Revised Common Lectionary (Semicontinuous)
દેવનું ઘર બેથેલ
10 યાકૂબે બેર-શેબા છોડયું અને ત્યાંથી તે હારાન તરફ ગયો. 11 યાત્રા સમયે સૂર્યાસ્ત થઈ ગયો હોવાથી તે એક જગ્યાએ રાતવાસો કરવા માંટે રોકાયો. યાકૂબે ત્યાં એક પથ્થર જોયો, તેથી સૂઈ જવા માંટે તેના પર માંથું મૂકયું. 12 યાકૂબને એક સ્વપ્ન આવ્યું; તેણે જોયું કે, એક સીડી પૃથ્વી પર મૂકેલી છે, જેની ટોચ આકાશ સુધી પહોંચે છે, 13 અને યાકૂબે જોયું તો દેવદૂતો સીડી ઉપરથી ચઢતા-ઊતરતા હતા. અને યહોવા સીડી પાસે ઊભા હતા. યહોવાએ કહ્યું, “હું તમાંરા પિતા ઇબ્રાહિમનો દેવ યહોવા છું. હું ઇસહાકનો દેવ છું. જે જમીન પર તું સૂતો છે તે જમીન હું તને અને તારા વંશજોને આપીશ. 14 પૃથ્વી પર માંટીના જેટલાં રજકણ છે તેટલા તારા વંશજો હશે. તેઓ પૂર્વ-પશ્ચિમ તથા ઉત્તર દક્ષિણમાં ફેલાશે. અને તારા તથા તારા વંશજોને કારણે પૃથ્વી પરની બધી પ્રજાઓ આશીર્વાદ પ્રાપ્ત કરશે.
15 “હું તમાંરી સાથે છું અને હું તમાંરું રક્ષણ કરીશ. તમે જયાં જશો ત્યાંથી હું તમને પાછો આ ભૂમિ પર લઈ આવીશ. મેં તને જે કરવાનું વચન આપ્યું છે તે જયાં સુધી પૂરું નહિ કરી લઉં ત્યાં સુધી હું તારો સાથ છોડવાનો નથી.”
16 પછી યાકૂબ ઊંઘમાંથી જાગ્યો અને બોલ્યો, “મને ખબર છે કે, યહોવા આ જગ્યા પર છે. પરંતુ જયાં સુધી હું અહીં સૂતો ન હતો, ત્યાં સુધી જાણતો નહોતો કે, તે અહીં છે.”
17 યાકૂબને બીક લાગી, તેણે કહ્યુ, “આ તો કોઈ મહાન જગ્યા છે. આ તો દેવનું ઘર છે. આ તો આકાશનું દ્વાર છે.”
18 બીજે દિવસે સવારે યાકૂબ વહેલો ઊઠયો, અને જે પથ્થર તેને માંથા નીચે મૂકયો હતો તે ઊઠાવ્યો. અને તેને સ્માંરકસ્તંભ તરીકે ઊભો મૂકી દીધો. પછી તેણે તેના પર તેલ રેડ્યું. આ રીતે તેણે આ પથ્થરને દેવનો સ્માંરક સ્તંભ બનાવ્યો. 19 આ જગ્યાનું નામ પહેલાં લૂઝ હતું પરંતુ યાકૂબે તે જગ્યાનું નામ બેથેલ પાડયું.
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, તમે મારા હૃદયની પરીક્ષા કરી છે;
અને તમે મારા વિષે બધું જાણો છો.
2 મારું બેસવું તથા ઊઠવું તમે જાણો છો;
મારા વિચારો પણ તમે વેગળેથી સમજો છો.
3 તમે જાણો છો હું ક્યાં જઇ રહ્યો છું અને હું ક્યારે સુઇ જાઉ છું.
હું જે બધું કરું છું તે તમે જાણો છો.
4 હું બોલું તે અગાઉ તમે જાણો છો,
કે હું શું કહેવા ઇચ્છુ છું.
5 તમે મને આગળને પાછળ ઘેરી લીધો છે;
અને તમે તમારા હાથે મને ઝાલી રાખ્યો છે.
6 આવું જ્ઞાન મને તો અતિ ભવ્ય અને અદૃભૂત છે;
તે અતિ ઉચ્ચ છે, હું તેને કળી શકતો નથી.
7 તમારા આત્મા પાસેથી હું ક્યાં જાઉં?
તમારી હાજરી માંથી હું ક્યાઁ નાસી જાઉ?
8 જો હું આકાશમાં જાઉં તો તમે ત્યાં છો;
જો હું શેઓલમાં જાઉં તો પણ તમે ત્યાં જ છો.
9 જો હું પરોઢિયાની પાંખો પર
સમુદ્રોને પેલે પાર ઘણે દૂર જાઉં
10 તો ત્યાં પણ મને તમારો હાથ દોરશે;
તમારું સાર્મથ્ય મને સહાય કરશે.
11 જો હું અંધકારમાં સમાઇ જવાનો પ્રયત્ન કરું
તો રાત મારી આસપાસ પ્રકાશરૂપ થશે.
12 અંધકાર પણ મને સંતાડી શકતો નથી યહોવાથી;
તમારી આગળ રાત પણ દિવસની જેમ પ્રકાશે છે;
અંધકાર અને પ્રકાશ બંને છે તમારી દ્રષ્ટિમાં સમાન.
23 હે યહોવા, મારી પરીક્ષા કર; અને મારું અંત:કરણ ઓળખ;
મારી કસોટી કર અને મારા વિચારોને પકડ.
24 તમને દુ:ખ થાય તેવી બાબત તમને મારામાં દેખાય તો મને જણાવો;
અને સનાતન માર્ગે મને દોરી જાઓ.
12 તેથી, મારા ભાઈઓ અને બહેનો, આપણે આપણાં પાપાત્માઓની સત્તા આપણા પર ન જ ચાલવા દેવી જોઈએ. આપણાં પાપી શરીરોની ઈચ્છાઓ કે વાસનાઓથી દોરવાઈને આપણે જીવવું જોઈએ જ નહિ. 13 જો તમારા પાપી સ્વભાવની વાસનાઓ સંતોષવા તમે ખરાબ કામો પાછળ તમારા જીવનનો ઉપયોગ કરશો, તો તમારું મૃત્યુ થશે જ. પરંતુ શરીરનાં કામોને મારી નાખવા જો તમે આત્માનો ઉપયોગ કરશો તો તમને સાચું જીવન પ્રાપ્ત થશે.
14 દેવનાં સાચાં સંતાનો એ છે કે જેઓ દેવના આત્માનું માર્ગદર્શન સ્વીકારે છે. 15 જે આત્મા આપણને પ્રાપ્ત થયો છે તે કોઈ સામાન્ય આત્મા નથી કે જે આપણને ફરીથી દાસ બનાવીને ભયભીત કરશે. જે આત્મા આપણને પ્રાપ્ત થયો છે, તે આપણને દેવનાં સંતાનો બનાવે છે. અને એ ભાવનાથી જ તો આપણે દેવને “પિતા, પ્રિય પિતા,” કહીને બોલાવીએ છીએ. 16 આપણા આત્માની સાથે એ જ આત્મા સાક્ષી આપે છે કે આપણે દેવનાં સંતાનો છીએ. 17 જો આપણે દેવનાં સંતાનો હોઈશું, તો દેવ પોતાનાં માણસોને જે આશીર્વાદ આપે છે, તે આપણને પણ મળશે. આ આશીર્વાદો દેવ તરફથી આપણને મળશે. ખ્રિસ્તની સાથે સાથે આપણને પણ એ આશીર્વાદ પ્રાપ્ત થશે. પરંતુ ખ્રિસ્તે જે દુ:ખો સહન કર્યા હતાં, તેમ આપણે પણ સહન કરવાં જ પડશે. તો જ, ખ્રિસ્તની જેમ આપણને પણ મહિમા પ્રાપ્ત થશે.
ભવિષ્યમાં આપણને મહિમા મળશે
18 હમણાં આપણે દુ:ખો સહન કરી રહ્યા છીએ. પરંતુ ભવિષ્યમાં આપણને જે મહિમા પ્રાપ્ત થવાનો છે તેની તુલનામાં આપણાં અત્યારનાં દુ:ખો કઈ જ નથી. 19 દેવે સર્જેલી દરેક વસ્તુ એ સમયની ઉત્તેજનાપૂર્વક રાહ જોઈ રહી છે કે જ્યારે દેવ દુનિયાને બતાવી દેશે કે તેનાં (સાચાં) સંતાનો કોણ છે એ ઘટના ઘટે એની આખા જગતને આતુરતા છે. 20 દેવે જે દરેક વસ્તુ સર્જી તે દરેક વસ્તુ જાણે નિરર્થકતાને આધીન હોય તેમ તેને બદલી નાખવામાં આવી. તેને બદલવાની ઈચ્છા ન હતી. પરંતુ દેવે તેમાં પરિવર્તન કરવાનો નિર્ણય કર્યો. પરંતુ તેમાં પણ આ આશા તો હતી 21 કે દેવ-સર્જિત પ્રત્યેક વસ્તુ નષ્ટ થવાથી મુક્ત હશે. એવી પણ આશા હતી કે દેવનાં સંતાનોને જે મુક્તિ અને મહિમા પ્રાપ્ત થયા છે, તે દેવે બનાવેલી દરેક વસ્તુને મળશે.
22 આપણે જાણીએ છીએ કે, બાળકને જન્મ આપવા માટે તૈયાર કોઈ સ્ત્રી દુ:ખ સહન કરતી રાહ જોતી હોય, એ રીતે અત્યારે તો સમગ્ર સૃષ્ટિ દેવ-સર્જિત દરેક વસ્તુ માટે પ્રસૂતાની વેદના જેવી વેદના સહન કરી રહી છે. 23 પરંતુ તે એકલી જ નહિ, પણ આપણે પોતે જેઓને આત્માનું પ્રથમફળ મળ્યું છે. તે જોઈને પણ દત્તકપુત્રપણાની, એટલે આપણા શરીરના ઉદ્ધારની વાટ જોતાં આપણે પોતાના મનમાં નિસાસા નાખીએ છીએ, કહેવાનો અર્થ એ છે કે આપણાં શરીરોથી આપણને મુક્તિ મળી જાય એની આપણે પ્રતિક્ષા કરી રહ્યા છીએ. 24 કારણ કે એ જ આશાથી આપણો ઉદ્ધાર થયો છે. પણ જે આશા દૃશ્ય હોય તે આશા નથી કેમ કે કોઈ માણસ પોતે જે જુએ છે, તેની આશા કેવી રીતે રાખે. 25 પરંતુ આપણે એવી વસ્તુ મેળવવાની આશા રાખીએ છીએ કે જે હજી સુધી આપણને મળી નથી. તેના માટે આપણે ધીરજપૂર્વક પ્રતિક્ષા કરી રહ્યા છીએ.
ઘઉ અને નકામા છોડ વિષે વાર્તા
24 ઈસુએ બીજું એક દૃષ્ટાંત કહ્યું, “આકાશનું રાજ્ય એ વ્યક્તિ જેવું છે, જેણે પોતાના ખેતરમાં સારા બીજની વાવણી કરી હતી. 25 એક રાત્રે, બધાં જ માણસો ઊંઘતા હતા. ત્યારે તેનો વૈરી આવ્યો અને ઘઉંમાં નકામા બી વાવી ગયો. 26 પણ જ્યારે છોડ ઊગ્યા અને દાણા દેખાયા ત્યારે નકામા છોડ પણ દેખાયા. 27 ખેડૂતનો છોકરો આવ્યો અને તેને કહ્યું, ‘શું તમે ખેતરમાં સારા બી વાવ્યા ન હતાં? તો પછી ખરાબ છોડ ક્યાંથી આવ્યા?’
28 “તે માણસે ઉત્તર આપ્યો, ‘વૈરીઓએ આ વાવ્યું છે,’
“નોકરે પૂછયું, ‘તમે રજા આપો તો નકામા છોડ કાઢી નાખીએ.’
29 “તેણે કહ્યુ, ‘ના, તેમ કરવા જશો તો નકામા છોડ સાથે ઘઉંના છોડ પણ ઉખાડી નાખશો. 30 પાક લણતાં સુધી ઘઉં અને નકામા દાણા ભલે સાથે ઊગે પાક લણણીના સમયે લણનારાઓને હું કહીશ પહેલા નકામા છોડને ભેગા કરો. તેમને બાળી નાખવાના હેતુથી તેમના ભારા બાંધો. અને પછી ધઉં મારા કોઠારમાં ભેગા કરો.’”
ધઉં અને કડવા દાણાના દૃષ્ટાંતનો ખુલાસો
36 પછી ઈસુ લોકસમુદાયને છોડી ઘરમાં ગયો, તેના શિષ્યોએ આવીને તેને વિનંતી કરી, “અમને ખેતરના નકામા છોડવાનું દૃષ્ટાંત સમજાવો.”
37 ઈસુએ ઉત્તર આપ્યો, “જેણે સારા બી નું વાવેતર કર્યુ છે તે માણસનો દીકરો છે. 38 આ ખેતર પણ જગત છે જ્યાં સારા બી રાજ્યના સંતાન છે અને ખરાબ બી શેતાનનાં સંતાન છે. 39 જે વૈરીએ ખરાબ બી વાવ્યા તે શેતાન છે, કાપણી એ જગતનો અંત છે, અને પાક લણનારા એ દૂતો છે.
40 “આ દૃષ્ટાંતમાં જેમ નકામા છોડને જુદા કાઢી બાળી દેવામાં આવે છે તે જ પ્રમાણે જગતના અંતકાળે થશે. 41 માણસનો દીકરો પોતાના દૂતોને મોકલશે એ દૂતો એવા લોકો જેઓ બીજાને પાપ કરવા પ્રેરે છે અને જેઓ અનિષ્ટ કરે છે તેમને બહાર કાઢશે અને તેમને તેના રાજ્યની બહાર લઈ જશે. 42 તે દૂતો આવા માણસોને અગ્નિની ભઠ્ઠીમાં ફેંકી દેશે. જ્યાં લોકો વેદનાને લીધે રડશે અને દાંત પીસશે. 43 ત્યારે સારા લોકો જ તેના બાપના રાજ્યમાં સૂરજની જેમ ચમકશે. જે સાંભળી શકતા હોય તે મારી વાત ધ્યાનથી સાંભળી લો!
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International