Revised Common Lectionary (Semicontinuous)
20 તેથી આહાબે કામેર્લ પર્વત પર બધા ઇસ્રાએલીઓને ભેગા કર્યા, અને પ્રબોધકોને પણ ભેગા કર્યા. 21 એલિયાએ આગળ આવીને લોકોને કહ્યું, “તમે કેટલો વખત અને ક્યાં સુધી તમે બે અભિપ્રાયની વચ્ચે ફર્યા કરશો? જો યહોવા દેવ હોય, તો તેની પૂજા કરો, જો બઆલ દેવ હોય તો તેની પૂજા કરો.”
પણ કોઈ એક અક્ષરે બોલ્યું નહિ.
22 પછી એલિયાએ લોકોને કહ્યું, “યહોવાના બધાં પ્રબોધકોમાંથી એક હું જ એકલો બાકી રહ્યો છું, જયારે બઆલના તો 450 પ્રબોધકો છે. 23 બે બળદો લઈ આવો, તેઓને એક બળદ પસંદ કરવા દો અને તેને વધેરીને બલિદાનના લાકડા પર મૂકો, પણ અગ્નિ ન પેટાવો, બીજા બળદને હું બલિદાન માંટે તૈયાર કરીને લાકડા પર મૂકું, પણ અગ્નિ નહિ પેટાવું. 24 તમાંરે તમાંરા દેવનું આહવાહન કરવું અને હું યહોવાને આહવાહન કરું. જે કોઇ દેવ અગ્નિને પેટાવી શકશે તે સાચા દેવ હશે.”
બધા લોકો સંમત થયા.
25 પછી એલિયાએ બઆલના પ્રબોધકોને કહ્યું, “એક બળદ પસંદ કરો અને પહેલાં તમે ધરાવો, કારણ તમે સંખ્યામાં ઘણા છો, તમાંરા દેવને પ્રાર્થના કરો, પણ લાકડામાં આગ ન મૂકશો.”
26 તેથી તેઓએ તેના કહ્યા મુજબ કર્યું અને એક બળદ તૈયાર કર્યો, અને સવારથી તે બપોર સુધી બઆલનું નામ જપ્યા કર્યું, “તેઓ ઓ બઆલ, અમને જવાબ આપ.” એવા પોકારો કરતાં રહ્યાં, પણ ત્યાં કોઇ અવાજ ન હતો અને જવાબ ન હતો. તેઓએ વેદીની ગોળ ફરતે નૃત્ય પણ કર્યુ.
27 આમને આમ બપોર થઈ ગઇ એટલે એલિયાએ તેમની મશ્કરી કરવા માંડી, તે બોલ્યો, “હજી મોટા સાદે બૂમો પાડો, તેઓ દેવ છે; એ વિચારમાં ઊંડા ડૂબી ગયા હશે, અથવા કંઈ કામમાં ગૂંથાયા હશે કે, પ્રવાસે ગયા હશે, કદાચ ઊંઘી પણ ગયા હોય તો જગાડવા પડે ને?” 28 આથી તેઓ વધારે મોટે સાદે બૂમો પાડવા લાગ્યા અને તેમના રિવાજ મુજબ તરવાર અને ભાલા વડે પોતાના શરીર પર એવા ઘા કરવા લાગ્યા કે, લોહીના રેલા વહેવા લાગ્યા. 29 બપોર વીતી ગઇ અને છેક સંધ્યાબલિનો સમય થયો ત્યાં સુધી તેઓ ધૂણતા રહ્યાં, અને તેઓના દેવને બોલાવતા રહ્યાં; પણ ત્યાં કંઈ અવાજ કે જવાબ ન મળ્યો, કારણકે કોઇ સાંભળતું નહોતું.
30 પછી એલિયાએ બધાં લોકોને કહ્યું, “અહીં આવો.” લોકો આવ્યા; અને તેની ગોળ ફરતા ભેગા થયા. યહોવાની વેદી જે તોડી નાખવામાં આવી હતી, તેને તેમણે સમી કરી. 31 યાકૂબ કે જેનું નામ યહોવાએ ઇસ્રાએલ રાખ્યું હતું, તેના પુત્રોનાં કુળસમૂહોની સંખ્યા અનુસાર તેણે બાર પથ્થર લીધા. 32 તે પથ્થરો વડે એલિયાએ એક વેદી બનાવી અને તેને યહોવાને અર્પણ કરી. તેણે તે વેદીની ફરતે બે માંપ બી સમાંય તેવડી ખાઈ ખોદી. 33 ત્યારબાદ તેણે લાકડા પણ ગોઠવ્યાં. બળદના ટૂકડા કર્યા અને તેને લાકડાં પર ગોઠવ્યો. 34 પછી તેણે કહ્યું, “ચાર ઘડા ભરીને પાણી લાવીને અર્પણ રેડો અને લાકડાં પર છાંટો.” લોકોએ એ પ્રમાંણે કર્યું. તે બોલ્યો, “ફરી પાણી રેડો.” લોકોએ ફરી વાર પાણી રેડયું, તેણે કહ્યું, “ત્રીજી વાર પાણી રેડો.” અને લોકોએ ત્રીજીવાર પાણી રેડયું. 35 આથી પાણી વેદીની ચારે બાજુએ ફેલાઇ ગયું. અને પેલી ખાઈ સુદ્ધાં પાણીથી બધી બાજુ ભરાઈ ગઈ.
36 સાંજે જ્યારે બલિનો સમય થયો તે સમયે પ્રબોધક એલિયા આગળ આવીને બોલ્યો, “ઓ ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના યહોવા દેવ, આજે આ લોકોને ખબર પડવા દો કે, ઇસ્રાએલમાં તમે સાચા દેવ છો, અને હું તમાંરો સેવક છું, અને આ બધું હું તમાંરા હુકમથી કરું છે. 37 મને જવાબ આપો, ઓ યહોવા મને જવાબ આપો. જેથી આ લોકોને ખાતરી થાય કે, તમે જ યહોવા દેવ છો, અને તમે જ તેમનાં હૃદય પાછાં પોતાના તરફ વાળી લીધાં છે.”
38 એટલામાં એકાએક આકાશમાંથી યહોવાનો અગ્નિ યજ્ઞમાં પડ્યો અને, દહનાર્પણ. લાકડાં, પથ્થર અને રેતીને બાળી નાખ્યા અને તેણે ખાડાના પાણી પણ સૂકવી નાખ્યાં! 39 લોકોએ આ જોયું ત્યારે તેઓ ભૂમિ પર પ્રણામ કરવા નમ્યાં, અને પોકાર કર્યો, “યહોવા એ જ દેવ છે! યહોવા એ જ દેવ છે!”
1 યહોવા સમક્ષ નવું ગીત ગાઓ!
સમગ્ર પૃથ્વી પર સર્વત્ર એ ગીત ગાઓ, યહોવા સમક્ષ ગાઓ.
2 તેમના નામને ધન્યવાદ આપો;
દિનપ્રતિદિન તેનું તારણ પ્રગટ કરો.
3 પ્રજાઓને તેના મહિમા વિષે જણાવો
અને બધા લોકોને તેમના ચમત્કારો વિષે કહો.
4 કારણ, યહોવાની મહાનતા અવર્ણનીય છે;
અને તે બહુ સ્તુત્ય છે; તેજ માત્ર ભયાવહ દેવ;
સર્વ “દેવોની” ઉપર છે.
5 લોકોના સર્વ “દેવો,” મૂર્તિઓ માત્ર છે;
પણ યહોવાએ આકાશોને ઉત્પન્ન કર્યા છે.
6 ભવ્યતા અને મહિમા તેમની સામે ચમકે છે.
સાર્મથ્ય અને સૌન્દર્ય તેમના પવિત્રસ્થાનમાં છે.
7 હે વિશ્વની સર્વ પ્રજાઓ, યહોવા એકલા જ છે મહિમાવાન અને પરાક્રમી;
તે તમે કબૂલ કરો ને તેમને માન આપો.
8 યહોવાને ઘટે છે ગૌરવ જે તે તેમને આપો,
તેમની આરાધના કરવાને તમારા અર્પણો લઇને તેનાં આંગણામાં જાઓ.
9 પવિત્રતાની સુંદરતા ધારણ કરી, યહોવાની ઉપાસના કરો;
અને ધ્રૂજો સમગ્ર પૃથ્વી તેમની સમક્ષ.
10 પ્રજાઓની વચ્ચે જાહેર કરો, યહોવા એ છે જે જગત પર શાસન કરે છે અને ટકાવી રાખે છે,
તેથી તેનો વિનાશ થશે નહિ.
બધાં લોકોનો નિષ્પક્ષતાથી ન્યાય કરશે.
11 આકાશો આનંદ પામો! હે પૃથ્વી,
સુખી થાવ! હે ગર્જના કરતા સમુદ્રની વિશાળતા હર્ષથી પોકારો.
12 ખેતરો અને તેમાં જે કઇં ઊગે છે તે સર્વ સુખી થાઓ.
હે વનનાં સર્વ વૃક્ષો યહોવાની આગળ હર્ષ સાથે ગાઓ.
13 પૃથ્વીનો ન્યાય કરવાને,
યહોવા આવે છે;
તે સર્વ પ્રજાઓનો ન્યાય સત્યતાએ કરશે;
અને જગતનો યથાર્થપણે.
1 પ્રેરિત પાઉલ તરફથી સલામ. પ્રેરિત થવા માટે હું માણસો તરફથી પસંદ નથી થયો. માણસોએ મને નથી મોકલ્યો. ના! ઈસુ ખ્રિસ્તે તથા દેવ બાપે મને પ્રેરિત બનાવ્યો છે. દેવ એક છે જેણે ઈસુને મૃત્યુમાંથી ઊઠાડયો. 2 ખ્રિસ્તમાં જેઓ મારી સાથે છે તેઓ તરફથી ગલાતિયામાંની[a] મંડળીઓને કુશળતા પાઠવું છું.
3 હું પ્રાર્થના કરું છુ કે આપણા દેવ બાપ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા પ્રતિ સૌમ્ય રહેશે અને તમને શાંતિ પ્રદાન કરશે. 4 આપણાં પાપો માટે ઈસુએ પોતાનું સ્વાર્પણ કર્યુ. આપણને આ અનિષ્ટ દુનિયા કે જેમાં આપણે જીવીએ છીએ. તેમાંથી મુક્તિ અપાવવા ઈસુએ આમ કર્યુ. આપણા દેવ પિતાની આ ઈચ્છા હતી. 5 તેનો મહિમા સદાસર્વકાળ હોજો. આમીન.
માત્ર એક જ સાચી સુવાર્તા છે
6 થોડા સમય પહેલા તેને અનુસરવાનું દેવે તમને આહવાન આપેલું. ઈસુમાંથી પ્રગટ થતી તેની કૃપા દ્વારા તેણે તમને આ આહવાન આપેલું પરંતુ હવે તમારા લોકોથી હું નવાઈ પામું છું! તમે તેનાથી વિમુખ થઈ રહ્યા છો. અને અન્ય પ્રકારની સુવાર્તાને અનુસરો છો. 7 વાસ્તવમાં બીજી કોઈ સાચી સુવાર્તા નથી. પરંતુ કેટલાએક લોકો તમને ગુંચવે છે. તેઓ ખ્રિસ્તની સુવાર્તામાં પરિવર્તન ઈચ્છે છે. 8 અમે તમને સાચી સુવાર્તા કહી છે. જેથી અમે પોતે કે આકાશમાંના દૂત પણ તમને ભિન્ન સુવાર્તા કહે તો તે શાપિત થાઓ! 9 મેં અગાઉ પણ તમને આ કહેલું અને ફરીથી કહું છું: તમે સાચી સુવાર્તાને કયારની અપનાવી લીધી છે. જો કોઈ પણ વ્યક્તિ તમને ઉદ્ધાર માટેનો જુદો રસ્તો બતાવે તો તે વ્યક્તિ શ્રાપિત થાઓ.
10 હવે શું તમે એમ માનો છો કે લોકો મને અપનાવે તેવો પ્રયત્ન હું કરું છું? ના! દેવ એક છે જેને પ્રસન્ન કરવાનો હું પ્રયત્ન કરું છું. શું હું માણસોને રાજી કરવાનો પ્રયત્ન કરું છું? જો હું માણસોને રાજી કરવા માંગતો હોત, તો ઈસુ ખ્રિસ્તનો હું સેવક નથી.
પાઉલની સત્તા દેવ તરફથી છે
11 પણ ભાઈઓ, હું ઈચ્છુ છું કે તમે જાણો કે જે સુવાર્તા મેં તમને પ્રગટ કરી છે તે માનવ સર્જીત નથી. 12 માનવ તરફથી મને સુવાર્તા પ્રાપ્ત નથી થઈ. કોઈ માનવીએ મને સુવાર્તા નથી શીખવી. ઈસુ ખ્રિસ્તે મને એ પ્રદાન કરી છે. તેણે મને એ સુવાર્તાના દર્શન કરાવ્યા કે જેથી તેનું કથન હું લોકોને કરું.
ઈસુનું નોકરને સાજા કરવું
(માથ. 8:5-13; યોહ. 4:43-54)
7 ઈસુએ લોકોને આ બધી બાબતો કહેવાનું પૂર્ણ કર્યુ. પછી ઈસુ કફર-નહૂમ ગયો. 2 ત્યાં કફરનહૂમમાં એક લશ્કરનો અમલદાર હતો. તે અમલદારને એક નોકર હતો જે ઘણો માંદો હતો. તે મરવાની અણી પર હતો, તે અમલદાર નોકરને ઘણો ચાહતો હતો. 3 જ્યારે અમલદારે ઈસુ વિષે સાંભળ્યું ત્યારે તેણે યહૂદિઓના વડીલોને તેની પાસે મોકલ્યો. તે અમલદારની ઈચ્છા હતી કે માણસો ઈસુને આવીને નોકરને બચાવવાનું કહે. 4 તે માણસો ઈસુ પાસે ગયા. તેઓએ ઈસુને અમલદારને મદદ કરવા વિનંતી કરી. તેઓએ કહ્યું, “આ અમલદાર તમારી મદદ માટે યોગ્ય છે. 5 તે આપણા લોકોને ચાહે છે અને આપણા માટે તેણે સભાસ્થાન બંધાવ્યું છે.”
6 તેથી ઈસુ તે માણસો સાથે ગયો. જ્યારે ઈસુ અમલદારના ઘર નજીક આવતો હતો ત્યારે અમલદારે કેટલાએક મિત્રોને કહેવા માટે મોકલ્યા કે, “પ્રભુ મારા ઘરમાં આવવાની તકલીફ લઈશ નહિ. હું તને મારા ઘરમાં લાવવા માટે પૂરતી યોગ્યતા ધરાવતો નથી. 7 તેથી હું મારી જાતને તારી પાસે આવવા યોગ્ય ગણી શકતો નથી. તારે તો માત્ર આજ્ઞા કરવાની જ જરૂર છે અને મારો નોકર સાજો થઈ જશે. 8 હું તારી સત્તા જાણું છું. હું બીજા માણસોની સત્તાનો તાબેદાર છું. અને મારા તાબામાં સૈનિકો છે. હું એક સૈનિકને કહું છું કે જા, એટલે તે જાય છે અને બીજા સૈનિકને કહું છું, કે આવ, અને તે આવે છે; અને મારા નોકરને હું કહું છું કે આ કર અને નોકર તે કરે છે.”
9 જ્યારે ઈસુએ આ સાંભળ્યું; તે આશ્ચર્યચકિત થયો. જે લોકો તેની પાછળ આવતા હતા તેઓના તરફ ઈસુ પાછો ફર્યો. ઈસુએ કહ્યું, “હું તમને કહું છું આટલો બધો વિશ્વાસ તો મેં ઇઝરાએલમાં પણ નથી જોયો.”
10 જે લોકોને ઈસુ પાસે મોકલવામાં આવ્યા હતા. તેઓ ઘેર પાછા ફર્યા ત્યારે તેઓએ નોકરને સાજો થયેલો જોયો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International