Revised Common Lectionary (Semicontinuous)
12 હે યરૂશાલેમ, તમે યહોવાની સ્તુતિ કરો;
હે સિયોન, તમારા દેવની સ્તુતિ કરો.
13 કારણ, તેમણે તારા સર્વ શત્રુઓ વિરુદ્ધ, તારા દરવાજાઓને સુરક્ષિત કર્યા છે.
અને તારા કુળના સર્વ સંતાનોને આશીર્વાદિત કર્યા છે.
14 તે તમારા સમગ્ર દેશમાં શાંતિ સ્થાપે છે;
અને તે તારા કોઠારોને અનાજથી ભરપૂર કરે છે.
15 તે પોતાની આજ્ઞા પૃથ્વી પર મોકલે છે;
અને તેનું વચન અતિ વેગથી દોડે છે.
16 તે જમીનને ઢાંકવા સફેદ ઊન જેવો બરફ મોકલે છે
અને ધૂળ જેવી હવામાંથી બરફનાં કરાંની વૃષ્ટિ કરે છે.
17 તે આકાશમાંથી પથ્થરની જેમ પડતાં કરા મોકલે છે
અને તેણે મોકલેલી ટાઢ આગળ કોણ ઊભું રહી શકે?
18 તે પોતાનું વચન મોકલીને તેમને ઓગળાવે છે;
તે પોતાના પવનને ફૂંકાવાની આજ્ઞા કરે છે;
અને સર્વ નદીઓમા પાણી વહેતાં થાય છે.
19 દેવે યાકૂબને તેમના વચન આપ્યા,
તેમણે તેમના વિધિઓ અને નિયમો પણ ઇસ્રાએલને આપ્યા.
20 અન્ય કોઇ પ્રજા સાથે તેમણે આ પ્રમાણે કર્યુ નથી;
અન્ય પ્રજાઓએ તેમની આજ્ઞાઓ જાણી નથી.
યહોવાની સ્તુતિ થાઓ.
સુલેમાનને મંદિર માટેનાં સૂચનો
28 દાઉદે ઇસ્રાએલના બધા અધિકારીઓને યરૂશાલેમમાં ભેગા કર્યા. એમાં કુલસમૂહોના આગેવાનો, રાજ્યની સેવામાં રોકાયેલા અમલદારો, હજાર હજારની અને સો સોની ટુકડીઓના નાયકો, રાજાની અને તેના પુત્રોની તમામ મિલકત અને ઢોરને સંભાળનાર વહીવટદારો, તેમજ દરબારીઓ, શૂરવીરો, ટૂંકમાં બધા જ મહત્વના માણસોનો સમાવેશ થતો હતો.
2 દાઉદ રાજાએ તેઓ સમક્ષ ઊભા થઇને સંબોધન કરતાં કહ્યું, “મારા ભાઇઓ, અને મારાં પ્રજાજનો, મારી વાત સાંભળો, મારો વિચાર આપણા દેવ યહોવાના કરારકોશ માટે એક વિશ્રાંતિનું મંદિર બાંધવાનો હતો, જે આપણા દેવ માટે પાયાસન જેવું બનશે. અને મેં તેની તૈયારીઓ પણ કરી હતી; 3 પરંતુ, દેવે મને કહ્યું, ‘તારે મારે નામે મંદિર બાંધવાનું નથી, કારણ, તે ઘણાં યુદ્ધો કર્યા છે. અને પુષ્કળ લોહી રેડ્યું છે.’
4 “તેમ છતાં ઇસ્રાએલના યહોવા દેવે મારા પિતાના કુલસમૂહમાંથી ઇસ્રાએલ પર રાજ્ય કરવા માટે મને સહાય માટે પસંદ કર્યો, કારણ, તેણે રાજકર્તા વંશ તરીકે યહૂદાના કુલસમૂહને પસંદ કર્યો અને તે યહૂદાનાં કુલસમૂહમાંથી મારા પિતાના કુટુંબને પસંદ કર્યુ. અને તેઓ મારા એટલાં બધાં કૃપાળુ હતા કે પિતાના પુત્રોમાંથી તેમણે મને સમગ્ર ઇસ્રાએલનો રાજા બનાવ્યો. 5 અને મારા બધા પુત્રોમાંથી-કારણ, યહોવાએ મને ઘણા પુત્રો આપ્યા છે- યહોવાના રાજ્ય સમાન ઇસ્રાએલની રાજગાદી પર બેસવા માટે સુલેમાનને પસંદ કર્યો. 6 અને મને જણાવ્યું, ‘તારો પુત્ર સુલેમાન મારે માટે મંદિર બંધાવશે, કારણકે, મેં તેને મારા પુત્ર તરીકે પસંદ કર્યો છે. અને હું તેનો પિતા થઇશ. 7 જો તે મારા આજ્ઞાઓ તથા હુકમો પાલન આજે કરે છે તેમ ઢતાથી કરતો રહેશે તો હું તેની રાજ્યસત્તા કાયમ માટે સ્થાપન કરીશ.’”
8 ત્યારબાદ દાઉદે સુલેમાન તરફ ફરીને કહ્યું, “આથી હવે આખા ઇસ્રાએલની, એટલે કે યહોવાના સમાજની સમક્ષ અને યહોવાની સમક્ષ હું તમને સૌને તમારા દેવ યહોવાની આજ્ઞાઓનો અભ્યાસ કરવાનું અને અનુસરવાનું જણાવું છું. જેથી તમે આ સમૃદ્ધ ભૂમિના માલિક રહો અને તમારા પછી તમારા વંશજોને એ કાયમ માટે વારસામાં આપી જઇ શકો.
9 “અને મારા પુત્ર સુલેમાન, તું તારા પિતાના દેવનો સ્વીકાર કર અને તેની પૂરા હૃદયપૂર્વક અને રાજીખુશીથી સેવા કર, કારણ, યહોવા અંતર્યામી છે અને તે માણસના બધા વિચારો અને હેતુઓ જાણે છે, જો તું તેની શોધ કરીશ તો તે તારી આગળ પ્રગટ થશે પરંતુ જો તું તેનો ત્યાગ કરીશ તો તે સદા માટે તારો ત્યાગ કરશે. 10 તું એટલું યાદ રાખજે, જે યહોવાએ તને મંદિર બાંધવા માટે પસંદ કર્યો છે; મન મજબૂત રાખી એ કામ પૂરું કરજે.”
10 એક કુશળ કારીગરની જેમ મેં મકાનનો પાયો નાખ્યો. આમ કરવા માટે મેં દેવે આપેલા કૃપાદાનનો ઉપયોગ કર્યો. બીજા લોકો તે પાયા પર બાંધકામ કરી રહ્યા છે. પણ દરેક વ્યક્તિએ તે કેવી રીતે બાંધે છે તેની કાળજી રાખવી જોઈએ. 11 પાયાનું તો ક્યારનું ય ચણતર થઈ યૂક્યું છે. કોઈ પણ વ્યક્તિ બીજો પાયો બનાવી શકે નહિ. પાયો કે જે ક્યારનો ય ચણાઈ ચૂક્યો છે તે ઈસુ ખ્રિસ્ત છે. 12 તે પાયા પર વ્યક્તિ સોનું, ચાંદી, સમૂલ્ય પથ્થર, લાકડું ઘાસ કે પરાળ વગેરેનો ઉપયોગ કરીને બાંધકામ કરી શકે. 13 પરંતુ પ્રત્યેક વ્યક્તિ જે કામ કરશે તે સ્પષ્ટપણે દેખાશે કારણ કે તે દિવસ તેને પ્રગટ કરશે. તે દિવસ[a] અગ્રિની જવાળાઓ સહિત પ્રગટ થશે અને અગ્રિ પ્રત્યેક વ્યક્તિના કાર્યને પારખશે. 14 જો કોઈ પણ વ્યક્તિનું મકાન તેના પાયા પર ટકશે તો તે વ્યક્તિને તેનો બદલો મળશે. 15 પરંતુ જો તે વ્યક્તિનું મકાન આગમાં બળી જશે તો તેને નુકશાન ભોગવવું પડશે. તે વ્યક્તિ બચી તો જશે પરંતુ તે અજ્ઞિમાંથી તેની જાતને બચાવ્યા જેવું હશે.
16 તમારે જાણવું જોઈએ કે તમે પોતે જ દેવનું મંદિર છો. દેવનો આત્મા તમારામાં નિવાસ કરે છે. 17 જો કોઈ પણ વ્યક્તિ દેવના મંદિરનો વિનાશ કરશે તો દેવ તે વ્યક્તિનો વિનાશ કરશે. શા માટે? કારણ કે દેવનું મંદિર પવિત્ર છે. તમે પોતે જ દેવનું મંદિર છો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International