Revised Common Lectionary (Semicontinuous)
પ્રબોધિકા દબોરાહ સ્ત્રી ન્યાયધીશ
4 એહૂદના મૃત્યુ પછી ઈસ્રાએલી પ્રજાએ ફરી એક વાર યહોવાની દૃષ્ટિએ પાપ ગણાય એવું આચરણ કર્યું. 2 તેથી યહોવાની ઇચ્છાપ્રમાંણે ઈસ્રાએલીઓને હાસોરમાં રાજ કરનાર કનાની રાજા યાબીનના હાથે પરાજીત કરાયા હતાં. તેના સૈન્યના સેનાપતિનું નામ સીસરો હતું જે હરોશેથ હગોઈમમાં રહેતો હતો. 3 યાબીન પાસે લોખંડના 900 રથ હતાં અને 20 વર્ષ સુધી તેણે ઈસ્રાએલીઓ ઉપર ભારે જુલમ ગુજાર્યો હતો, તેથી તેઓએ યહોવાને સહાય માંટે પોકાર કર્યો.
4 એ વખતે લાપીદોથની પત્ની દબોરાહ ઈસ્રાએલીઓની ન્યાયાધીશ હતી. તે પ્રબોધિકા હતી, 5 એફ્રાઈમના પહાડી પ્રદેશમાં રામાં અને બેથેલની વચ્ચે એક મોટું તાડનું ઝાડ હતું. તેની નીચે તે બેસતી હતી. અને ઈસ્રાએલીઓ ત્યાં તેમના ન્યાય વિષે નિર્ણય કરવા માંટે આવતા હતાં. 6 એક દિવસ દબોરાહએ નફતાલી પ્રાંતના કેદેશમાં રહેતા અબીનોઆમના પુત્ર બારાકને તેડાવ્યો અને તેને કહ્યું કે, “ઈસ્રાએલના દેવ યહોવાએ તને આ હુકમ કર્યો છે, ‘નફતાલી અને ઝબુલોનના કુળસમૂહોમાંથી 10,000 સૈનિકોને લઈને તાબોર પર્વત ઉપર જા. 7 હું યાબીનના સેનાપતિ સીસરાને તેના રથો અને યોદ્ધાઓ સાથે કીશોન નદીને કાંઠે લઈ આવીશ, પછી હું તેઓને તારા હાથમાં સોંપી દઈશ, તેથી તું એને ત્યાં હરાવી શકે.’”
મંદિરે ચઢવાનું ગીત.
1 હે આકાશના રાજ્યાસન પર બિરાજનાર દેવ;
હું તારા ભણી આંખ ઊંચી કરું છું.
2 જેમ સેવક પોતાના માલિક તરફ જોયા કરે;
જેમ દાસીની આંખો પોતાની શેઠાણીને જોયા કરે;
તેમ અમારી આંખો અમારા દેવ યહોવાની દયા થાય
ત્યાં સુધી તેના ભણી તાકી રહે છે.
3 અમારા પર દયા કરો, હે યહોવા દયા કરો;
ખરાબ વ્યવહારથી અમે કંટાળી ગયા છીએ.
4 પેલા આળસુ અને ઉદ્ધત લોકો તરફથી અમારા પર
પૂરતું અપમાન અને દોષારોપણ થયું.
પ્રભુના આગમન માટે તૈયાર રહો
5 હવે, ભાઈઓ અને બહેનો, અમારે તમને સમય અને તારીખો વિષે લખવાની જરુંર નથી. 2 તમે સારી રીતે જાણો છે કે એ દિવસ કે જ્યારે પ્રભુ આવશે ત્યારે એક ચોર રાતે આવે છે તે રીતે તે આવશે. 3 લોકો કહેશે કે, “અમને શાંતિ છે અને અમે સુરક્ષિત છીએ.” તે સમયે પ્રસૂતાની પીડાની જેમ એકાએક તેઓનો વિનાશ આવી જશે. અને તે લોકો બચી શકશે નહિ.
4 પરંતુ તમે, ભાઈઓ અને બહેનો, તમારે અંધકારમાં (પાપ) જીવન જીવવું ના જોઈએ. અને તે દિવસ ચોરની જેમ તમારા પર આવી પડે તો તમે આશ્ચર્ય પામશો નહિ. 5 તમે બધા અજવાળાના (સારાં) સંતાન છો. તમે દહાડાના સંતાન છો. આપણે રાતના કે અંધકારના (શેતાન) સંતાન નથી. 6 તેથી આપણે અન્ય લોકો જેવા ન બનવું જોઈએ. આપણે ઊંધી ન રહેવું જોઈએ. આપણે જાગ્રત અને સ્વ-નિયંત્રણમાં રહેવું જોઈએ. 7 જે લોકો ઊંધે છે, તે રાતે ઊંધે છે. જે લોકો મદ્યપાનથી ચકચૂર બને છે, તે રાત્રે મદ્યપાનથી ચકચૂર બને છે. 8 પરંતુ આપણે તો દિવસ (સારાપણું) સાથે જોડાયેલા છીએ, તેથી આપણે આપણી જાતને નિયંત્રણમાં રાખવી જોઈએ. આપણે આપણી જાતનું રક્ષણ કરવા વિશ્વાસ, અને પ્રેમનું બખતર પહેરવું જોઈએ. અને તારણની આશાનો ટોપ પહેરીને સાવધ રહીએ.
9 દેવે તેના ક્રોધનો અભિશાપ બનવા આપણને પસંદ કર્યા નથી. દેવે તો આપણને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા તારણની પ્રાપ્તિને માટે પસંદ કર્યા છે. 10 આપણે તેની સંઘાતે જીવી શકીએ તેથી ઈસુ ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યો. જ્યારે ઈસુનું આગમન થાય ત્યારે આપણે જીવિત હોઈએ કે મૃત તેનું કોઈ મહત્વ નથી. 11 તેથી એકબીજાને હિંમત આપીએ. અને દૃઢ બનવા માટે એકબીજાને મદદ કરીએ.
ત્રણ નોકરોની વાર્તા
(લૂ. 19:11-27)
14 “આકાશનું રાજ્ય એવી વ્યક્તિ જેવું છે કે કોઈ વ્યક્તિ બીજા દેશના પ્રવાસે જતી વખતે તેના નોકરોને બોલાવીને કહે છે કે આ મારી સંપત્તિ, હું જાઉ તે દરમ્યાન તમે સાચવજો. 15 તેણે એકને ચાંદીના સિક્કા ભરેલી પાંચ થેલીઓ આપી, બીજાને બે અને ત્રીજા ને એક, તેણે દરેકને તેમની શક્તિ અનુસાર આપી; પ્રવાસ કરવા ચાલી નીકળ્યો. 16 જેને ચાંદીના સિક્કાની પાંચ થેલીઓ આપી હતી તે ત્યાંથી ચાલી નીકળ્યો અને એણે તરત જ તે પૈસાનું બીજે રોકાણ કર્યુ. અને બીજી પાંચ થેલી કમાયો. 17 જેને બે થેલીઓ મળી હતી તેણે પણ બીજે રોકાણ કયું અને બે થેલી કમાઈ લીધી. 18 પણ જે નોકરને એક જ થેલી આપી હતી તે ગયો અને જમીનમાં ખાડો ખોદી પોતાના ધણીના પૈસાની થેલી જમીનમાં દાટી દીઘી.
19 “ઘણા સમય પછી તે ધણી પાછો આવ્યો અને નોકરોને પૂછયું કે તેઓએ તેના પૈસાનું શું કર્યુ. 20 જેને પાંચ થેલી આપવામાં આવી તેણે બીજી વધારાની પાંચ થેલી લાવી તેના ધણીને આપી અને કહ્યું, ‘તેં મારા પર વિશ્વાસ મૂક્યો તેથી તે પાંચ થેલીઓનો બીજી પાંચ થેલીઓ કમાવવા મેં ઉપયોગ કર્યો.’
21 “ધણીએ કહ્યું, ‘તું ખૂબ સારો વિશ્વાસ રાખવા લાયક નોકર છે. તેં થોડા પૈસાનો સારો ઉપયોગ કર્યો છે, તેથી હું તને આના કરતાં પણ વધારે વસ્તુ સાચવવા આપીશ. આવ, અને મારા સુખનો ભાગીદાર બન.’
22 “પછી જેને બે થેલીઓ આપવામાં આવી હતી, તે ધણી પાસે આવ્યો અને નોકરે કહ્યું, ‘ધણી તેં મને બે થેલી ભરેલા પૈસા આપ્યા હતા, મેં આ બંને થેલીના પૈસાનો ઉપયોગ કર્યો છે અને હું બીજી બે થેલીઓ વધારે કમાયો છું.’
23 “ધણીએ કહ્યું, ‘તેં બરાબર કર્યુ છે. તું ખૂબજ સારો નોકર છે અને તું વિશ્વાસ રાખવા લાયક છે. તેં થોડા પૈસાનો ખૂબ સારો ઉપયોગ કર્યો એટલે હું તને આનાં કરતા પણ વધારે અધિકાર આપીશ, આવ અને મારી સાથે સુખમાં ભાગીદાર થા.’
24 “પછી જેને એક થેલી આપવામાં આવી હતી, તે નોકર ધણી પાસે આવ્યો અને ધણીને કહ્યું, “હું જાણું છું કે તું ખૂબજ કડક માણસ છે. તેણે કહ્યું, ‘જ્યાં તેં નથી વાવ્યું ત્યાંથી પાક લણનાર, અને જ્યાં તેં નથી વેર્યુ, ત્યાંથી એકઠું કરનાર છે. 25 તેથી મને ખૂબજ બીક લાગી અને તારી પૈસાની થેલી લઈને હું ગયો અને જમીનમાં સંતાડી દીધી. તેં મને જે ચાંદીના સિક્કાની થેલી આપી હતી, તે પાછી લે.’
26 “ધણીએ કહ્યું, ‘તું દુષ્ટ અને આળસુ નોકર છે! તું કહે છે, જ્યાં મેં નથી વાવ્યું ત્યાંથી હું પાક લણું છું અને જ્યાં નથી વેર્યુ ત્યાંથી એકઠું કરું છું. 27 તો મારું ધન તેં બેન્કમાં કેમ ન મૂકયું? જો બેન્કમાં પૈસા મૂક્યાં હોત તો મને વ્યાજ સાથે પાછા મળત.’
28 “તેથી ઘણીએ બીજા નોકરોને કહ્યું આની પાસેથી પૈસાની એક થેલી લઈ લો અને જેની પાસે દશ થેલી છે તેને આપી દો. 29 દરેક વ્યક્તિની પોતાની પાસે જે છે તેનો તે યોગ્ય ઉપયોગ કરશે તો તેને વધુ આપવામાં આવશે. અને જેને તેની જરુંરિયાત છે તેનાથી પણ અધિક પ્રાપ્ત કરશે અને જેની પાસે છે, તેનો યોગ્ય ઉપયોગ નહિ કરે તો તેની પાસેથી બધું જ છીનવી લેવામાં આવશે. 30 તેથી ધણીએ કહ્યું, ‘આ નકામા નોકરને બહારના અંધકારમાં ફેંકી દો જ્યાં લોકોરૂદન કરે છે અને દાંત પીસે છે.’
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International