Revised Common Lectionary (Semicontinuous)
સોનાનું વાછરડું
32 મૂસાને પર્વત પરથી આવવામાં વિલંબ થતો જોઈને લોકોએ હારુન પાસે ભેગા થઈને કહ્યું, “ચાલ, અમને દોરવણી આપવા માંટે દેવ બનાવ. કારણ કે મિસરમાંથી અમને અહીં લઈ આવનાર મૂસા હવે અદ્રશ્ય થઈ ગયો છે; તેનું શું થયું એની અમને ખબર પડતી નથી.”
2 એટલે હારુને તેમને કહ્યું, “તમાંરી પત્નીઓ અને પુત્રપુત્રીઓના કાનમાંથી સોનાની કડીઓ કાઢી માંરી પાસે લાવો.”
3 તેથી તેઓએ પુરુષો; સ્ત્રીઓ, છોકરાઓ અને છોકરીઓએ તેમ કર્યુ. 4 હારુને કડીઓ લઈને તે ઓગાળી અને ધાતુના બીબામાં ઢાળીને એક વાછરડાંની મૂર્તિ બનાવી એટલે લોકો બોલી ઊઠયા, “ઇસ્રાએલીઓ! આ રહ્યા તમાંરા દેવ, જે તમને મિસર દેશમાંથી બહાર લઈ આવ્યા હતા.”
5 હારુને જોયું કે લોકો બહુ આનંદમાં આવી ગયા છે, તેથી તેની આગળ હારુને વેદી બાંધી અને એવી જાહેરાત કરી કે, “આવતી કાલે યહોવાના માંનમાં ઉત્સવ થશે.”
6 બીજે દિવસે સવારમાં વહેલા ઊઠીને લોકોએ દહનાર્પણો અને શાંત્યર્પણો ચઢાવ્યાં અને ત્યાર પછી તેઓએ ખાધું પીધું અને મોજમજા કરવા લાગ્યા.
7 પછી યહોવાએ મૂસાને કહ્યું, “તરત નીચે જા, કારણ, તારા લોકો, જેમને તું મિસરમાંથી બહાર લઈ આવ્યો છે, તેઓ એ ભયંકર પાપ કર્યુ છે. 8 મેં તેમને જે માંર્ગે ચાલવાની આજ્ઞા કરી હતી તેનાથી આટલા વહેલા તેઓ ફરી ગયા છે. તેમણે પોતાના માંટે એક વાછરડાની મૂર્તિ બનાવી છે અને તેને પગે લાગીને તેને ભોગ ધરાવીને એમ બોલ્યા છે કે, ‘હે ઇસ્રાએલના પુત્રો, આ રહ્યા તમાંરા દેવ, જે તમને લોકોને મિસરમાંથી બહાર લઈ આવ્યા હતા.’”
9 પછી યહોવાએ કહ્યું, “મને ખબર પડી છે કે આ લોકો કેટલા બધા હઠીલા અને બળવાખોર છે. 10 એટલે હવે તમે મને અટકાવશો નહિ, એમના પર માંરો ક્રોધ ભભૂકી ઊઠયો છે અને હું તેમનો નાશ કરીશ, અને તેઓના સ્થાને હે મૂસા, હું તમાંરામાંથી મહાન પ્રજા પેદા કરીશ.”
11 પરંતુ મૂસાએ યહોવા દેવને વિનંતી કરી કે તે તેમ ન કરે; તેણે આજીજી કરીને કહ્યું, “હે દેવ યહોવા, શા માંટે તારે તારા આ લોકો ઉપર ક્રોધ કરવો જોઈએ? તું તો એ લોકોને તારા બાહુના અપૂર્વ સાર્મથ્યથી મિસરમાંથી બાહર લાવ્યો હતો; 12 શું તમે એમ ઈચ્છો છો કે મિસરવાસીઓ કહે, ‘દેવ તેઓને ફસાવીને પર્વતો મધ્યે લઈ ગયા છે, જેથી તે તેઓનો સંહાર કરે, અને પૃથ્વીની સપાટી પરથી સદંતર સમાંપ્ત કરે?’ તમાંરા ક્રોધને ઠંડો પાડો અને તમાંરા લોકોનું ખોટું કરવાનું છોડી દો. 13 તમાંરા સેવકો, ઈબ્રાહિમ, ઈસહાક અને ઇસ્રાએલને આપેલું તમાંરું વચન યાદ કરો. અને તમે વચન કહ્યું હતું, ‘આકાશના તારા જેટલા હું તારા સંતાન વધારીશ. અને તારા વંશજોને જે દેશ આપવાનું મેં વચન આપ્યું છે તે સમગ્ર દેશ હું તેઓને આપીશ, તેઓનો સદાનો વારસો થશે. અને તેઓ સદાસર્વદા તેના વારસદાર બનશે.’”
14 તેથી યહોવાએ પોતાના લોકોનું ખોટું કરવાનો જે વિચાર કર્યો હતો તે જતો કર્યો.
1 યહોવાની સ્તુતિ કરો!
યહોવાનો આભાર માનો, કારણકે તે ભલા છે,
તેમનો સાચો પ્રેમ સદાકાળ છે!
2 યહોવાના મહાન કૃત્યો કોણ વર્ણવી શકે?
તેમની સંપૂર્ણ સ્તુતિ કોણ કરી શકે?
3 ધન્ય છે તેઓને જેઓ ન્યાયને અનુસરે છે,
અને હંમેશા જે સાચું છે તે જ કરે છે.
4 હે યહોવા, તમે તમારા લોકો પર કૃપા કરો;
ત્યારે મને યાદ રાખશો, અને તમે જેઓને બચાવ્યાં છે તે લોકોમાં મારો સમાવેશ કરવાનું યાદ રાખશો.
5 જેથી તમારા પસંદ કરેલાઓનું કલ્યાણ હું જોઉં;
તમારી પ્રજાનાં આનંદમાં હું પણ આનંદ માણું;
અને તમારા વારસોની સાથે
હું હર્ષનાદ કરું.
6 અમારા પિતૃઓની જેમ અમે પણ પાપ કર્યુ છે;
અન્યાય કર્યા છે, અમે દુષ્ટતા કરી છે.
19 તેઓએ સિનાઇ પર્વત પર હોરેબ આગળ વાછરડો બનાવ્યો;
અને એ મૂર્તિની પૂજા કરી.
20 તેઓએ આ પ્રમાણે તેમના મહિમાવંત દેવને બદલી નાખ્યા,
ઘાસ ખાનાર ગોધાની પ્રતિમા પસંદ કરીને!
21 આ રીતે તેઓ, પોતાના ચમત્કારીક કાર્યો
વડે મિસરમાં બચાવનાર દેવને ભૂલી ગયાં!
22 તેઓ “આ લાલ સમુદ્ર પાસે કરેલા ભયંકર કામો
અને પોતાના તારનાર દેવને ભૂલી ગયાં.”
23 યહોવાએ તેમનો વિનાશ કરવો હતો પણ મૂસા,
દેવનો પસંદ કરેલો, દેવના વિનાશી કોપને શાંત પાડવા તેમની સામે ઊભો રહ્યો.
અને મૂસાએ તેમને રોક્યા,
જેથી તેમણે લોકોનો વિનાશ ન કર્યો.[a]
કેટલીક કરવાની વસ્તુઓ
4 મારા પ્રિય ભાઈઓ અને બહેનો, હું તમને ચાહું છું અને તમને મળવા ઈચ્છુ છું. તમારા કારણે મને આનંદ થાય છે અને મને તમારું ગૌરવ છે. મારા કહ્યા પ્રમાણે તમે પ્રભુને અનુસરવાનુ ચાલુ રાખજો.
2 હું યૂવદિયા અને સુન્તુખેને, પ્રભુમાં એક ચિત્તના થવા કહું છું. 3 અને તમે મારા મિત્રો જેણે મારી સાથે વફાદારીપૂર્વક સેવા કરી છે, તેથી આ સ્ત્રીઓને મદદ કરવાનું હું તમને કહું છું. આ સ્ત્રીઓએ સુવાર્તાના પ્રચારમાં મારી સાથે કામ કર્યુ છે. તેઓ કલેમેન્ત અને બીજા લોકો જે મારી સાથે કામ કરતાં હતા તેઓની સાથે કામ કર્યુ છે. જીવનના પુસ્તકમા[a] તેઓનાં નામ લખાઈ ચુક્યાં છે.
4 પ્રભુમાં સદા આનંદ કરો; હું ફરીથી કહું છું કે આનંદ કરો.
5 દરેક લોકોને જાણવા દો કે તમે નમ્ર અને માયાળુ છો. પ્રભુ જલદી આવે છે. 6 કશાની ચિતા ન કરશો. પરંતુ તમારે જે કોઈ જોઈએ છે તે દેવ પાસે માંગો અને પ્રાર્થના કરો. અને જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે હમેશા આભારસ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો. 7 પ્રભુની શાંતિ ઈસુ ખ્રિસ્તમાં તમારા હૃદય અને મનનું રક્ષણ કરશે. તે શાંતિ એટલી મહાન છે કે જેને પ્રભુએ આપેલી છે જે આપણે સમજી શકીએ તેમ નથી.
8 ભાઈઓ અને બહેનો, જે વસ્તુ સારી છે અને ધન્યવાદને પાત્ર છે તેના વિષે વિચારવાનું ચાલુ રાખો, જે વસ્તુઓ સત્ય છે, સન્માનીય છે, યથાર્થ અને શુદ્ધ છે, સુંદર અને આદરણીય છે તેનો જ વિચાર કરો. 9 તમે મારા દ્વારા શીખેલા અને મેળવેલાં કાર્ય કરો. મેં તમને કહેલું અને તમે જે કરતા મને જોયો તે સર્વ કરો. અને શાંતિનો દેવ તમારી સાથે રહેશે.
ભોજન માટે નિમંત્રણ આપેલ લોકો વિષે વાર્તા
(લૂ. 14:15-24)
22 ઈસુએ લોકોને સમજાવવા માટે બીજી દૃષ્ટાંત વાર્તાઓ કહીં: 2 “આકાશનું રાજ્ય એક રાજા જેવું છે કે જેણે પોતાના દીકરાના લગ્ન પ્રસંગે ભોજન સમારંભ ગોઠવ્યો હોય. 3 રાજાએ કેટલાક માણસોને ભોજન માટે નિમંત્રણ આપ્યું. ભોજન તૈયાર થયું એટલે રાજાએ જમવા માટે લોકોને બોલાવવા તેના નોકરોને મોકલ્યા પણ લોકોએ રાજાના સમારંભમાં આવવાની ના પાડી.
4 “પછી રાજાએ બીજા વધારે નોકરો મોકલ્યા, રાજાએ નોકરોને કહ્યું, ‘જે લોકોને નિમંત્રણ આપ્યું છે તેમને કહો કે ભોજન તૈયાર છે. મેં મારા સારામાં સારા બળદ અને વાછરડાંને મારીને ભોજન તૈયાર કર્યુ છે. બધુ જ તૈયાર છે માટે લગ્ન નિમિત્તેના ભોજનસમારંભમાં આવો.’
5 “નોકરો ગયા અને લોકોને ભોજન માટે આવવાનું કહ્યું, પણ લોકોએ નોકરોને સાંભળવાની ના પાડી દીઘી, તેઓ પોતાના બીજા કામે ચાલ્યા ગયા. એક પોતાના ખેતરમાં કામ કરવા ચાલ્યો ગયો. જ્યારે બીજો પોતાના ધંધા પર ચાલ્યો ગચો. 6 થોડા બીજાઓએ નોકરોને પકડ્યા, તેમને માર્યા અને મારી નાંખ્યા. 7 રાજા ખૂબ ગુસ્સે થયો અને રાજાએ તેનું લશ્કર મોકલ્યું. તેઓએ પેલા લોકોને મારી નાખ્યા. અને તેમના શહેરને બાળી નાખ્યું.
8 “પછી, રાજાએ તેના નોકરોને કહ્યું, ‘લગ્નો ભોજનસમારંભ તૈયાર છે, મેં જે લોકોને નિમંત્રણ આપ્યું છે તેઓ ભોજનસમારંભમાં આવવા માટે યોગ્ય ન હતા. 9 તેથી હવે તમે શેરીઓના ખૂણેખૂણામાં જાઓ અને જે લોકોને જુઓ તે દરેકને લગ્ના ભોજનસમાંરભમાં આવવાનું કહો.’ 10 તેથી નોકરો શેરીઓમાં ગયા. તેઓને જે લોકો મળ્યા તે દરેક સારા નરસા માણસોને લગ્નના ભોજન સમારંભમાં બોલાવી લાવ્યા. આખો ભોજનખંડ માણસોથી ભરાઈ ગયો.
11 “પણ જ્યારે રાજા મહેમાનોને જોવા અંદર આવ્યો ત્યારે એક માણસ તેણે જોયો કે જેણે લગ્નને લાયક કપડા પહેર્યા નહોતાં. 12 રાજાએ તેને પૂછયું, ‘હે મિત્ર, લગ્ને લાયક વસ્ત્ર પહેર્યા વગર તું કેવી રીતે અહીંયાં આવ્યો?’ પણ પેલા માણસે કાંઈ ઉત્તર આપ્યો નહિ. 13 એટલે રાજાએ તેના નોકરોને કહ્યું, ‘આ માણસના હાથ અને પગ બાંધી દો અને તેને અંધારામાં ફેંકી દો જ્યાં લોકો રડશે અને દાંત પીસશે.’
14 “કેમકે આમંત્રિતો ઘણા છે પણ પસંદ કરાયેલા થોડા છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International