Revised Common Lectionary (Semicontinuous)
બિનયહૂદિઓમાં પવિત્ર આત્મા આવ્યો
44 જ્યારે પિતર એ વાતો કહેતો હતો એટલામાં જે લોકો વાત સાંભળતા હતા તેઓ સર્વના ઉપર પવિત્ર આત્મા ઉતર્યો. 45 યહૂદિ વિશ્વાસીઓ જેઓ ત્યાં પિતર સાથે આવ્યા હતા તેઓ નવાઇ પામ્યા. તેઓને નવાઇ લાગી હતી કે પવિત્ર આત્મા બિનયહૂદિ લોકો પર પણ રેડાયો છે. 46 આ યહૂદિ વિશ્વાસીઓએ તેઓને વિવિધ ભાષામાં બોલતા અને દેવની સ્તુતિ કરતા સાંભળ્યા. પછી પિતરે કહ્યું, 47 “અમે તેઓને પાણીથી બાપ્તિસ્મા આપવાની મનાઇ કરી શકીએ નહિ. તેઓને આપણી માફક જ પવિત્ર આત્મા પ્રાપ્ત થયેલ છે!” 48 તેથી પિતરે કર્નેલિયસ, તેનાં સગા અને મિત્રોને ઈસુ ખ્રિસ્તના નામે બાપ્તિસ્મા આપવાની આજ્ઞા કરી. પછી લોકોએ પિતરને તેઓની સાથે થોડા દિવસ રહેવા માટે કહ્યું.
સ્તુતિગીત.
1 યહોવા સમક્ષ, કોઇ એક નવું ગીત ગાઓ;
કેમ કે તેણે અદભૂત કૃત્યો કર્યાં છે.
એણે પવિત્ર બાહુબળનાં પુણ્ય
પ્રતાપે જીત પ્રાપ્ત કરી છે.
2 યહોવાએ પોતાની તારણ શકિત બતાવી છે,
તેમણે તેમનું ન્યાયીપણું પ્રજાઓ સમક્ષ પ્રગટ કર્યુ છે.
3 તેણે પોતાનો સાચો પ્રેમ તથા વિશ્વાસીપણું ઇસ્રાએલના લોકો માટે સંભાર્યા છે.
બધા દૂરના રાષ્ટ્રોએ બધી સીમાઓએ તેમાં વસતાં પોતાની સગી આંખે જોયું કે,
આપણા દેવે તેમના લોકોને કેવી રીતે બચાવ્યા.
4 હે પૃથ્વીનાં લોકો, યહોવાની આગળ હર્ષનાદ કરો.
આનંદ અને ઉત્સાહથી તેમની સ્તુતિ ગાઓ.
5 તમે સિતારનાં તાર સાથે તાર મેળવો,
સૂર સાથે યહોવાના સ્તોત્રો ગાઓ.
6 આપણા રાજા યહોવા સમક્ષ આનંદના પોકારો કરો!
ભૂંગળા અને રણશિંગડા જોરથી વગાડો.
7 સઘળા સમુદ્રોને ત્યાં સંચરનારા ર્ગજી ઊઠો,
આખું જગત અને આ ધરતી પર રહેનારાં ગાજો.
8 નદીઓના પ્રવાહો તાળી પાડો અને પર્વતો ગાન પોકારો;
યહોવાની સમક્ષ અકત્ર હર્ષનાદ કરો.
9 યહોવા ધરતી પર ન્યાય શાસન કરવાં પધારે છે.
તે ન્યાયીપણાએ પૃથ્વીનો, અને યથાર્થપણાએ લોકોનો ન્યાય કરશે.
દેવનાં છોકરાં જગત પર વિજય મેળવે છે
5 ઈસુ એ જ ખ્રિસ્ત છે એવો જે કોઈ વિશ્વાસ કરે છે તેઓ દેવનાં છોકરાં છે. જે વ્યક્તિ પિતાને પ્રેમ કરે છે તે પિતાનાં છોકરાંઓને પણ પ્રેમ કરે છે. 2 આપણે કેવી રીતે જાણી શકીએ કે આપણે દેવનાં છોકરાંઓને પણ પ્રેમ કરીએ છીએ? આપણે જાણીએ છીએ કેમ કે આપણે દેવને પ્રેમ કરીએ છીએ અને આપણે તેની આજ્ઞાઓનું પાલન કરીએ છીએ. 3 દેવને પ્રેમ કરવો તેનો અર્થ તેની આજ્ઞાઓનું પાલન કરવું. અને દેવની આજ્ઞાઓ આપણા માટે એટલી બધી કઠિણ નથી. 4 શા માટે? કારણ કે પ્રત્યેક વ્યક્તિ જે દેવનું બાળક છે તે જગતમાં વિજય મેળવવા શક્તિમાન છે. 5 તે આપણો વિશ્વાસ છે કે જેણે જગત સામે વિજય મેળવ્યો છે. ફક્ત તે વ્યક્તિ જે વિશ્વાસ કરે છે કે ઈસુ દેવનો દીકરો છે તેના વિના બીજો કોણ જગતને જીતે છે?
દેવ આપણને તેના પુત્ર વિષે કહે છે
6 જે આવ્યો તે ઈસુ ખ્રિસ્ત છે. ઈસુ પાણી[a] સાથે અને રક્ત[b] સાથે આવ્યો. ઈસુ માત્ર પાણીથી આવ્યો નથી. ના, ઈસુ પાણી અને રક્ત બંનેથી આવ્યો અને આત્મા આપણને કહે છે કે આ સાચુ છે. આત્મા સત્ય છે.
9 “જે રીતે પિતાએ મને પ્રેમ કર્યો તેમ હું તમને પ્રેમ કરું છું. હવે મારા પ્રેમમાં રહો. 10 મેં મારા પિતાની આજ્ઞાનું પાલન કર્યું છે અને હું તેના પ્રેમમાં રહ્યો છું તે જ રીતે જો તમે મારી આજ્ઞાનું પાલન કરો છો તો તમે મારા પ્રેમમાં રહેશો. 11 મેં તમને આ વચનો કહ્યાં છે જેથી મને જે આનંદ મળે છે તે જ આનંદ તમને મળે. હું ઈચ્છું છું કે તમારો આનંદ સંપૂર્ણ થાય. 12 મારી તમને આ આજ્ઞા છે કે મેં તમને પ્રેમ કર્યો છે તેવો પ્રેમ તમે એકબીજાને કરો. 13 પોતાના મિત્રને માટે જીવ આપીને જ વ્યક્તિ સૌથી શ્રેષ્ઠ પ્રેમ બતાવી શકે છે. 14 હું તમને જે કહું તે જો તમે કરો તો તમે મારા મિત્રો છો. 15 હવેથી હું તમને સેવકો કહીશ નહિ કારણ કે સેવક કદી જાણતો નથી કે તેનો માલિક શું કરે છે પણ હવે હું તમને મિત્રો કહું છું કારણ કે મેં મારા પિતા પાસે સાંભળેલું બધું જ તમને કહ્યું છે.
16 “તમે મને પસંદ કર્યો નથી; મેં તમને પસંદ કર્યા છે. અને મેં તમને ત્યાં જઈને ફળ આપવાનું કામ સોંપ્યું છે. હું ઈચ્છું છું કે આ ફળ તમારા જીવનમાં ચાલુ રહે. પછી તમે મારા નામે જે કંઈ માગશો તે પિતા તમને આપશે. 17 આ મારી આજ્ઞા છે: તમે એકબીજાને પ્રેમ કરો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International