Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 145

દાઉદનું ગીત.

હે મારા દેવ, મારા રાજા, હું તમારા નામનું ગૌરવ વધારીશ!
    હું તમારા નામની સ્તુતિ સદાય અને હંમેશા કરીશ!
હું પ્રતિદિન તમારી પ્રશંશા કરીશ,
    અને સદા હું તમારા નામની સ્તુતિ ગાઇશ.
યહોવા મહાન છે તે બહુ જ સ્તુતિપાત્ર છે;
    તેમની મહાનતાનો તાગ પામી શકાય તેમ નથી.
પેઢી દરપેઢી તમારાં કામની પ્રશંસા થશે;
    અને તમારા પરાક્રમનાં કાર્યો પ્રગટ કરાવાશે.
હું તમારી મહાનતા અને તમારા મહિમા વિષે બોલીશ;
    હું તમારા અદ્ભૂત ચમત્કારો વિષે ચર્ચા કરીશ.
લોકો તમારાં પરાક્રમી કૃત્યોનું સાર્મથ્ય પ્રગટ કરશે;
    હું તમારી મહાનતા વર્ણવીશ.
તેઓ તમારા અનહદ પરોપકારનું સ્મરણ કરીને તમારી કીર્તિ ગજાવશે;
    અને તમારા ન્યાયીપણા વિષે ગીતો ગાશે.

યહોવા દયાળુ અને કૃપાળુ છે;
    તે ક્રોધ કરવામાં ધીમા અને પ્રેમથી ભરપૂર છે.
તેઓ પ્રત્યેક સાથે ભલા છે;
    અને તે જે કરે છે, તેમાં તેમની દયાની પ્રતીતિ થાય છે.
10 હે યહોવા, જે બધાં તમારું સર્જન છે તે બધાં તમારો આભાર માનો,
    અને તમારા ભકતો તમારી સ્તુતિ કરે.
11 તેઓ ભેગા મળીને તમારા રાજ્યના મહિમા વિષે વાત કરશે; અને
    તમારું પરાક્રમ પ્રગટ કરશે.
12 જેથી સર્વ લોકો તમારા ચમત્કાર વિષે,
    તથા તમારા રાજ્યના મહિમા વિષે અને પ્રતાપ વિષે જાણે.
13 કારણકે તમારા રાજ્યનો અંત કદી આવતો નથી;
    અને તમારું શાસન પેઢી દરપેઢી ચાલું રહે છે.

14 ભંગિત થયેલ સૌનો આધાર યહોવા પોતે છે;
    બોજા તળે કચડાયેલાઓને તે બળવાન કરે છે.
15 સર્વ કોઇ તમને આતુરતાથી જોઇ રહ્યાં છે.
    અને તેઓની જરૂરિયાત પ્રમાણે તમે અન્ન પૂરું પાડો છો.
16 પ્રત્યેક સજીવોની ભૂખ
    અને તરસ તમે સતત સંતોષો છો.
17 યહોવા જે કઇ કરે છે તે સર્વમાં પ્રામાણિક
    અને દયાથી ભરપૂર છે.
18 જેઓ પ્રામાણિકપણે તેમને મદદ માટે પોકારે છે;
    તેઓની સાથે યહોવાની આત્મીયતા રહે છે.
19 યહોવાનો ભય રાખનારા, અને તેમના પર ભરોસો રાખનારાઓની મનોકામનાઓ પૂર્ણ કરે છે;
    સદાય માટેની તેમની વિનંતીઓ સાંભળીને તેઓને છોડાવે છે.
20 તેમના પર પ્રેમ રાખનારા સર્વ કોઇનું તે રક્ષણ કરે છે;
    પણ દુષ્ટોનો નાશ કરે છે.
21 હું મારા મુખે યહોવાની સ્તુતિ કરીશ;
    તેમના પવિત્ર નામની સ્તુતિ દરેક જણ સદાકાળ કરતો રહેશે!

ગીતોનું ગીત 4:9-5:1

હે મારી પ્રાણપ્રિયા, મારી નવોઢા,
    તેં મારું હૃદય હરી લીધું છે. હું તારી આકર્ષક આંખોથી
    અને તારા ગળાના હારના એક મણકાથી સંમોહિત થઇ ગયો છું.
10 મારી પ્રાણપ્રિયા, મારી નવોઢા,
    તારો પ્રેમ કેવો મધુર છે!
સાચે જ તે દ્રાક્ષારસથીય વધુ મધુર છે,
    તારા પ્રેમની સુવાસ કોઇ પણ સુગંધિત દ્રવ્યો કરતાં વધારે મધુર છે.
11 મારી નવોઢા, મધપૂડાની જેમ ટપકે છે મીઠાશ તારા હોઠમાંથી;
    તારી જીભ તળે મધને દૂધ છે;
અને તારા વસ્રોની ખુશ્બો લબાનોનના દેવદારોના વૃક્ષોની ખૂશ્બો જેવી છે.
12 મારી પ્રાણપ્રિયા, મારી નવોઢા,
    તું બંધ કરેલી વાડી;
બાંધી દીધેલો ઝરો,
    અથવા પૂરી દીધેલાં કૂવા જેવી છે!
13 તું જાણે દાડમડીઓના બગીચા જેવી છે
    જેમાં મેંહદીના છોડવાઓ
અને મધુર સુગંધિત મૂળિયાઓ છે.
14     કેશર, તજ, મધુર સુગંધી વૃક્ષો
અને સર્વ પ્રકારના શ્રે તેજાના પણ ખરા.
15 તું બાગમાંના ફુવારા જેવી,
    નદીના વહેતાં પાણી જેવી,
    તથા લબાનોનના વહેતાં ઝરણાં જેવી છે.

કન્યા:

16 હે ઉત્તરના વાયુ, તું જાગૃત થા,
    અને હે દક્ષિણના વાયુ,
તું આવ, મારા બગીચામાં થઇને તું પસાર થા,
    જેથી તેની સુવાસ સર્વત્ર ફેલાય,
મારો પ્રીતમ પોતાના બગીચામાં આવે
    અને તેના શ્રે ફળો આરોગે.

સુલેમાન:

હે મારી પ્રાણપ્રિયા, મારી નવોઢા, હું આવ્યો છું મારા બાગમાં;
    મેં એકઠાં કર્યાં છે મારા બોળને સુગંધી દ્રવ્યો;
ને મેં ખાધું છે મધ મારાં મધપૂડામાંથી;
    મેં પીધો છે મારો દ્રાક્ષારસ મેં મારા દૂધની સાથે.

સ્ત્રીઓ: સ્ત્રીના શબ્દો તેના પ્રેમીઓને:

હે મિત્રો, ખાઓ; હે વ્હાલાઓ, પીઓ;
    હા પુષ્કળ પીઓ.

લૂક 5:33-39

ઉપવાસ વિષેના પ્રશ્રનો ઈસુ ઉત્તર આપે છે

(માથ. 9:14-17; માર્ક 2:18-22)

33 તેઓએ ઈસુને કહ્યું, “યોહાન બાપ્તિસ્તના શિષ્યો વારંવાર ઉપવાસ અને પ્રાર્થના કરે છે, ફરોશીઓના શિષ્યો પણ એમ જ કરે છે. પરંતુ તારા શિષ્યો તો હંમેશા ખાય છે અને પીએ છે.”

34 ઈસુએ તેઓને કહ્યું, “જો વરરાજા તેઓની સાથે હોય તો શું વરરાજાની જાનમાં આવેલા જાનૈયાઓ ઉપવાસી રહે તેવું શક્ય છે? 35 પરંતુ એવો સમય આવશે. જ્યારે વરરાજાને તેઓની પાસેથી લઈ લેવામાં આવશે અને તેના મિત્રોને ઉપવાસ કરવો પડશે.”

36 ઈસુએ લોકોને આ દષ્ટાંત પણ કહ્યું, “કોઈ પણ વ્યક્તિ પોતાના નવા કોટમાંથી કાપડનો ટૂકડો કાઢીને જૂના કોટને થીંગડુ મારતો નથી. કારણ કે તે જાણે છે કે આમ કરવાથી નવા કોટને નુકશાન થશે અને નવા કોટનું થીંગડુ જૂના કોટના કાપડને મળતું નહિ આવે. 37 કોઈ પણ માણસ નવો દ્ધાક્ષારસ જૂના દ્ધાક્ષારસની મશકોમાં ભરતો નથી. કારણ કે નવો દ્ધાક્ષારસ જૂની મશકને ફાડી નાખશે અને તેથી દ્ધાક્ષારસ ઢોળાઇ જશે. દ્ધાક્ષારસની મશકોનો નાશ થશે. 38 લોકો હંમેશા નવો દ્ધાક્ષારસ નવી મશકોમાં જ ભરે છે. 39 જે કોઈ જૂના દ્ધાક્ષારસનું પાન કરે છે તેઓ કદાપિ નવો દ્ધાક્ષારસ માગતા નથી. તે કહે છે, ‘જૂનો દ્ધાક્ષારસ જ સારો છે.’”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International