Revised Common Lectionary (Semicontinuous)
2 તે પછી ઇસ્રાએલના બધા લોકોએ મૂસા અને હારુનની વિરુદ્ધ ફરીથી ફરિયાદ કરવાની શરૂઆત કરી. 3 તે લોકોએ મૂસા અને હારુનને કહ્યું, “કઈ નહિ તો આપણે માંસથી ભરેલા વાસણ પાસે પેટ ભરાય ત્યાં સુધી ખાતા બેઠા હતાં. જો યહોવાએ અમને મિસરમાં માંરી નાખ્યા હોત તો સારું થાત. તમે તો સમગ્ર સમાંજને ભૂખે માંરી નાખવા આ રણમાં લાવ્યા છો.”
4 ત્યારે યહોવાએ મૂસાને કહ્યું, “હું આકાશમાંથી તમાંરા લોકો માંટે અનાજનો વરસાદ વરસાવીશ. અને આ બધા લોકોએ પ્રતિદિન બહાર નીકળીને તે દિવસ પૂરતું અનાજ વીણી લાવવું. જેને કારણે હું તેમની પરીક્ષા કરી શકું કે તેઓ માંરા નિયમ પ્રમાંણે વર્તશે કે નહિ. 5 રોજ લોકો એક દિવસ પૂરતું જ અનાજ ભેગું કરે, પરંતુ છઠ્ઠા દિવસે રોજ કરતાં બમણું ભેગું કરીને રાંધી રાખવું.”
6 એટલા માંટે મૂસા અને હારુને ઇસ્રાએલના લોકોને કહ્યું, “આજે રાત્રે તમે યહોવાની શક્તિ જોશો, અને તમને ખબર પડશે કે મિસર દેશમાંથી તમને લોકોને બચાવીને બહાર લાવનાર તે યહોવા છે. 7 કાલે સવારે તમે લોકો યહોવાનું ગૌરવ જોશો કારણ કે તેમણે તેમની વિરુદ્ધની તમાંરી ફરિયાદ સાંભળી છે, તમે હમેશા અમને ફરિયાદ કરો છો, હવે કદાચ અમને થોડો આરામ મળે.”
8 પછી મૂસાએ તેમને કહ્યું, “યહોવા, સાંજે તમને માંસ ખાવા માંટે આપશે, વળી સવારે ઘરાઈને ખાવા માંટે રોટલી આપશે, કારણ કે તમે તેમની વિરુદ્ધ જે ફરિયાદો કરો છો તે તેમણે સાંભળી છે. પણ હવે કદાચ અમને થોડો આરામ મળે. યાદ રાખજો કે તમાંરી ફરિયાદ અમાંરી વિરુદ્ધ નથી, પણ યહોવાની વિરુદ્ધ છે.”
9 પછી મૂસાએ હારુનને કહ્યું, “તું ઇસ્રાએલના લોકોને સંબોધન કર, તેમને કહે, યહોવાની સમક્ષ સૌ ભેગા થાઓ, કારણ કે તેમણે તમાંરી ફરિયાદો સાંભળી છે.”
10 હારુને ઇસ્રાએલના સમગ્ર લોકસમુદાયને સંબોધન કર્યું; તે બધા એક જ સ્થાન પર ભેગા થયા હતા. તે સભાને કહેતો હતો તે દરમ્યાન તેમણે રણ તરફ જોયું, તો તે લોકોને વાદળમાં યહોવાનાં ગૌરવનાં દર્શન થયાં,
11 યહોવાએ મૂસાને કહ્યું, 12 “મેં ઇસ્રાએલના લોકોની ફરિયાદ સાંભળી છે; એટલા માંટે તેમને કહો કે, ‘સાંજે તમે માંસ ખાશો અને સવારે તમે રોટલી ઘરાઈને ખાશો; અને તમને વિશ્વાસ થશે કે તમાંરા દેવ યહોવા હું છું.’”
13 તે રાત્રે એવું બન્યું કે લાવરીઓએ ઊડી આવીને છાવણી ઢાંકી દીધી; અને સવારમાં છાવણીની આસપાસ ઝાકળનું પડ બાઝી ગયું. 14 સૂરજ ઊગતાં ઝાકળ ઊડી ગયું અને હિમના પડ જેવું બારીક નાનો ગોળ પદાર્થ રણની સપાટી પર હતો. 15 ઇસ્રાએલના લોકો આ જોઈ પરસ્પર એક બીજાને પૂછવા લાગ્યા, “આ શું છે?” કારણ કે એમને ખબર ન હતી કે એ શું છે. ત્યારે તેઓને મૂસાએ કહ્યું, “એ તો યહોવાએ તમને ખાવા માંટે આપેલો ખોરાક છે.
1 યહોવાનો આભાર માનો, તેના નામની સ્તુતિ કરો.
તેમનાં કૃત્યો લોકોમાં પ્રસિદ્ધ કરો.
2 યહોવા સમક્ષ ગાઓ, તેનાં સ્તોત્ર ગાઓ;
તેમનાં સર્વ ચમત્કારોનું મનન કરો અને સૌને તે જણાવો.
3 તમે યહોવાનાં પવિત્ર નામનું અભિમાન કરો;
યહોવાની આરાધના કરનારાઓ આનંદ કરો.
4 યહોવાને તથા તેના સાર્મથ્યને શોધો;
સદા-સર્વદા તમે તેના મુખને શોધો.
5 તેણે જે આશ્ચર્યકારક કર્મો કર્યા છે તે તથા તેનાં ચમત્કરો
અને તેનાં ન્યાયચુકાદા યાદ રાખો.
6 તમે લોકો દેવના સેવક ઇબ્રાહિમના વંશજો છો, તમે યાકૂબના વંશજો છો.
અને તમે યહોવાની પસંદગીના લોકો છો.
37 તેઓ તેમના લોકોને, તેમના સોના ચાંદી સાથે,
સુરક્ષિત રીતે પાછા લઇ આવ્યાં
અને તેઓમાંથી કોઇ નિર્બળ ન હતું.
38 તેઓ ગયાં ત્યારે મિસરવાસી આનંદ પામ્યાં;
કારણકે તેઓ તેમનાથી ત્રાસ પામ્યા હતાં.
39 યહોવાએ મેઘસ્તંભથી તેઓ પર છાયા કરી;
અને રાત્રે પ્રકાશ માટે અગ્નિસ્તંભ આપ્યો.
40 જ્યારે તેઓએ માંગ્યુ ત્યારે લાવરીઓે લાવ્યાં;
અને આકાશમાંની માન્ના રૂપે રોટલીઓથી તૃપ્ત કર્યા.
41 તેમણે ખડક તોડ્યો એટલે ત્યાં પાણી નીકળ્યું;
જે નદી થઇને સૂકી ભૂમિમાં વહેવા લાગ્યું.
42 તેમણે પોતાના સેવક ઇબ્રાહિમને આપેલા
પોતાના વચનનું સ્મરણ કર્યુ.
43 તેઓ પોતાના લોકોને, પોતાના પસંદ કરેલાઓને,
ખુશીથી પાછા લઇ આવ્યાં.
44 તેમણે તેઓને પરદેશીઓની ભૂમિ આપી;
અને તે અન્ય લોકોએ બનાવેલી વસ્તુઓ તેમને વારસારૂપે મળી.
45 તેઓ ભરોસો કરે અને તેનાં વિધિઓનું પાલન કરે
અને તેના માર્ગોને અનુસરે તેથી યહોવાએ આ કર્યુ;
હાલેલૂયા!
21 હું કહેવા માગું છું કે ખ્રિસ્ત માત્ર એક જ મારા જીવનમાં મહત્વનો છે. અને મને તો મરણથી પણ લાભ થવાનો છે.[a] 22 જો હું દેહમાં જીવતો હોઈશ તો હું પ્રભુના કાર્યો કરી શકીશ પરંતુ હું નથી જાણતો કે હું શું પસંદ કરું છું, મરવાનું કે જીવવાનું? 23 જીવન અને મરણ વચ્ચેની પસંદગી ઘણી મુશ્કેલ છે. આ જીવન જીવવાનું હું ઈચ્છુ છું, અને ખ્રિસ્ત સાથે થઈશ. કારણ કે તે વધારે સારું છે. 24 તમારા લોકો માટે મને અહીં આ શરીરરૂપે રહેવું વધુ જરૂરી છે. 25 મને ખબર છે કે તમને મારી જરૂર છે અને તેથી હું જાણું છું કે હું તમારી સાથે રહીશ. તમારા વિશ્વાસની વૃદ્ધિ તથા આનંદને સારું હું તમને મદદ કરીશ. 26 જ્યારે ફરીથી હું તમારી સાથે હોઈશ ત્યારે ખ્રિસ્ત ઈસુમાં થતો ઘણો જ આનંદ તમે અનુભવશો.
27 એની ચોકસાઈ રાખો કે ખ્રિસ્તની સુવાર્તાને યોગ્ય જીવન તમે જીવો. તેથી હું તમને આવીને મળું કે હું તમારાથી દૂર હોઉં, હું તમારા વિષે સારી વાતો જ સાંભળું, મારે સાંભળવું જોઈએ કે તમે બધા આત્મીય એકતા રાખો છો અને એક ચિત્ત થઈને સાથે મળીને સુવાર્તામાંથી જે વિશ્વાસ આવે છે તે માટે કામ કરો છો. 28 અને જે લોકો તમારી વિરુંદ્ધ છે તેઓનાથી તમે ગભરાતા નથી આ સર્વ વસ્તુઓ દેવની સાબિતી છે કે તમારો ઉદ્ધાર થયો છે અને તમારા દુશ્મનોનો વિનાશ. 29 દેવે તમને ખ્રિસ્તમાં વિશ્વાસ રાખવા સન્માનીત કર્યા છે એટલું જ નહિ, પરંતુ ખ્રિસ્ત માટે દુઃખ સહન કરવાનું માન પણ તેણે તમને આપ્યું છે. આ બંને વસ્તુ ખ્રિસ્તનો મહિમા વધારે છે. 30 જ્યારે હું તમારી સાથે હતો, ત્યારે જે લોકો સુવાર્તાની વિરુંદ્ધ હતા તેઓની સાથેનો મારો સંઘર્ષ તમે જોયો હતો. અને અત્યારે મારી સાથે જે સંઘર્ષ ચાલી રહ્યો છે તે વિષે તમે સાંભળો છો. તમે પોતે પણ તે પ્રકારના સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યા છો.
ઈસુ ખેત મજૂરોનું દૃષ્ટાંત આપે છે
20 “આકાશનું રાજ્ય એક જમીનદાર જેવું છે. આ માણસ તેના ખેતરમાં દ્રાક્ષ ઉગાડે છે. એક મળસકે તે માણસ પોતાના ખેતરમાં કામ કરવા માટે મજૂરો લેવા ગયો. 2 અને તેણે તેઓની સાથે રોજનો એક દીનાર નક્કી કરીને ખેતરમાં મજૂરોને મોકલ્યા.”
3 “નવ વાગ્યાની આસપાસ તે જમીનદાર બજારમાં ગયો ત્યારે કેટલાક માણસો કશુંય કામ કર્યા વિના ત્યાં ઊભા હતા. 4 તેથી તે માણસે કહ્યું, તમે મારા ખેતરમાં જઈને કામ કરશો તો હું તમને યોગ્ય વળતર આપીશ.” 5 તેથી લોકો ખેતરમાં કામ કરવા ગયા.
“ફરી બાર વાગે અને બીજી વાર ત્રણ વાગે બજારમાં ગયો ત્યારે પણ લોકોને ખેતરમાં કામ કરવા માટે લઈ આવ્યો. 6 પછી સાંજે પાંચે વાગે તે બજારમાં ફરીથી ગયો ત્યારે પણ કેટલાક માણસો ત્યાં ઊભા હતા, તેઓને જમીનદારે પૂછયું, ‘તમે આખો દિવસ કોઈપણ કામ વિના અહીં કેમ ઊભા રહ્યા છો?’
7 “તે લોકોએ કહ્યું, ‘અમને કોઈએ કામ આપ્યું નથી.’
“તે માણસે તેઓને કહ્યું, ‘તમે મારા ખેતરમાં જાવ અને કામે લાગો,’
8 “સાંજ પડી એટલે, દ્રાક્ષની વાડીના ધણીએ તેના મુખ્ય કારભારીને બોલાવીને કહ્યું કે, ‘મજૂરોને બોલાવીને તેમની મજૂરી ચૂકવી દો. પહેલાથી છેલ્લા જે મજૂરો આવ્યા તેમને મજૂરી આપવાનું શરૂ કરો અને પહેલા મજૂરીએ આવ્યા હતાં તેમને આપતા સુધી ચાલુ રાખો.’
9 “જે મજૂરો પાંચ વાગે આવ્યા હતા તેમાંના દરેકને એક દીનારનો સિક્કો મળ્યો. 10 પછી જે સૌથી પહેલા સવારમા કામ પર આવ્યા હતા તે તેમનું મહેનતાણું લેવા આવ્યા. તેઓએ વિચાર્યુ તેઓ વધારે મહેનાતાણું મેળવશે પણ તે દરેકને એક જ દીનારનો સિક્કો મળ્યો. 11 જ્યારે તેમને એક દીનારનો સિક્કો મળ્યો ત્યાર પછી દ્રાક્ષની વાડીના માલિકને તેમણે ફરિયાદ કરી. 12 ‘જે લોકો છેલ્લાં આવ્યા હતા અને એક કલાક જ કામ કર્યુ તેમને તેં અમારા જેટલી જ મજૂરી આપી. જ્યારે અમે તો આખો દિવસ સૂર્યની ગરમીમાં કામ કર્યુ છે.’
13 “પણ ખેતરના માલિકે તેઓમાંના એક જણાને કહ્યું, ‘મિત્ર, મેં તારી સાથે કોઈ જ અન્યાય કર્યો નથી. શું તમે કબૂલ થયા ન હતા કે હું તમને એક દીનાર આપીશ? 14 તેથી આ તારી મજૂરી લે અને ચાલતો થા, માટે જે છેલ્લો માણસ મજૂરી કરવા આવ્યો છે તેને આટલી જ મજૂરી આપવાની મારી ઈચ્છા છે. 15 મારે મારા પૈસાનું જે કરવું હોય તે કરું. તમને અદેખાઈ આવે છે કારણ કે એ લોકો સાથે હું સારો છું.’
16 “એ પ્રમાણે જેઓ છેલ્લા છે તેને હવે ભવિષ્યમાં પ્રથમ સ્થાન મળશે. અને જેનું પ્રથમ સ્થાન હશે તેને ભવિષ્યમાં છેલ્લું સ્થાન મળશે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International