Revised Common Lectionary (Semicontinuous)
સ્વપ્નદ્રષ્ટા યૂસફ
37 યાકૂબ જે પ્રદેશમાં એના પિતા આવીને વસ્યા હતાં તે દેશમાં એટલે કે, કનાન દેશમાં રહ્યો. 2 યાકૂબના પરિવારની આ કથા છે.
યૂસફ 17 વર્ષનો યુવાન હતો. તેનું કામ ઘેટાંબકરાંને ચરાવવાનું અને તેમની દેખભાળ રાખવાનું હતું. યૂસફ આ કામ પોતાના ભાઈઓ એટલે કે, બિલ્હાહ તથા ઝિલ્પાહના પુત્રોની સાથે કરતો હતો. (બિલ્હાહ અને ઝિલ્પાહ તેના પિતાની પત્નીઓ હતી.) 3 યૂસફ પોતાના ભાઈઓના દુકૃત્યો વિષે તેના પિતાને જાણ કરતો હતો. તેના પિતા ઇસ્રાએલ વૃદ્વ હતાં ત્યારે યૂસફનો જન્મ થયો હતો. તેથી ઇસ્રાએલ બીજા પુત્રો કરતા વધારે પ્રેમ યૂસફને કરતો હતો; અને તેણે યૂસફ માંટે એક લાંબી બાંયનો રંગીન ઝભ્ભો પણ સિવડાવ્યો હતો. 4 બીજા પુત્રો કરતા પિતાને યૂસફ પર વિશેષ પ્રેમ છે તેના ભાઈઓએ જોતા તેઓ તેના ભાઇ યૂસફને ઘૃણા કરવા લાગ્યા અને તેઓ તેની સાથે મૈત્રીભાવથી વાત કરી શકતા નહોતા.
12 એક વખત યૂસફના ભાઈઓ પિતાના ઘેટાંબકરાં ચરાવવા માંટે શખેમ ગયા. 13 પછી ઇસ્રાએલે યૂસફને કહ્યું, “શખેમ જા, તારા ભાઈઓ શખેમમાં ઘેટાં બકરાં ચરાવે છે. ચાલ, હું તને તેમની પાસે મોકલું છું.”
યૂસફે કહ્યું, “હું જઈશ, હું તૈયાર છું.”
14 યૂસફના પિતાએ કહ્યું, “જા અને તપાસ કર. તારા ભાઇઓ અને ઘેટાં બકરાં કુશળ છે કે, કેમ? જોઈ આવ ને મને કહે.” એમ કહીને તેણે તેને હેબ્રોનની ખીણમાં થઈ શખેમ જવા મોકલ્યો.
15 યૂસફ શખેમમાં ખોવાઈ ગયો. એક માંણસે તેના ખેતરમાં આમતેમ રખડતો જોયો. તે માંણસે પૂછયું. “તું કોને શોધે છે?”
16 યૂસફે જવાબ આપ્યો, “હું માંરા ભાઈઓને શોધું છું; શું તમે બતાવી શકો છો કે, તેઓ કઈ જગ્યાએ ઘેટાંબકરાં ચરાવે છે?”
17 પેલા માંણસે કહ્યું, “તેઓ તો ચાલ્યા ગયા છે. મેં તેમને એમ વાત કરતાં સાંભળ્યા હતા કે, ચાલો, આપણે દોથાન જઈએ.” આથી યૂસફ પોતાના ભાઈઓની પાછળ ગયો અને તેઓ તેને દોથાનમાં મળ્યા.
યૂસફનું ગુલામી માંટે વેંચાઈ જવું
18 યૂસફના ભાઈઓએ તેને દૂરથી આવતાં જોયો અને એ તેમની પાસે આવી પહોંચે તે પહેલાં જ એને માંરી નાખવા માંટેનું ષડયંત્ર તેમણે રચ્યું. 19 ભાઈઓએ એકબીજાને કહ્યું, “જુઓ, પેલો સ્વપ્ન જોવાવાળો યૂસફ આવે છે! 20 ચાલો તક મળતાં આપણે તેને માંરી નાખીએ અને કોઈ હવડ કૂવામાં નાખી દઈએ. અને આપણે આપણા પિતાને કહીશું કે, તેને કોઈ જંગલી જાનવર ખાઈ ગયું છે. પછી આપણે જોઈશું કે, એના સ્વપ્નોનું શું થાય છે?”
21 પરંતુ રૂબેન યૂસફને બચાવવા માંગતો હતો. રૂબેને કહ્યું, “આપણે એનો જીવ ન લઈએ. 22 રણના આ ખાલી કૂવામાં એને નાખી દો, પણ એને કોઈ ઈજા ન કરશો.” રૂબેનની યોજના એને બીજા ભાઇઓના હાથમાંથી બચાવી લઈને પિતાને સુપ્રત કરવાની હતી. 23 યૂસફ તેના ભાઈઓની પાસે આવ્યો ત્યારે એણે પેલો લાંબી બાંયનો સુંદર ડગલો પહેર્યો હતો, તેને ફાડીને ઉતારી લીધો. 24 પછી તેઓએ એને લઈ જઈને હવડ કૂવામાં ફેંકી દીધો. કૂવામાં પાણી નહોતું.
25 પછી યૂસફના ભાઈઓ ખાવા બેઠા. તેમણે નજર કરી, તો ઇશ્માંએલીઓનો એક સંઘ ગિલઆદથી આવતો હતો; અને તેઓ ઊંટ પર અનેક સુગંધીઓ તથા લોબાન તથા બોળ લાદીને મિસર લઈ જતા હતા. 26 યહૂદાએ પોતાના ભાઈઓને કહ્યું, “આપણે આપણા ભાઈની હત્યા કરીએ અને તેનું રકત છુપાવી દઈએ તેથી શો ફાયદો? 27 ચાલો, આપણે તેને ઇશ્માંએલીઓને વેચી દઈએ, અને તેને કોઈ ઈજા ન કરીએ, કારણ તે આપણો ભાઈ છે તથા આપણું જ લોહી છે.” અને તેના ભાઈઓ તેની સાથે સંમત થયા. 28 તે સમયે ત્યાંથી કેટલાક મિદ્યાની વેપારીઓ પસાર થતાં હતા; તેથી ભાઈઓએ યૂસફને કૂવામાંથી બહાર કાઢયો અને 20 રૂપામહોરમાં વેપારીઓને વેચી દીધો. તેથી તેઓ યૂસફને મિસર લઈ ગયા.
1 યહોવાનો આભાર માનો, તેના નામની સ્તુતિ કરો.
તેમનાં કૃત્યો લોકોમાં પ્રસિદ્ધ કરો.
2 યહોવા સમક્ષ ગાઓ, તેનાં સ્તોત્ર ગાઓ;
તેમનાં સર્વ ચમત્કારોનું મનન કરો અને સૌને તે જણાવો.
3 તમે યહોવાનાં પવિત્ર નામનું અભિમાન કરો;
યહોવાની આરાધના કરનારાઓ આનંદ કરો.
4 યહોવાને તથા તેના સાર્મથ્યને શોધો;
સદા-સર્વદા તમે તેના મુખને શોધો.
5 તેણે જે આશ્ચર્યકારક કર્મો કર્યા છે તે તથા તેનાં ચમત્કરો
અને તેનાં ન્યાયચુકાદા યાદ રાખો.
6 તમે લોકો દેવના સેવક ઇબ્રાહિમના વંશજો છો, તમે યાકૂબના વંશજો છો.
અને તમે યહોવાની પસંદગીના લોકો છો.
16 તેમણે કનાનની ભૂમિમાં દુકાળ આવવા દીધો;
અને અન્નનો આધાર તેમણે તોડી નાખ્યો.
17 પછી તેમણે તેઓની પહેલાં યૂસફને મિસર મોકલ્યો,
અને તેને ગુલામ તરીકે વેચ્યો.
18 બંદીખાનામાં તેઓએ તેના પગોએ સાંકળો બાંધી,
અને તેઓએ લોખંડનો પટ્ટો તેના ગળે બાંધ્યો.
19 યહોવાના શબ્દે પૂરવાર કર્યુ કે તે યૂસફ સાચો હતો
ત્યાં સુધી યૂસફ જેલમાં રહો.
20 પછી રાજાએ માણસો મોકલીને તેને છોડાવ્યો;
અને લોકોના અધિપતિઓએ તેનો છુટકારો કર્યો.
21 પછી રાજાએ યૂસફને તેના મહેલનો તેમજ
તેની સર્વ મિલકતનો વહીવટ સોંપ્યો.
22 અને યૂસફે રાજાના અમલદારોને સૂચનાઓ
આપી વૃદ્ધ નેતાઓને સમજાવ્યું.
45 તેઓ ભરોસો કરે અને તેનાં વિધિઓનું પાલન કરે
અને તેના માર્ગોને અનુસરે તેથી યહોવાએ આ કર્યુ;
હાલેલૂયા!
5 નિયમ દ્વારા દેવ સાથે ન્યાયી થવા સંબંધમાં મૂસા લખે છે, “જે દરેક વ્યક્તિ નિયમનું પાલન કરે છે, તે નિયમની બાબતોનું પાલન કરવાથી જીવન મેળવશે.”(A) 6 પરંતુ વિશ્વાસના માર્ગે યોગ્યતા મેળવવા વિષે શાસ્ત્ર આમ કહે છે: “તમે પોતે આવું ન કહેશો, ‘ઉપર આકાશમાં કોણ જશે?’” (આનો અર્થ એ છે કે, “ખ્રિસ્તને પ્રાપ્ત કરવા અને તેને પૃથ્વી પર પાછો નીચે લાવવા આકાશમાં કોણ જશે?”) 7 “અથવા તમે આમ પણ પૂછશો નહિ, ‘કે પૃથ્વીના કે ઊડાણમાં કોણ ઊતરશે?’” (એનો અર્થ છે, “નીચે પાતાળમાં મૃત્યુલોકમાં જઈને મૃત્યુમાંથી ખ્રિસ્તને પૃથ્વી પર કોણ લઈ આવશે?”)
8 શાસ્ત્ર જે કહે છે તે આ છે: “દેવનો સંદેશ તો તમારી પાસે છે; તે તમારા મુખમાં અને હૃદયમાં છે.” તે સંદેશ તે જ વિશ્વાસનો સંદેશ છે, કે જે અમે લોકોને કહીએ છીએ.(B) 9 જો તમે તમારી મુખવાણીનો ઉપયોગ આમ કહેવા માટે કરશો કે, “ઈસુ પ્રભુ છે,” અને જો તમે તમારા મનમાં માનશો કે દેવે ઈસુને મૃત્યુમાંથી ઉઠાડયો છે, તો તમારું તારણ થશે. 10 હા, અમે અમારા હૃદયોથી માનીએ છીએ, અને તેથી અમને ન્યાયી ઠરાવાયા છે. અને, “અમે એમાં માનીએ છીએ.” એમ કહેવા માટે અમે અમારી મુખની વાણીનો ઉપયોગ કરીએ છીએ; અને તેથી આપણું તારણ થયું છે.
11 હા, ધર્મશાસ્ત્ર કહે છે, “જે કોઈ વ્યક્તિ તેનામાં વિશ્વાસ કરે છે તેને શરમાવું નહિ પડે.”(C) 12 એ ધર્મશાસ્ત્ર કહે છે, “જે કોઈ વ્યક્તિ,” કારણ કે યહૂદિઓ અને બિન-યહૂદિઓ વચ્ચે કોઈ ભેદભાવ નથી. એ જ પ્રભુ સૌ લોકોને પ્રભુ છે. પ્રભુમાં વિશ્વાસ રાખનાર સૌ લોકોને પ્રભુ અનેક આશીર્વાદ આપે છે. 13 હા, શાસ્ત્ર કહે છે, “પ્રભુમાં વિશ્વાસ રાખનાર દરેક વ્યક્તિ તારણ પામશે.”(D)
14 પરંતુ સહાય માટે તેઓ પ્રભુમાં ભરોસો મૂકી શકે તે પહેલાં લોકોએ પ્રભુમાં વિશ્વાસ કરવો જોઈએ. અને લોકો પ્રભુમાં વિશ્વાસ કરે તે પહેલાં તેમણે પ્રભુ વિષે સાંભળેલું હોવું જોઈએ. અને લોકો પ્રભુ વિષે સાંભળે એ માટે બીજી કોઈ વ્યક્તિએ તેમને પ્રભુ વિષે કહેવું પડે. 15 અને લોકોની પાસે જઈને તેઓને બધું કહેવા માટે કોઈક વ્યક્તિને મોકલવી પડે. શાસ્ત્રમાં લખેલું છે કે, “સુવાર્તા લાવનાર પ્રબોધકો કે ઉપદેશકોનાં પગલા કેવાં સુંદર છે!”(E)
ઈસુ સરોવરના પાણી પર ચાલ્યા
(માર્ક 6:45-52; યોહ. 6:16-21)
22 પછી ઈસુએ તેના શિષ્યોને હોડીમાં જવાનું કહ્યુ અને કહ્યું, “તમે સરોવરની પેલે પાર જાઓ, હું થોડી વારમાં આવુ છું.” ઈસુ ત્યાં રોકાયો અને લોકોને કહ્યું, “તમે ઘેર જાઓ.” 23 ઈસુએ લોકોને વિદાય આપી અને ટેકરી પર એકલો પ્રાર્થના કરવા ગયો ત્યારે ખૂબજ મોડું થઈ ગયું હતું અને ઈસુ એકલો જ ત્યાં હતો. 24 આ વખતે હોડી કિનારાથી ખૂબજ દૂર હતી અને મોજાઓથી ડામાડોળ થઈ રહી હતી કારણ કે તેની સાથે સખત પવન ફૂંકાતો હતો.
25 સવારના ત્રણ અને છ બાગ્યાની વચ્ચે ઈસુ સરોવરના પાણી પર ચાલતો ચાલતો તેમની પાસે આવ્યો. 26 ઈસુને પાણી પર ચાલતો આવતો જોઈને શિષ્યો ભયભીત થયા અને બૂમો પાડવા લાગ્યા કે, “આ ભૂત છે!”
27 ઈસુ તરત જ બોલ્યો: “ચિંતા ન કરો! એ તો હું જ છું! ડરો નહિ.”
28 ત્યારે પિતરે તેને કહ્યું, “પ્રભુ, જો એ તું જ છે, તો તું મને પાણી પર ચાલીને તારી પાસે આવવા કહે.”
29 ઈસુએ કહ્યું, “પિતર, તું આવ.”
પછી પિતર હોડીમાંથી ઉતરી પાણી પર ચાલતો ઈસુ તરફ જવા લાગ્યો. 30 પણ જ્યારે પિતર પાણી પર ચાલતો હતો ત્યારે તેણે સખત પવન ફૂંકાતો જોયો અને તે ડરી ગયો. તે ડૂબવા લાગ્યો અને બૂમ પાડી ઊઠ્યો, “હે પ્રભુ, મને બચાવ!”
31 તરત જ ઈસુએ તેનો હાથ પકડ્યો અને કહ્યું, “તારો વિશ્વાસ ઘણો ઓછો છે. અને તેં શા માટે શંકા કરી?”
32 ઈસુ અને પિતર હોડીમાં ચઢયા પછી પવન શાંત થઈ ગયા. 33 તેના જે શિષ્યો હોડીમાં હતા તેઓએ તેને નમન કર્યુ અને કહ્યું, “તું ખરેખર દેવનો દીકરો છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International