Revised Common Lectionary (Semicontinuous)
મૂસાનું મૃત્યુ
34 ત્યારબાદ મૂસા મોઆબના મેદાનમાંથી યરીખોની પૂવેર્ આવેલા નબો પર્વત પર, પિસ્ગાહના શિખર પર ચઢયો, અને યહોવાએ તેને સમગ્ર પ્રદેશ બતાવ્યો: ગિલયાદથી દાન સુધીનો પ્રદેશ, 2 આખો નફતાલીનો પ્રદેશ, એફાઈમ અને મનાશ્શાનો પ્રદેશ, પશ્ચિમ સમુદ્ર સુધીનો યહૂદાનો સમગ્ર પ્રદેશ, 3 નેગેબનો પ્રદેશ અને ખજૂરીઓના નગર યરીખોથી સોઆર સુધીનો સપાટ પ્રદેશ. 4 પછી યહોવાએ મૂસાને કહ્યું, “આ રહ્યો તે પ્રદેશ જે તેમના વંશજોને આપવાનું મેં ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને વચન આપ્યું હતું. ‘મેં તને તારી સગી આંખે એ જોવા દીધો છે, પણ તું તેમાં આગળ જઈને પ્રવેશ કરવા નહિ પામે.’”
5 આમ, યહોવાનો સેવક મૂસા તેમના કહ્યા પ્રમાંણે મોઆબની ભૂમિમાં મૃત્યુ પામ્યો. 6 તેને એ જ મોઆબની ભૂમિમાં બેથપેઓરની સામેની કોઈ ખીણમાં દફનાવવામાં આવ્યો, પરંતુ આજ સુધી કોઈને તેની કબરની ખબર નથી. 7 મૂસા મૃત્યુ પામ્યો ત્યારે તેની ઉમર 120 વર્ષની હતી. તેના શરીરે શકિત ગુમાંવી ન હતી કે તેની આંખોની શકિત ઓછી થઈ નહોતી. 8 મોઆબના મેદાનમાં ઇસ્રાએલીઓએ ત્રીસ દિવસ સુધી મૂસાના મૃત્યુનો શોક પાળ્યો. અને ત્યાર બાદ શોકના દિવસો પૂરા થયા.
નવો આગેવાન યહોશુઆ
9 નૂનનો પુત્ર યહોશુઆ જ્ઞાનના આત્માંથી ભરપૂર હતો, કારણ કે મૂસાએ તેના મસ્તક પર પોતાનો હાથ મૂકયો હતો, તેથી ઇસ્રાએલી લોકો યહોશુઆને આધિન રહેતા અને યહોવાએ મૂસા દ્વારા આપેલી આજ્ઞાઓ પાળતા હતા.
10 ત્યાર બાદ ઇસ્રાએલમાં મૂસા જેવો કોઈ બીજો પ્રબોધક થયો નથી; યહોવાએ તેને પ્રત્યક્ષ દર્શન આપી તેની સાથે વાતો કરી હતી. 11 મિસરના દેશમાં ફારુન અને તેના અમલદારો તથા સમગ્ર દેશ વિરુદ્ધ યહોવાએ તેની પાસે જે ચમત્કારો અને પરચાઓ કરાવ્યા તેવા બીજા કોઈ પ્રબોધકે કર્યા નથી. 12 સમગ્ર ઇસ્રાએલી પ્રજાના દેખતાં તેમણે જે મહાન અને આશ્ચર્યજનક કૃત્યો કર્યા, તેવાં કૃત્યો અન્ય કોઈ પ્રબોધક કરી શકયો નથી.
ભાગ ચોથો
(ગીત 90–106)
દેવના ભકત મૂસાની પ્રાર્થના.
1 હે દેવ, સર્વ પેઢીઓમાં તમે અમારું નિવાસસ્થાન થયા છો.
2 તમે પૃથ્વી અને જગતને રચ્યાં હતાં અને પર્વતો ઉત્પન્ન થયા હતાં;
તે પહેલાંથી તમે જ દેવ છો;
તમારી શરૂઆત નથી કે અંત નથી.
3 તમે મનુષ્યોને ધૂળમાં પાછા લઇ જાઓ છો,
અને કહો છો; મનુષ્યપુત્રો પાછા ફરો.
4 કારણ, તમારી દ્રષ્ટિમાં હજાર વર્ષો વીતી ગયેલી કાલના જેવાં છે!
અને રાતના એક પહોર જેવાં છે!
5 તમે અમને, પાણીના પ્રવાહની જેમ ઘસડી જાઓ છો;
અમારું જીવન એક સ્વપ્ન જેવું છે,
અને સવારમાં અમે જોઇ ચૂક્યા હોઇએ છીએ કે અમે ઘાસ જેવાં છીએ.
6 તે સવારે ખીલે છે અને વધે છે;
સાંજે સૂકાઇ જાય છે ને પછી ચીમળાય છે.
13 હે યહોવા, અમારી પાસે પાછા આવો;
પાછા આવો અને તમારા સેવકોને દિલાસો આપો.
14 પ્રત્યેક સવારે અમને તમારી કૃપાથી ભરી દો.
જેથી અમે અમારા સર્વ દિવસો સુખ અને આનંદમાં વિતાવીએ.
15 અમારા અગાઉનાં દુ:ખોનાં પ્રમાણમાં અમને વધુ આનંદ આપો;
અમારી પીડાના વરસોના બદલામાં અમને સારા વર્ષો આપો.
16 તમારા સેવકોને ફરીથી, તમારા ચમત્કારો દેખાડો;
અને તમારો મહિમા તેઓના પુત્રો પર દેખાડો.
17 અમારા યહોવા દેવની કૃપા અમારા પર થાઓ;
અને અમને સફળતા આપો;
અમારાં સર્વ કૃત્યોને તમે કાયમ માટે સ્થાપન કરો.
થેસ્સાલોનિકામાં પાઉલનું કામ
2 ભાઈઓ અને બહેનો, તમે જાણો છો કે અમારી તમારી સાથેની મુલાકાત નિષ્ફળ નહોતી નીવડી. 2 અમે તમારી પાસે આવ્યા તે પહેલા, ફિલિપ્પીમાં અમારે ઘણું સહન કરવું પડયું હતું, ત્યાંના લોકો અમારા વિષે ઘણા કટુવચનો બોલ્યા. તમે આ બધા વિષે જાણો છો. અને અમે જ્યારે તમારી પાસે આવ્યા ત્યારે, ઘણા લોકો અમારી વિરૂદ્ધ હતા. પરંતુ આપણા દેવે અમને હિંમતવાન બનાવ્યા અને દેવ તેની સુવાર્તા તમને કહેવામાં અમને મદદરુંપ થયો. 3 અમે લોકોને બોધ આપીએ છીએ. કોઈએ પણ અમને મૂર્ખ બનાવ્યા નથી. અમે દુષ્ટ નથી. અમે લોકોને છેતરવાનો પ્રયત્ન કરતાં નથી. અમે જે કરીએ છીએ તે માટે અમારા કારણો નથી. 4 ના. અમે સુવાર્તા આપીએ છીએ કારણ કે સુવાર્તા આપવા માટે દેવે અમારી પરીક્ષા કરી છે અને અમારા પર વિશ્વાસ મૂક્યો છે. તેથી જ્યારે અમે બોલીએ છીએ ત્યારે દેવને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરીએ છીએ, નહિ કે માણસોને. દેવ એ એક છે જે અમારાં હૃદયોનો પારખનાર છે.
5 તમે જાણો છો કે તમારા વિષે સારું બોલીને તમારી પ્રશંસા કરવાનો અમે કદ્દી પ્રયત્ન કર્યો નથી. અમારે તમારા પૈસા નથી જોઈતા કે તમારા થકી અમારે અમારો કોઈ સ્વાર્થ છુપાવાનો નથી. દેવ જાણે છે કે આ સત્ય છે. 6 અમે લોકો તરફથી, તમારા તરફથી, કે બીજા કોઈ તરફથી પ્રસંશાની અપેક્ષા નથી રાખતા.
7 અમે ખ્રિસ્તના પ્રેરિતો છીએ. અને તેથી અમે જ્યારે તમારી પાસે હતા ત્યારે, તમારી પાસે અમુક કામ કરાવવા માટે અમે અમારી સત્તાનો ઉપયોગ કરી શક્યા હોત. પરંતુ જે રીતે એક મા પોતાના બાળકનું જતન કરે છે, તે રીતે અમે તમારા પ્રત્યે વિનમ્ર વર્તાવ કરેલો. 8 અમે તમને બહુ પ્રેમ કર્યો. તેથી અમે દેવની સુવાર્તામાં તમારી સાથે સહભાગી થતા હતા તે એક આનંદ હતો એટલું જ નહિ; અમે અમારા જીવનની સાથે તમારા જીવનમાં સહભાગી તથા પ્રસન્ન થયા હતા.
સહુથી મોટી આજ્ઞા કઈ છે?
(માર્ક 12:28-34; લૂ. 10:25-28)
34 ફરોશીઓએ જાણ્યું કે ઈસુએ પોતાના ઉત્તરથી સદૂકીઓને બોલતા બંધ કરી દીઘા તેથી તેઓ એકત્ર થયા. 35 એક ફરોશી જે શાસ્ત્રી હતો. તેણે ઈસુને ફસાવવા એક પ્રશ્ર્ન પૂછયો. 36 “ઓ ઉપદેશક, નિયમશાસ્ત્રમાં સહુથી મોટી આજ્ઞા કઈ છે?”
37 ઈસુએ ઉત્તર આપ્યો, “‘પ્રભુ તારા દેવ પર, તું તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી અને તારા પૂરા મનથી પ્રીતી કર.’(A) 38 આ પહેલી અને સૌથી મોટી આજ્ઞા છે. 39 બીજી મોટી આજ્ઞા પણ એવી જ છે. ‘તું જેવો પ્રેમ તારા પર કરે છે તેવો જ પ્રેમ તારા પડોશી પર કર.’(B) 40 આખા નિયમશાસ્ત્ર અને પ્રબોધકોના લખાણોનો પાયો આ બે આજ્ઞાઓમાં સમાયેલો છે. આ બે આજ્ઞાઓને પાળશો તો તમે બીજી સર્વ આજ્ઞાઓ પાળશો.”
ઈસુનો ફરોશીઓને પ્રશ્ર
(માર્ક 12:35-37; લૂ. 20:41-44)
41 જ્યારે બધા ફરોશીઓ ભેગા થયા હતા ત્યારે, ઈસુએ તેઓને પ્રશ્ન પૂછયો. 42 ઈસુએ કહ્યું, “મસીહ વિષે તમે શું માનો છો? તે કોનો દીકરો છે?”
તેઓએ ઉત્તર આપ્યો, “તે દાઉદનો દીકરો છે.”
43 ઈસુએ તેઓને ફરીથી પ્રશ્ન કર્યો, “તો પછી પવિત્ર આત્માની પ્રેરણાથી દાઉદ તેને ‘પ્રભુ’ કેમ કહે છે.
44 ‘પ્રભુએ (દેવે) મારા પ્રભુને (ખ્રિસ્ત) કહ્યું કે:
જ્યાં સુધી તારા શત્રુંઓ તારા નિયંત્રણ હેઠળ છે;
ત્યાં સુધી તું મારી જમણી બાજુ બેસ.’(C)
45 દાઉદે તેને ખ્રિસ્ત પ્રભુ કહ્યો તો એ તેનો દીકરો કેવી રીતે હોઈ શકે?”
46 ઉત્તરમાં કોઈ કશું જ બોલી શક્યા નહિ. તે સમય પછી તેઓએ બીજા પ્રશ્નો પૂછવાની કોઈએ હિંમત કરી નહિ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International