Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 121

મંદિર તરફ ચઢવા માટેનું ગીત.

હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરું છું,
    મને સહાય ક્યાંથી મળે?
આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કરનાર
    યહોવા પાસેથી મને સહાય મળે છે.
તે તમને ઠોકર ખાવા દેશે નહિ, કે લપસવા દેશે નહિ.
    તે જે તમારી દેખરેખ રાખે છે તે ઘસઘસાટ ઊંઘી જનાર નથી.
જુઓ, ઇસ્રાએલનો જે રક્ષક છે તે ઊંઘતો નથી
    અને નિદ્રાવશ થતો નથી.
યહોવા જમણે હાથે તમારી ઉપર પોતાની છાયા પાડશે;
    યહોવા તમારા રક્ષક છે.
સૂર્ય દિવસ દરમ્યાન તમને નુકશાન નહિ કરે,
    અને ચંદ્ર રાત્રી દરમ્યાન તમને દુ:ખ નહિ પહોચાડે.
યહોવા, તારું દરેક આપત્તિઓમાં રક્ષણ કરશે.
    યહોવા તમારા આત્માની સંભાળ રાખશે.
તમે જે બધું કરશો તેમા યહોવા તમારી પર નજર રાખશે.
    તે હમણાંથી તે સર્વકાળ સુધી તમારી દેખરેખ રાખશે.

હઝકિયેલ 1:1-25

ભૂમિકા

આ બાબત ત્રીસમા વર્ષના ચોથા મહિનાની પાંચમીએ બની જ્યારે હું ઇસ્રાએલી બંદીવાનોની સાથે બાબિલમાં આવેલી કબાર નદીની પાસે રહેતો હતો. તે વખતે મે જોયું કે આકાશ ઊઘડી ગયું, ને મને દેવનાં દર્શન થયાં. આ દર્શન દરમ્યાન પાંચમા વર્ષમાં ચોથા મહીનાના પાંચમા દિવસે યહોયાકીન રાજાને બંદીખાનામાં નાખવામાં આવ્યો હતો. ત્યારે યહોવાનું વચન બૂઝીના પુત્ર હઝકિયેલ યાજક પાસે આવ્યું; અને ત્યાં યહોવાનો હાથ તેના પર આવ્યો હતો.

યહોવાનો રથ અને તેમનું સિંહાસન

તે દરમ્યાન મે જોયું, કે ઉત્તરમાંથી એક આંધીરૂપી તોફાન મારી તરફ આવતું હતું. એ તો ખૂબજ વિશાળ વાદળું હતું, જેમાં અગ્નિ ચમકતો હતો, અને જેની આસપાસ પ્રકાશ હતો, ચળકતી ધાતુ જેવી કોઇક વસ્તું અગ્નિમાં હતી. અને વાદળની મધ્યમાં ચાર જીવંત પ્રાણીઓ જેવું દેખાયું. તેમનો દેખાવ માણસ જેવો હતો. પણ દરેકને ચાર મુખ અને ચાર પાંખો હતી. તેમના પગ માણસના જેવા સીધા હતા પણ તેમના પગના પંજા વાછરડા અને તે પિત્તળ સમાન ચળકતા હતા. દરેકને ચાર મોઢાં અને ચાર પાંખો ઉપરાંત પાંખોની નીચે ચારે બાજુએ માણસના જેવા ચાર હાથ હતા. તેઓની પાંખો એકબીજાની પાંખોને અડકતી હતી. ચાલતી વખતે તેમને આમ કે તેમ ફરવું પડતું નહોતું. દરેક પ્રાણી સીધું આગળ વધતું હતું.

10 પ્રત્યેક પ્રાણીને આગળના ભાગમાં માણસનું મુખ, જમણી બાજુ સિંહનું મુખ, ડાબી બાજુ બળદનું મુખ અને પાછળની તરફ ગરૂડનુ મુખ હતું. 11 દરેક પ્રાણીની બે પાંખો પ્રસારેલી હતી અને તે પાસેના પ્રાણીની પાંખને સ્પર્શતી હતી અને બાકીની બે પાંખો શરીરને ઢાંકતી હતી. 12 દરેક પ્રાણી સીધી દિશામાં ચાલતું હતું, જ્યાં પવન જતો હતો. ચાલતાં ચાલતાં તેઓ આડા અવળાં વળતાં નહિ.

13 આ પ્રાણીઓનો દેખાવ ચળકતા કોલસા જેવો તથા તેજસ્વી મશાલ જેવો હતો. અને પ્રાણીઓ વચ્ચે અગ્નિનું હલનચલન ઉપર નીચે થતું હતું. તે અતિશય તેજસ્વી અગ્નિ હતો અને તેમાંથી વીજળીના ચમકારા થતા હતા. 14 અને તે પ્રાણીઓ વીજળીના ચમકારાની જેમ આગળ વધતાં હતાં તથા પાછળ જતાં હતાં.

15 આ સર્વ હું નિહાળી રહ્યો હતો ત્યારે મેં દરેક પ્રાણીની પાસે એક એમ ચાર પૈડાં જમીનને અડેલા જોયાં. 16 પૈડાઓ પીરોજની જેમ ચળકતાં હતાં અને બધાં એક સરખા હતા; અને એક પૈડાની અંદર બીજુ પૈડું હોય તેવું દેખાતું હતું. 17 આથી તેઓ વાળ્યા વગર ચારે દિશામાં જઇ શકતા હતા.

18 ચારેય પૈડાની ધારો ઊંચી અને ભયાનક હતી અને તેને સર્વત્ર આંખો હતી.

19 જ્યારે પ્રાણીઓ ચાલતા ત્યારે પૈડાં પણ તેમની સાથે ચાલતાં, જ્યારે પ્રાણીઓ જમીન પરથી ઊંચે જતાં ત્યારે પૈડાં પણ જમીન પરથી ઊંચે જતાં. 20 પ્રાણીઓ મન ફાવે ત્યાં જતાં, અને પૈડાં પ્રાણીઓની સાથે સાથે જતાં. કારણ, પૈડાઓ ઉપર પ્રાણીઓનું નિયંત્રણ હતું. 21 જ્યારે પ્રાણીઓ ચાલતાં ત્યારે પૈડા ચાલતાં, પ્રાણીઓ ઉભા રહેતાં ત્યારે પૈડાં ઊભા રહેતા અને પ્રાણીઓ જમીન પરથી ઊંચે જતાં ત્યારે પૈડાં પણ ઊંચે જતા હતાં કારણ, પૈડાઓ ઉપર પ્રાણીઓનું નિયંત્રણ હતું.

22 પ્રાણીઓના માથાં ઉપર ઊંચે, આકાશના ઘૂમટ જેવો અદૃભુત સ્ફટિકના જેવો જાણે ચમકતો ઘૂમટ તાણેલો હતો. 23 એ ઘૂમટની નીચે પ્રાણીઓએ નજીકના પ્રાણીની પાંખને સ્પશેર્ એ રીતે બબ્બે પાંખ પ્રસારેલી હતી અને બીજી બે પાંખોથી દરેકનું શરીર ઢંકાયેલું હતું.

24 તેઓ ઉડતાં ત્યારે તેઓની પાંખોનો અવાજ ધસમસતા પાણીના અવાજ જેવો મોટો સૈન્યના કોલાહલ જેવો, સર્વસમર્થના સાદ જેવો સંભળાતો હતો. અને જ્યારે તેઓ ઉભા રહેતાં ત્યારે તેઓ પોતાની પાંખો નીચે નમાવી મૂકતા.

25 અને જ્યારે તેઓ થોભ્યા, ત્યારે તેઓના માથા પર ઘૂમટ માંથી અવાજ આવ્યો અને તેઓએ તેમની પાંખોને નીચેની તરફ નમાવી દીધી.

પ્રેરિતોનાં કૃત્યો 9:19-31

19 પછી તેણે થોડુંક ખાધું અને ફરીથી સાર્મથ્ય અનુભવવા લાગ્યો.

શાઉલનો જમસ્કમાં બોધ

શાઉલ દમસ્કમાં ઈસુના શિષ્યો સાથે થોડા દિવસો માટે રહ્યો. 20 તેથી જલદીથી તેણે સભાસ્થાનોમાં ઈસુ વિષે બોધ આપવાની શરુંઆત કરી. તેણે લોકોને કહ્યું, “ઈસુ એ દેવનો દીકરો છે!”

21 જે બધા લોકોએ શાઉલને સાંભળ્યો તે નવાઈ પામ્યા હતા. તેઓએ કહ્યું, “આ એ જ માણસ છે જે યરૂશાલેમમાં હતો. તે ઈસુ નામમાં વિશ્વાસ રાખનારા લોકોને મારી નાખવા પ્રયત્ન કરતો હતો! તે (શાઉલ) અહી એ જ વસ્તુ કરવા આવ્યો છે. તે ઈસુના શિષ્યોને પકડવા માટે અહીં જ આવ્યો છે. અને તેઓને યરૂશાલેમમાં મુખ્ય યાજકો પાસે લઈ જશે.”

22 પણ શાઉલ વધારે ને વધારે બળવાન થયો. તેણે સાબિત કર્યુ કે ઈસુ એ જ ખ્રિસ્ત છે. તેની સાબિતીઓ એટલી મજબૂત હતી કે દમસ્કમાં રહેતા યહૂદિઓ તેની સામે દલીલો કરી શક્યા નહિ.

શાઉલનું યહૂદિઓ પાસેથી ભાગી જવું

23 ઘણા દિવસો પછી, યહૂદિઓએ શાઉલને મારી નાખવાની યોજના કરી. 24 યહૂદિઓ રાતદિવસ શહેરના દરવાજાએ ચોકી કરતા અને શાઉલની રાહ જોતા. તેઓ તેને મારી નાખવા ઈચ્છતા હતા. પરંતુ શાઉલે તેઓની આ યોજનાના સંદર્ભમાં જાણ્યું. 25 એક રાત્રે શાઉલે જે કેટલાક શિષ્યોને શીખવ્યું હતું તેઓએ તેને શહેર છોડવા માટે મદદ કરી. શિષ્યોએ શાઉલને ટોપલામાં મૂક્યો. તેઓએ શહેરની દીવાલના બાકોરામાંથી ટોપલાને ઉપરથી નીચે ઉતાર્યો.

યરૂશાલેમમાં શાઉલ

26 પછી શાઉલ યરૂશાલેમમાં ગયો. તેણે શિષ્યોના સમૂહમાં જોડાઇ જવાનો પ્રયત્ન કર્યો. પણ તેઓ બધા તેનાથી ડરતા હતા. શાઉલ ખરેખર ઈસુનો શિષ્યો છે તે તેઓ માનતા ન હતા. 27 બાર્નાબાસે શાઉલને સ્વીકાર્યો અને તેને પ્રેરિતો પાસે લઈ ગયો. બાર્નાબાસે પ્રેરિતોને કહ્યું, શાઉલે દમસ્કના રસ્તા પર પ્રભુને જોયો છે. બાર્નાબાસે પ્રેરિતોને સમજાવ્યું કે પ્રભુએ શાઉલ ને કેવી રીતે કહ્યું. પછી તેણે પ્રેરિતોને કહ્યું કે શાઉલે દમસ્કના લોકોને કોઇ પણ જાતના ભય વિના પ્રભુનો બોધ આપ્યો.

28 અને તેથી શાઉલ શિષ્યોની સાથે રહ્યો, તેણે સમગ્ર યરૂશાલેમમાં મુસાફરી કરી અને જરા પણ ભય વિના પ્રભુ વિષે બોધ આપ્યો. 29 શાઉલ વારંવાર યહૂદિઓ કે જે ગ્રીક બોલતા હતા તેમની સાથે બોલતો, તે તેઓની સાથે દલીલો પણ કરતો. પરંતુ તેઓ તેને મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા. 30 જ્યારે વિશ્વાસીઓએ આ સંદર્ભમાં સાંભળ્યું, તેઓ શાઉલને કૈસરિયાના શહેરમાં લઈ ગયા. કૈસરિયાથી તેઓએ શાઉલને તાર્સસના શહેરમાં મોકલ્યો.

31 ત્યારે સમગ્ર યહૂદિયા, ગાલીલ અને સમરૂનની મંડળીમાં શાંતિનો સમય હતો. પવિત્ર આત્માની મદદથી મંડળી વધારે મજબૂત બની. વિશ્વાસીઓ જે રીતે તેઓ જીવન જીવતા તે રીતે પ્રભુને માન આપવાનું દર્શાવતા. આ કારણને લીધે, વિશ્વાસીઓનો સમૂહ વધારે મોટો થવા લાગ્યો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International