Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 27

દાઉદનું ગીત.

યહોવા મારું તારણ અને પ્રકાશ છે;
    શા માટે મારે કોઇથીય ડરવું?
યહોવા, મારા જીવનનું સાર્મથ્ય છે,
    શા માટે મારે કોઇનાથી ડરવું?
જ્યારે દુષ્ટ શત્રુઓ મારો સંહાર કરવા આવશે,
    ત્યારે તેઓ ઠોકર ખાઇને નીચે પડશે.
ભલે સૈન્ય મારી વિરુદ્ધ છાવણી નાખે,
    તો પણ હું જરાય ડરવાનો નથી;
ભલે એ મારી વિરુદ્ધ યુદ્ધ કરે;
    પણ મને યહોવા પર ભરોસો છે કે, તેઓ મારું રક્ષણ કરશે.

હું એકજ વસ્તુ માંગુ છું યહોવાથી,
    “મારા જીવનના સર્વ દિવસો પર્યંત
મને યહોવાનાં મંદિરમાં બેસવા દો
    જેથી સદા યહોવાના દિવ્ય સૌંદર્યનું અવલોકન કરી શકું
    અને તેમના પવિત્રસ્થાનની મુલાકાત કરું.”

સંકટના સમયે તેઓ ખરેખર
    મને પોતાના પવિત્ર મંડપમાં સંતાડી દેશે.
    અને મને તેમની સુરક્ષિત જગાએ લઇ જશે.
મારા શત્રુઓ મને ઘેરી વળ્યા છે, પણ તેમને હરાવવા યહોવા મારી મદદ કરશે.
    હું તેના મંડપમાં હર્ષનાદ સાથે અર્પણો ચઢાવીશ.
    હું સ્તુતિગીતો ગાઇશ, અને તેઓ જે મારો આભાર યહોવાને વ્યકત કરે.

હે યહોવા, મારી વિનંતી સાંભળો.
    મારા પર દયા કરીને મને જરૂરી સહાયતા આપો.
મારું હૃદય તમારા વિષે કહે છે કે તમે ઇચ્છો છો કે અમે તમને શોધીએ, તેથી હે યહોવા,
    હું તમારી પાસે તમારૂં મુખડું શોધવા આવું છું.
હે યહોવા, હું તમારી પાસે આવું છું.
    તમે તમારું મુખ મારાથી ફેરવશો નહિ.
    તમારા આ સેવક પર ગુસ્સો ન કરો, હે મારા તારણહાર,
મારા દેવ, હવે મને છોડી ન દેતા
    અને મને તજી ન દો.
10 મારા માતાપિતાએ મને તજી દીધો છે,
    પરંતુ યહોવા મને સંભળશે અને સ્વીકારશે.
11 હે યહોવા, મને કહો, હવે મારે શું કરવું?
    હું શત્રુઓથી ધેરાએલો છું અને તમારી મદદની રાહ જોઉ છું માટે હવે
    મને તમે સત્કર્મના સરળ માર્ગે દોરી જાઓ.
12 હે યહોવા, મને મારા શત્રુઓના હાથમાં સુપ્રત ન કરો.
    કારણકે તેઓએ મારા ઉપર ખોટા આરોપો મૂક્યાં છે
    તથા તેઓ હંમેશા મને નિષ્ઠુરતાથી ઇજા પહોંચાડવાની યોજનાઓ કરે છે.
13 હું આશા રાખું છું કે યહોવા ખરેખર મને ફરીથી છોડાવશે,
    અને હું આ જીવનમાં તેમની દયાનો અનુભવ કરીશ.
14 તું યહોવાની રાહ જોજે, ધૈર્ય ગુમાવીશ નહિ;
    તેઓ જરૂર આવશે અને તને બચાવશે;
બળવાન થા અને હિંમત રાખ;
    હા, તું યહોવાની રાહ જોજે,
    તેઓ તને સહાય કરશે.

યશાયા 4:2-6

તે દિવસે યહોવા ઇસ્રાએલનાઁ વૃક્ષો અને ખેતરોને સુંદર અને મબલખ પાકથી ભરી દેશે. અને જમીનની પેદાશ ઇસ્રાએલના બચી ગયેલા માણસો માટે અભિમાન અને ગૌરવનો વિષય બની રહેશે. સિયોનમાં તથા યરૂશાલેમમાં જેઓ બાકી રહ્યા હશે, જીવવા નિર્માયા હશે તેઓ પવિત્ર કહેવાશે.

જ્યારે માલિકે, ન્યાયના પાવક અગ્નિ વડે સિયોનની પુત્રીઓના ગંદવાડને ધોઇ નાખ્યો હશે, અને યરૂશાલેમનું રકત ન્યાયના તથા દહનના આત્માથકી તેનામાંથી નિર્મળ કરી નાખ્યું હશે, યહોવા સિયોનના પર્વતને અને ત્યાં ભેગા થયેલા લોકો ને દિવસ દરમ્યાન વાદળ દ્વારા અને રાત દરમ્યાન જ્યોતિ અને ધુમાડાથી ભરી દેશે. દિવસ દરમ્યાન તાપથી છાયા તરીકે, ને તોફાન તથા વરસાદથી રક્ષણ તથા આશ્રયસ્થાન તરીકે યહોવાનો મહિમા ચંદરવાની જેમ છવાઇ જશે.

પ્રેરિતોનાં કૃત્યો 11:1-18

પિતરનું યરૂશાલેમમાં પુનરાગમન

11 યહૂદિયાના પ્રેરિતો અને ભાઈઓએ સાંભળ્યું કે બિનયહૂદિઓએ પણ દેવની વાતોનો સ્વીકાર કર્યો છે. પરંતુ જ્યારે પિતર યરૂશાલેમ આવ્યો. કેટલાક યહૂદિ વિશ્વાસીઓએ તેની સાથે દલીલો કરી. તેઓએ કહ્યું, “તું લોકોના જે ઘરમાં ગયો તેઓ યહૂદિઓ નહોતા, અને તેઓએ સુન્નત કરાવી નહોતી! તેં તેઓની સાથે ખાધું પણ ખરું!”

પિતરે તેઓને આખી વાત સમજાવી. પિતરે કહ્યું, “હું યાફાના શહેરમાં હતો. જ્યારે હું પ્રાર્થના કરતો હતો, એક દર્શન મારી સામે આવ્યું. મેં દર્શનમાં આકાશમાંથી કંઈક નીચે આવતું જોયું, તે એક મોટી ચાદર જેવું દેખાતું હતું. તે તેના ચાર ખૂણાઓથી જમીન પર નીચે ઉતરતી હતી. તે નીચે આવીને મારી નજીક અટકી ગઈ. મેં તેની અંદર જોયું. મેં પાળેલાં અને જંગલી બંને પ્રકરના પ્રાણીઓ જોયાં. મેં પેટે સરકતાં પ્રાણીઓ અને હવામાં ઊડતાં પક્ષીઓ જોયા. મેં એક વાણી મને એમ કહેતી સાંભળી કે, ‘ઊભો થા. પિતર, આમાંથી કોઇ પ્રાણીને મારી નાખ અને તે ખા!’

“પણ મેં કહ્યું, ‘હું કદાપિ તે નહિ કરું, પ્રભુ! મેં કદાપિ નાપાક કે અશુદ્ધ હોય એવું કંઈ ખાધું નથી.’

“પરંતુ આકાશમાંના અવાજે ફરીથી કહ્યું, ‘દેવે આ વસ્તુઓ સ્વચ્છ બનાવી છે. તેને નાપાક કહીશ નહિ!’

10 “આ ત્રણ વખત બન્યું. પછી તે આખી વસ્તુ આકાશમાં પાછી લઈ લેવામાં આવી. 11 પછી હું જ્યાં રહેતો હતો ત્યાં તે ઘરમાં તરત જ ત્રણ માણસો આવી પહોંચ્યા. ત્રણ માણસો કૈસરિયા શહેરમાંથી મારી પાસે મોકલવામાં આવ્યા હતા. 12 આત્માએ મને કોઇ પણ જાતની શંકા રાખ્યા વિના તેમની સાથે જવા કહ્યું. આ છ ભાઈઓ જે અહીં હતા તેઓ મારી સાથે આવ્યા. અમે કર્નેલિયસના ઘરે ગયા. 13 કર્નેલિયસે અમને દૂત વિષે કહ્યું. જેને તેના ઘરમાં ઊભેલો જોયો. દૂતે કર્નેલિયસને કહ્યું, ‘સિમોન પિતરને આવવા માટેનું નિમંત્રણ આપવા માટે કેટલાક માણસોને યાફા મોકલ. 14 તે તને જે વાતો કહેશે તેના વડે તું અને તારા ઘરનાં બંને તારણ પામશો.’

15 “મેં બોલવાનો આરંભ કર્યા બાદ તરત જ પવિત્ર આત્મા તેઓના પર ઉતર્યો. જે રીતે શરૂઆતમાં તે (પવિત્ર આત્મા) અમારા પર ઉતર્યો હતો. 16 પછી મેં પ્રભુની વાણીનું સ્મરણ કર્યુ. પ્રભુએ કહ્યું, ‘યોહાને પાણીથી લોકોનું બાપ્તિસ્મા કર્યુ. પણ તું પવિત્ર આત્મામાં બાપ્તિસ્મા પામશે!’ 17 દેવે આ લોકોને તે જ ભેટ આપી જે તેણે અમને કે જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ રાખતા હતા, તેમને આપી હતી. તો પછી હું કોણ કે દેવના કામને અટકાવું? ના!”

18 જ્યારે યહૂદિ વિશ્વાસીઓએ આ વાતો સાંભળી, તેઓએ દલીલો કરવાનું બંધ કર્યુ. તેઓએ દેવને મહિમા આપતાં કહ્યું, “તેથી દેવ બિનયહૂદિઓને પસ્તાવો કરવાનું મન આપ્યું છે અને આપણા જેવું જીવન પામવા માટે સંપત્તિ આપે છે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International