Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 96

યહોવા સમક્ષ નવું ગીત ગાઓ!
    સમગ્ર પૃથ્વી પર સર્વત્ર એ ગીત ગાઓ, યહોવા સમક્ષ ગાઓ.
તેમના નામને ધન્યવાદ આપો;
    દિનપ્રતિદિન તેનું તારણ પ્રગટ કરો.
પ્રજાઓને તેના મહિમા વિષે જણાવો
    અને બધા લોકોને તેમના ચમત્કારો વિષે કહો.
કારણ, યહોવાની મહાનતા અવર્ણનીય છે;
    અને તે બહુ સ્તુત્ય છે; તેજ માત્ર ભયાવહ દેવ;
    સર્વ “દેવોની” ઉપર છે.
લોકોના સર્વ “દેવો,” મૂર્તિઓ માત્ર છે;
    પણ યહોવાએ આકાશોને ઉત્પન્ન કર્યા છે.
ભવ્યતા અને મહિમા તેમની સામે ચમકે છે.
    સાર્મથ્ય અને સૌન્દર્ય તેમના પવિત્રસ્થાનમાં છે.
હે વિશ્વની સર્વ પ્રજાઓ, યહોવા એકલા જ છે મહિમાવાન અને પરાક્રમી;
    તે તમે કબૂલ કરો ને તેમને માન આપો.
યહોવાને ઘટે છે ગૌરવ જે તે તેમને આપો,
    તેમની આરાધના કરવાને તમારા અર્પણો લઇને તેનાં આંગણામાં જાઓ.
    પવિત્રતાની સુંદરતા ધારણ કરી, યહોવાની ઉપાસના કરો;
અને ધ્રૂજો સમગ્ર પૃથ્વી તેમની સમક્ષ.
10     પ્રજાઓની વચ્ચે જાહેર કરો, યહોવા એ છે જે જગત પર શાસન કરે છે અને ટકાવી રાખે છે,
તેથી તેનો વિનાશ થશે નહિ.
    બધાં લોકોનો નિષ્પક્ષતાથી ન્યાય કરશે.
11 આકાશો આનંદ પામો! હે પૃથ્વી,
    સુખી થાવ! હે ગર્જના કરતા સમુદ્રની વિશાળતા હર્ષથી પોકારો.
12 ખેતરો અને તેમાં જે કઇં ઊગે છે તે સર્વ સુખી થાઓ.
    હે વનનાં સર્વ વૃક્ષો યહોવાની આગળ હર્ષ સાથે ગાઓ.
13 પૃથ્વીનો ન્યાય કરવાને,
    યહોવા આવે છે;
તે સર્વ પ્રજાઓનો ન્યાય સત્યતાએ કરશે;
અને જગતનો યથાર્થપણે.

1 રાજાઓનું 12:20-33

20 જયારે ઇસ્રાએલના બધા લોકોએ સાંભળ્યું કે, યરોબઆમ પાછો આવ્યો છે, ત્યારે તેમણે તેને ઇસ્રાએલી સભા સમક્ષ બોલાવી, આખા ઇસ્રાએલનો રાજા બનાવ્યો. યહૂદાના કુળસમૂહ સિવાય કોઈ દાઉદના રાજવંશને વફાદાર રહ્યું નહિ.

21 રહાબઆમે યરૂશાલેમ જઈને યહૂદાની ટોળીના અને બિન્યામીનના કુટુંબના કુલ 1,80,000 ચુનંદા યોદ્વાઓને લઇને ઇસ્રાએલના વંશો સામે યુદ્ધ કરી પોતાનું રાજય પાછું મેળવવા ભેગા કર્યા. 22 પણ ઇશ્વર ભકત શમાંયાને દેવની વાણી સંભળાઈ કે, 23 “યહૂદાના સુલેમાંનના રાજા પુત્ર રહાબઆમને, તથા યહૂદાના તથા બિન્યામીનના વંશના બધા લોકો જે આજ સુધી તેની સાથે છે તેમને કહે. 24 ‘આ યહોવાનાં વચન છે: તમાંરા ભાઈઓ ઇસ્રાએલીઓ સામે લડવા જશો નહિ, સૌ કોઈ પોતપોતાને ઘેર પાછા જાય, જે કંઈ બન્યું છે તે માંરી ઇચ્છાથી બન્યું છે.’” તેમણે યહોવાનું કહ્યું માંન્યું અને તેની આજ્ઞા પ્રમાંણે તેઓ પાછા ઘેર ચાલ્યા ગયા.

25 પછી યરોબઆમે એફ્રાઈમના પર્વતીય પ્રદેશમાં શખેમ નગરની કિલ્લેબંધી કરી અને ત્યાં રહ્યો; અને ત્યાંથી તેણે પનુએલનગરની પણ કિલ્લેબંધી કરાવી.

26 યરોબઆમે વિચાર કર્યો, “આજે સ્થિતી એવી છે કે, માંરા રાજયના લોકો પાછા દાઉદના રાજવંશને સ્વીકારશે. 27 જો આ લોકો યરૂશાલેમમાં આવેલા યહોવાના મંદિરે યજ્ઞો અર્પણ કરવાનું ચાલુ રાખશે, તો તેમના હૃદયમાં તેમના નેતા યહૂદાના રાજા રહાબઆમ પ્રત્યે ફરી વફાદારી જાગશે; અને તેઓ મને માંરી નાખશે, અને ફરી પાછા યહૂદાના રાજા રહાબઆમને અનુસરશે.” 28 આથી તેણે આ બાબત પર વિચારીને બે સોનાના વાછરડા કરાવ્યા અને લોકોને કહ્યું, “હવે તમાંરે બધાએ યરૂશાલેમ જવાની જરૂર નથી, ઓ ઇસ્રાએલીઓ; આ રહ્યા તમાંરા દેવ જે તમને મિસરમાંથી બહાર લઈ આવ્યા હતા.” 29 એક વાછરડાને તેણે બેથેલમાં સ્થાપ્યો અને બીજો દાનમાં આપ્યો. 30 આથી ઇસ્રાએલીઓએ પાપ કર્યુ. લોકો એક મૂર્તિ સામે પૂજા કરવા બેથેલ જતા અને બીજી મૂર્તિ સામે પૂજા કરવા દાન સુધી જતા.

31 યરોબઆમે ટેકરીઓ પર કબરો બનાવી, અને લેવીવંશી ન હોય એવા બીજા કોઈ પણ કુટુંબોમાંથી યાજકો નિયુકત કર્યા. 32 આઠમાં મહિનામાં પંદરમાં દિવસે, યરોબઆમે યહૂદામાં જે ઉજવાતો હતો તેવો એક ઉત્સવ શરૂ કર્યો, અને તે બેથેલની વેદી પર ઉજવાતો હતો જે તેણે બનાવી હતી. તેણે વાછરડાઓને બલિદાનો અર્પણ કરવાનું શરુ કર્યું જે તેણે બનાવ્યા હતાં. અને તેણે ઉચ્ચ સ્થાનો પરથી યાજકોને નિયુકત કર્યા, બેથેલની કબરોમાં સેવા કરવા માંટે જે તેણે બનાવી હતી. 33 આમ, ઇસ્રાએલીઓ માંટે પોતે શરૂ કરેલો ઉત્સવ ઊજવવા પોતે પસંદ કરેલા આઠમાં મહિનાનાં પંદરમાં દિવસે તે બેથેલ ગયો, અને બલિદાનો અર્પણ કરવા તે પોતે બનાવેલી વેદી પર ગયો.

2 કરિંથીઓ 5:11-17

મદદરુંપ થનાર લોકો દેવના મિત્ર બને છે

11 પ્રભુના ભયનો અર્થ શું છે તે અમે જાણીએ છીએ. જેથી લોકો સત્યને સ્વીકારે તે માટે મદદરૂપ થવા અમે પ્રયત્ન કરીએ છીએ. દેવ જાણે છે કે અમે ખરેખર શું છીએ. અને મને આશા છે કે તમારા અંતરમાં તમે અમને પણ જાણો છો. 12 અમે ફરીથી અમારી જાતને તમારી આગળ પ્રમાણિત કરવા નથી માંગતા. પરંતુ અમે અમારા વિષે માત્ર તમને જણાવવા માગીએ છીએ. તમે અમારા માટે ગર્વ અનુભવો તે માટે તમને કારણો આપવા માંગીએ છીએ. પછી તમારી પાસે ઉત્તર આપવા કઈક હશે જેઓને દશ્યમાન વસ્તુઓ માટે અભિમાન છે તે લોકો વ્યક્તિના અંતરમાં શું છે, તેની દરકાર કરતા નથી. 13 જો અમે ઘેલા છીએ, તો તે દેવના માટે છીએ. જો અમારું મગજ સ્થિર છે, તો તે તમારા માટે છે. 14 ખ્રિસ્તનો પ્રેમ અમને અંકૂશમાં રાખે છે. શા માટે? કારણ કે અમે જાણીએ છીએ કે તે એક બધા માટે મૃત્યુ પામ્યો છે. તેથી જ બધા મૃત્યુ પામ્યા. 15 ખ્રિસ્ત સર્વ લોકો માટે મરણ પામ્યો કે જેથી જે લોકો જીવે છે તેઓ પોતાના માટે જ ન જીવે. તે તેઓને માટે મૃત્યુ પામ્યો અને તે મૃત્યુમાંથી સજીવન થયો. તેથી તે લોકો તેના માટે જીવે.

16 તેથી આ સમયથી જે રીતે દુનિયા લોકો વિષે વિચારે છે તે રીતે અમે કોઈ પણ એક વ્યક્તિ વિષે વિચારતા નથી. તે સાચું છે કે ભૂતકાળમાં જે રીતે દુનિયા વિચારે છે તે રીતે અમે ખ્રિસ્ત વિષે વિચાર્યુ. પરંતુ હવે અમે તે રીતે વિચારતા નથી. 17 જે વ્યક્તિ ખ્રિસ્તમય છે તે નવોદિત છે, તે એક નવું સર્જન છે. જૂની વસ્તુનો વિસય થયો છે, બધું જ નવોદિત છે!

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International