Revised Common Lectionary (Semicontinuous)
11 યહોવા મારા માલિક કહે છે: “હું પોતે જ મારા ઘેટાંને શોધી કાઢીશ અને તેઓની સંભાળ રાખીશ. 12 પોતાનાં ઘેટાં આજુબાજુ વેરવિખેર થઇ ગયા હોય ત્યારે ભરવાડ જેમ તેમને શોધવા જાય છે તેમ હું મારા ઘેટાંને શોધવા જઇશ અને તેમને સુરક્ષિત પાછા લાવીશ. જ્યારે તેઓ ગભરાઇ ગયા હોય અને અંધારા વાદળીયા દિવસે ખોવાઇ ગયા હોય. 13 જ્યાં તેઓ વિખેરાઇ ગયા છે તે દેશમાંથી અને પ્રજાઓમાંથી હું તેઓને પાછા લાવીશ અને તેઓને પોતાના દેશ ઇસ્રાએલમાં ઘરે પાછા લાવીશ. ઇસ્રાએલના પર્વતો પર નદીના કાંઠે તથા ફળદ્રુપ જગ્યાઓમાં હું તેઓનું પોષણ કરીશ. 14 હું તેઓને ચારાની સારી જગ્યાઓમાં લઇ જઇશ. ઇસ્રાએલના પર્વતોની ઊંચાઇઓ તેઓ માટે ચરવાની જગ્યા થશે. ત્યાં લીલા બીડમાં શાંતિથી તેઓ સૂઇ જશે. હું તેઓને ઇસ્રાએલના પર્વતોના રસાળ બીડોમાં લાવીશ. 15 હું જાતે મારા ટોળાને ચારીશ અને આરામ કરાવીશ.” આ હું યહોવા માલિક કહું છું.
16 “ખોવાયેલાની હું શોધ કરીશ, આડે રસ્તે ચઢી ગયેલાને હું રસ્તે લાવીશ, ઘવાયેલાને હું પાટાપિંડી કરીશ, પાતળાંને બળ આપીશ; પણ તંદુરસ્ત અને મજબૂત હશે તેમનો હું નાશ કરીશ, અને સારી રીતે તેઓને ચરાવીશ.”
20 તેથી યહોવા મારા માલિક કહે છે: “હું આ જાડા અને પાતળાં ઘેટાં વચ્ચે ન્યાય કરીશ. 21 તમે જોડાથી અને ખભેથી હડસેલા મારીને મારા માંદા અને ભૂખ્યાને ઘણે દૂર સુધી વિખેરી નાખ્યા છે. 22 તેથી હું પોતે મારા ટોળાને બચાવીશ. પછી કોઇ તેઓને સતાવી શકશે નહિ કે તેઓનો નાશ કરશે નહિ. તેઓ તંદુરસ્ત છે કે પાતળા છે તે હું જોઇશ અને પછી તેઓનો ન્યાય કરીશ. 23 ત્યાર બાદ હું યહોવા, એમની સંભાળ લેવા માટે મારા સેવક દાઉદ જેવો એક ભરવાડ નીમીશ. તે તેમને ચારશે અને તેમનો ભરવાડ બનશે. 24 હું, યહોવા, તેમનો દેવ થઇશ અને મારો સેવક દાઉદ મારા લોકોમાં રાજકર્તા સમાન થશે. હું યહોવા એમ બોલ્યો છું.
આભારસ્તુતિનું ગીત.
1 હે પૃથ્વીના લોકો, યહોવાની સમક્ષ ગાઓ!
2 આનંદથી યહોવાની સેવા કરો, હર્ષથી સ્તુતિગાન કરતાં;
તેમની સમક્ષ આવો.
3 અને તમે જાણો, યહોવા તે જ દેવ છે;
તેણે આપણને ઉત્પન્ન કર્યા છે, અને આપણે તેનાં જ છીએ;
આપણે તેમનાં લોકો અને આપણે તેમનાં ઘેટા છીએં.
4 આભારસ્તુતિ સાથે તેમના દરવાજામાંથી પ્રવેશો,
અને સ્તવન કરતાં તેના આંગણામાં આવો;
આભાર માનીને તેના નામને આશીર્વાદ આપો.
5 કારણ, યહોવા ઉત્તમ છે,
તેમની કૃપા સર્વકાળ છે;
અને પેઢી દરપેઢી તેમનું ન્યાયીપણું ટકી રહે છે.
પાઉલની પ્રાર્થના
15-16 આ કારણે જ મારી પ્રાર્થનામાં હમેશા હું તમને યાદ કરું છું. તમારા માટે દેવનો આભાર માનું છું. જ્યારથી મેં પ્રભુ ઈસુમાં તમારો વિશ્વાસ અને દેવના લોકો પ્રત્યેના તમારા પ્રેમ વિષે સાંભળ્યું છે ત્યારથી મેં હમેશા આમ કર્યુ છે. 17 મેં હમેશા આપણા પ્રભુ ઈસૂ ખ્રિસ્તના દેવ-મહિમાવાન પિતાને પ્રાર્થના કરી છે. મેં પ્રાર્થના કરી છે કે તેઓ તમને એવી આત્મિય સમજ આપશે જે તમને દેવનો સાચો પરિચય કરાવે-એ પરિચય કે જેનું દર્શન તેણે કરાવ્યું છે.
18 હું પ્રાર્થના કરું છું કે તમારા હૃદયમાં વિશિષ્ટ સમજણનો ઉદય થાય ત્યારે દેવે આપણને પ્રદાન કરવા જે આશા માટે બોલાવ્યા છે તેને તમે ઓળખી શકશો. તમે એ પણ જાણી શકશો કે દેવે તેના પવિત્ર લોકો માટે જે આશીર્વાદનું વચન આપ્યું છે તે સમૃદ્ધ અને મહિમાવંત છે. 19 અને તમે જાણશો કે વિશ્વાસી લોકો માટે દેવની શક્તિ મહાન છે. આ શક્તિ એ મહાન સાર્મથ્ય છે. 20 જેનો ઉપયોગ દેવે ખ્રિસ્તને મૂએલાંમાંથી ઉઠાડવા માટે કર્યો હતો. દેવે ખ્રિસ્તને સ્વર્ગમાં પોતાની જમણી બાજુ સ્થાન આપ્યું છે. 21 બધા જ રાજ્યસત્તા, અધિકારીઓ, પરાક્રમ, અને રાજાઓ કરતા પણ વધારે મહત્વનું સ્થાન આપ્યું છે. આ વિશ્વ કે આના પછીના વિશ્વમાં કોઈનાં પણ સાર્મથ્ય કરતા ખ્રિસ્તનું સાર્મથ્ય વધુ મહિમા ઘરાવે છે. 22 દેવે બધી જ વસ્તુઓને ખ્રિસ્તના સાર્મથ્ય નીચે મૂકી, અને દેવે સર્વ પર તેને મંડળીના શિર તરીકે (અધિપતિ) નિર્માણ કર્યો. 23 મંડળી ખ્રિસ્તનું શરીર છે. ખ્રિસ્ત થકી મંડળી ભરપૂર છે. તે સઘળાંને સર્વ પ્રકારે પરિપૂર્ણ કરે છે.
માણસનો દીકરો બધા લોકોનો ન્યાય કરશે
31 “માણસનો દીકરો ફરીથી આવશે. તે ભવ્ય મહિમા સાથે તેના બધાજ દૂતો સાથે આવશે અને તે રાજા તરીકે મહિમાના રાજ્યાસન પર બીરાજશે. 32 વિશ્વના બધાજ લોકો માણસના દીકરાની આગળ ભેગા થશે. માણસનો દીકરો પછી બધાજ લોકોને બે ભાગમાં વહેંચી નાખશે. જેમ ઘેટાંપાળક ઘેંટા બકરાંને જુદા પાડે છે. 33 માણસનો દીકરો ઘેટાંને (સારા લોકો) પોતાની જમણી બાજુ મૂકશે અને બકરાંને (ખરાબ લોકો) ડાબી બાજુ રાખશે.
34 “પછી તે રાજા, જમણી બાજુ બેસનારા સારા માણસોને કહેશે, ‘આવો, મારા બાપના આશીર્વાદિતો આવો, અને જે રાજ્ય જગતનો પાયો નાખતા પહેલા તમારા માટે અગાઉથી જ તૈયાર કરવામાં આવ્યુ છે તે પ્રાપ્ત કરો. 35 તમને આ રાજ્ય મળ્યું છે કારણ હું ભૂખ્યો હતો ત્યારે તમે મને ખાવાનું આપ્યું હતું, તરસ્યો હતો ત્યારે તમે મને કાંઈક પીવા આપ્યું હતું. અને જ્યારે હું એકલો ભટકતો હતો ત્યારે તમે મને ઘેર બોલાવ્યો હતો. 36 હું વસ્ત્ર વગરનો હતો ત્યારે તમે મને કાંઈક પહેરવાં આપ્યું હતું. હું માંદો હતો ત્યારે તમે મારી ચાકરી કરી હતી, હું કારાવાસમાં હતો, ત્યારે તમે મને મળવા આવ્યા હતા.’
37 “પછી સારા માણસો ઉત્તર આપશે, ‘પ્રભુ, અમે ક્યારે તને ભૂખ્યો જોયો અને ભોજન આપ્યું? અમે ક્યારે તને તરસ્યો જોયો અને તને કાંઈક પીવા આપ્યું? 38 અમે તને ક્યારે એકલો જોયો અને ઘરથી દૂર ફરતા જોયો? અને અમે તને અમારે ઘેર ક્યારે બોલાવ્યો? અમે તને વસ્ત્ર વગર ક્યારે જોયો અને તને કોઈક વસ્ત્ર પહેરવા આપ્યું? 39 અમે તને ક્યારે માંદો જોયો? અમે તને ક્યારે કારાવાસમાં જોયો અને તારી મુલાકાત લીધી?’
40 “પછી રાજા ઉત્તર આપશે, ‘હું તમને સત્ય કહું છું. તમે મારા લોકોમાંના એકના માટે અહીં જે બધું કર્યુ તે બધું તમે મારા માટે જ કર્યુ.’
41 “પછી રાજા તેની ડાબી બાજુ બેઠેલા માણસોને કહેશે. ‘મારી પાસેથી જે અગ્નિ સદાને માટે સળગે છે ત્યાં ચાલ્યા જાઓ. તમે શ્રાપિત છો, શેતાન તથા તેના દૂતો માટે જે સર્વકાલિક અગ્નિ તૈયાર કરેલો છે તેમાં પડો અને, 42 આજ તમારી સજા છે. કારણ હું ભૂખ્યો હતો ત્યારે તમે મને કશું જ ખાવાનું આપ્યું નહોતું અને જ્યારે હું તરસ્યો હતો ત્યારે તમે મને કાંઈ પીવા આપ્યું નહોતું. 43 હું જ્યારે ઘરતી દૂર હતો અને ફરતો હતો, ત્યારે તમે મને ઘરમાં બોલાવ્યો નહોતો. વસ્ત્ર વગર નગ્ન હતો, પરંતુ તમે મને વસ્ત્ર પહેરવા આપ્યા નહોતા. હું બિમાર હતો અને કારાવાસ ભોગવતો હતો ત્યારે તમે મારી સેવા કરી નહોતી.’
44 “પછી લોકો પણ ઉત્તરમાં પૂછશે, ‘હે પ્રભુ, અમે તને ભૂખ્યો, તરસ્યો, એકલો, વસ્ત્ર વગર, બિમાર અથવા બંદી ક્યારે જોયો? અને અમે તને મદદ ના કરી?’
45 “પછી રાજા ઉત્તરમાં કહેશે, ‘હું તમને સત્ય કહું છું, કે તમે અહીં મારા લોકોમાંના કોઈને પણ ના પાડી તે મને ના પાડી બરાબર છે.’
46 “પછી તે દુષ્ટ માણસો ત્યાંથી ચાલ્યા જશે અને તેઓને સદાને માટે સજા થશે. અને પછી સારા લોકો અનંતજીવનમાં જતા રહેશે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International