Revised Common Lectionary (Semicontinuous)
ભાગ ચોથો
(ગીત 90–106)
દેવના ભકત મૂસાની પ્રાર્થના.
1 હે દેવ, સર્વ પેઢીઓમાં તમે અમારું નિવાસસ્થાન થયા છો.
2 તમે પૃથ્વી અને જગતને રચ્યાં હતાં અને પર્વતો ઉત્પન્ન થયા હતાં;
તે પહેલાંથી તમે જ દેવ છો;
તમારી શરૂઆત નથી કે અંત નથી.
3 તમે મનુષ્યોને ધૂળમાં પાછા લઇ જાઓ છો,
અને કહો છો; મનુષ્યપુત્રો પાછા ફરો.
4 કારણ, તમારી દ્રષ્ટિમાં હજાર વર્ષો વીતી ગયેલી કાલના જેવાં છે!
અને રાતના એક પહોર જેવાં છે!
5 તમે અમને, પાણીના પ્રવાહની જેમ ઘસડી જાઓ છો;
અમારું જીવન એક સ્વપ્ન જેવું છે,
અને સવારમાં અમે જોઇ ચૂક્યા હોઇએ છીએ કે અમે ઘાસ જેવાં છીએ.
6 તે સવારે ખીલે છે અને વધે છે;
સાંજે સૂકાઇ જાય છે ને પછી ચીમળાય છે.
13 હે યહોવા, અમારી પાસે પાછા આવો;
પાછા આવો અને તમારા સેવકોને દિલાસો આપો.
14 પ્રત્યેક સવારે અમને તમારી કૃપાથી ભરી દો.
જેથી અમે અમારા સર્વ દિવસો સુખ અને આનંદમાં વિતાવીએ.
15 અમારા અગાઉનાં દુ:ખોનાં પ્રમાણમાં અમને વધુ આનંદ આપો;
અમારી પીડાના વરસોના બદલામાં અમને સારા વર્ષો આપો.
16 તમારા સેવકોને ફરીથી, તમારા ચમત્કારો દેખાડો;
અને તમારો મહિમા તેઓના પુત્રો પર દેખાડો.
17 અમારા યહોવા દેવની કૃપા અમારા પર થાઓ;
અને અમને સફળતા આપો;
અમારાં સર્વ કૃત્યોને તમે કાયમ માટે સ્થાપન કરો.
યહોવાની છેલ્લી સૂચનાઓ
14 પછી યહોવાએ મૂસાને કહ્યું, “તારા મૃત્યુનો સમય નજીક આવી રહ્યો છે. યહોશુઆને બોલાવ અને તમે બંને મુલાકાત મંડપમાં માંરી પાસે આવો, જેથી હું તને માંરો આદેશ આપી શકું.” તેથી મૂસા અને યહોશુઆ ગયા અને મુલાકાત મંડપમાં ઉભા રહ્યાં.
15 મુલાકાત મંડપના પ્રવેશદ્વાર પાસે યહોવાએ મેઘસ્તંભમાં દર્શન આપ્યા. 16 યહોવાએ મૂસાને કહ્યું, “તારા પિતૃઓની જેમ તું પણ હવે મરવાની અણી પર છે. આ લોકો જે દેશમાં જઈ રહ્યા છે તેમાં જઈ વિદેશીઓ ભેગા રહેશે એટલે માંરા પ્રત્યેની ભકિતથી ચલિત થઈને તેઓ તે લોકોના દેવોની પૂજા કરવા માંડશે, મને છોડી દેશે અને મેં તેમની સાથે કરેલા કરારનો તેઓ ભંગ કરશે. 17 ત્યારે માંરો કોપ તે લોકો પર ભભૂકી ઊઠશે અને હું તેઓને તજી દઈશ. અને તેમનાથી વિમુખ થઈ જઈશ. તેમના પર અનેક આફતો અને સંકટો ઊતરશે અને તેઓને ભરખી જશે, ત્યારે તેઓ કહેશે કે, ‘આપણા દેવ આપણી વચ્ચે નથી તેથી આ બધા સંકટો આપણા પર આવે છે.’ 18 પણ અન્ય દેવોની પૂજા કરીને તેઓએ કરેલાં પાપને કારણે હું તેમનાથી તે દિવસે માંરું મુખ તેઓથી સંતાડીશ.
19 “હવે આ ગીત તું લખી લે, અને પછી તું તે ઇસ્રાએલીઓને શીખવજે, તેમનો તે શીખવા અને રટણ કરવા કહે કે જેથી આ ગીત માંરા માંટે તેમની વિરુદ્ધ સાક્ષી તરીકે ઉભુ રહેશે. 20 જે દેશ મેં એમના પિતૃઓને આપવાનું વચન આપ્યું હતું ત્યાં હું તેમને લઈ જઈશ ત્યારે તે દૂધ અને મધથી ઉભરાતો હશે, તેઓને જેટલું ખાવું હોય તેટલું ખાશે, કે જ્યાં સુધી સંપૂર્ણ તૃપ્ત ન થાય. અને તેઓ અન્ય દેવો તરફ વળી જઈને તેમની પૂજા કરશે, એમ તેઓ માંરી અવજ્ઞા કરીને માંરા કરારનો ભંગ કરશે. 21 અને તેઓના પર ભયંકર વિનાશ આવી પડે ત્યારે આ ગીત તે લોકોને તેમના દુ:ખનું કારણ યાદ કરાવશે. (કારણ કે આ ગીત પેઢી દર પેઢી ગવાશે.) તેઓ તે દેશમાં પ્રવેશે તે અગાઉ હું જાણું છું કે, આ લોકો કેવા મનસૂબા ઘડે છે.”
22 તેથી તે જ દિવસે મૂસાએ એ ગીતના શબ્દો લખી લીધા અને તે ઇસ્રાએલીઓને શીખવ્યું.
ક્રીત ટાપુમાં તિતસનું કાર્ય
5 તને ક્રીત ટાપુ પર એટલા માટે રાખ્યો છે કે ત્યાં જે કાર્યો કરવાની જરૂર છે, તે તું પરિપૂર્ણ કરી શકે અને મેં તને ત્યાં એટલા માટે પણ રાખ્યો છે કે જેથી કરીને દરેક નગરમાં માણસોની વડીલો તરીકે તું પસંદગી કરી શકે. 6 વડીલ થવા માટે એ વ્યક્તિ કોઈ પણ ખરાબ કામ માટે અપરાધી ઠરેલી ન હોવી જોઈએ. એ માણસને એક જ પત્ની હોવી જોઈએ. તેનાં બાળકો વિશ્વાસી હોવાં જોઈએ. તેનાં બાળકો ઉદ્ધત અને આજ્ઞાનું ઉલ્લંઘન કરનારાં હોવાં ન જોઈએ. 7 દેવના કાર્યની સંભાળ રાખવાનું કામ એ અધ્યક્ષનું છે. તેથી કોઈ પણ ખરાબ કાર્યનો તે ગુનેગાર હોવો ન જોઈએ. તે વ્યક્તિ એવી ન હોવી જોઈએ કે જે અભિમાની અને સ્વાર્થી હોય, અથવા તો જે વારંવાર ગુસ્સે થઈ જતી હોય. તેણે અતિશય મદ્યપાન ન કરવું જોઈએ. તે વ્યક્તિ એવી ન હોવી જોઈએ જેને ઝઘડા પસંદ હોય. અને તે વ્યક્તિ એવી તો ન હોવી જોઈએ જે કે હમેશાં લોકોને છેતરીને ધનવાન થવાનો પ્રયત્ન કરતી હોય. 8 વડીલ તો એવો હોવો જોઈએ કે જે લોકોને પોતાના ઘરમાં આવકારવા અને તેઓને મદદ કરવા હંમેશા આતુર હોય. જે કંઈ સત્કર્મ હોય તેનો તે ચાહક હોવો જોઈએ. તે વિવેકબુદ્ધિ ઘરાવતો હોવો જોઈએ. તેણે ન્યાયી જીવન જીવવું જોઈએ. તે પવિત્ર જ હોવો જોઈએ, તે પોતાની જાત પર અંકુશ રાખી શકતો હોવો જોઈએ. 9 આપણે જે સત્યનો ઉપદેશ આપીએ છીએ તેનું તે પોતે પણ વફાદારીપૂર્વક પાલન કરતો હોવો જોઈએ. તે વડીલમાં સારા કે શુદ્ધ ઉપદેશ દ્વારા લોકોને સહાય કરવાની ક્ષમતા હોવી જોઈએ. જે લોકો સાચા શિક્ષણથી વિમુખ હોય તેઓ ખોટા છે, એવું તેઓને સ્પષ્ટ કહેવા શક્તિમાન હોવો જોઈએ.
10 એવા અનેક લોકો છે કે જે આજ્ઞાનું પાલન કરતા નથી-એવા લોકો કે જે નકામી બાબતો વિષે ચર્ચા કર્યા કરતા હોય અને બીજા લોકોને ખોટા માર્ગે દોરતા હોય છે. હું ખાસ તો એવા લોકો વિષે ઉલ્લેખ કરવા માગું છું કે જેઓ એમ કહેતા ફરે છે કે સૌ બિનયહૂદિ લોકોની સુન્નત કરવી જ જોઈએ. 11 વડીલ એવો હોવો જોઈએ કે જે એવા લોકોને સ્પષ્ટ બતાવી શકે કે તેઓની માન્યતા ખોટી છે, અને તેઓને નકામી બાબતો વિષે બોલતા બંધ કરી દે. જેનો ઉપદેશ તેઓએ આપવા જેવો નથી એવી બાબતનો ઉપદેશ આપીને તે લોકો આખા કુટુંબનો નાશ કરી રહ્યા છે. તેઓ લોકોને માત્ર છેતરવા અને પૈસા બનાવવા એવું બધું શીખવી રહ્યા છે. 12 એમના જ ક્રીત ટાપુના તેઓના પોતાના પ્રબોધકોમાંના એકે આમ કહ્યું પણ છે કે, “ક્રીતના લોકો તો હંમેશા જૂઠું બોલનારા હોય છે, તેઓ જંગલી પશુઓ જેવા અને આળસુ છે કે જેઓ ખાવા સિવાય બીજું કંઈ કરતા નથી.” 13 એ પ્રબોધકે કહેલા શબ્દો સાચા છે. તેથી તું એ લોકોને કહે કે તેઓ ખોટા છે. તારે એમની સાથે કડક થવું જ પડશે. તો જ એમનો વિશ્વાસ દૃઢ થશે. 14 ત્યારબાદ તેઓ યહૂદી વાર્તાઓને માની લેવાનું બંધ કરશે. અને જે લોકો સત્યને સ્વીકારતા નથી તેઓ આદેશોને અનુસરવાનું પણ તેઓ બંધ કરશે.
15 જે લોકો પોતે શુદ્ધ છે, તેઓના માટે તો બધી વસ્તુઓ શુદ્ધ હોય છે. પરંતુ પાપથી ભરેલા અને અવિશ્વાસીઓને માટે કંઈ પણ શુદ્ધ હોતું નથી. ખરેખર, એ લોકોના વિચારો દુષ્ટ બન્યા છે અને સત્ય શું છે તે જાણવા તેઓનું જ્ઞાન નષ્ટ થઈ ગયુ છે. 16 એ લોકો તો એમ કહેતા હોય છે કે તેઓ દેવને જાણે છે, ઓળખે છે. પરંતુ એ લોકો જે ખરાબ કાર્યો કરે છે તે બતાવે છે કે તેઓ દેવનો નકાર કરે છે. તેઓ તો ભયંકર લોકો છે, તેઓ દેવની આજ્ઞાનો ભંગ કરે છે, અને તેઓ કોઈ પણ સારાં કામને માટે નકામા છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International