Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 આકાશો દેવનાં મહિમા વિષે કહે છે.
અંતરિક્ષ તેના હાથે સર્જન થયેલી અદ્ભુત વસ્તુઓ વિષે કહે છે.
2 પ્રત્યેક નવો દિવસ તેના સર્જનની સાચી વધારે વાતો કહે છે.
દરેક રાત દેવના સાર્મથ્ય વિષે વધારે કહે છે.
3 ત્યાં વાણી નથી અને ત્યાં શબ્દો નથી.
કોઇ અવાજ સંભળાતો નથી,
4 પણ તેમનો “અવાજ” આખી પૃથ્વી પર જાય છે,
સમગ્ર જગત તેના છેડાઓ સુધી તેમના “શબ્દો” સાંભળે છે.
તેમણે સૂર્ય માટે એક મંડપ નાખ્યો છે.
5 તે સૂર્ય પોતાના ઓરડામાંથી પરણવા નીકળતા વરરાજા જેવો છે,
તે દોડની સ્પર્ધાના આનંદિત,
તેજસ્વી અને બળવાન ખેલાડી જેવો છે.
6 તે આકાશને એક છેડેથી નીકળી
અને તેના બીજા છેડા સુધી પરિક્રમણ કરે છે.
તેની ઉષ્ણતા પામ્યા વિના કોઇ બાકી રહી જતું નથી.
7 યહોવાના પવિત્ર વચનો સંપૂર્ણ છે.
તે આત્માને તાજગી આપે છે.
યહોવાની સાક્ષી, ખરેખર વિશ્વાસપાત્ર છે.
તે મૂર્ખને ડાહ્યાં થવા માટે મદદ કરે છે.
8 યહોવાના વિધિઓ યથાર્થ છે.
તેઓ હૃદયને ભરપૂર આનંદ આપે છે.
યહોવાની આજ્ઞાઓ નિર્મળ છે.
જે આંખોને પ્રકાશ આપે છે.
9 યહોવા માટેનો ભય શુદ્ધ
અને અનાદિ છે.
યહોવાના ઠરાવો નિષ્પક્ષ અને સાચા છે.
તેઓ સંપૂર્ણપણે ન્યાયી છે.
10 તે શુદ્ધ સોના કરતાં પણ વધુ પસંદ કરવા યોગ્ય છે.
વળી મધપૂડાનાં ટીંપાં કરતાંય તે ખરેખર વધારે મીઠાં છે.
11 કારણ, તમારો ઉપદેશ તેના સેવકોને ચેતવણી આપે છે
અને જેઓ તેનું સદા પાલન કરે છે તેઓને સફળતા આપે છે.
12 મારા હૃદયમાં છુપાયેલા પાપોને હું જાણી શકતો નથી,
છાની રીતે કરેલા પાપોમાંથી મને શુદ્ધ કરો અને મુકત કરો.
13 મને કોઇનું ખરાબ કરવાના વિચારો અને પાપથી દૂર રાખો અને તેમ કરતા અટકાવો.
મને ખરાબ કાર્ય ન કરવા માટે તમે સહાય કરો.
ત્યારે જ હું દોષમુકત અને પૂર્ણ થઇશ
અને મહાપાપ કરવામાંથી બચી જઇશ.
14 હે મારા રક્ષક અને ઉદ્ધારક યહોવા;
મારા મુખના શબ્દો, તથા હૃદયનાં વિચારો તમારી સમક્ષ માન્ય રાખો.
9 પછી યહોવાએ મૂસાને કહ્યું, “જો હું એક ગાઢ વાદળમાં તારી પાસે આવું છું, જેથી હું તારી સાથે બોલું ત્યારે લોકો સાંભળી શકે, અને તારા પર સદાસર્વદા વિશ્વાસ રાખે.”
અને લોકોનાં વચન મૂસાએ દેવને કહી સંભળાવ્યાં.
10 અને યહોવાએ મૂસાને કહ્યું, “તું લોકો પાસે જા અને તેઓને કહે કે, આજ અને આવતી કાલે તેઓ દેહશુદ્ધિ કરે, અને તેઓ પોતાનાં વસ્ત્રો ધુએ, 11 અને ત્રીજા દિવસને માંટે તૈયાર થઈ જાય; કારણ કે, ત્રીજે દિવસે હું સર્વ લોકોના દેખતાં સિનાઈના પર્વત ઉપર ઊતરનાર છું. 12 અને તું પર્વતની ચારે બાજુ લોકોને માંટે હદ બાંધી આપજે, અને તેમને કહેજે કે, ખબરદાર રહેજો, પર્વત પર ચઢતા નહિ, ને તેની તળેટીને પણ અડકતા નહિ, અને જે કોઈ તેને અડકશે તેનો વધ કરવામાં આવશે. 13 જો કોઈ વ્યક્તિ તેને હાથ અડકાડે, તો તેને પથ્થરે માંરવો અથવા તીરથી વીંધી નાખવો, પછી તે પશુ હોય કે માંણસ હોય, તે બચશે નહિ, જયારે રણશિંગડુ ફૂંકાય, ત્યારે માંત્ર એ લોકો પર્વત પર ચઢી શકશે.”
14 આથી મૂસા પર્વત પરથી નીચે ઊતરીને લોકો પાસે ગયો અને તેણે તેઓને શુદ્ધ કર્યા. અને લોકોએ પોતાનાં વસ્ત્રો ધોઈ નાખ્યાં.
15 અને પછી મૂસાએ તે લોકોને કહ્યું, “ત્રીજા દિવસ સુધીમાં તૈયાર થઈ જજો. સ્ત્રી સંગ કરશો નહિ.”
30 “ચાળીસ વરસ પછી મૂસા સિનાઇ પર્વતના રણ પ્રદેશમાં હતો. ત્યાં દૂતે તેને ઝાડીઓ મધ્યે અગ્નિ જ્વાળામાં દર્શન દીધું. 31 જ્યારે મૂસાએ આ જોયું. તે નવાઇ પામ્યો. તે તેને જોવા સારું નજીક ગયો. ત્યારે મૂસાએ એક અવાજ સાંભળ્યો; તે પ્રભુનો અવાજ હતો. 32 પ્રભુએ કહ્યું, ‘હું તારા પૂર્વજોનો દેવ, એટલે ઈબ્રાહિમનો, ઈસહાકનો તથા યાકૂબનો દેવ છું.’(A) મૂસા ભયથી ધ્રુંજી ઊઠ્યો. અગ્નિ સામે જોવાની તેની હિંમત ચાલી નહિ.
33 “પ્રભુએ તેને કહ્યું, ‘તારા જોડા કાઢી નાંખ, કારણ કે જે સ્થળે તું ઊભો છે તે પવિત્ર ભૂમિ છે. 34 મેં મારા લોકોને મિસરમાં દુ:ખ સહન કરતાં જોયા છે. મેં તેઓના નિસાસા સાંભળ્યા છે. તેઓને મુક્ત કરવા હું નીચે ઊતર્યો છું. હવે ચાલ, મૂસા હું તને મિસરમાં પાછો મોકલું છું.’(B)
35 “આ મૂસા કે જેનો તેઓએ નકાર કર્યો એમ કહીને કે તેને કોણે અમારો અધિકારી અને ન્યાયાધીશ બનાવ્યો? ના! એ જ મૂસાને દેવે અધિકારી અને ઉદ્ધાર કરનાર થવા સારું મોકલ્યો. દેવે મૂસાને દૂતની મદદથી મોકલ્યો. આ તે દૂત હતો જેને મૂસાએ બળતા ઝાડવા મધ્યે જોયો હતો. 36 તેથી મૂસાએ લોકોને બહાર દોર્યા. તેણે અદભૂત પરાક્રમો અને ચમત્કારો કર્યા. મૂસાએ ઇજિપ્તમાં અને રાતા સમુદ્રમાં, મિસર દેશમાં અને 40 વરસ સુધી રણપ્રદેશમાં અદ્દભૂત કામો તથા ચમત્કારો કર્યા.
37 “આ એ જ મૂસા હતો જેણે યહૂદિ લોકોને આ શબ્દો કહ્યા હતા. ‘દેવ તમને એક પ્રબોધક આપશે. તે પ્રબોધક તમારા પોતાના લોકોમાંથી જ આવશે. અને તે મારા જેવો જ થશે.’(C) 38 આ એ જ મૂસા છે જે રણપ્રદેશના યહૂદિઓની સભામાં હતો. તે દૂત સાથે હતો. જે દૂત તેને સિનાઇ પહાડ પર કહેતો હતો, અને તે જ આપણા પૂર્વજો સાથે હતો. મૂસા દેવ પાસેથી આજ્ઞાઓ મેળવે છે જે જીવન આપે છે. મૂસા આપણને તે આજ્ઞાઓ આપે છે.
39 “પણ આપણા પૂર્વજો મૂસાને તાબે ન થયા. તેઓએ તેનો અસ્વીકાર કર્યો. તેઓએ ફરીથી મિસર પાછા જવા વિચાર્યુ. 40 આપણા પૂર્વજોએ હારુંનને કહ્યું, ‘મૂસા અમને મિસર દેશમાંથી બહાર લાવ્યો છે પણ અમને ખબર નથી કે તેનું શું થયું છે તેથી કેટલાક દેવોને બનાવ જે અમારી આગળ જાય અને અમને દોરે.’ (D)
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International