Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 133

મંદિરે ચઢવા માટેનું દાઉદનું ગીત.

ભાઇઓ સહુ સંપીને રહે તે કેવું સરસ
    અને શોભાયમાન છે!
તેં માથે ચોળેલા, દાઢી સુધી, હા, હારુનની દાઢી સુધી
    અને તેના વસ્રની કોર સુધી, ઊતરેલા મૂલ્યવાન તેલનાં જેવું છે.
વળી તે હેમોર્ન પર્વત પરના તથા સિયોનના પર્વતો પરના ઝાકળ જેવું છે.
    કારણકે, યહોવાએ આપણને સિયોનમાં શાશ્વત જીવનનાં આશીર્વાદ આપ્યાં છે.

દાનિયેલ 2:24-49

દાનિયેલ સ્વપ્નનો અર્થ કહે છે

24 પછી બાબિલના બુદ્ધિમાન માણસોને મારી નાખવાનો હુકમ જેને મળ્યો હતો, તે આર્યોખ પાસે દાનિયેલ ગયો અને કહ્યું, “તેઓને મારી નાખીશ નહિ, મને રાજા પાસે લઇ જા અને હું તેમને સ્વપ્નનો અર્થ કહી સંભળાવીશ.”

25 આર્યોખ તે જ સમયે દાનિયેલને રાજા સમક્ષ લઇ ગયો અને બોલ્યો, “મને યહૂદાના બંદીઓમાંથી એક માણસ મળી આવ્યો છે, જે આપને આપના સ્વપ્નનો અર્થ બતાવી શકશે.”

26 આથી રાજાએ દાનિયેલને કહ્યું, “મેં સ્વપ્નમાં શું જોયું હતું અને તેનો અર્થ શો, એ તું મને કહી શકશે?”

27 દાનિયેલે રાજાને પ્રત્યુત્તર આપ્યો, “આપ નામદાર જે રહસ્ય જાણવા માંગો છો, તે આપને કોઇ વિદ્વાન, મંત્રવિદ, જાદુગર, કે, ભવિષ્યવેત્તા કહી શકે તેમ નથી. 28 પરંતુ આકાશમાં એક દેવ છે, જે રહસ્યો ખુલ્લા કરે છે અને તેણે આપ નામદાર નબૂખાદનેસ્સારને ભવિષ્યમાં શું થવાનું છે તે દર્શાવ્યું છે. આપે આપની ઊંઘમાં જે સ્વપ્ન જોયું હતું, જે સંદર્શન તમે નિહાળ્યું હતું તે આ છે: 29 આપને ભવિષ્યના વિચારો આવ્યા હતા: અને તે જે રહસ્યો જણાવે છે, તેણે ભવિષ્યમાં શું થવાનું છે, તે આપને જણાવ્યું હતું. 30 દેવે મારી મારફતે રહસ્ય પ્રગટ કરાવ્યું, તેનું કારણ એ નથી કે, હું બીજા માણસો કરતાં વધારે જ્ઞાની છું, પણ એટલા માટે જણાવવામાં આવ્યું છે કે, જેથી આપ નામદારને એની જાણ થાય અને આપ આપને આવેલા વિચારો સમજી શકો.

31 “આપ નામદારને જે સ્વપ્ન આવ્યું; તેમાં આપે એક મોટી મૂર્તિ જોઇ હતી. એ પ્રચંડ અને ઝગારા મારતી મૂર્તિ આપની સમક્ષ ઉભી હતી અને તેનો દેખાવ ભયંકર હતો. 32 તે મૂર્તિનું માથું શુદ્ધ સોનાનું બનેલું હતું; તેની છાતી અને હાથ ચાંદીના હતાં. તેના પેટ અને જાંધો કાંસાના હતાં. 33 તેના પગ લોખંડના હતાં. તેના પગની પાટલીઓનો કેટલોક ભાગ લોખંડનો અને કેટલોક ભાગ માટીનો હતો. 34 આપ એ મૂર્તિ ઉપર મીટ માંડી રહ્યાં હતાં ત્યાં કોઇના અડ્યા વગર જ પર્વતમાંથી એક પથ્થર છૂટો પડ્યો અને મૂર્તિની લોખંડ અને માટીની બનેલી પાનીઓ ઉપર પછડાયો અને પાનીઓનાં તેણે ચૂરેચૂરો કરી નાખ્યા, 35 એ પછી લોખંડ, માટી, કાંસા, ચાંદી અને સોનું બધાંના ટુકડેટુકડા થઇ ગયા અને ઉનાળામાં અનાજ ઝૂડવાના ખળામાંના ભૂસાની જેમ પવન તેમને એવો તો ઉડાડીને લઇ ગયો કે, ક્યાંય તેમનું નામોનિશાન ન રહ્યું. પણ જે પથ્થર મૂર્તિ સાથે પછડાયો હતો તે વધીને મોટો પર્વત બની ગયો અને તેનાથી આખી પૃથ્વી ભરાઇ ગઇ.

36 “આ હતું તમારું સ્વપ્ન; હવે અમે તમને તેનો અર્થ જણાવીશું: 37 હે નામદાર, આપને સ્વર્ગાધિપતિ દેવે રાજ્ય, સત્તાં, ગૌરવ અને ખ્યાતિ આપ્યાં છે. 38 અને તેમણે આપના હાથમાં આ પૃથ્વી ઉપર વસતાં બધાં માણસો, પશુઓ અને પંખીઓને સોંપ્યા છે, અને આપને એ સૌના રાજા બનાવ્યા છે. એ સોનાનું માથું આપ છો.

39 “આપના રાજ્યકાળનો અંત આવશે. ત્યારે બીજી મહાસત્તા તમારું સ્થાન લેવા આવશે. તે આપના કરતાં ઊતરતી કક્ષાની હશે. તે સામ્રાજ્યના પતન પછી એક ત્રીજું કાંસાનું સામ્રાજ્ય ઉદય પામશે, જે આખી પૃથ્વી ઉપર રાજ્ય ચલાવશે. 40 ત્યાર પછી, ચોથો રાજા લોખંડ જેવો મજબૂત હશે. તે ભાંગીને ભૂકો કરનાર, કચડી નાખનાર અને વિજય મેળવનાર હશે.

41 “તમે જોયું હતું કે, પગ અને અંગુઠાનો થોડો ભાગ લોખંડનો અને થોડો ભાગ માટીનો હતો. એનો અર્થ એ કે, એ રાજ્યના ભાગલા પડી ગયા હશે. આપે માટી સાથે લોખંડ ભળેલું જોયું હતું એમાં અમુક અંશે લોખંડનું બળ હશે. 42 આ અંગુઠા થોડાં લોખંડના અને થોડા માટીના હતાં, તેથી લોખંડ જેવા મજબૂત હશે અને માટી જેવા નબળાં હશે. 43 વળી આપે જોયું હતું કે, માટી સાથે લોખંડ ભળેલું હતું તેમ તેઓ એકબીજા સાથે લગ્નસંબંધ બાંધી મજબૂત બનવા પ્રયત્ન કરશે, પરંતુ લોખંડ અને માટી એકબીજા સાથે મળી શકતાં નથી, તેમ તેઓ પણ ભેગાં રહી શકશે નહિ.

44 “એ રાજાઓના શાસન દરમ્યાન સ્વર્ગના રાજા દેવ કદી નાશ ન પામે તેવું રાજ્ય સ્થાપશે. જે રાજ્ય બીજી કોઇ પ્રજાના હાથમાં કદી જશે નહિ; તે બધા રાજ્યોનો ભાંગીને ભૂકો કરી નાખશે, પણ પોતે હંમેશને માટે અવિનાશી રહેશે.

45 “તમે જોયું હતું કે, કોઇનો હાથ અડ્યા વગર જ પર્વતમાંથી પથ્થર કપાઇ ને બહાર પડતો હતો અને તેણે લોખંડ, કાંસુ, માટી, ચાંદી અને સોનાના ટુકડે ટુકડા કરી નાખ્યા હતા, તેનો આ અર્થ છે. આમ મહાન દેવે ભવિષ્યમાં શું થવાનું છે તે તમને જણાવ્યું છે. આ જ તમારું સ્વપ્ન છે અને આ જ તેનો સાચો અર્થ છે.”

46 એ પછી રાજા નબૂખાદનેસ્સારે દાનિયેલને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને તેને અર્પણ અને સુગંધીઓનો ધૂપ ચઢાવવાની આજ્ઞા કરી. 47 રાજાએ કહ્યું, “હે દાનિયેલ, સાચે જ તારા દેવ સર્વ દેવોનાં દેવ છે, તે રાજાઓ ઉપર રાજ કરે છે અને રહસ્યોને ખુલ્લા કરનાર, જણાવનાર છે. તેમણે જ તારી સામે આ રહસ્ય પ્રગટ કર્યું છે.”

48 પછી રાજાએ દાનિયેલને ઊંચો હોદ્દો આપ્યો, કિમતી ભેટો આપી અને સમગ્ર બાબિલના પ્રાંતના વહીવટકર્તા તરીકે નીમ્યો. તેમજ સર્વ જ્ઞાની માણસોના ઉપરી તરીકે નિમણુંક કરી. 49 દાનિયેલે રાજાને વિનંતી કરી એટલે તેણે શાદ્રાખ, મેશાખ અને અબેદનગોને બાબિલના પ્રાંતના રાજકારભારીઓ નીમ્યા; પણ દાનિયેલ પોતે રાજાના દરબારમાં ન્યાયાધીશ તરીકે સેવા આપતો હતો.

યોહાન 12:44-50

ઈસુનો બોધ લોકોનો ન્યાય કરશે

44 પછી ઈસુએ મોટા સાદે કહ્યું, “જે વ્યક્તિ મારામાં વિશ્વાસ કરે છે તેણે ખરેખર જેણે (દેવે) મને મોકલ્યો છે તેનામાં પણ વિશ્વાસ કરે છે. 45 જે વ્યક્તિ મને જુએ છે તે ખરેખર જેણે મને મોકલ્યો છે તેને જુએ છે. 46 હું પ્રકાશ છું અને હું આ જગતમાં આવ્યો છું. હું આવ્યો છું જેથી કરીને પ્રત્યેક વ્યક્તિ જે મારામાં વિશ્વાસ કરે છે તે અંધકારમાં રહે નહિ.

47 “હું જગતમાં લોકોનો ન્યાય કરવા આવ્યો નથી. હું જગતના લોકોને બચાવવા માટે આવ્યો છું. તેથી જે લોકો મારી વાતોને સાંભળે છે પણ પાલન કરતા નથી તેનો ન્યાય જે કરે છે તે હું નથી. 48 જે વ્યક્તિ મારામાં વિશ્વાસ કરવાની ના પાડે છે જે કહું છું તેનો સ્વીકાર કરતાં નથી તેનો ન્યાય કરનાર એક છે. જે વાત મેં કહી છે તે જ છેલ્લે દિવસે તે વ્યક્તિનો ન્યાય કરશે. 49 શા માટે? કારણ કે આ વાતો મારી પોતાની નથી. પિતાએ જેણે મને મોકલ્યો છે તેણે શું કહેવું અને શું શીખવવું તે મને કહ્યું છે. 50 પિતા જે આજ્ઞા કરે છે તેમાંથી અનંતજીવન આવે છે તે હું જાણું છું, તેથી હું જે કઈ કહું છું તે પિતાએ મને કહ્યું છે તે જ હું કહું છું.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International