Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 96

યહોવા સમક્ષ નવું ગીત ગાઓ!
    સમગ્ર પૃથ્વી પર સર્વત્ર એ ગીત ગાઓ, યહોવા સમક્ષ ગાઓ.
તેમના નામને ધન્યવાદ આપો;
    દિનપ્રતિદિન તેનું તારણ પ્રગટ કરો.
પ્રજાઓને તેના મહિમા વિષે જણાવો
    અને બધા લોકોને તેમના ચમત્કારો વિષે કહો.
કારણ, યહોવાની મહાનતા અવર્ણનીય છે;
    અને તે બહુ સ્તુત્ય છે; તેજ માત્ર ભયાવહ દેવ;
    સર્વ “દેવોની” ઉપર છે.
લોકોના સર્વ “દેવો,” મૂર્તિઓ માત્ર છે;
    પણ યહોવાએ આકાશોને ઉત્પન્ન કર્યા છે.
ભવ્યતા અને મહિમા તેમની સામે ચમકે છે.
    સાર્મથ્ય અને સૌન્દર્ય તેમના પવિત્રસ્થાનમાં છે.
હે વિશ્વની સર્વ પ્રજાઓ, યહોવા એકલા જ છે મહિમાવાન અને પરાક્રમી;
    તે તમે કબૂલ કરો ને તેમને માન આપો.
યહોવાને ઘટે છે ગૌરવ જે તે તેમને આપો,
    તેમની આરાધના કરવાને તમારા અર્પણો લઇને તેનાં આંગણામાં જાઓ.
    પવિત્રતાની સુંદરતા ધારણ કરી, યહોવાની ઉપાસના કરો;
અને ધ્રૂજો સમગ્ર પૃથ્વી તેમની સમક્ષ.
10     પ્રજાઓની વચ્ચે જાહેર કરો, યહોવા એ છે જે જગત પર શાસન કરે છે અને ટકાવી રાખે છે,
તેથી તેનો વિનાશ થશે નહિ.
    બધાં લોકોનો નિષ્પક્ષતાથી ન્યાય કરશે.
11 આકાશો આનંદ પામો! હે પૃથ્વી,
    સુખી થાવ! હે ગર્જના કરતા સમુદ્રની વિશાળતા હર્ષથી પોકારો.
12 ખેતરો અને તેમાં જે કઇં ઊગે છે તે સર્વ સુખી થાઓ.
    હે વનનાં સર્વ વૃક્ષો યહોવાની આગળ હર્ષ સાથે ગાઓ.
13 પૃથ્વીનો ન્યાય કરવાને,
    યહોવા આવે છે;
તે સર્વ પ્રજાઓનો ન્યાય સત્યતાએ કરશે;
અને જગતનો યથાર્થપણે.

સફાન્યા 3:14-20

આનંદના સમાચાર

14 ઓ સિયોનની પુત્રી હર્ષનાદ કર!
    ઓ ઇસ્રાએલ આનંદના પોકાર કર!
    યરૂશાલેમના લોકો, ઉલ્લાસમાં આવીને આનંદોત્સવ કરો!
15 યહોવાએ ન્યાય અનુસાર તમને કરેલી શિક્ષાનો અંત કર્યો છે.
    તેમણે તમારા શત્રુને હાંકી કાઢયા છે;
ઇસ્રાએલના રાજા, એટલે યહોવા, તમારામાં છે;
    હવે પછી તમને કોઇ પણ પ્રકારની આપત્તિનો ડર લાગશે નહિ.
16 હવે એવો સમય આવી રહ્યો છે જ્યારે યરૂશાલેમના લોકોને આ સંદેશો મળશે,
    “ઓ સિયોન, ડરીશ નહિ, તારા હાથ ઢીલા થવા દઇશ નહિ.
17 યહોવા તમારા દેવ શૂરવીર માણસની જેમ
    તમારું રક્ષણ કરવા તમારી વચ્ચે છે.
    તે તમારા પર કૃપાળું થઇ ખુશ થાય છે.
તે તારા પર ફરી પોતાનો પ્રેમ પ્રગટ કરે છે,
    અને એક ઉત્સવના દિવસની જેમ
તે ખૂબ આનંદથી પોકાર કરે છે.
18     મેં નિશ્ચિત કરેલા ધામિર્ક ઉત્સવ પર
શોક કરનારાઓને એકત્ર કર્યા છે.
    અને તમને આપેલાં અપમાન પાછા લઇ લઇશ.
19 તે સમયે જેઓએ તમારા ઉપર જુલમ કર્યો છે,
    તેઓ સાથે હું સખતાઇથી વર્તીશ.
    હું નબળાં અને લાચાર લોકોનું રક્ષણ કરીશ.
હું જેઓને હાંકી કાઢવામાં આવ્યાં હતાં તેઓને પાછા લાવીશ.
    જેઓની મશ્કરીઓ અને તિરસ્કાર થયો હતો તેઓને હું આખી દુનિયામાં યશ અને કીર્તિ મેળવી આપીશ.
20 એ સમયે હું તમને પાછા લાવીશ.
    તમારી નજર સમક્ષ;
તમારું ભાગ્ય ફેરવીને તમને પૃથ્વી પરના સર્વ લોકો કરતાં અલગ એવું અતિ ઉત્તમ નામ આપીશ.
    ત્યારે તેઓ તમારી પ્રસંશા કરશે.”
આ યહોવાના વચન છે.

રોમનો 13:11-14

11 આ બધી વાત હું તમને એટલા માટે કહું છું કે, તમે જાણો છો તેમ, આપણે સૌ મહત્વપૂર્ણ સમયમાં જીવી રહ્યાં છીએ. હા, તમારી નિંદ્રામાંથી જાગૃત થવાનો હવે સમય આવ્યો છે. પછી જ્યારે આપણે વિશ્વાસીઓ બન્યા તેના કરતાં હવે તારણનો સમય આપણી વધુ નજીક છે. 12 “રાત”[a] લગભગ સમાપ્ત થઈ ચૂકી છે. “દિવસ”[b] ઊગી રહ્યો છે. તેથી આપણે અંધકારનાં કામો કરવાનું હવે બંધ કરવું જોઈએ. સત્કર્મોના કાર્યો માટે આપણે પ્રકાશના શાસ્ત્રોથી સજજ થવું જોઈએ. 13 પ્રકાશમાન દિવસમાં રહેતા લોકોની જેમ આપણે વર્તવું જોઈએ. મોંજ મસ્તીથી છલકાતી ખર્ચાળ મિજબાનીઓ આપણે ઉડાવવી ન જોઈએ. મદ્યપાન કરીને આપણે નશો ન કરવો જોઈએ. આપણે આપણાં અવયવો વડે જાતીય વાસનાનું પાપ કે બીજાં કોઈ પણ પાપ ન કરવાં જોઈએ. આપણે (બિનજરુંરી) દલીલો કરીને મુશ્કેલીઓ ઊભી કરવી ન જોઈએ, અથવા ઈર્ષાળુ ન બનવું જોઈએ. 14 પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો. તમારામાં રહેલો પાપનો અંશ તમને જે ખરાબ ઈચ્છાઓ કરાવે છે, તેને સંતોષવાના વિચારો ન કરો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International