Revised Common Lectionary (Semicontinuous)
1 યહોવાના નામની સ્તુતિ કરો;
હે યહોવાના સેવકો,
તમે તેમની સ્તુતિ કરો.
2 યહોવાના મંદિરમાં, આપણા દેવના મંદિરમાં;
આંગણામાં ઊભા રહેનારા તેમની સ્તુતિ કરો.
3 યહોવાની સ્તુતિ કરો કારણ, તે ઉત્તમ છે;
તેના નામની સ્તુતિ કરો, કારણકે તે આનંદદાયક છે.
4 યહોવાએ પોતાને માટે યાકૂબને પસંદ કર્યો છે;
ઇસ્રાએલને પોતાની ખાસ સંપતિ થવા માટે.
5 હું યહોવાની મહાનતા જાણું છું,
સર્વ દેવો કરતાં તે મહાન છે.
6 આકાશમાં પૃથ્વી પર, સમુદ્રોમાં અને ઊંડામાં ઊંડા સમુદ્રોમાં
યહોવાએ જે ઇચ્છયું તે કર્યુ.
7 તે પાણીની વરાળને ઊંચે લઇ જઇ તેના વાદળાં બાંધે છે;
અને સમગ્ર પૃથ્વી પર ફેલાવે છે;
તે વિજળી મોકલી વરસાદને વરસાવે છે;
પોતાના ખજાનામાંથી તે વાયુને બહાર કાઢે છે.
8 મિસરમાં તેણે માણસોના તથા પશુઓના પ્રથમજનિતોનો વિનાશ પણ કર્યો.
9 તેણે ફારુન અને તેના અધિકારીઓ વિરુદ્ધ પોતાની નિશાનીઓ
અને ચમત્કારો સમગ્ર મિસરમાં મોકલ્યા.
10 તેમણે શૂરવીર પ્રજાઓનો નાશ કર્યો;
અને પરાક્રમી રાજાઓનો પણ તેણે નાશ કર્યો.
11 અમોરીઓના રાજા સીહોનને,
તથા બાશાનના રાજા ઓગને;
અને કનાનના સર્વ રાજ્યોને તેણે પરાજય આપ્યો.
12 તેમના દેશને તેણે પોતાના લોક ઇસ્રાએલને વારસામાં આપ્યો.
13 હે યહોવા, તારું નામ અનંતકાળ છે;
હે યહોવા, તારું સ્મરણ પેઢી દરપેઢી ટકી રહેનાર છે.
14 યહોવા પોતાના લોકોનો ન્યાય કરશે;
તે તેના સેવકો પ્રતિ દયાળુ થશે.
15 બીજા રાષ્ટ્રોના મૂર્તિદેવો તો સોના ચાંદીના છે.
તેઓ માણસોના હાથે જ બનેલા છે.
16 તેઓને મોં છે છતાં તે બોલતી નથી;
આંખો હોય છે છતાં તેઓ જોતાં નથી.
17 કાન હોય છે છતાં તેઓ સાંભળતા નથી;
અને તેઓના મુખમાં શ્વાસ હોતો નથી.
18 જેઓ તેને બનાવે છે તેઓ પણ તેના જેવા જ થશે;
અને જેઓ તેમના પર ભરોસો રાખે છે તેઓ પણ તેના જેવા જ થશે.
19 હે ઇસ્રાએલનું કુળ, યહોવાની સ્તુતિ કરો!
હે હારુનનું કુળ, યહોવાની સ્તુતિ કરો!
20 હે લેવીના યાજકો, યહોવાનો ધન્યવાદ માનો,
જેઓ યહોવાનો ભય રાખો છો અને આદર કરો છો, યહોવાની પ્રસંશા કરો!
21 યહોવા યરૂશાલેમમાં નિવાસ કરે છે;
યરૂશાલેમના સર્વ લોકો, યહોવાની સ્તુતિ કરો. સિયોનમાંથી ધન્ય હોજો.
યહોવાની સ્તુતિ કરો!
મૂર્તિપૂજાનો વિરોધ
14 ઇસ્રાએલના કેટલાક આગેવાનો મારે ત્યાં આવીને બેઠા હતા. 2 એ સમયે મારી પાસે યહોવાનું વચન આવ્યું કે, 3 “હે મનુષ્યના પુત્ર, આ માણસોએ પોતાનાં હૃદયમાં મૂર્તિઓની સ્થાપના કરી છે, અને જાણી જોઇને પોતાના પતનનો માર્ગ ખુલ્લો કર્યો છે. એવા માણસોના પ્રશ્ર્નનો હું શું જવાબ આપીશ? 4 તેઓને કહે કે, ‘યહોવા મારા માલિક કહે છે: ઇસ્રાએલમાં જેઓ અપવિત્ર મૂર્તિઓની પૂજા કરે છે અને પછી મારી મદદને માટે વિનંતી કરવા પ્રબોધક પાસે આવે છે, હું તેમને કહીશ કે તમારી અપવિત્ર મૂર્તિ પાસે મદદ માંગવા જાવ. 5 તેમનાં મનમાં એમ ઠસાવવાનો પ્રયત્ન કરું છું કે, તેઓ તેમની અશુદ્ધ મૂર્તિઓને લીધે મારા માટે અજાણ્યા જેવા બની ગયાં છે.’
6 “તેથી તું ઇસ્રાએલીઓને કહે કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે: પાછા ફરો, તમારી મૂર્તિઓનો ત્યાગ કરો અને તમારા અધર્મ આચારો છોડી દો. 7 જો કોઇ ઇસ્રાએલી કે તેમના ભેગો વસતો કોઇ વિદેશી મારો ત્યાગ કરીને પોતાના હૃદયમાં મૂર્તિઓને સ્થાન આપશે અને પોતાના પતનના કારણરૂપ એ મૂર્તિઓનું ધ્યાન ધરશે અને કોઇ પ્રબોધક પાસે આવીને મારી ઇચ્છા જાણવા પ્રશ્ર્ન કરશે તો હું, યહોવા, પોતે તેનો જવાબ આપીશ. 8 હું એ માણસની વિરુદ્ધ થઇ જઇશ: હું તેની એવી દશા કરીશ કે જેથી લોકોને દાખલો બેસે, અને કહેવતરૂપ બને. મારા લોકો વચ્ચેથી હું તેને કાપી નાખીશ. અને તમે જાણશો કે હું યહોવા છું. 9 અને જો કોઇ પ્રબોધક છેતરાઇને સંદેશો આપશે કે મેં યહોવાએ તે પ્રબોધકને છેતર્યો છે તો હું તેની સામે મારો હાથ ઉગામીશ, અને મારા ઇસ્રાએલી લોકો મધ્યેથી હું તેનો નાશ કરીશ. 10 આ જૂઠા પ્રબોધક અને દુષ્ટ ઢોંગી માણસ બંને સરખા જ દોષિત છે. તેઓને પોતાના પાપોને લીધે શિક્ષા થશે. 11 એટલે પછી ઇસ્રાએલીઓ કદી મારો ત્યાગ નહિ કરે અને, પોતાની મૂર્તિઓ દ્વારા પોતાને અપવિત્ર નહિ કરે. તેઓ મારી પ્રજા થઇને રહેશે અને હું તેમનો દેવ થઇશ.’” આ યહોવા મારા માલિકના વચન છે.
પિતર લંગડા માણસને સાજો કરે છે
3 એક દિવસે પિતર અને યોહાન મંદિરમાં ગયા. તે વખતે બપોરનાં ત્રણ વાગ્યા હતા. આ સમય મંદિરની દૈનિક પ્રાર્થના કરવાનો હતો. 2 જ્યારે તેઓ મંદિરના પ્રાંગણમાં જતાં હતાં ત્યારે એક માણસ ત્યાં હતો. આ માણસ તેના જન્મથી અપંગ હતો. તે ચાલી શકતો ન હતો, તેથી કેટલાક મિત્રો તેને ઊચકીને લઈ જતા. તેના મિત્રો તેને રોજ મંદિરે લાવતા. તેઓ મંદિરના બહારના દરવાજાની એક તરફ તે લંગડા માણસને બેસાડતા. તે દરવાજો સુંદર નામે ઓળખાતો. ત્યાં મંદિર જતા લોકો પાસે તે માણસ પૈસા માટે ભીખ માગતો. 3 તે દિવસે તે માણસે પિતર અને યોહાનને મંદિરના પ્રાંગણમાં જતા જોયા. તેણે તેઓની પાસે પૈસા માંગ્યા.
4 પિતર અને યોહાને તે અપંગ માણસ તરફ જોયું અને કહ્યું, “અમારા તરફ જો!” 5 તે માણસે તેઓના તરફ જોયું, તેણે વિચાર્યુ તેઓ તેને થોડા પૈસા આપશે. 6 પણ પિતરે કહ્યું, “મારી પાસે સોનું કે ચાંદી કંઈ નથી. પણ મારી પાસે તને આપી શકાય તેવું બીજું કંઈક છે: ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી ઊભો થા અને ચાલ!”
7 પછી પિતરે તે માણસનો જમણો હાથ પકડ્યો અને તેને ઉઠાડ્યો. તરત જ તે માણસના પગોમાં અને ઘૂંટીઓમાં જોર આવ્યું. 8 તે માણસ કૂદયો, તેના પગ ઉપર ઊભો રહ્યો અને ચાલવા લાગ્યો. તે તેઓની સાથે મંદિરમાં ગયો. તે માણસ ચાલતો, કૂદતો અને દેવની સ્તુતિ કરવા લાગ્યો. 9-10 બધા લોકોએ તેને ઓળખ્યો. લોકોએ જાણ્યું કે તે એ જ અપંગ માણસ હતો જે હંમેશા સુંદર નામના દરવાજા પાસે પૈસાની ભીખ માગવા બેસતો હતો. હવે તેઓએ તે જ માણસને ચાલતો અને સ્તુતિ કરતો જોયો. લોકો આશ્ચર્યચકિત થયા. આમ કેવી રીતે બન્યું તે તેઓ સમજી શક્યા નહિ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International