Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 133

મંદિરે ચઢવા માટેનું દાઉદનું ગીત.

ભાઇઓ સહુ સંપીને રહે તે કેવું સરસ
    અને શોભાયમાન છે!
તેં માથે ચોળેલા, દાઢી સુધી, હા, હારુનની દાઢી સુધી
    અને તેના વસ્રની કોર સુધી, ઊતરેલા મૂલ્યવાન તેલનાં જેવું છે.
વળી તે હેમોર્ન પર્વત પરના તથા સિયોનના પર્વતો પરના ઝાકળ જેવું છે.
    કારણકે, યહોવાએ આપણને સિયોનમાં શાશ્વત જીવનનાં આશીર્વાદ આપ્યાં છે.

ઉત્પત્તિ 41:14-36

યૂસફને સ્વપ્ન જાણવા માંટે બોલાવાયો

14 પછી ફારુનને યૂસફને તેડવા માંટે માંણસો મોકલ્યા, ને તેઓ તેને ઝટપટ કારાગારમાંથી બહાર કાઢી લાવ્યા; પછી તેણે હજામત કરાવી, કપડાં બદલ્યાં અને તે ફારુન પાસે આવ્યો. 15 ફારુને યૂસફને કહ્યું, “મને એક સ્વપ્ન આવ્યું છે, પણ તેનો અર્થ સમજાવનાર કોઇ નથી. મેં તમાંરા વિષે એવું સાંભળ્યું છે કે, જો તમને સ્વપ્ન કહેવામાં આવે તો તમે તેનો અર્થ કહી શકો છો.”

16 પછી યૂસફે ફારુનને જવાબ આપતા કહ્યું, “અર્થ કરનાર હું કોણ? ફારુનનું જેમાં કલ્યાણ હોય એવો જવાબ તો દેવ જ આપશે.”

17 પછી ફારુનને યૂસફને કહ્યું, “જુઓ, માંરા સ્વપ્નમાં હું નાઇલ નદીને કાંઠે ઊભો હતો; 18 અને સાત સુંદર તંદુરસ્ત પુષ્ટ ગાયો નદીમાંથી નીકળીને બીડમાં ચરતી હતી; 19 અને જુઓ, તેમની પછવાડે બીજી સાત પાતળી, કદરૂપી અને સૂકલકડી ગાયો નીકળી, આવી કદરૂપી ગાયો મેં કદી આખા મિસરમાં જોઈ નહોતી. 20 અને એ સૂકલકડી કદરૂપી ગાયો પેલી હૃષ્ટપુષ્ટ સાત ગાયોને ખાઈ ગઈ. 21 પણ તેમ છતા કોઇ ન કહી શકે કે, તેમણે સ્વસ્થ ગાયો ખાધી છે, કેમકે તેઓ તો પહેલાંના જેવી જ કદરૂપી અને પાતળી જ લાગતી હતી. પછી હું જાગી ગયો.

22 “ફરી આંખ મળતાં બીજું સ્વપ્ન આવ્યું. મેં એક જ સાંઠા ઉપર ઊગેલાં સાત સારાં ભરાયેલાં દાણાવાળાં ડૂંડા જોયાં. 23 અને પછી તેઓની પાછળ જ સૂકાયેલાં તથા હલકાં, ચિમળાઈ ગયેલાં પાતળાં અને લૂથી બળી ગયેલાં ડૂંડા ફૂટી નીકળ્યાં. 24 અને પછી તે હલકાં-પાતળાં ડૂંડા પેલા સાત સારાં ડૂંડાને ગળી ગયાં.

“તેથી મેં માંરા જોષીઓને તથા જાદુગરોને આ સ્વપ્ન વિષે પૂછયું, પણ તેઓમાંથી પણ કોઇ મને એનો અર્થ બતાવી શક્યું નહિ.”

યૂસફે સ્વપ્નનો અર્થ સમજાવ્યો

25 ત્યારબાદ યૂસફે ફારુનને કહ્યું, “ફારુનનાં બંને સ્વપ્નનો અર્થ તો એક જ છે. હવે દેવ શું કરનાર છે એ તેણે ફારુનને દર્શાવ્યું છે.” 26 સાત સારી ગાયો અને સાત સારાં ડૂંડા એ સાત સારાં વર્ષ છે. 27 તેમની પછવાડે જે સાત પાતળી અને કદરૂપી ગાયો નીકળી તે પણ સાત વર્ષ છે. અને લૂથી બળી ગયેલાં સાત ખાલી ડૂંડાં પણ દુકાળનાં સાત વર્ષ છે. 28 દેવે તમને તે શું કરવા માંગે છે અને નજીકના ભવિષ્યમાં શું થવાનું છે તેની ફારુનને જાણ કરી છે. 29 જુઓ, સમગ્ર મિસરમાં તમાંરી આબાદીનાં તથા ધણી જ પુષ્કળતાના સાત વર્ષ આવશે. 30 અને ત્યારબાદ સાત વર્ષ દુકાળના આવશે. આખા મિસરમાં લોકો આબાદીની વાતો ભૂલી જશે. એ દુકાળ દેશનો સર્વનાશ કરશે; 31 અને એ દુકાળ એવો ભયંકર હશે કે, દેશમાં કયાંય આબાદીનું નામનિશાન જોવા પણ નહિ મળે.

32 “અને ફારુનને બે વાર સ્વપ્ન આવ્યાં તેનો અર્થ એ કે, દેવ તરફથી આ વાત નક્કી થઈ ગયેલ છે. અને દેવ તેને થોડા સમયમાંજ પૂર્ણ કરશે. 33 તેથી કરીને હવે ફારુને કોઈ બુદ્વિમાંન અને જ્ઞાની પુરુષને પસંદ કરીને મિસર દેશનો વહીવટ સોંપી દેવો જોઈએ. 34 દેશભરમાં ફારુને અમલદારો નિયુકત કરવા જોઈએ અને સમૃદ્વિનાં સાત વર્ષ દરમ્યાન મિસરમાંથી પાકનો પાંચમો ભાગ વસૂલ કરવો જોઈએ. 35 અને જે સાત સારાં વર્ષ આવે તે દરમ્યાન બધી જ જાતનું અનાજ ભેગું કરવું જ. અને ફારુનના તાબા નીચે પ્રત્યેક શહેરમાં તેને સાચવવું જોઈએ. 36 અને મિસરમાં દુકાળનાં જે સાત વર્ષ આવશે, ત્યારે એ અનાજનો જથ્થો કામ આવશે. અને દુકાળથી દેશનો નાશ થતો અટકી જશે.”

પ્રકટીકરણ 15:1-4

છેલ્લા અનર્થ સાથે દૂત

15 પછી મેં આકાશમાં બીજું એક આશ્ચર્યકારક ચિન્હ જોયું, તે મહાન અને આશ્ચર્યકારક હતું ત્યાં સાત દૂતો સાત વિપત્તિઓ લાવ્યા હતા. (આ છેલ્લી વિપત્તિઓ છે, કારણ કે આ વિપત્તિઓ પછી દેવનો કોપ પૂર્ણ થાય છે.)

મેં જોયું, જે અગ્નિમિશ્રિત કાચના સમુદ્ર જેવું હતું. બધા લોકો જેઓએ પ્રાણી પર, અને તેની મૂર્તિ અને તેના નામની સંખ્યા પર વિજય મેળવ્યો. તેઓ તે સમુદ્રની બાજુમાં ઊભા હતા. આ લોકો પાસે વીણા હતી જે દેવે તેઓને આપી હતી. તેઓએ દેવના સેવક મૂસાનું અને હલવાનનું ગીત ગાયું:

“હે સર્વશક્તિમાન પ્રભુ દેવ,
    તારાં કાર્યો મહાન તથા અદભૂત છે.
હે યુગોના રાજા
    તારા માર્ગો ન્યાયી અને સત્ય છે.
હે પ્રભુ બધા લોકો તારાથી બીશે.
બધા લોકો તારા નામની સ્તુતિ ગાશે!
    કારણ કે માત્ર તું એકલો જ પવિત્ર છે.
બધા લોકો આવશે અને તારી આગળ આરાધના કરશે,
    કારણ કે તે સ્પષ્ટ છે કે તું જે કરે છે તે ન્યાયી છે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International