Revised Common Lectionary (Semicontinuous)
મંદિરે ચઢવાનું ગીત.
1 હે આકાશના રાજ્યાસન પર બિરાજનાર દેવ;
હું તારા ભણી આંખ ઊંચી કરું છું.
2 જેમ સેવક પોતાના માલિક તરફ જોયા કરે;
જેમ દાસીની આંખો પોતાની શેઠાણીને જોયા કરે;
તેમ અમારી આંખો અમારા દેવ યહોવાની દયા થાય
ત્યાં સુધી તેના ભણી તાકી રહે છે.
3 અમારા પર દયા કરો, હે યહોવા દયા કરો;
ખરાબ વ્યવહારથી અમે કંટાળી ગયા છીએ.
4 પેલા આળસુ અને ઉદ્ધત લોકો તરફથી અમારા પર
પૂરતું અપમાન અને દોષારોપણ થયું.
16 ત્યારબાદ યહોવાએ ઈસ્રાએલીઓ ઉપર ન્યાયાધીશો નીમ્યા. અને તેઓએ તેમને શત્રુઓના હાથમાંથી ઉગારી લીધા. 17 પણ તેમણે તે ન્યાયાધીશોનું પણ સાંભળ્યું નહી. તેઓ દેવ પ્રત્યેની વફાદારી છોડી દઈને અન્ય દેવદેવીઓને માંનવા લાગ્યા અને એમની પૂજા કરવા લાગ્યા. તેમના પિતૃઓ યહોવાની આજ્ઞા પ્રમાંણે રહેતા હતાં, પણ આ લોકોને આ ગમ્યું નહિ અને તેઓએ યહોવાના હુકમો માંનવાનું બંધ કરી દીધું.
18 જયારે જયારે યહોવા તેમના ઉપર કોઈ ન્યાયાધીશ નીમતા ત્યારે તેઓ તેની સાથે રહેતા, તેણે તેઓની કાળજી લીધી અને તેમનું તેમના શત્રુઓથી રક્ષણ કર્યુ. તેણે તેઓની ઉપર દયા બતાવવા આમ કર્યુ કારણકે તેઓના શત્રુઓ દ્વારા તેમના ઉપર જુલમો અને અત્યાચારો થયાં હતાં. 19 ન્યાયાધીશના અવસાન પછી તેઓ યહોવાથી દૂર ફરી ગયા અને પોતાના પિતૃઓથી પણ વધારે ભ્રષ્ટ થઈ ગયાં, તેઓ અન્ય દેવની પૂજા કરતાં, તેમને પગે લાગતા; તેઓએ પોતાના દુષ્ટ માંર્ગોથી પાછા ફરવાનો ઈન્કાર કરી દીધો.
20 આથી ફરીથી યહોવાનો કોપ ઈસ્રાએલીઓ ઉપર ભભૂકી ઊઠતો, તે કહેતા, “આ પ્રજાએ મેં એમના પિતૃઓને પાળવા કહેલા કરારનો ભંગ કર્યો છે. મેં કરેલી આજ્ઞાઓનું પાલન તેમણે કર્યું નથી. 21 તેથી યહોશુઆ મૃત્યુ પામ્યા તે વખતે જે જે પ્રજાઓ જીતવાની બાકી હતી તેઓને હવે હું હાંકી કાઢીશ નહિ. 22 અને એ રીતે, ઈસ્રાએલીઓ પોતાના પિતૃઓના પગલાને અનુસરશે કે નહિ, તેની હું કસોટી કરીશ.” 23 તેથી યહોવાએ એ પ્રજાઓને પોતાની ભૂમિમાંથી હાંકી કાઢયા વિના તેમને ત્યાં રહેવા દીધાં. તેણે તેમને યહોશુઆના હાથમાં પણ સોંપી દીધા નહોતા, અને તેણે ઈસ્રાએલીઓને તેઓનો નાશ કરવા દીધો નહિ.
8 તે ચોથા દૂતે તેનું પ્યાલું સૂર્ય પર રેડી દીધું. તે સૂર્ય ને અગ્નિથી લોકોને બાળી નાખવાની શક્તિ આપવામા આવી. 9 તે લોકો અતિશય ગરમીથી દાઝી ગયા હતા. તે લોકોએ દેવના નામની નિંદા કરી. જે દેવનો આ વિપત્તિઓ પર કાબુ છે. પરંતુ તે લોકોએ પસ્તાવો કર્યો નહિ તથા દેવને મહિમા આપ્યો નહિ.
10 તે પાંચમા દૂતે તેનું પ્યાલું પ્રાણીના રાજ્યાસન પર રેડી દીધું. અને પ્રાણીના રાજ્યમાં અંધકાર છવાઈ ગયો. લોકોએ વેદનાને કારણે તેઓની જીભ કરડી. 11 લોકોએ પોતાના દુ:ખોના અને પોતાને પડેલા ઘા ને કારણે આકાશના દેવની નિંદા કરી. પણ તે લોકોએ પસ્તાવો કરવાની તથા તેઓએ પોતે કરેલાં ખરાબ કામોમાંથી પાછા ફરવાની ના પાડી.
12 તે છઠ્ઠા દૂતે તેનું પ્યાલું મહાન નદી યુફ્રેટિસ પર રેડી દીધું. નદીમાં પાણી સુકાઈ ગયું. આથી પૂર્વના રાજાઓ માટે આવવાનો માર્ગ તૈયાર થયો. 13 પછી મેં ત્રણ અશુદ્ધ આત્માઓ જે દેડકાઓ જેવા દેખાતા હતા તે જોયાં. તેઓ અજગરના મુખમાથી, તે પ્રાણીના મુખમાંથી, અને ખોટા પ્રબોધકના મુખમાથી બહાર આવ્યા. 14 (આ અશુદ્ધ આત્માઓ શેતાનના આત્માઓ તરફથી છે. તેઓ પાસે ચમત્કારો કરવાની શક્તિ છે. આ દુષ્ટ આત્માઓ આખી દુનિયાના રાજાઓ પાસે જવા નીકળ્યા. જેઓ સર્વશક્તિમાન દેવના મહાન દિવસની લડાઇને માટે રાજાઓ ને ભેગા કરવા બહાર નીકળ્યા.)
15 “ધ્યાનથી સાંભળ! અચાનક એક ચોર આવે છે, તેવી રીતે હું આવું છું. તે વ્યક્તિને ધન્ય છે જે તેનાં વસ્ત્રો તેની પાસે રાખે છે અને જાગૃત રહે છે. જેથી તેને વસ્ત્રો વિના બહાર જવું ન પડે. અને લોકો એવું તો નહિ જુએ કે જે જોવાથી તેમને શરમાવું પડે.”
16 પછી તે અશુદ્ધ આત્માઓએ રાજાઓને એક જગ્યાએ ભેગા કર્યા. જે હિબ્રૂ ભાષામાં હર-મગિદોન કહેવાય છે.
17 પછી સાતમા દૂતે રાજગાદી પરથી મંદિરની બહાર તેનું પ્યાલું હવામા રેડી દીધું. રાજ્યાસનમાંથી મંદિરની બહાર એક મોટા સાદે વાણી બહાર આવી. તે વાણીએ કહ્યું કે; “તે પૂર્ણ થયું છે!” 18 પછી ત્યાં વીજળીની જવાળાઓ, ગર્જનાઓ, ઘોંઘાટો સાથે એક મોટો ધરતીકંપ થયો. આવો મોટો ધરતીકંપ કદી પણ થયો હતો. પૃથ્વી પર જ્યારથી લોકો ઉત્પન્ન થયા, ત્યારથી આજ સુધી આવું બન્યું ન હતું. 19 તે મહાન શહેર ત્રણ ભાગમા વહેંચાઇ ગયું. રાષ્ટ્રોનાં તે શહેરનો નાશ થયો હતો. અને દેવ મહાન બાબિલોનને શિક્ષા કરવાનું ભૂલ્યા નહિ. તે શહેરને તેના ભયંકર કોપના દ્રાક્ષારસનું ભરેલું પ્યાલું આપ્યું. 20 દરેક ટાપુ અદૃશ્ય થઈ ગયા. અને ત્યાં કોઈ પર્વત રહયો ન હતો. 21 રાક્ષસી કરા આકાશમાંથી લોકો પર પડ્યા. આ કરા લગભગ 100 પૌંડના વજનના હતા. લોકોએ આ કરાની મુસીબતોને કારણે દેવની નિંદા કરી; કેમ કે આ મુસીબત ભયંકર હતી.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International