Revised Common Lectionary (Semicontinuous)
મેમ
97 તમારા નિયમો પર હું કેવો પ્રેમ રાખું છું!
હું આખો દિવસ તેમના વિષે મનન કરું છું.
98 મારા શત્રુઓના કરતાં તમારી આજ્ઞાઓ મને વધુ બુદ્ધિમાન કરે છે;
કારણકે મારી પાસે સર્વદા છે.
99 મારામાં મારા શિક્ષકો કરતાં વધારે શાણપણ છે
કારણ કે હું તમારા સાક્ષ્યો વિષે અભ્યાસ અને ચર્ચા કરતો રહું છું.
100 વૃદ્ધોના કરતાં હું વિશેષ જાણું છું;
કારણકે મેં તમારા નિયમો પાળ્યાં છે.
101 હું તમારું વચન પાળી શકું તે માટે મેં
મારા પગ સર્વ ભૂંડા માર્ગોથી પણ પાછા વાળ્યા છે.
102 તમારા ન્યાયી વચનોને મેં ત્યજ્યા નથી;
કારણકે તમે મને તે શીખવ્યા છે.
103 મારી રૂચિને તમારાં વચનો કેવા મીઠાઁ લાગે છે!
મારા મુખને તે મધથીય વધુ મીઠાઁ લાગે છે.
104 તમારાં શાસનોથી મને સમજણ મળે છે;
માટે હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું.
31 ઇસ્રાએલના લોકોએ તે વિશિષ્ટ ભોજનનનું નામ “માંન્ના” રાખ્યું. માંન્ના ધાણાની દાળ જેવું સફેદ હતું. અને તેનો સ્વાદ મધવાળી પાતળી ભાખરી જેવો હતો. 32 ત્યારે મૂસાએ કહ્યું, “યહોવાએ આદેશ આપ્યો છે કે, ‘તમાંરા વંશજોને માંટે તેમાંથી 8 કપ ભરીને માંન્ના રાખી મૂકો; જેથી હું તમને મિસરમાંથી બહાર લઈ આવ્યો ત્યારે મેં તમને લોકોને જે ભોજન ખવડાવ્યું હતું તે તેઓ જોઈ શકે.’”
33 પછી મૂસાએ હારુનને કહ્યું કે, “એક બરણી લઈને તેમાં 8 કપ માંન્ના ભરીને તમાંરા વંશજોના ભવિષ્ય માંટે સાચવી રાખવા તેને યહોવાની આગળ મૂક.” 34 યહોવાએ મૂસાને આજ્ઞા આપ્યા મુજબ હારુને તેને સાચવવા માંટે કરારકોશ સમક્ષ મુકયું. 35 પછી ઇસ્રાએલના લોકોએ 40 વર્ષ પર્યંત વસવાટ કરવા યોગ્ય પ્રદેશમાં તેઓ આવ્યા ત્યાં સુધી-માંન્ના ખાધું. તેઓ કનાન દેશની સરદહમાં પહોંચ્યા ત્યાં સુધી તેઓએ માંન્ના ખાધું.
પાઉલ ઉપસંહારમાં આભાર-વિધિ કરે છે
16 હું તમને જણાવવા ઈચ્છું છું કે ખ્રિસ્તમાં ખ્રિસ્તની મંડળીની તે ખાસ સેવિકા છે. 2 પ્રભુના નામે દેવના લોકોને શોભે તે રીતે તેનું સન્માન કરજો. તેણે ઘણા લોકોને તથા મને મદદ કરી છે. તેથી તે પણ તમારી પાસે મદદની માગણી કરે ત્યારે તેને સહાય કરજો.
3 પ્રિસ્કા અને અકુલાસને મારી સલામ કહેજો. ખ્રિસ્ત ઈસુની સેવામાં તેઓ મારી કાર્ય કરે છે. 4 મારો જીવ બચાવવા તેમણે પોતાનું જીવન જોખમમાં મૂક્યું હતું. હું એમનો આભારી છું, અને બધી જ બિનયહૂદિ મંડળીઓ એમની આભારી છે.
5 અને વળી એમના ઘરમાં જે મંડળી છે તેને પણ મારી સલામ કહેશો.
મારા પ્રિય મિત્ર અપૈનિતસને મારા સ્નેહસ્મરણ પાઠવશો. આસિયા માઈનોરના પશ્ચિમ વિસ્તારમાં ખ્રિસ્તનો શિષ્ય થનાર તે પહેલો માણસ હતો.
6 મરિયમની ખબર પૂછશો, તમારા માટે એણે ઘણું સખત કામ કર્યુ છે.
7 આન્દ્રનિકસ અને જુનિયાસને સલામ કહેજો. તેઓ મારા સંબંધી છે, અને તેઓ મારી સાથે કેદમાં હતા. તેઓ તો દેવના કેટલાક અત્યંત મહત્વપૂર્ણ કાર્યકરોમાંના છે. મારી અગાઉ તેઓ ખ્રિસ્તમાં વિશ્વાસી હતા.
8 પ્રભુમાં મારા પ્રિય મિત્ર અંપ્લિયાતસને મારી સલામ પાઠવશો. 9 ઉર્બાનુસને મારી સલામ કહેજો. ખ્રિસ્તની સેવામાં જોડયેલા તે મારા સહકાર્યકર છે.
અને મારા પ્રિય મિત્ર સ્તાખુસની ખબર પૂછશો. 10 અપેલ્લેસને મારી સલામ કહેશો. તેની પરીક્ષા કરવામાં આવી હતી અને સાબિત થયું હતું કે તે ખ્રિસ્તને ખરેખર પ્રેમ કરે છે.
અરિસ્તોબુલસના કુટુંબના સૌ સભ્યોને મારી સલામ પાઠવશો. 11 મારા સંબંધી હેરોદિયોનને સલામ કહેજો.
નાર્કીસસ કુટુંબના જેઓ પ્રભુના છે તે સૌ સભ્યોને મારી સલામ પાઠવશો. 12 ત્રુંફૈના અને ત્રુંફોસાની મારા વતી ખબર પૂછશો. પ્રભુ માટે આ સ્ત્રીઓ ઘણી સખત મહેનત કરી રહી છે.
પેર્સિસને મારી સ્નેહભીની યાદ પાઠવશો. એણે પણ પ્રભુ માટે ઘણો સખત પરિશ્રમ કર્યો છે.
13 રૂફસને સલામ કહેજો. પ્રભુની સેવામાં તે વિશિષ્ટ વ્યક્તિ છે. એની માને મારી સલામ પાઠવશો. એ તો મારી મા પણ થાય છે.
14 ખ્રિસ્તના શરણે આવેલા સૌ ભાઈઓ સાથે અસુંકિતસ, ફલેગોન, હર્મેસ, પાત્રબાસ તથા હાર્માસ છે તેઓને મારી સલામ કહેજો.
15 ફિલોલોગસ અને જુલિયા, નેર્યુસ તથા એની બહેન, અને ઓલિમ્પાસને મારી સલામ પાઠવશો. અને એમની સાથે જે સંતો છે તે સૌને મારી સલામ કહેજો.
16 તમે જ્યારે એક બીજાને મળો ત્યારે મંડળીમાં આવનાર બધાને પવિત્ર ચુંબન વડે સલામ કરજો.
ખ્રિસ્તમાં વિશ્વાસ રાખનાર બધી મંડળીઓ તમને સલામ કહે છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International