Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ઉત્પત્તિ 45:1-15

યૂસફે પોતાની જાતને પ્રગટ કરવી

45 યૂસફ પોતાની લાગણીઓને વધુ વખત નિયંત્રિત કરી શકયો નહિ. તેની પાસે ઊભા રહેલા બધાની ઉપસ્થિતિમાં રડી પડ્યો અને બોલી ઊઠયો, “માંરી આગળથી બધાને દૂર કરો.” આથી જયારે યૂસફે પોતાના ભાઈઓ આગળ પોતાની જાતને પ્રગટ કરી ત્યારે ત્યાં બીજુ કોઇ ન હતું. તે એટલા મોટા સાદે રડયો કે, મિસરીઓએ તે સાંભળ્યું અને ફારુનના પરિવારને પણ તેની ખબર પડી. પછી યૂસફે પોતાના ભાઈઓને કહ્યું, “હું યૂસફ છું. શું માંરો બાપ હજુ જીવે છે?” યૂસફની સામે જોતાં જ તેના ભાઈઓ એવા તો ડઘાઈ ગયા કે, તેઓ કોઈ જવાબ આપી શક્યા નહિ.

પછી યૂસફે તેના ભાઈઓને કહ્યું, “માંરી નજીક આવશો.” એટલે તેઓ પાસે ગયા, અને તેણે કહ્યું, “હું તમાંરો ભાઈ યૂસફ છું. જેને તમે મિસરની મુસાફરી કરતા વેપારીઓને ગુલામ તરીકે વેચી દીધો હતો. એ તમાંરો ભાઇ હું જ છું. માંટે મને અહીં વેચી દેવા માંટે તમે હવે દુ:ખી થશો નહિ, તેમજ જીવ બાળશો નહિ, કારણ આ તો માંરા માંટે દેવની યોજના હતી કે, હું અહીં આવું અને તમને બધાને હું બચાવું. કારણ કે છેલ્લાં બે વર્ષથી દેશમાં દુકાળ છે, અને હજુ બીજા પાંચ વર્ષ એવાં જ આવનાર છે, જેમાં કોઇ પણ પ્રકારની ખેતી કે, વાવણી કાપણી થઈ શકશે નહિ. તેથી દેવે તમાંરો પરિવાર બચાવવા અને તમાંરા બધાના જીવોનું રક્ષણ કરવા તમાંરી સમક્ષ મોકલ્યો છે. એ માંટે મને અહીં મોકલનાર દેવ છે, તમે નથી; અને તેણે જ મને ફારુનના પિતા સમાંન અને તેના આખા ઘરનો વહીવટદાર તથા આખા મિસરનો શાસનકર્તા બનાવ્યો છે.”

ઇસ્રાએલ મિસરમાં આમંત્રિત થયો

“તમે ઝટ માંરા પિતા પાસે જાઓ, ને તેમને આ સંદેશ આપો: તમાંરો પુત્ર યૂસફ આ કહે છે: ‘દેવે મને સમગ્ર મિસરનો શાસનકર્તા બનાવ્યો છે, માંટે વિલંબ કર્યા વગર હમણાં જ માંરી પાસે આવો. 10 અને તમે તમાંરા પુત્રો સાથે, તમાંરા પ્રપૌત્રો સાથે, તમાંરાં ઘેટાં-બકરાંના ઝુડો અને ઢોરઢાંખરના ટોળાઓ તથા ઘરવખરી સાથે “ગોશેન” પ્રાંતમાં માંરી સાથે રહેશો. જ્યાં હું તમાંરા બધા માંટે બધી જાતની તૈયારી કરીશ. 11 કારણ કે હજુ દુકાળગ્રસ્ત બીજા પાંચ વર્ષ કાઢવાનાં છે. તેથી તું અને તારું કુટુંબ તથા જે બધાં તારાં સગાંસંબંધીઓ છે તે બધુ ગુમાંવીને ગરીબ ન થઇ જાય તે માંટે હું સૌની જાળવણી રાખીશ.’

12 “અને જુઓ, તમે અને માંરો ભાઈ બિન્યામીન નજરોનજર જુઓ છો કે, હું આ માંરા મુખ દ્વારા જ કહી રહ્યો છું. 13 અને તમે મિસરમાં માંરો મહિમાં અને બીજું જે કંઈ જોયું છે તે માંરા પિતાને કહેજો; હવે, ઝટ જાઓ અને માંરા પિતાને અહીં લઈ આવો.” 14 પછી તે તેના ભાઈ બિન્યામીનને બાથભરી અને રડ્યો. બિન્યામીન પણ તેને ભેટતી વખતે રડવા લાગ્યો. 15 ત્યાર બાદ યૂસફે પોતાના બધાં જ ભાઈઓને ચુંબન કર્યા અને તેમને ભેટીને રડ્યો. પછી તેના ભાઈઓએ તેની સાથે વાતચીત કરી.

ગીતશાસ્ત્ર 133

મંદિરે ચઢવા માટેનું દાઉદનું ગીત.

ભાઇઓ સહુ સંપીને રહે તે કેવું સરસ
    અને શોભાયમાન છે!
તેં માથે ચોળેલા, દાઢી સુધી, હા, હારુનની દાઢી સુધી
    અને તેના વસ્રની કોર સુધી, ઊતરેલા મૂલ્યવાન તેલનાં જેવું છે.
વળી તે હેમોર્ન પર્વત પરના તથા સિયોનના પર્વતો પરના ઝાકળ જેવું છે.
    કારણકે, યહોવાએ આપણને સિયોનમાં શાશ્વત જીવનનાં આશીર્વાદ આપ્યાં છે.

રોમનો 11:1-2

દેવ પોતાના માણસોને ભૂલ્યો નથી

11 તેથી હું પૂછું છું, “શું દેવે પોતાના માણસોને તરછોડી દીઘા?” ના! હું પોતે ઈસ્રાએલનો (યહૂદિ) છું. હું ઈબ્રાહિમના વંશનો અને બિન્યામીનના કુળનો છું. ઈસ્રાએલના લોકો જનમ્યા તે પહેલાં દેવે તેમને પોતાના માણસો તરીકે પસંદ કર્યા. અને દેવે એ લોકોને તરછોડ્યા નથી. એલિયા પ્રબોધક વિષે ધર્મશાસ્ત્ર જે કહે છે તે તમે સારી રીતે જાણો છો. ઈસ્રાએલના લોકોની વિરુંદ્ધમાં દેવને પ્રાર્થના કરતા એલિયા વિષે શાસ્ત્રમાં ઉલ્લેખ છે.

રોમનો 11:29-32

29 દેવ જ્યારે જે લોકોને પાસે બોલાવીને એમને કઈક આપે છે, તે પછી દેવ લોકોને આપેલું પોતાનું વચન કદી પણ પાછું ખેંચી લેતો નથી. 30 એક સમય એવો હતો કે જ્યારે તમે દેવના આદેશનો અનાદર કરતા હતા. પરંતુ હમણા તમે દયાપાત્ર બન્યા, કેમ કે પેલા યહૂદિ લોકોએ દેવ-આજ્ઞાનો અનાદર કર્યો છે. 31 અને હવે યહૂદિઓ આજ્ઞાપાલનનો અનાદર કરે છે, કેમ કે દેવે તમને ક્ષમા આપી છે. પરંતુ આમ એટલા માટે બન્યું, જેથી તેઓની ઉપર દેવ દયા કરે. 32 દેવ-આજ્ઞાનો અનાદર બધા લોકોએ કર્યો જ છે. આજ્ઞાનું ઉલ્લંઘન કરનારા બધા લોકોને દેવે એક સાથે એક જગ્યાએ એકત્રિત કરી રાખ્યા છે, જેથી કરીને તે તેઓ પર દયા વરસાવી શકે.

માથ્થી 15:10-20

10 પછી ઈસુએ લોકોને પાસે બોલાવીને કહ્યું, “હું જે કહું છું તે ધ્યાનથી સાંભળો અને સમજવા પ્રયત્ન કરો. 11 મનુષ્ય જે ખોરાક ખાય છે, તેથી તે અપવિત્ર થઈ જતો નથી, પરંતુ તેના મુખમાંથી જે કોઈ શબ્દો નીકળે છે તેનાથી તે અશુદ્ધ બને છે તેનાથી તે અપવિત્ર થાય છે.”

12 ત્યારે શિષ્યોએ આવીને ઈસુને કહ્યું કે, “શું તમને ખબર છે કે તમારી આ વાતથી ફરોશીઓ ગુસ્સે થયા છે?”

13 ઈસુએ ઉત્તર આપ્યો, “મારા આકાશમાંના બાપે રોપ્યાં નહિ હોય એવા દરેક છોડને મૂળમાંથી ઉખાડી નાંખવામાં આવશે. 14 માટે ફરોશીઓની વાત જવા દો. જો એક આંધળો માણસ બીજા આંધળા માણસનો દોરશે તો બંન્ને જણ ખાડામાં પડશે.”

15 પિતરે ઈસુને વિનંતી કરી કહ્યું, “અગાઉ લોકોને આપેલ દૃષ્ટાંતનો અર્થ સમજાવો.”

16 ઈસુએ કહ્યુ, “હજુ પણ તમને સમજવામાં મુશ્કેલી છે? 17 શું તમે નથી જાણતાં કે જે ખોરાક તમારા મોંમાં જાય છે તે પેટમાં જાય છે. પછી શરીરમાંથી બહાર નીકળી જાય છે અને તે ગટરમાં જાય છે. 18 પરંતુ જે શબ્દો વ્યક્તિના મોંમાંથી નીકળે છે તે જે રીતે વ્યક્તિ વિચારે છે તેનું પરિણામ છે. આ શબ્દો માણસને અસ્વચ્છ બનાવે છે. 19 કેમ કે ખરાબ વિચાર, હત્યા, વ્યભિચાર, દુરાચાર, જૂઠ, ચોરી, નિંદા જેવા દરેક ખરાબ વિચાર માણસના હૃદયમાંથી નીકળે છે. 20 માણસને આજ વસ્તુ અપવિત્ર બનાવે છે. હાથ ધોયા વિના ખાવાથી કંઈ અશુદ્ધ થવાતું નથી.”

માથ્થી 15:21-28

ઈસુ બીન યહૂદિ સ્ત્રીને મદદ કરે છે

(માર્ક 7:24-30)

21 પછી એ વિસ્તારમાંથી ઈસુ દૂર તૂર અને સિદોનના પ્રદેશમાં ગયો. 22 ત્યાં રહેતી એક કનાની સ્ત્રીઓ ઈસુ પાસે આવીને જોરથી બૂમ પાડીને વિનંતી કરી, “ઓ પ્રભુ, દાઉદના દીકરા, મારા પર દયા કર, મારી દીકરીને ભૂત વળગેલું છે અને તે કાયમ રિબાયા કરે છે.”

23 પણ ઈસુએ તેને કશો જ ઉત્તર આપ્યો નહિ, શિષ્યોએ ઈસુને વિનંતી કરતાં કહ્યું, “તેને દૂર મોકલી દો. તે આપણી પાછળ આવે છે અને બૂમો પાડે છે.”

24 ઈસુએ કહ્યું, “દેવે મને ઈસ્રાએલના (યહૂદિઓ) ઘરનાં ખોવાયેલાં ઘેટાં પાસે મોકલ્યો છે.”

25 પછી તે સ્ત્રી ફરીથી ઈસુ પાસે આવી અને તેને પગે પડી કહેવા લાગી, “પ્રભુ, મને મદદ કર!”

26 ઈસુએ કહ્યું, “છોકરાઓની રોટલી લઈન કૂતરાંઓને આપવી એ બરાબર નથી.”

27 સ્ત્રીએ ઉત્તર આપ્યો, “હા પ્રભુ, એ તો ખરું છે પરંતુ કૂતરાંઓ પોતાના માલિકના મેજ નીચે પડેલા રોટલીના નાના ટુકડાઓ ખાય છે.”

28 ઈસુએ કહ્યું, “બાઈ, તારો વિશ્વાસ ઘણો છે! તારી ઈચ્છા પ્રમાણે તને થાઓ.” તેની દીકરી તે જ ઘડીએ સાજી થઈ ગઈ.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International