Revised Common Lectionary (Semicontinuous)
દાઉદનું ગીત.
1 યહોવા મારું તારણ અને પ્રકાશ છે;
શા માટે મારે કોઇથીય ડરવું?
યહોવા, મારા જીવનનું સાર્મથ્ય છે,
શા માટે મારે કોઇનાથી ડરવું?
2 જ્યારે દુષ્ટ શત્રુઓ મારો સંહાર કરવા આવશે,
ત્યારે તેઓ ઠોકર ખાઇને નીચે પડશે.
3 ભલે સૈન્ય મારી વિરુદ્ધ છાવણી નાખે,
તો પણ હું જરાય ડરવાનો નથી;
ભલે એ મારી વિરુદ્ધ યુદ્ધ કરે;
પણ મને યહોવા પર ભરોસો છે કે, તેઓ મારું રક્ષણ કરશે.
4 હું એકજ વસ્તુ માંગુ છું યહોવાથી,
“મારા જીવનના સર્વ દિવસો પર્યંત
મને યહોવાનાં મંદિરમાં બેસવા દો
જેથી સદા યહોવાના દિવ્ય સૌંદર્યનું અવલોકન કરી શકું
અને તેમના પવિત્રસ્થાનની મુલાકાત કરું.”
5 સંકટના સમયે તેઓ ખરેખર
મને પોતાના પવિત્ર મંડપમાં સંતાડી દેશે.
અને મને તેમની સુરક્ષિત જગાએ લઇ જશે.
6 મારા શત્રુઓ મને ઘેરી વળ્યા છે, પણ તેમને હરાવવા યહોવા મારી મદદ કરશે.
હું તેના મંડપમાં હર્ષનાદ સાથે અર્પણો ચઢાવીશ.
હું સ્તુતિગીતો ગાઇશ, અને તેઓ જે મારો આભાર યહોવાને વ્યકત કરે.
7 હે યહોવા, મારી વિનંતી સાંભળો.
મારા પર દયા કરીને મને જરૂરી સહાયતા આપો.
8 મારું હૃદય તમારા વિષે કહે છે કે તમે ઇચ્છો છો કે અમે તમને શોધીએ, તેથી હે યહોવા,
હું તમારી પાસે તમારૂં મુખડું શોધવા આવું છું.
9 હે યહોવા, હું તમારી પાસે આવું છું.
તમે તમારું મુખ મારાથી ફેરવશો નહિ.
તમારા આ સેવક પર ગુસ્સો ન કરો, હે મારા તારણહાર,
મારા દેવ, હવે મને છોડી ન દેતા
અને મને તજી ન દો.
10 મારા માતાપિતાએ મને તજી દીધો છે,
પરંતુ યહોવા મને સંભળશે અને સ્વીકારશે.
11 હે યહોવા, મને કહો, હવે મારે શું કરવું?
હું શત્રુઓથી ધેરાએલો છું અને તમારી મદદની રાહ જોઉ છું માટે હવે
મને તમે સત્કર્મના સરળ માર્ગે દોરી જાઓ.
12 હે યહોવા, મને મારા શત્રુઓના હાથમાં સુપ્રત ન કરો.
કારણકે તેઓએ મારા ઉપર ખોટા આરોપો મૂક્યાં છે
તથા તેઓ હંમેશા મને નિષ્ઠુરતાથી ઇજા પહોંચાડવાની યોજનાઓ કરે છે.
13 હું આશા રાખું છું કે યહોવા ખરેખર મને ફરીથી છોડાવશે,
અને હું આ જીવનમાં તેમની દયાનો અનુભવ કરીશ.
14 તું યહોવાની રાહ જોજે, ધૈર્ય ગુમાવીશ નહિ;
તેઓ જરૂર આવશે અને તને બચાવશે;
બળવાન થા અને હિંમત રાખ;
હા, તું યહોવાની રાહ જોજે,
તેઓ તને સહાય કરશે.
યહૂદિયા દેવથી ખરું ના ઉતર્યું
10 શું આપણા સર્વના પિતા એક જ નથી? શું એક જ દેવે આપણું સર્જન કર્યું નથી? તો પછી આપણા પિતૃઓના કરારનો ભંગ કરીને આપણે આ રીતે શા માટે એકબીજાનો વિશ્વાસઘાત કરીએ છીએ? 11 યહૂદાએ વિશ્વાસઘાત કર્યો છે, અને ઇસ્રાએલમાં તથા યરૂશાલેમમાં ધિક્કારપાત્ર કૃત્ય કરવામાં આવ્યું છે; કારણકે યહોવાના પવિત્રસ્થાનને યહૂદાએ ષ્ટ કર્યું છે, અને તેણે એક વિદેશી દેવીની પૂજા કરવાનું શરૂ કર્યું છે. 12 જે કોઇ એ પ્રમાણે કરે તે બધાનો યહોવા ઇસ્રાએલના સમાજમાંથી બહિષ્કાર કરો. પછી ભલે તેઓ સૈન્યોનો દેવ યહોવાને માટે અર્પણો લાવતા હોય. 13 યહોવા તમારાં અર્પણો પ્રત્યે ધ્યાન આપતા નથી અને તમને તેમના તરફથી આશીર્વાદો મળતા નથી. તેથી તમે તમારાં આંસુઓથી યહોવાની વેદીને ભીંજવો છો.
14 તમે પૂછો છો, “શા માટે?” કારણ, જેને તમે જુવાનીમાં દેવની સાક્ષીએ પત્ની તરીકે સ્વીકારી હતી તેને તમે બેવફા નીવડ્યા છો, જો કે કરાર મુજબ તે તમારી જીવનસંગીની અને ધર્મપત્ની હતી. 15 શું દેવે તેને અને તમને એક દેહ અને એકાત્મા બનાવ્યાં નહોતાં? અને ધર્મસંતતિ સિવાય બીજા શાની તે અપેક્ષા રાખે છે? તમારા મન પર સંયમ રાખો અને તમારી જુવાનીની પત્નીને બેવફા ન બનો.
16 કારણકે ઇસ્રાએલના યહોવા દેવ કહે છે કે, “છૂટાછેડાને અને ક્રૂર માણસોને તે ધિક્કારે છે. માટે તમારા દેહની લાગણીઓ પર સંયમ રાખો; તમારી પત્નીઓને તમે છૂટાછેડા ન આપો.”
ન્યાયનો વિશેષ સમય
17 તમે તમારા શબ્દોથી યહોવાને કંટાળો ઉપજાવ્યો છે, તો પણ તમે પૂછો છો કે, શી રીતે અમે તમને કંટાળો ઉપજાવ્યો છે? તમે કહો છો, “દુષ્કર્મ કરનાર દરેક માણસ યહોવાની નજરમાં સારો છે, અને તેમનાથી તે પ્રસન્ન થાય છે; અથવા એમ પૂછીને કે, દેવનો ન્યાય ક્યાં છે?”
3 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “જુઓ, હું મારા પહેલા માર્ગને સાફ કરવા મારા દૂતને મોકલનાર છું. અને તમે જેની શોધમાં છો, તે યહોવા અચાનક પોતાના મંદિરમાં પ્રવેશ કરશે, તમે જેને જોવાને તલસી રહ્યા છો તે કરારનો દૂત આવી રહ્યો છે.
ઝખાર્યા અને એલિસાબેત
5 યહૂદિયાના રાજા હેરોદના સમયમાં ત્યાં અબિયાના વગૅ[a] માનો ઝખાર્યા નામનો યાજક હતો. તેની પત્નિનું નામ એલિયાબેત હતું. જે હારુંનના પરિવારની હતી. 6 ઝખાર્યા અને એલિસાબેત બંન્ને દેવની આગળ ન્યાયી હતા અને તેઓ પ્રભુની આજ્ઞાઓ અને જરુંરિયાતો પ્રમાણે બધુ કરતા હતા. તેઓ નિર્દોષ હતા. 7 પરંતુ ઝખાર્યા અને એલિસાબેત નિ:સંતાન હતા. કારણ કે એલિસાબેત મા બનવા માટે શક્તિમાન ન હતી; અને તેઓ બંન્ને ઘણાં વૃદ્ધ હતા.
8 તેના વર્ગના વતી દેવ સમક્ષ યાજક ઝખાર્યા સેવા કરતો હતો. આ વખતે તેના વર્ગને સેવા કરવા માટેનો વારો હતો. 9 યાજકોના રિવાજ પ્રમાણે મંદિરમાં પ્રવેશવા માટે અને દેવ સમક્ષ વેદી પર ધૂપ સળગાવવા માટે તેની પસંદગી થઈ. તેથી ઝખાર્યા ધૂપ સળગાવવા માટે પ્રભુના મંદિરમાં દાખલ થયો. 10 તે સમયે મંદિર બહાર પ્રાર્થના માટે ઘણા લોકો ભેગા થયા હતા. જ્યારે ધૂપ સળગાવવામાં આવતો હતો ત્યારે તેઓ પ્રાર્થના કરતા હતા.
11 તે વખતે પ્રભુનો એક દૂત ઝખાર્યાની આગળ ધૂપવેદીની જમણી બાજુએ ઊભેલો દેખાયો. 12 જ્યારે ઝખાર્યાએ દૂતને જોયો ત્યારે તે ચોંકી ઊઠ્યો અને ગભરાયો. 13 પરંતુ તે દૂતે તેને કહ્યું, “ઝખાર્યા, ગભરાઇશ નહિ. દેવે તારી પ્રાર્થના સાંભળી છે. તારી પત્નિ, એલિસાબેત, પુત્રને જન્મ આપશે. જેનું નામ તું યોહાન પાડશે. 14 આના કારણે તને પુષ્કળ આનંદ થશે. તેના જન્મના કારણે ઘણા લોકો પણ આનંદ પામશે. 15 યોહાન પ્રભુ માટે એક મહાન માણસ થશે. તે કદી દાક્ષારસ પીશે નહિ કે બીજુ કોઈ કેફી પીણું લેશે નહિ. જન્મથી જ તે પવિત્ર આત્માથી ભરપૂર હશે.
16 “યોહાન યહૂદિઓને પાછા ફેરવશે પછી તેમના પ્રભુ તેમના દેવ તરફ ફેરવશે. 17 યોહાન તેની જાતે પ્રથમ દેવ આગળ ચાલશે. તે એલિયાની જેમ સામથ્યૅવાન બનશે. એલિયા પાસે હતો તેવો આત્મા તેની પાસે હશે. તે પિતા અને બાળકો વચ્ચે શાંતિ લાવશે. ઘણા લોકો પ્રભુની આજ્ઞાઓનું પાલન કરતા નથી. યોહાન તેઓને સાચા વિચારના માર્ગે વાળશે અને પ્રભુના આગમન માટે તૈયાર કરશે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International