Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે, ગિત્તીથ સાથે ગાવાનું દાઉદનું ગીત.
1 હે યહોવા, અમારા દેવ, સમગ્ર પૃથ્વી પર તમારું નામ ઉત્તમ છે.
અને તમારો મહિમા આકાશમાં ભરપૂર છે.
2 નવજાતો અને બાળકોના મુખમાંથી તમારી સ્તુતિની ગાથાઓ પ્રગટી છે.
તમારા શત્રુઓને ચૂપ કરી દેવા માટે તમે તેમને આ શકિતશાળી ગીતો આપ્યા છે.
3 હે યહોવા, જ્યારે રાત્રે હું આકાશદર્શન કરું છું.
અને ચંદ્ર તથા તારાઓથી ભર્યું નભ નિહાળું છું,
ત્યારે તમારા હાથનાં અદ્ભૂત કૃત્યો વિષે હું વિચારું છું.
4 પછી મને આશ્ચર્ય થાય છે,
કે માનવજાત શું છે,
જેનું તમે સ્મરણ કરો છો?
માણસો તે કોણ છે કે તેઓની તમે મુલાકાત લો છો?
5 કારણ, તમે એને દેવ કરતાં થોડોજ ઊતરતો સૃજ્યો છે,
અને તેના માથા પર મહિમા ને માનનો મુગટ મૂકયો છે.
6 તમે જ તેને, તમે ઉત્પન્ન કરેલી સૃષ્ટિનો અધિકાર આપ્યો છે
અને તે સઘળી સૃષ્ટિનો તમે તેને કારભારી બનાવ્યો છે.
7 એટલે સર્વ ઘેટાં તથા બળદો, અને જંગલી પ્રાણીઓનો પણ.
8 વળી આકાશનાં પક્ષીઓ,
સમુદ્રમાં રહેતા માછલાં તથા જીવોનો પણ.
9 હે યહોવા, અમારા પ્રભુ, સમગ્ર વિશ્વમાં તમારું નામ સૌથી મહાન છે.
મિસરમાં યાકૂબનું કુટુંબ
1 યાકૂબે પોતાના પુત્રો તથા પુત્રોના પરિવાર સહિત મિસરની યાત્રા કરી. ઇસ્રાએલના પુત્રોનાં નામ આ પ્રમાંણે છે: 2 રૂબેન, શિમયોન, લેવી અને યહૂદા, 3 ઈસ્સાખાર, ઝબુલોન અને બિન્યામીન, 4 દાન અને નફતાલી, ગાદ અને આશેર. 5 યાકૂબના પોતાના કુલ સિત્તેર વંશજો હતા. યૂસફ યાકૂબના બાર દીકરામાંથી એક હતો, વળી તે પહેલેથી મિસરમાં જ હતો.
6 ત્યારબાદ સમય જતાં યૂસફનું અવસાન થયું. પછી તેના બધાજ ભાઈઓ અને તે આખી પેઢીના માંણસો અવસાન પામ્યા. 7 પરંતુ ઇસ્રાએલની વસ્તીમાં અનહદ વધારો થતો જ રહ્યો. તેઓની સંખ્યા પુષ્કળ વધી અને તેઓ એટલા બધા શક્તિશાળી બન્યા કે સમગ્ર દેશમાં તેઓ છવાઈ ગયા.
તમે યહૂદિઓ પણ પાપી છો
2 જો તમે એમ માનતા હો કે તમે બીજા લોકોનો ન્યાય કરી શકો છો, તે એ તમારી ભૂલ છે. તમે પોતે પણ પાપથી અપરાધી થયેલા છો. તમે બીજા લોકોનો ન્યાય કરવાનો પ્રયત્ન કરો છો. પરંતુ તેઓની માફક તમે પણ ખરાબ કર્મો કરવામાં રચ્યાપચ્યા રહો છો. બીજા લોકોને અપરાધી સિદ્ધ કરવાની પ્રવૃતિ કરીને ખરેખર તો તમે પોતે અપરાધી ઠરો છો. 2 જે લોકો ખરાબ કર્મો કરે છે, તેમનો ન્યાય કરનાર તો દેવ છે અને આપણે જાણીએ છીએ તેમ દેવનો ન્યાય સાચો હોય છે. 3 જે લોકો ખોટાં કર્મો કરે છે તેમનો ન્યાય તમે કરો છો પરંતુ એવાં અનિષ્ટ કાર્યો તમે પોતે પણ કરો જ છો. તેથી આ વાત બરાબર ખાતરીપૂર્વક સમજી લેશો કે દેવ તમારો પણ ન્યાય કરશે. તમે એમાંથી છટકી શકવાના નથી. 4 દેવ તો હંમેશા તમારા પર ભલાઈ કરતો રહ્યો છે અને તમારા જીવનમાં પરિવર્તન આવે એની ધીરજપૂર્વક રાહ જોઈ રહ્યો છે. પરંતુ દેવની આ ભલાઈની તમને તો કઈ પડી જ નથી. પસ્તાવો થાય એ માટે દેવની કૃપા હંમેશા તમારા પર વરસતી હોય છે. એ તમે કદાચ સમજતા જ નથી.
5 પરંતુ તમે લોકો કઠણ અને હઠાગ્રહી છો. જીવનમાં પરિવર્તન પામવાની વાતને તમે ઘસીને ના પાડી દો છો. આ રીતે, દેવ તમને જે શિક્ષા ફરમાવશે એમાં તમે વધુ ઉમેરો કરતા જાઓ છો. ન્યાયના દિવસે દેવ જ્યારે પોતાનો કોપ પ્રગટ કરશે ત્યારે તમને યોગ્ય શિક્ષા (દંડ) મળશે; અને તે દિવસે દેવના સાચા ન્યાયનો લોકોને અનુભવ થશે. 6 દરેક વ્યક્તિને તેનાં કાર્યો અનુસાર દેવ તેને યોગ્ય રીતે શિક્ષા કરશે. 7 કેટલાક લોકો તો જાણે કે દેવના મહિમા માટે જ જીવતા હોય છે. તેઓ પોતાની સારી પ્રતિષ્ઠાનું જતન કરતાં અવિનાશી જીવન જીવી જાય છે. હંમેશા તેઓ સતત સારાં કામો કરવા સારું પોતાનું જીવન જીવતા હોય છે. દેવ એવા લોકોને અનંતજીવન આપશે. 8 પરંતુ બીજા કેટલાએક લોકો સ્વાર્થી હોય છે અને સત્યનો માર્ગ સ્વીકારવાનો ઈન્કાર કરી દે છે. અનિષ્ટને અનુસરનારા લોકોને દેવનો કોપ અને શિક્ષા વહોરવી પડશે. 9 સૌ પ્રથમ યહૂદિઓને અને પછી બિન-યહૂદિઓને એમ જે કોઈ વ્યક્તિ ખરાબ કામો કરશે તેને દેવ દુ:ખો અને યાતનાઓ આપશે. 10 પરંતુ સારાં કામો કરનાર દરેક વ્યક્તિને દેવ મહિમા, માન અને શાંતિ આપશે-ભલે પછી તે યહૂદિ હોય કે બિન-યહૂદિ. 11 કોઈ પણ જાતના ભેદભાવ વગર એક સમાન ધોરણે દેવ સર્વનો ન્યાય કરે છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International