Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 આકાશો દેવનાં મહિમા વિષે કહે છે.
અંતરિક્ષ તેના હાથે સર્જન થયેલી અદ્ભુત વસ્તુઓ વિષે કહે છે.
2 પ્રત્યેક નવો દિવસ તેના સર્જનની સાચી વધારે વાતો કહે છે.
દરેક રાત દેવના સાર્મથ્ય વિષે વધારે કહે છે.
3 ત્યાં વાણી નથી અને ત્યાં શબ્દો નથી.
કોઇ અવાજ સંભળાતો નથી,
4 પણ તેમનો “અવાજ” આખી પૃથ્વી પર જાય છે,
સમગ્ર જગત તેના છેડાઓ સુધી તેમના “શબ્દો” સાંભળે છે.
તેમણે સૂર્ય માટે એક મંડપ નાખ્યો છે.
5 તે સૂર્ય પોતાના ઓરડામાંથી પરણવા નીકળતા વરરાજા જેવો છે,
તે દોડની સ્પર્ધાના આનંદિત,
તેજસ્વી અને બળવાન ખેલાડી જેવો છે.
6 તે આકાશને એક છેડેથી નીકળી
અને તેના બીજા છેડા સુધી પરિક્રમણ કરે છે.
તેની ઉષ્ણતા પામ્યા વિના કોઇ બાકી રહી જતું નથી.
7 યહોવાના પવિત્ર વચનો સંપૂર્ણ છે.
તે આત્માને તાજગી આપે છે.
યહોવાની સાક્ષી, ખરેખર વિશ્વાસપાત્ર છે.
તે મૂર્ખને ડાહ્યાં થવા માટે મદદ કરે છે.
8 યહોવાના વિધિઓ યથાર્થ છે.
તેઓ હૃદયને ભરપૂર આનંદ આપે છે.
યહોવાની આજ્ઞાઓ નિર્મળ છે.
જે આંખોને પ્રકાશ આપે છે.
9 યહોવા માટેનો ભય શુદ્ધ
અને અનાદિ છે.
યહોવાના ઠરાવો નિષ્પક્ષ અને સાચા છે.
તેઓ સંપૂર્ણપણે ન્યાયી છે.
10 તે શુદ્ધ સોના કરતાં પણ વધુ પસંદ કરવા યોગ્ય છે.
વળી મધપૂડાનાં ટીંપાં કરતાંય તે ખરેખર વધારે મીઠાં છે.
11 કારણ, તમારો ઉપદેશ તેના સેવકોને ચેતવણી આપે છે
અને જેઓ તેનું સદા પાલન કરે છે તેઓને સફળતા આપે છે.
12 મારા હૃદયમાં છુપાયેલા પાપોને હું જાણી શકતો નથી,
છાની રીતે કરેલા પાપોમાંથી મને શુદ્ધ કરો અને મુકત કરો.
13 મને કોઇનું ખરાબ કરવાના વિચારો અને પાપથી દૂર રાખો અને તેમ કરતા અટકાવો.
મને ખરાબ કાર્ય ન કરવા માટે તમે સહાય કરો.
ત્યારે જ હું દોષમુકત અને પૂર્ણ થઇશ
અને મહાપાપ કરવામાંથી બચી જઇશ.
14 હે મારા રક્ષક અને ઉદ્ધારક યહોવા;
મારા મુખના શબ્દો, તથા હૃદયનાં વિચારો તમારી સમક્ષ માન્ય રાખો.
વિશીષ્ટ પર્વો
10 “અને છ વર્ષ પર્યંત તમાંરે ખેતરમાં વાવેતર કરવું અને તેની ઊપજ એકત્રીત કરવી. 11 પણ તમાંરે સાતમે વર્ષે કશુંય વાવ્યા વિના જમીન પડતર રહેવા દેવી. જમીનને એક વર્ષ આરામ કરવા દેવો. જે કઈ ઉગે વાવ્યા વગર તે વર્ષે તે ગરીબોને લેવા દેવું અને વધેલું વનનાં પશુઓ ખાઈ શકે. વળી તમાંરે તમાંરી દ્રાક્ષની અને જૈતૂનની વાડીમાં પણ આ પ્રમાંણે કરવું.
12 “તમાંરે છ દિવસ કામ કરવું પણ સાતમે દિવસે વિશ્રામ કરવો, જેથી તમાંરા બળદને અને ગધેડાને આરામ મળે અને તમાંરા ઘરમાં કામ કરતા દાસ-દાસી અને પરદેશી આરામ કરીને તાજા થાય.
13 “અને મેં જે બધું તમને કહ્યું છે તેનું ધ્યાન રાખજો. અને અન્ય દેવોની પૂજા કરશો નહિ. તથા તમાંરા મોઢેથી તેઓનું નામ સાંભળવા મળવું જોઈએ નહિ.
ઈસુની લોકો વિષે દલીલ
40 લોકોએ ઈસુએ જે બધી બાબતો કહી તે સાંભળી. કેટલાક લોકોએ કહ્યું, “આ માણસ ખરેખર પ્રબોધક જ છે.”
41 બીજા કેટલાક લોકોએ કહ્યું, “તે જ ખ્રિસ્ત છે.”
બીજા લોકોએ કહ્યું, “ખ્રિસ્ત ગાલીલમાંથી આવશે નહિ. 42 શાસ્ત્ર કહે છે, ખ્રિસ્ત દાઉદના વંશમાંથી આવનાર છે, અને શાસ્ત્ર કહે છે કે ખ્રિસ્ત બેથલેહેમમાંથી આવનાર છે, જે શહેરમાં દાઉદ હતો.” 43 તેથી લોકો ઈસુ વિષે એકબીજા સાથે સંમત થયા નહિ. 44 કેટલાક લોકો ઈસુની ધરપકડ કરવા ઈચ્છતા હતા. પણ આમ કરવાનો કોઈએ પ્રયત્ન કર્યો નહિ.
યહૂદિ અધિકારીઓએ વિશ્વાસ કરવાની ના પાડી
45 મંદિરના ભાલદારો મુખ્ય યાજકો અને ફરોશીઓ પાસે પાછા ગયા. યાજકો અને ફરોશીઓએ પૂછયું, “તમે ઈસુને શા માટે લાવ્યા નથી?”
46 મંદિરના ભાલદારોએ ઉત્તર આપ્યો, “તે જે બાબતો કહે છે તે કોઈ પણ માણસના શબ્દો કરતા મહાન છે.”
47 ફરોશીઓએ ઉત્તર આપ્યો, “ઈસુએ તમને પણ મૂર્ખ બનાવ્યા શું! 48 અધિકારીઓમાંથી કોઈએ તેનામાં વિશ્વાસ કર્યો? ના! શું આપણા ફરોશીઓમાંથી કોઈને તેનામાં વિશ્વાસ હતો? ના! 49 પણ પેલા લોકો બહાર છે તેઓ નિયમશાસ્ત્ર વિષે જાણતા નથી. તેઓ દેવના શાપિત છે!”
50 નિકોદેમસ ત્યાં તે સમૂહમાં હતો. નિકોદેમસ તેઓમાંનો એક જે અગાઉ ઈસુ પાસે આવ્યો હતો. નિકોદેમસે કહ્યું,
51 “માણસને પહેલા સાંભળ્યા વિના શું આપણું નિયમશાસ્ત્ર આપણને તેનો ન્યાય કરવા દે છે? જ્યાં સુધી તેણે શું કર્યું છે તે આપણે જાણીએ નહિ ત્યાં સુધી આપણે તેનો ન્યાય કરી શકતા નથી.”
52 યહૂદિ અધિકારીઓએ ઉત્તર આપ્યો, “શું તું પણ ગાલીલનો છે? શાસ્ત્રોનો અભ્યાસ કર, તું વાંચી શકીશ કે કોઈ પ્રબોધક ગાલીલમાંથી આવનાર નથી.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International