Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 આકાશો દેવનાં મહિમા વિષે કહે છે.
અંતરિક્ષ તેના હાથે સર્જન થયેલી અદ્ભુત વસ્તુઓ વિષે કહે છે.
2 પ્રત્યેક નવો દિવસ તેના સર્જનની સાચી વધારે વાતો કહે છે.
દરેક રાત દેવના સાર્મથ્ય વિષે વધારે કહે છે.
3 ત્યાં વાણી નથી અને ત્યાં શબ્દો નથી.
કોઇ અવાજ સંભળાતો નથી,
4 પણ તેમનો “અવાજ” આખી પૃથ્વી પર જાય છે,
સમગ્ર જગત તેના છેડાઓ સુધી તેમના “શબ્દો” સાંભળે છે.
તેમણે સૂર્ય માટે એક મંડપ નાખ્યો છે.
5 તે સૂર્ય પોતાના ઓરડામાંથી પરણવા નીકળતા વરરાજા જેવો છે,
તે દોડની સ્પર્ધાના આનંદિત,
તેજસ્વી અને બળવાન ખેલાડી જેવો છે.
6 તે આકાશને એક છેડેથી નીકળી
અને તેના બીજા છેડા સુધી પરિક્રમણ કરે છે.
તેની ઉષ્ણતા પામ્યા વિના કોઇ બાકી રહી જતું નથી.
7 યહોવાના પવિત્ર વચનો સંપૂર્ણ છે.
તે આત્માને તાજગી આપે છે.
યહોવાની સાક્ષી, ખરેખર વિશ્વાસપાત્ર છે.
તે મૂર્ખને ડાહ્યાં થવા માટે મદદ કરે છે.
8 યહોવાના વિધિઓ યથાર્થ છે.
તેઓ હૃદયને ભરપૂર આનંદ આપે છે.
યહોવાની આજ્ઞાઓ નિર્મળ છે.
જે આંખોને પ્રકાશ આપે છે.
9 યહોવા માટેનો ભય શુદ્ધ
અને અનાદિ છે.
યહોવાના ઠરાવો નિષ્પક્ષ અને સાચા છે.
તેઓ સંપૂર્ણપણે ન્યાયી છે.
10 તે શુદ્ધ સોના કરતાં પણ વધુ પસંદ કરવા યોગ્ય છે.
વળી મધપૂડાનાં ટીંપાં કરતાંય તે ખરેખર વધારે મીઠાં છે.
11 કારણ, તમારો ઉપદેશ તેના સેવકોને ચેતવણી આપે છે
અને જેઓ તેનું સદા પાલન કરે છે તેઓને સફળતા આપે છે.
12 મારા હૃદયમાં છુપાયેલા પાપોને હું જાણી શકતો નથી,
છાની રીતે કરેલા પાપોમાંથી મને શુદ્ધ કરો અને મુકત કરો.
13 મને કોઇનું ખરાબ કરવાના વિચારો અને પાપથી દૂર રાખો અને તેમ કરતા અટકાવો.
મને ખરાબ કાર્ય ન કરવા માટે તમે સહાય કરો.
ત્યારે જ હું દોષમુકત અને પૂર્ણ થઇશ
અને મહાપાપ કરવામાંથી બચી જઇશ.
14 હે મારા રક્ષક અને ઉદ્ધારક યહોવા;
મારા મુખના શબ્દો, તથા હૃદયનાં વિચારો તમારી સમક્ષ માન્ય રાખો.
મુકિતનું સ્વાગત
61 યહોવા મારા માલિકે, તેનો આત્મા મારામાં મૂક્યો છે, કારણ, તેણે મારો અભિષેક કર્યો છે. તેણે મને દીનદુ:ખીઓને શુભસમાચાર સંભળાવવા, ભાંગેલા હૈયાના ઘા રૂઝાવવા, કેદીઓને છુટકારાની, ને બંદીવાનોને મુકિતની જાહેરાત કરવા મોકલ્યો છે. 2 જે લોકો શોક કરે છે તેઓને એમ કહેવા મને મોકલ્યો છે કે, તમારા માટે યહોવાની કૃપાનો દિવસ આવી પહોંચ્યો છે. અને તમારા શત્રુઓ માટે યહોવાના કોપનો દિવસ આવી પહોંચ્યો છે. 3 તેણે મને સૌ દુ:ખીઓને સાંત્વના આપવા, તેમનો શોક હર્ષમાં ફેરવવા, એમનાં ભારે હૈયાને સ્તુતિનાં ગીતો ગાતાં કરવા મોકલ્યો છે. એ લોકો યહોવાએ પોતાના મહિમા માટે રોપેલાં “ધર્મનાં વૃક્ષો કહેવાશે.”
4 “પ્રાચીન ખંડેરોનો તેઓ જીણોર્દ્ધાર કરશે, અગાઉ ભોંયભેગા થઇ ગયેલાં મકાનોને ફરી ઊભા કરશે, પેઢીઓથી ઉજ્જડ પડી રહેલાં નગરોને નવેસરથી બાંધશે.
5 “હે મારા લોકો, વિદેશીઓ તમારી સેવા કરશે, તેઓ તમારા ઘેટાંબકરાંને ચારશે અને તમારાં ખેતરોમાં મજૂરી કરશે. 6 પરંતુ તમે લોકો ‘યહોવાના યાજકો’ તથા આપણા ‘દેવના સેવકો’ ગણાશો. તમે બીજી પ્રજાઓની સમૃદ્ધિ ભોગવશો અને તેમની સંપત્તિથી શોભશો.
7 “તમારે બેવડી શરમ અનુભવવી પડી હતી, અપમાન અને તિરસ્કાર વેઠવાં પડ્યા હતાં; તેથી હવે તમને તમારા પોતાના દેશમાં બમણી સંપત્તિ પ્રાપ્ત થશે, અને તમે શાશ્વત આનંદ ભોગવશો.
લગ્નનું દૃષ્ટાંત
7 ભાઈઓ અને બહેનો, તમે મૂસાના નિયમશાસ્ત્રને સમજો છો. તેથી સાચેજ તમે જાણો છો કે કોઈ વ્યક્તિ જ્યાં સુધી જીવિત હોય છે ત્યાં સુધી જ નિયમશાસ્ત્રની સત્તા એના પર ચાલે છે. 2 હું તમને એક દૃષ્ટાંત આપીશ: પરણિત સ્ત્રી જ્યાં સુધી તેનો પતિ જીવતો હોય ત્યાં સુધી તેની સાથે રહેવા બંધાયેલી હોય છે. પરંતુ જો તે સ્ત્રીનો પતિ મરણ પામે તો, પછી પતિ સાથેના સંબંધને લગતા નિયમથી તે સ્વતંત્ર થાય છે. 3 પરંતુ જે સ્ત્રીનો પતિ જીવતો હોય અને જો તેની પત્ની બીજા પુરુંષ સાથે લગ્ન કરે, તો નિયમશાસ્ત્ર કહે છે તેમ, તે સ્ત્રી વ્યભિચારની અપરાધી બને છે. પરંતુ જો એ સ્ત્રીનો પતિ મૃત્યુ પામે, તો પછી લગ્નના નિયમમાંથી તે સ્ત્રીને મુક્ત કરવામાં આવે છે. આમ, પતિના મૃત્યુ પછી જો તે સ્ત્રી બીજા પુરુંષ સાથે લગ્ર કરે તો તે વ્યભિચારનો અપરાધ ગણાતો નથી.
4 એ જ પ્રમાણે, મારા ભાઈઓ તથા બહેનો, ખ્રિસ્તના શરીરની સાથે જ તમારા જૂના શરીરનું મૃત્યુ થયું છે. હવે તમે નિયમના બંધનમાંથી મુક્ત થયા છો. હવે તમે એક માત્ર એવા ખ્રિસ્તના શિષ્ય થયા છો, જે મૃત્યુમાંથી ઊભો થયો હતો. હવે આપણે ખ્રિસ્તના શિષ્ય થયા છીએ. જેથી કરીને દેવની સેવામાં આપણો ઉપયોગ થઈ શકે. 5 ભૂતકાળમાં તો આપણે જ્યારે દૈહિક હતા, ત્યારે પાપ વાસનાઓને આધીન હતા. અને આપણે જે પાપ કર્યા તે આપણા માટે આધ્યાત્મિક મૃત્યુ નોતરતા હતા. 6 ભૂતકાળમાં, નિયમશાસ્ત્રે આપણને કેદીઓની જેમ બાંધી રાખ્યા હતા. હવે આપણા જૂના નિયમશાસ્ત્રો નાશ પામ્યા છે. અને તેથી નિયમશાસ્ત્રના બંધનમાંથી આપણને હવે મુક્ત કરવામાં આવ્યા છે. લેખિત નિયમોની જૂની પધ્ધત્તિથી નહિ, પરંતુ હવે નવીન પધ્ધત્તિ પ્રમાણે આપણે દેવની સેવા કરીએ છીએ. પવિત્ર આત્માની સાતે આપણે હવે નવી પધ્ધત્તિ પ્રમાણે દેવની સેવા કરીએ છીએ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International