચના તમે કરી છે.
14 ભય તથા નવાઇ પમાડે તે રીતે મારી રચના થઇ;
માટે હું તમારી આભાર સ્તુતિ ગાઇશ;
હું સારી રીતે જાણું છું કે તમારાં કાર્યો ખરેખર અદૃભૂત છે!
15 જ્યારે મારી માતાનાં ગર્ભાશયમાં સંતાઇને[a] મારી રચના થતી હતી
ત્યારે પણ તમે મારાં હાડકાને બનતા નિહાળ્યાં હતા
અને જ્યારે મારું શરીર આકાર લેતું હતું.
16 તમારી આંખોએ મારું બીજાંકુર તે સમયે જોયુ હતુ
જ્યારે મારા શરીરના એકેય અવયવે આકાર લીધો ન હતો.
પછી તમે મારા શરીરના અંગોને વધતા જોયા,
તમે તેને તમારા પુસ્તકમાં દરરોજ એ જેમ જેમ આકાર લેતા ગયા તેમ નોંધ્યા.
અને તેમાનાં એકેય ગુમ થયેલ નથી!
17 હે દેવ, તારા વિચારો મારા માટે કેટલાં કિંમતી છે!
દેવ તમે ઘણું બધું જાણો છો!
18 જો હું તમારા વિચારોને ગણવાનો પ્રયત્ન કરું તો તેઓ રેતીના કણ કરતાંય વધારે થાય,
અને જ્યારે હું તેમને ગણવાનું પૂરું કરીશ તો હજી પણ હું તારી સાથે હોઇશ!
યર્મિયાએ ફરી દેવને ફરિયાદ કરી
10 પછી યર્મિયાએ કહ્યું, “હે મારી મા, તેં આ દુ:ખીયારાને શા માટે જન્મ આપ્યો!
મારે દેશમાં બધા સાથે ઝગડો
તથા તકરાર કરવાં પડે છે!
મેં નથી કોઇની પાસે ઊછીનું લીધું કે,
નથી કોઇને ઉછીનું આપ્યું,
તેમ છતાં બધાં મને શાપ શા માટે આપે છે?
11 હે યહોવા, સાચે જ મેં તારી હૃદયપૂર્વક સેવા કરી નથી?
મારા દુશ્મનો જ્યારે આફતમાં આવી પડ્યા,
દુ:ખમાં આવી પડ્યા ત્યારે તેમના તરફથી તને મેં પ્રાર્થના નથી કરી?”
દેવે યર્મિયાને જવાબ આપ્યો
12 “શું કોઇ માણસ સળીયા
એટલે ઉત્તરના દેશનાં લોખંડ
તથા કાંસુ ભેળવીને
બનાવેલા સળીયા ભાંગી શકે?
13 હું તમારી મિલકતોને
અને ખજાનાઓને લૂંટાવી દઇશ.
લોકોએ આના માટે કશું ભરવું નહી પડે.
આનુ કારણ એ છે કે આખા દેશમાં
તમે બધાયે મારી વિરુદ્ધ આચરેલા પાપ.
14 હું તમને અજાણ્યા દેશમાં
તમારા દુશ્મનોના ગુલામ બનાવી દઇશ,
કારણ મારો ક્રોધ તમારી પર ભભૂકી ઊઠયો છે
અને મારો ક્રોધ જેને ઓલવી ન શકાય
તેવો ભડભડતા અગ્નિ જેવો છે.”
15 યર્મિયાએ કહ્યું, “હે યહોવા, તમે બધું જાણો છો,
મને યાદ કરો ને મદદ કરો,
મને સતાવનારા પર વૈર લો.
જ્યારે તમે તેમની સાથે ધીરજ રાખો છો,
ત્યારે તેઓ મને દૂર લઇ ન જાય. જરા,
જુઓ તો ખરા,
તમારે ખાતર
હું કેટકેટલાં અપમાન સહન કરું છું!
16 તમારા વચનો મને ટકાવી રાખ્યો છે;
મારા ભૂખ્યા આત્માનું તે ભોજન છે,
તે મારા દુ:ખી હૃદયને આનંદિત અને હષિર્ત કરે છે.
હે સૈન્યોના દેવ યહોવા, તમારું નામ ધારણ કરીને હું કેટલો ગર્વ અનુભવું છું.
17 મેં કદી નિરર્થક મોજમજા કરનારાઓના સંગમાં આનંદ માણ્યો નથી.
તમે મને બનાવ્યો છે
અને એમના પ્રત્યે મારામાં પુણ્યપ્રકોપ જગાડ્યો છે
તેથી હું અળગો રહ્યો છું.
18 મારાં દુ:ખોનો કોઇ પાર નથી,
મારો ઘા અસાધ્ય કેમ છે,
રુઝાતો કેમ નથી?
તમારી મદદ ચોમાસામાં વહેતાં ઝરણાં જેવી અચોક્કસ છે.
કોઇ વાર પૂર આવે અને પછી હાડકાં જેવું એકદમ સૂકું હોય.”
19 યહોવાએ પ્રત્યુત્તર આપ્યો, “જો તું મારી પાસે પાછો આવીશ
તો હું તને મારી સેવામાં પાછો રાખીશ.
તું જે કહે તે નિરર્થક નહોતાં,
યથાયોગ્ય હોય તો હું તને મારાવતી બોલનારો બનાવીશ.
લોકો વળીને તારી પાસે આવવા જોઇએ,
પણ તારે તેમની પાસે જવાનું નથી.
20 હું તને એ લોકો સામે પિત્તળની
ભીંત જેવો બનાવી દઇશ,
તેઓ તારી સામે લડશે
પણ તને હરાવી નહિ શકે.
કારણ, તારું રક્ષણ કરવા
અને તને બચાવવા
હું તારી સાથે જ છું.”
આ યહોવા વચન છે.
21 “હા, આ દુષ્ટ માણસોના હાથમાંથી હું તને જરૂર બચાવીશ
અને જુલમગારોના પંજામાંથી મુકત કરાવીશ.”
આ યહોવાના વચન છે.
25 એપાફ્રદિતસ ખ્રિસ્તમાં મારો ભાઈ છે. ખ્રિસ્તની સેનામાં તે મારી સાથે સહયોદ્ધો અને મદદગાર છે. જ્યારે મારે મદદની જરૂર હતી ત્યારે તમે તેને મારી પાસે મોકલ્યો. 26 હવે મેં તેને તમારી પાસે મોકલવાનું નક્કી કર્યુ છે. હું તેને મોક્લું છું કારણ કે તમને મળવાની તેની ખૂબ ઈચ્છા છે. તેની માંદગી વિષે સાંભળવાથી તમે લોકો ચિંતીત છો તેનાથી તે પોતે વ્યગ્ર છે. 27 તે માંદો હતો અને મરણની નજીક હતો. પરંતુ દેવે તેને અને મને મદદ કરી, કે જેથી મને વધુ શોક્નું કારણ ન મળે. 28 તેથી તેને મોકલવાની મારી ઘણી ઈચ્છા છે. જ્યારે તમે તેને જોશો, ત્યારે તમે આનંદીત થશો. અને મને તમારી ચિંતા નહિ થાય. 29 પ્રભુના નામે તેને ખૂબ આનંદથી આવકારજો. અને તેના જેવા માણસનું બહુમાન કરજો. 30 તેનું બહુમાન થવું જ જોઈએ કારણ કે ખ્રિસ્તના કાર્યમાં તેણે લગભગ પોતાનો પ્રાણ અર્પણ કરી દીધો. મને મદદ કરવામાં તેણે તેનો જીવ જોખમમાં મૂક્યો. આ એવી મદદ હતી જે તમે મને આપી શક્યા નહોતા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International