Revised Common Lectionary (Semicontinuous)
7 પછી યહોવાએ યહોશુઆને કહ્યું, “હું એવું કરીશ કે આજથી ઇસ્રાએલી લોકો તને મહાપુરુષ તરીકે ગણશે, પછી તેઓ જાણશે કે, હું જેમ મૂસાની સાથે હતો તેમ હું તારી સાથે પણ રહીશ. 8 કરારકોશ લઈ જતાં યાજકોને આજ્ઞા કરો: ‘તમે યર્દન નદીના કિનારે પહોંચો પછી તમે નદીના પાણીમાં પ્રવેશો તે પહેલાં ત્યાં ઉભા રહો.’”
9 પછી યહોશુઆએ ઇસ્રાએલના લોકોને કહ્યું, “અહીં આવો અને તમાંરા દેવ યહોવા જે કહે છે તે સાંભળો. 10 આજે તમે ખાતરીપૂર્વક જાણશો કે જીવંત યહોવા તમાંરી મધ્યે વસે છે. આ દેશમાં વસતી પ્રજાઓ કનાનીઓ, હિત્તીઓ, હિવ્વીઓ, પરિઝઝીઓ, ગિર્ગાશીઓ, અમોરીઓ તથા યબૂસીઓને તે અચૂક હાંકી કાઢશે અને તમે તે દેશના માંલિક થશો. 11 જુઓ, સમસ્ત પૃથ્વીના યહોવાનો કરારકોશ તમાંરી આગળ યર્દન નદી ઓળંગશે. 12 હવે ઇસ્રાએલના બાર કુળસમૂહોમાંથી દરેકમાંથી એક એક આગેવાન ચૂંટી કાઢો. 13 આખી પૃથ્વીના પ્રભુ યહોવાને કોશ યોજકો ઉપાડશે એટલે યર્દન નદીનું વહેણ કપાઈ જશે, અને પાણી બંધની જેમ એકઠું થશે.”
14 તેથી લોકો તેમના તંબુઓમાંથી બહાર નીકળ્યા અને યર્દન નદીને ઓળંગી અને યાજકોએ કરાર કોશ લીધો અને તેમની આગળ ચાલ્યા. 15 આ ઋતું પાકની કાપણીની હતી. યર્દન નદી બંને કાઠે ભરપૂર વહેતી હતી. યાજકોએ યર્દન નદીને કિનારે પહોંચીને તેના પાણીમાં પગ મૂકતાં જ ઉપરવાસથી આવતું પાણી થંભી ગયું. 16 પાણી બંધની જેમ પાછળ એકઠું થયું, છેક ઉદ્દગમ સ્થાન આદામ, સારેથાન પાસેનાં શહરે તરફ અને ખારા સમુદ્ર તરફ વહેતાં રોકી દેવાયા હતાં. પછી લોકોએ યરીખો નજીક યર્દન નદી ઓળંગી. 17 બધા ઇસ્રાએલી લોકો સૂકી જમીન પર ચાલ્યા અને નદી પાર કરી અને યહોવાના કરારકોશને લઈ જતાં યાજકો, નદીની મધ્યમાં રોકાયા. એમ આખી પ્રજા યર્દન ઊતરી ગઈ.
ભાગ પાંયમો
(ગીત 107–150)
1 યહોવાનો આભાર માનો, કારણ તે ઉત્તમ છે;
અને તેમની કૃપા સર્વકાળપર્યંત ટકે છે.
2 જે યહોવાના છોડાવાયેલા છે તેઓએ આ પ્રમાણે કહેવું જોઇએ,
કે દેવે તેઓને તેમના શત્રુઓથી બચાવ્યા.
3 પૃથ્વીના દૂર દૂરનાં ખૂણે ખૂણેથી
અને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર દક્ષિણ દિશામાંથી તેમણે પોતાના લોકોને સાથે ભેગા કર્યા.
4 કેટલાંક ઉજ્જડ માર્ગે રણમાં ભટકતાં હતાં
અને તેઓને વસવા નગર ન મળ્યું.
5 તેઓ ભૂખ્યા અને તરસ્યા હતાં,
અને નબળા પડી રહ્યાં હતાં.
6 પોતાના સંકટમાં તેઓએ યહોવાને પોકાર કર્યો,
અને યહોવાએ તેઓને દુ:ખમાંથી છોડાવ્યાં.
7 યહોવા તેઓને, જ્યાં તેઓ વસવાટ કરી શકે તેવા નગરમાં સીધે રસ્તે દોરી ગયાં.
33 તે જ્યાં નદીઓ છે ત્યાં રણ કરી દે;
અને જ્યાં ઝરા વહે છે ત્યાં તરસી ભૂમિ કરી દે.
34 વળી ત્યાં વસતાં લોકોની દુષ્ટતાને કારણે,
ફળદ્રુપ ભૂમિને ખારવાળી બનાવે છે.
35 વળી તે રણમાં સરોવર કરે
અને કોરી ભૂમિમાં તે ઝરણાંઓને વહેતા કરે છે
36 અને ત્યાં ભૂખ્યાંજનોને વસવા લાવે છે;
જેથી તેઓ પોતાને રહેવા માટે નગર બાંધે છે.
37 તેઓ ખેતરમાં વાવેતર કરે છે, અને દ્રાક્ષાવાડીઓમાઁ રોપણી કરીને;
તેઓ તેનાં ફળની ઊપજ ઉત્પન કરે છે.
9 ભાઈઓ અને બહેનો, તમને યાદ છે કે રાત અને દિવસ અમે કેટલો કઠોર પરિશ્રમ કર્યો હતો. જ્યારે અમે દેવની સુવાર્તા તમને આપતા હતા ત્યારે તમારી પાસેથી વળતર લઈને તમને અમે બોજારૂપ બનવા નહોતા ઈચ્છતા.
10 જ્યારે તમો વિશ્વાસીઓની સાથે અમે હતા ત્યારે, અમે પવિત્ર અને સત્યનિષ્ઠ જીવન નિષ્કલંક રીતે જીવ્યા હતા, તમે જાણો છો કે આ સત્ય છે અને દેવ જાણે છે કે આ સત્ય છે. 11 તમે જાણે છો કે જેમ બાપ પોતાનાં બાળકો સાથે જેવું વર્તન કરે, તેવું વર્તન અમે તમારી સાથે કર્યુ હતું. 12 અમે તમને પ્રોત્સાહિત કર્યા, અમે તમને રાહત પહોંચાડી, અને અમે તમને દેવ માટે સારું જીવન જીવવા માટે કહ્યું. દેવ તેના રાજ્ય અને મહિમા માટે તમને તેડે છે.
13 જે રીતે, તમે દેવનો સંદેશો સ્વીકાર્યો તે માટે અમે દેવની સતત આભારસ્તુતિ કરીએ છીએ. તમે અમારી પાસેથી તે વચન સાંભળ્યુ, અને તમે તેને માણસોનું નહિ પરંતુ દેવના વચનોની જેમ સ્વીકાર્યુ અને તે ખરેખર દેવનું વચન જ છે. અને જે લોકો તેનામાં વિશ્વાસ રાખે છે તેનામાં તે કાર્યશીલ બને છે.
ઈસુ ધાર્મિક નેતાઓની ટીકા કરે છે
(માર્ક 12:38-40; લૂ. 11:37-52; 20:45-47)
23 ઈસુએ પછી લોકોને અને તેના શિષ્યોને કહ્યું. ઈસુએ કહ્યું, 2 “યહૂદિ શાસ્ત્રીઓને તથા ફરોશીઓને મૂસાનો ઉપદેશ તમને સમજાવવાનો અધિકાર છે. 3 તેથી એ લોકો જે કહે તે પ્રમાણે વર્તજો અને તેમની આજ્ઞાનું પાલન કરજો. પરંતુ તે લોકો જે કરે છે તે પ્રમાણે તમે ન કરતા. હું એટલા માટે કહું છું કે, તેઓ જે ઉપદેશ આપે છે તે પ્રમાણે તેઓ પોતે વર્તતા નથી. 4 તેઓ એવા કડક નિયમો બનાવે છે કે લોકોને પાળવા મુશ્કેલ પડે છે. તે બીજા લોકોને નિયમોનું પાલન કરવા અનુરોધ કરે છે પરંતુ તે લોકો તેમાંનો એક પણ નિયમ પાળવા પ્રયત્ન કરતા નથી.
5 “તેઓ સારા કામ એટલા માટે કરે છે કે લોકો તેઓને જુએ. તેઓ પવિત્ર દેખાવા માટે શાસ્ત્ર વચનોના શબ્દો સાથેની પેટીઓ લઈ લે છે અને સ્મરણપત્રોને પહોળા બનાવે છે અને પોતાના ઝભ્ભાની ઝૂલને લાંબી કરે છે જેથી લોકો તેમને ધર્માત્મા સમજે, જુએ. 6 આવા ફરોશીઓ અને શાસ્ત્રીઓને જમણવારોમાં મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરવાનું ગમે છે અને સભાસ્થાનોમાં મુખ્ય સ્થાને બેસવાનુ ગમે છે. 7 બજારમાં લોકો તેમને માન આપે તે તેમને ગમે છે અને લોકો તેમને ‘ગુરું’ કહીને બોલાવે તેવુ તે ઈચ્છે છે.
8 “પરંતુ તમે ‘ગુરું’ ન કહેવાઓ કારણ તમારો ગુરું તો એક જ છે અને તમે બધા તો ભાઈ બહેન છો. 9 તમારામાંથી કોઈને પણ આ પૃથ્વી પર ‘પિતા’ ન કહો કારણ તમારો પિતા તો એક જ છે અને તે આકાશમાં છે. 10 તમે ‘સ્વામી’ પણ ન કહેવાઓ, કારણ તમારો સ્વામી તો ફક્ત એક જ છે અને તે માત્ર ખ્રિસ્ત, જે તમારા સ્વામી છે. 11 તમારામાં મહત્વપૂર્ણ વ્યક્તિ એ હશે કે જે તમારો સેવક બનશે. 12 જે પોતાની જાતને બીજા કરતા ઊંચો કરશે તેઓને નીચા કરવામાં આવશે. અને જેઓ પોતાને નીચો કરશે તેઓને ઊંચા કરવામાં આવશે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International