Revised Common Lectionary (Semicontinuous)
યરૂશાલેમ ઉદ્ધાર માટે પ્રાર્થના
62 હું સિયોન પર પ્રેમ કરું છું.
યરૂશાલેમનો ઉદ્ધાર ન થાય
ત્યાં સુધી હું મૂંગો નહિ રહું.
તેનો વિજય મશાલની જેમ ભભૂકી ન ઊઠે
ત્યાં સુધી હું દેવને પોકારવાનું બંધ નહિ કરું,
અને હું વિશ્રામ લઇશ નહિ.
2 સર્વ પ્રજાઓ તારું ન્યાયીપણું જોશે.
તારા મહિમાથી તે રાજાઓની આંખો અંજાઇ જશે;
અને યહોવા તને
એક નવું નામ આપશે.
3 તું યહોવાના હાથમાં ઝળહળતો તાજ,
તારા દેવના હાથમાં રાજમુગટ બની રહેશે.
4 પછી તને કોઇ “ત્યકતા” નહિ કહે,
તારી ભૂમિને કોઇ “વેરાન” નહિ કહે.
પણ તને સૌ “યહોવાની પ્રિયતમા” કહેશે,
અને તારી ભૂમિ “વિવાહિત” કહેવાશે,
કારણ, યહોવા તારા ઉપર પ્રેમ રાખે છે
અને તારી ભૂમિનો તે માલિક થશે.
5 હે યરૂશાલેમ, તારો નિર્માતા (શિલ્પી) જેમ એક યુવાન એક યુવતી સાથે લગ્ન કરે છે,
તેમ તારી સાથે લગ્ન કરશે,
અને જેમ કોઇ વર કન્યાથી હર્ષ પામે છે,
તેમ તારો દેવ તારાથી આનંદ પામશે.
5 હે યહોવા, તમારો સનાતન પ્રેમ આકાશ જેટલો વિશાળ છે,
અને તમારું વિશ્વાસપણું વાદળો સુધી પહોંચે છે.
6 તમારી નિષ્પક્ષતા ઊંચામાં ઊંચા પર્વતથી[a] પણ ઉંચી છે.
અને તમારો ન્યાય અતિ ગહન અને અગાથ છે.
તમે માનવજાત અને પ્રાણીઓનું રક્ષણ કરો છો.
7 હે યહોવા, તમારી અવિરત કૃપા કેવી અમૂલ્ય છે!
તમારી પાંખોની છાયામાં સર્વ માનવીઓ આશ્રય લે છે.
8 તમારા આશીર્વાદોથી તેઓને ખૂબજ તૃપ્તિ થશે,
તમારી સુખ-સમૃદ્ધિની નદીમાંથી તેઓ પાણી પીશે.
9 કારણ, તમારી પાસે જીવનનો ઝરો છે,
અને અમે તમારા અજવાળામાં પ્રકાશ જોઇશું.
10 હે યહોવા, જેઓ તમને સાચી રીતે ઓળખે છે, તેમના પર તમારી દયા બતાવવાનું ચાલુ રાખજો
અને જેમના હૃદય ચોખ્ખા છેં તેમની સાથે ન્યાયીપણું ચાલુ રાખજો.
પવિત્ર આત્માનાં દાનો
12 હવે ભાઈઓ અને બહેનો, તમારી પાસે આત્મિક દાનો અંગે સમજ હોય તેમ હું ઈચ્છું છું. 2 તમે વિશ્વાસુ બન્યા તે પહેલાં તમે જે જીવનજીવતા હતા તેને યાદ કરો. તમે તમારી જાતને પ્રભાવિત થવા દઈને તમે મૂર્તિપૂજા તરફ દોરવાઈ ગયા હતા. તે વસ્તુઓની પૂજા કે જેનામાં કોઈ જીવન હોતું નથી. 3 તેથી હું તમને કહું છું કે દેવના આત્માની મદદ વડે બોલનાર વ્યક્તિ ઈસુને શાપપાત્ર કહેતો નથી; અને કોઈ પણ વ્યક્તિ પવિત્ર આત્માની મદદ વગર એમ ન કહી શકે કે, “ઈસુ જ પ્રભુ છે.”
4 આત્મિક કૃપાદાનો વિવિધ પ્રકારના હોય છે, પરંતુ તે બધા એક જ આત્મા તરફથી પ્રાપ્ત થયેલા છે. 5 સેવાકાર્યના વિવિધ માર્ગો છે, પરંતુ આ બધાજ માર્ગો એ જ પ્રભુ પાસેથી મેળવેલા છે. દેવ લોકોમાં વિવિધ પ્રકારે કાર્યો કરે છે, પરંતુ આ દરેક પ્રકારો તો એક જ પ્રભુ તરફથી મેળવેલા છે. 6 અને દેવ વિવિધ પ્રકારે લોકોમાં કામ કરે છે, પરંતુ આ બધી જ રીતો એ એક જ દેવની છે. આપણે બધા બધું જ કરવા માટે તે કાર્યો કરીએ છીએ.
7 દરેક વ્યક્તિમાં પવિત્ર આત્માનું પ્રદાન જોઈ શકાય છે. જે આત્મા પ્રદાન કરે છે તેના દ્વારા એક વ્યક્તિ બીજા લોકોને મદદકર્તા બને છે. 8 આત્મા એક વ્યક્તિને શાણપણવાળી વાણી બોલવાનું સાર્મથ્ય પ્રદાન કરે છે. જ્યારે આ જ આત્મા બીજી વ્યક્તિને પરમજ્ઞાન વાણી બોલવાનું સાર્મથ્ય પ્રદાન કરે છે. 9 આ જ આત્મા એક વ્યક્તિને વિશ્વાસ પ્રદાન કરે છે. અને તે જ આત્મા બીજી વ્યક્તિને સાજાં કરવાનું દાન પ્રદાન કરે છે. 10 આ જ આત્મા વડે બીજી વ્યક્તિને ચમત્કારો કરવાનું સાર્મથ્ય, તો અન્યને પ્રબોધ કરવાની ક્ષમતા અને અન્ય વ્યક્તિને સારા અને ખરાબ આત્માઓ વચ્ચેનો ભેદ પારખવાની ક્ષમતા પ્રદાન કરે છે. આ જ આત્મા એક વ્યક્તિને વિવિધ ભાષાઓ બોલવાની ક્ષમતા, તો બીજી વ્યક્તિને તે ભાષાઓના અર્થઘટન કરવાની ક્ષમતા પ્રદાન કરે છે. 11 તે એક જ આત્મા આ બધી પ્રકિયા કરે છે. આત્મા પ્રત્યેક વ્યક્તિને શું આપવું તેનો નિર્ણય કરે છે.
કાના ગામમાં લગ્ન
2 બે દિવસ પછી ગાલીલના કાના ગામમાં એક લગ્ન હતુ, ઈસુની મા ત્યાં હતી. 2 ઈસુ અને તેના શિષ્યોને પણ લગ્નમાં નિમંત્રણ આપ્યુ હતું. 3 લગ્નમાં પૂરતા પ્રમાણમાં દ્રાક્ષારસ ન હતો. બધોજ દ્રાક્ષારસ પૂરો થઈ ગયા પછી ઈસુની માએ તેને કહ્યું, “તેઓ પાસે હવે વધારે દ્રાક્ષારસ નથી.”
4 ઈસુએ ઉત્તર આપ્યો, “વહાલી બાઈ, મારે શું કરવું તે તારે મને કહેવું જોઈએ નહિ. મારો સમય હજુ આવ્યો નથી.”
5 ઈસુની માએ સેવકોને કહ્યું, “ઈસુ તમને જે કરવાનું કહે તે કરો.”
6 તે જગ્યાએ છ મોટા પથ્થરનાં પાણીનાં કુંડાં હતાં. તે યહૂદિઓની શુદ્ધ કરવાની રીત પ્રમાણે આના જેવા પાણીનાં કુંડાંનો ઉપયોગ કરતા. પ્રત્યેક પાણીનાં કુંડાંમાં લગભગ 20 થી 30 ગેલન પાણી સમાતું.
7 ઈસુએ નોકરોને કહ્યું, “આ પાણીના કુંડાંઓને પાણીથી ભરો.” તેથી નોકરોએ કુંડાંઓને છલોછલ ભર્યા.
8 પછી ઈસુએ નોકરોને કહ્યું, “હવે થોડું પાણી બહાર કાઢો. જમણના કારભારી પાસે લઈ જાઓ.”
તેથી નોકરો કારભારીની પાસે પાણી લાવ્યા. 9 પછી લગ્નના જમણના કારભારીએ તે ચાખ્યો. પરંતુ તે પાણી દ્રાક્ષારસ થઈ ગયો હતો. તે માણસને ખબર નહોતી કે દ્રાક્ષારસ ક્યાંથી આવ્યો. પરંતુ જે નોકરો પાણી લાવ્યા તેઓએ જાણ્યું કે તે ક્યાંથી આવ્યો. લગ્નના કારભારીએ વરરાજાને બોલાવ્યો. 10 તેણે વરરાજાને કહ્યું, “લોકો હંમેશા ઉત્તમ દ્રાક્ષારસ પ્રથમ મૂકે છે ત્યાર બાદ મહેમાનોના સારી પેઠે પીધા પછી સસ્તો દ્રાક્ષારસ આપે છે. પણ તમે તો અત્યાર સુધી ઉત્તમ દ્રાક્ષારસ સાચવી રાખ્યો છે.”
11 ઈસુએ કરેલો આ પ્રથમ ચમત્કાર હતો. ઈસુએ આ ચમત્કાર ગાલીલના કાના ગામમાં કર્યો. તેથી ઈસુએ તેનો મહિમા દેખાડયો. અને તેના શિષ્યોએ તેનામાં વિશ્વાસ મૂક્યો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International