Revised Common Lectionary (Semicontinuous)
દાઉદનું ગીત.
1 હે યહોવા, તમને મદદ માટે પ્રાર્થના કરૂં છું.
હે મારા ખડક, તમારા કાન બંધ રાખતો નહિ,
કારણકે તમે મારા મદદના
પોકાર નો જવાબ નહિ આપો તો
મારી ગણના કબરમાંના મૃત લોકો જેવી જ થશે.
2 હે યહોવા, મદદ માટેની મારી બૂમો સાંભળો.
તમારી પરમપવિત્રસ્થાન તરફ હું હાથ ઊંચા કરું છું;
અને તમારી સહાય માટે ખરા મનથી પ્રાર્થના કરું છું.
3 મને દુષ્ટતા કરનારા અને પાપીઓ વચ્ચે ધકેલી ન દેતા.
તે કુકમીર્ઓ તેમના પડોશીઓને “સલામ”[a] કરે છે
પરંતુ તેઓ તેમની વિરુદ્ધ
દુષ્ટતા કરવાની યોજના કરી રહ્યાં છે.
4 તમે તેમને તેમની દુષ્ટતા પ્રમાણે ફળ આપજો,
તેમને તેમની સર્વ દુષ્ટતાનો તમે બદલો વાળી આપજો;
જે ભારી શિક્ષાને તેઓ યોગ્ય છે, તમે તેમને તે શિક્ષા કરો.
5 તેઓ યહોવાની, તેમના મહાન કર્મોની
અને તેમના હાથનાં કામોની સંપૂર્ણ અવગણના કરે છે;
જૂનાં પુરાણાં મકાનની જેમ યહોવા તેઓને તોડી પાડશે
અને ફરી કદી સ્થાપિત કરશે નહિ.
6 યહોવાની સ્તુતિ થાઓ,
કારણ તેમણે મારા કાલાવાલા સાંભળ્યા છે.
7 યહોવા મારું સાર્મથ્ય અને ભયસ્થાનોમો મારી ઢાલ છે.
મારા હૃદયે તેમનો ભરોસો રાખ્યો છે, અને મને તેમની સહાય મળી છે.
મારા હૃદયમાં અત્યંત આનંદ થાય છે,
તેમની સ્તુતિ ગાઇને હું તેમનો આભાર માનું છુ.
8 યહોવા તેમનાં લોકોને મજબૂત બનાવે છે.
યહોવા તારણહાર છે, અને તેમના પસંદ કરેલાઓનું સાર્મથ્ય છે.
9 હે યહોવા, તમારા લોકોનો તમે ઉદ્ધાર કરો,
અને તમારા વારસાને આશીર્વાદ આપો.
વળી તેઓનું હંમેશા પાલનપોષણ કરી તમારા લોકોને ઊંચકી રાખો.
10 “હે વિશ્વની પ્રજાઓ, તમે યહોવાના વચન સાંભળો,
અને દૂર દૂરના દ્વીપોને તે જાણ કરો.
‘જેણે ઇસ્રાએલના લોકોને વેરવિખેર કરી નાખ્યા હતા
તે પોતે જ તેમને એકત્ર કરશે
અને તેમની ઘેટાંપાળકની જેમ સંભાળ લેશે.’
11 કારણ કે યહોવાએ યાકૂબને બચાવ્યો છે,
ને તેનાં કરતાં બળવાનના હાથમાંથી તેને છોડાવ્યો છે.
12 તેઓ આનંદના પોકાર કરતા સિયોનના પર્વત પર આવશે,
અને યહોવાએ આપેલા ધાન્ય,
દ્રાક્ષારસ, તેલ અને ઢોરઢાંખરરૂપી
સમૃદ્ધિથી ખુશખુશાલ થશે.
તેમનું જીવન સિંચેલી વાડી જેવું થશે
અને તેઓનાં સર્વ દુ:ખો દૂર થઇ ગયા હશે.
13 ત્યારે કુમારિકાઓ આનંદ સાથે નાચી ઊઠશે અને યુવાનો તથા વૃદ્ધો હરખાશે;
કારણ કે હું તેઓના શોકને હર્ષમાં ફેરવી નાખીશ,
હું તેઓને ખાતરી આપીશ અને તેઓને હષિર્ત કરીશ,
કારણ કે તેઓનાં બંદીવાસનાં સર્વ દુ:ખો દૂર થઇ ગયા હશે.
14 હું યાજકોને પુષ્કળ ખોરાક આપીશ.
અને મારી પ્રજા મેં આપેલી ઉત્તમ વસ્તુઓથી ભરાઇ જશે.”
ઈસુ પાસે દેવની સત્તા છે
19 પરંતુ ઈસુએ ઉત્તર આપ્યો, “હું તમને સત્ય કહું છું. દીકરો તેની જાતે કંઈ કરી શકે નહિ. દીકરો બાપને જે કંઈ કરતા જુએ છે, તે જ માત્ર કરે છે. પિતા જે કરે છે તે જ કામ દીકરો કરે છે. 20 પિતા દીકરા પર પ્રેમ કરે છે, અને પિતા પોતે જે કઈ કરે છે તે બધું જ દીકરાને દેખાડે છે; આ માણસ સાજો થયો હતો, પરંતુ પિતા દીકરાને આના કરતાં વધારે મોટાં કામ કરવાનાં દેખાડશે. પછી તમે બધા નવાઈ પામશો. 21 પિતા મૂએલાઓને ઊઠાડે છે અને તેઓને સજીવન કરે છે. તે જ રીતે દીકરો પણ તેની ઈચ્છા હોય તો મૂએલાઓને સજીવન કરે છે.
22 “કેમ કે પિતા કોઈનો ન્યાય ચૂકવતો નથી. પરંતુ પિતાએ ન્યાય કરવાની સર્વ સત્તા દીકરાને આપી છે. 23 દેવે આમ કર્યુ છે કારણ કે બધા લોકો જેમ પિતાને માન આપતા તેમ દીકરાને પણ માન આપે. જો કોઈ વ્યક્તિ દીકરાને માન આપતો નથી તો પછી તે વ્યક્તિ પિતાને પણ માન આપતો નથી. જેણે દીકરાને મોકલ્યો છે તે પિતા એક જ છે.
24 “હું તમને સત્ય કહું છું, જો કોઈ વ્યક્તિ હું જે કહું છું તે સાંભળે છે અને જેણે મને મોકલ્યો છે, તેમાં વિશ્વાસ કરે છે તેને અનંતજીવન મળે છે. તે વ્યક્તિ અપરાધી નહિ ઠરે. તેણે મૃત્યુંમાંથી નીકળીને જીવનમાં પ્રવેશ કર્યો છે. 25 હું તમને સત્ય કહું છું, હવે મહત્વનો સમય આવે છે, તે સમય અહીં આવી ચુક્યો છે. જે લોકો પાપમાં મૃત્યું પામ્યા છે, તેઓ દેવના દીકરાની વાણી સાંભળશે, અને તે લોકો એ જે કહે છે તેનો સ્વીકાર કરશે તેઓને અનંતજીવન પ્રાપ્ત થશે. 26 કારણ કે પિતા (દેવ) ના પોતાનામાંથી જીવન આવે છે. તેથી પિતાએ દીકરા (ઈસુ) ને પણ જીવન આપવાનો અધિકાર આપ્યો છે. 27 અને પિતાએ દીકરાને બધા લોકોનો ન્યાય ચુકવવાનો અધિકાર પણ આપ્યો છે. શા માટે? કારણ કે તે દીકરો માણસનો દીકરો છે.
28 “આથી તમે આશ્ચર્ય પામશો નહિ. એ સમય આવે છે જ્યારે જે લોકો મૃત્યુ પામ્યા છે અને તેઓની કબરોમાં છે તેઓ તેની વાણી સાંભળશે. 29 જે લોકોએ જીવનમાં સારા કામો કર્યા છે તેઓ સજીવન થશે અને અનંતજીવન મેળવશે. પરંતુ જે લોકોએ ભૂંડા કામ કર્યા છે તેઓને ન્યાયની સામે ઊભા કરવામાં આવશે.
30 “હું એકલો કંઈ કરી શક્તો નથી. જે પ્રમાણે મને કહેવામાં આવ્યું છે તે જ રીતે હું ફક્ત ન્યાય કરું છું. તેથી મારો ન્યાય અદલ છે. શા માટે? કેમ કે હું મારી જાતને ખુશ કરવા પ્રયત્ન કરતો નથી. પરંતુ જેણે મને મોકલ્યો છે, તેને (દેવને) હું ખુશ કરવા પ્રયત્ન કરું છું.
ઈસુ યહૂદિઓ સાથે વાતો કરવાનું ચાલુ રાખે છે
31 “જો હું મારા વિષે લોકોને કહું, તો પછી લોકો મારા વિષે હું જે કઈ કહું છું તે સ્વીકારશે નહિ. 32 પરંતુ ત્યાં બીજી એક વ્યક્તિ છે જે લોકોને મારા વિષે કહે છે અને હું જાણું છું કે તે મારા વિષે જે કઈ કહે છે તે સાચું છે.
33 “તમે યોહાન પાસે માણસો મોકલ્યા છે અને તેણે તમને સત્ય વિષે કહ્યું છે. 34 મારા વિષે લોકોને કહેવા માટે મારે માણસની જરૂર નથી. પણ હું તમને આ બાબતો કહું છું તેથી તમારો ઉદ્ધાર થઈ શકે છે. 35 યોહાન એક દીવા જેવો હતો જે સળગતો અને પ્રકાશ આપતો અને તમે ઘડીભર તેના અજવાળામાં આનંદ પામતા હતા.
36 “પણ મારી પાસે મોટી સાબિતી છે જે યોહાનના કરતાં મોટી છે. જે કામો હું કરું છું તે મારી સાબિતી છે. આ તે કામો છે જે મારા પિતાએ મને કરવા માટે આપ્યાં હતાં. આ કામો બતાવે છે કે મને પિતાએ મોકલ્યો હતો. 37 અને જે પિતાએ મને મોકલ્યો તેણે તેની જાતે મારા વિષે સાબિતી આપેલ છે. પરંતુ તમે કદી તેની વાણી સાંભળી નથી. તે કોના જેવો દેખાય છે તે તમે કદી જોયું નથી. 38 પિતાની વાત તમારામાં રહેલી નથી. શા માટે? કારણ કે પિતાએ જેને મોકલ્યો છે તેમાં તમને વિશ્વાસ નથી. 39 શાસ્ત્રોને તમે કાળજીપૂર્વક તપાસી જુઓ. તમે ઘારો છો કે તે શાસ્ત્રો તમને અનંતજીવન આપે છે. પેલા એ જ શાસ્ત્રો મારા વિષે પણ કહે છે! 40 પરંતુ તમે તે જીવન પામવા માટે મારી પાસે આવવાનું ઈચ્છતા નથી.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International