Revised Common Lectionary (Semicontinuous)
બેથ
9 જુવાન માણસ કેવી રીતે પોતાનું જીવન શુદ્ધ રાખી શકે?
તમારા વચનોને અનુસરીને તે કરી શકે છે.
10 મેઁ મારા ખરા હૃદયથી તને શોધ્યો છે;
તારી આજ્ઞાઓથી ચૂકીને મને ભટકવા ન દે.
11 મેં તમારા વચન કાળજી પૂર્વક મારા હૃદયમા રાખી મૂક્યા છે;
જેથી, તમારી વિરુદ્ધ હું ફરી પાપ ન કરું.
12 યહોવાની સ્તુતિ થાય! કૃપા કરીને
મને તમારા વિધિઓ શીખવો.
13 મારા હોઠોથી હું તમારા બધાં નિયમો વિષે વાત કરીશ.
14 સંપત્તિ કરતાં તમારા નિયમોમાં
મને વધુ આનંદ મળે છે.
15 હું તમારા શાસનોની ચર્ચા કરું છું,
હું તમારા જીવન જીવવાના માર્ગને અનુસરું છું.
16 હું તમારા વિધિઓને માનું છું;
હું તેમને ભૂલી જઇશ નહિ.
નવા મંદિરમાં દેવનો ભાવી વૈભવ
2 એ જ વરસના સાતમા મહિનાની એકવીસમી તારીખે પ્રબોધક હાગ્ગાયને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: 2 “યહૂદિયાના સૂબા શઆલ્તીએલના પુત્ર ઝરુબ્બાબેલને તથા પ્રમુખ યાજક યહોસાદાકના પુત્ર યહોશુઆને તથા બાકી રહેલા લોકોને હવે કહે કે, 3 ‘આ મંદિરનો અગાઉનો વૈભવ જોનારાઓમાંનો કોઇ તમારામાં જીવતો રહ્યો છે? અને હાલ તમે તેને કેવી હાલતમાં જુઓ છો? શું તે તમારી નજરમાં શૂન્યવત્ત નથી? 4 તોપણ હવે, યહોવા કહે છે, “હે ઝરુબ્બાબેલ, હિંમત હારીશ નહિ,” હે યહોસાદાકના પુત્ર યહોશુઆ, પ્રમુખ યાજક, “બળવાન થા; યહોવા કહે છે, હે દેશના સર્વ લોકો, તમે બળવાન થઇને કામે લાગો; કારણકે હું તમારી સાથે છું,” સૈન્યોનો દેવ યહોવા આમ કહે છે.
5 “‘તમે જ્યારે મિસરમાંથી બહાર આવ્યા, ત્યારે મેં તમને વચન આપ્યા પ્રમાણે મારો આત્મા તમારામાં હતો; તેથી ડરશો નહિ,’ 6 કારણ કે સૈન્યોનો દેવ યહોવા કહે છે, ‘હું થોડી જ વારમાં ફરીથી આકાશ, પૃથ્વી, સમુદ્ર અને સૂકી ધરતીને હચમચાવી મૂકીશ. 7 હું આ બધા રાષ્ટ્રોને હચમચાવી મૂકીશ, અને તેમની ધનસંપતિ અહીં આવશે અને આ મંદિરને હું ખજાનાથી ભરી દઇશ.’ 8 એમ સૈન્યોનો દેવ યહોવા કહે છે, ‘તેઓની ચાંદી અને સોનું મારું છે. 9 તેથી આ મંદિરની પ્રતિષ્ઠા હવે પહેલાના કરતાં ઘણી વધારે હશે. અને આ મંદિરને હું સુખ અને શાંતિ આપીશ.’ આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે.”
20 એ જ મહિનાની ચોવીસમી તારીખે, ફરી વાર હાગ્ગાયને યહોવાની વાણી સંભળાઇ; 21 યહૂદાના રાજ્યપાલ ઝરુબ્બાબેલને કહે કે, “હું આકાશોને તથા પૃથ્વીને હચમચાવી નાખીશ. 22 હું રાજ્યોના સિંહાસનો તેના સ્થાનેથી હટાવી દેવાનો છું. હું પ્રજાઓના રાજ્યોની શકિતનો નાશ કરનાર છું. અને તેમના રથોને અને તેઓમાં બેસનારાઓને ઉથલાવી નાંખનાર છું. તેમના ઘોડાઓ જશે, અને સવારો પડી જશે અને તેઓ એકબીજા સાથે તરવારથી લડશે. 23 પરંતુ આ બનશે ત્યારે, ઓ મારા સેવક ઝરુબ્બાબેલ, હું તને મારો અંગત મુદ્રા મહોર બનાવીશ. કારણકે મેં તને પસંદ કર્યો છે.”
એમ સૈન્યોનો દેવ યહોવા કહે છે.
34 લોકોએ કહ્યું, “પરંતુ આપણો નિયમ કહે છે કે ખ્રિસ્ત સદાકાળ જીવશે. તેથી તું શા માટે કહે છે કે, ‘માણસના દીકરાને ઊંચો કરાવવો જોઈએ?’ આ માણસનો દીકરો કોણ છે?”
35 પછી ઈસુએ કહ્યું, “ફક્ત થોડા વધુ સમય માટે તમારી સાથે પ્રકાશ રહેશે. જ્યાં સુધી તમારી સાથે પ્રકાશ છે ત્યાં સુધી પ્રકાશમાં ચાલો, તો પછી અંધકાર (પાપ) તમને પકડશે નહિ. જે વ્યક્તિ અંધકારમાં ચાલે છે તે જાણતી નથી કે તે ક્યાં જાય છે. 36 તેથી જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ હોય ત્યાં સુધી તમારો વિશ્વાસ પ્રકાશ પર રાખો. પછી તમે પ્રકાશના દીકરા બનશો.” જ્યારે ઈસુએ આ વાતો કહેવાનું પૂર્ણ કર્યુ ત્યારે તે વિદાય થયો. ઈસુ એવી જગ્યાએ ગયો જ્યાં લોકો તેને શોધી શકે નહિ.
યહૂદિઓએ ઈસુમાં વિશ્વાસ કરવાની ના પાડી
37 ઈસુએ ઘણા ચમત્કારો કર્યા. લોકોએ આ બાબતો જોઈ. પણ તેઓએ હજુ પણ તેનામાં વિશ્વાસ કર્યો નહિ. 38 તે સંપૂર્ણ રીતે સમજાવવા યશાયા પ્રબોધકે કહ્યું:
“પ્રભુ, અમે તેઓને જે કહ્યું છે તેને કોણે માન્યું છે?
પ્રભુની સત્તા કોણે જોઈ છે?” (A)
39 આના કારણે જ લોકો વિશ્વાસ કરી શક્યા નહિ. કારણ કે યશાયાએ વળી કહ્યું હતુ કે,
40 “દેવે લોકોને આંધળા બનાવ્યા.
દેવે તેમનાં મન જડ કર્યા દેવે
આ કર્યુ તેથી કરીને તેઓ પોતાની આંખોથી આ જોઈ શકે નહિ
અને તેમના મનથી સમજે નહિ. રખેને હું તેઓને સાજા કરું.” (B)
41 યશાયાએ આ કહ્યું કારણ કે તેણે તેનો (ઈસુનો) મહિમા જોયો. તેથી યશાયા તેના (ઈસુ) વિષે બોલ્યો.
42 પરંતુ ઘણા લોકોએ ઈસુમાં વિશ્વાસ મૂક્યો. ઘ્ૅંણા યહૂદિ આગેવાનોએ પણ ઈસુમાં વિશ્વાસ મૂક્યો. પરંતુ તેઓ ફરોશીઓથી બીતા હતા. તેથી તેઓ જાહેરમાં કહી શકતા નહોતા કે તેઓએ વિશ્વાસ મૂક્યો છે. તેઓને ભય હતો કે તેઓ તેમને કદાય સભાસ્થાનમાંથી કાઢી મૂકે. 43 આ માણસો દેવ તરફથી થતી પ્રસંશા કરતાં માણસો તરફથી થતી પ્રસંશાને વધારે ચાહતા હતા.
ઈસુનો બોધ લોકોનો ન્યાય કરશે
44 પછી ઈસુએ મોટા સાદે કહ્યું, “જે વ્યક્તિ મારામાં વિશ્વાસ કરે છે તેણે ખરેખર જેણે (દેવે) મને મોકલ્યો છે તેનામાં પણ વિશ્વાસ કરે છે. 45 જે વ્યક્તિ મને જુએ છે તે ખરેખર જેણે મને મોકલ્યો છે તેને જુએ છે. 46 હું પ્રકાશ છું અને હું આ જગતમાં આવ્યો છું. હું આવ્યો છું જેથી કરીને પ્રત્યેક વ્યક્તિ જે મારામાં વિશ્વાસ કરે છે તે અંધકારમાં રહે નહિ.
47 “હું જગતમાં લોકોનો ન્યાય કરવા આવ્યો નથી. હું જગતના લોકોને બચાવવા માટે આવ્યો છું. તેથી જે લોકો મારી વાતોને સાંભળે છે પણ પાલન કરતા નથી તેનો ન્યાય જે કરે છે તે હું નથી. 48 જે વ્યક્તિ મારામાં વિશ્વાસ કરવાની ના પાડે છે જે કહું છું તેનો સ્વીકાર કરતાં નથી તેનો ન્યાય કરનાર એક છે. જે વાત મેં કહી છે તે જ છેલ્લે દિવસે તે વ્યક્તિનો ન્યાય કરશે. 49 શા માટે? કારણ કે આ વાતો મારી પોતાની નથી. પિતાએ જેણે મને મોકલ્યો છે તેણે શું કહેવું અને શું શીખવવું તે મને કહ્યું છે. 50 પિતા જે આજ્ઞા કરે છે તેમાંથી અનંતજીવન આવે છે તે હું જાણું છું, તેથી હું જે કઈ કહું છું તે પિતાએ મને કહ્યું છે તે જ હું કહું છું.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International