Revised Common Lectionary (Semicontinuous)
ઇસહાકનો પરિવાર
19 આ ઇસહાકની કથા છે. ઇબ્રાહિમનો એક પુત્ર ઇસહાક હતો. 20 ઇસહાકે 40 વર્ષની વયે રિબકા સાથે લગ્ન કર્યા. રિબકા પાદાનારામની વતની હતી. તે અરામના બથુએલની પુત્રી અને અરામના લાબાનની બહેન હતી. 21 તેની પત્નીને બાળકો થતાં ન હતા. આથી ઇસહાકે તેના માંટે યહોવાને પ્રાર્થના કરી. યહોવાએ ઇસહાકની પ્રાર્થના સાંભળી અને માંન્ય રાખી અને રિબકા ગર્ભવતી થઇ.
22 જયારે રિબકા ગર્ભવતી હતી ત્યારે તેણીનાં ગર્ભમાં બે બાળકો થવાને કારણે તેણીએ સહન કર્યુ. ગર્ભમાં બાળકો એકબીજા સાથે ધક્કામુક્કી કરતાં, એટલે તેણી બોલી, “માંરી સાથે આવું શું કામ બની રહ્યું છે?” તેણીએ યહોવાને પ્રાર્થના કરી. 23 ત્યારે યહોવાએ તેને કહ્યું,
“તારા પેટમાં
બે પ્રજાઓ છે,
બે પરિવારોના રાજા તમાંરામાંથી જ થશે.
જન્મથી જ પરસ્પર વિરોધી એવી બે પ્રજાઓ,
એકબીજા કરતાં વધારે બળવાન થશે;
મોટો પુત્ર નાના પુત્રની સેવા કરશે.”
24 પૂરા દિવસો થતા રિબકાએ બે જોડકાં બાળકોને જન્મ આપ્યો. 25 પ્રથમ જનીત બાળક તે લાલ હતો. તેના આખા શરીરે વાળ હતા, જાણે તેણે વાળનો ઝભ્ભો ન પહેર્યો હોય, આથી તેણીએ તેનું નામ એસાવ પાડયું. 26 જયારે બીજો બાળક જન્મ્યો ત્યારે તેના હાથે એસાવની એડી પકડેલી હતી, આથી તેનું નામ યાકૂબ પાડયું. એ પુત્રો જન્મ્યા, ત્યારે ઇસહાકની ઉંમર 60 વર્ષની થઈ હતી.
27 બાળકો મોટા થયાં ત્યારે “એસાવ” કુશળ શિકારી થયો, અને તે ખેતરોમાં રહેવાનું પસંદ કરતો. જયારે યાકૂબ શાંત પ્રકૃતિનો હતો. અને તંબુઓમાં સ્થિર થઈને રહેતો હતો. 28 ઇસહાક એસાવને ખૂબ પ્રેમ આપતો, તે તેને ખૂબ વહાલો હતો. એસાવ શિકાર કરીને જે પશુને લાવતો તેનું માંસ તે ખાતો હતો. પરંતુ યાકૂબ રિબકાને વહાલો હતો.
29 એક વખત એસાવ શિકાર કરીને પાછો ફર્યોં. તે થાકેલો હતો, ને ભૂખથી પરેશાન હતો. યાકૂબ શાક રાંધી રહ્યો હતો. 30 તેથી તેણે યાકૂબને કહ્યું, “આ લાલ શાકમાંથી મને થોડું ખાવા માંટે આપ. મને ખૂબ ભૂખ લાગી છે.” (આથી તેનું નામ અદોમ પડયું)
31 પરંતુ યાકૂબે કહ્યું, “પહેલાં તું તારો જયેષ્ઠપણાનો હક્ક મને આપ.”
32 એસાવે કહ્યું, “હું ભૂખથી મરવા પડયો છું. જો હું મરી જઈશ તો માંરા પિતાનું ધન પણ મને મદદ કરી શકવાનું નથી. તેથી હું તને માંરો ભાગ આપીશ.”
33 પરંતુ યાકૂબે કહ્યું, “પહેલાં તું સમ લે કે, તું મને તે આપીશ.” તેથી એસાવે યાકૂબ આગળ સમ ખાધા. અને એસાવે પોતાના પિતાની મિલકતનો પોતાનો ભાગ યાકૂબને આપ્યો અને પોતાનો પ્રથમ પુત્રનો હક્ક પણ યાકૂબને વેચી દીધો. 34 પછી યાકૂબ એસાવને રોટલી અને મસૂરની દાળ આપી. પછી ખાધા-પીધા પછી તે ઊઠીને ચાલ્યો ગયો. આ રીતે એસાવે એ દશાર્વ્યુ કે, તે પોતાના પ્રથમ પુત્ર હોવાના હક્કની પરવા કરતો નથી.
નુન
105 મારા પગોને માટે તમારાં વચન દીવારૂપ છે;
મારા માર્ગમા પ્રકાશ પાથરી, તે મને ઠોકર ખાતાં બચાવે છે.
106 એવી પ્રતિજ્ઞા મેં કરી હતી,
“હું તમારા યથાર્થ ન્યાય શાસનો પાળીશ,” અને મેં તે પાળ્યા પણ ખરા.
107 હે યહોવા, હું દુ:ખમાં કચડાઇ ગયો છું;
તમારા વચનો પ્રમાણે મને જિવાડ.
108 હે યહોવા, મારા મુખનાં રાજીખુશીથી આપેલાં અર્પણોનો તમે સ્વીકાર કરો;
અને તમારાં ન્યાય વચનો મને શીખવો.
109 મારો પ્રાણ સદા મારી મુઠ્ઠીમાં છે;
છતાં હું ભૂલતો નથી તારા નિયમને.
110 દુષ્ટ શત્રુઓએ મારે માટે પાશ રાખ્યો છે;
છતાં હું તમારાં શાસનોથી ભાગી ગયો નથી.
111 હું તમારા સાક્ષ્યોને સદાકાળ અનુસરીશ; કારણ,
તે મારા હૃદયનો આનંદ છે.
112 મેં મારા જીવનનાં અંત સુધી સદા તમારા નિયમોનું પાલન કરવા માટે
મારા હૃદયથી જવાબદારી સ્વીકારી છે.
આત્મામાં જીવન
8 તેથી હવે જે લોકો ખ્રિસ્ત ઈસુમાં છે, તેઓને અપરાધી ઠરાવવામાં આવતા નથી. 2 મને શા માટે અપરાધી ઠરાવવામાં આવ્યો નથી? કારણ કે ખ્રિસ્ત ઈસુમાં આત્માનો જે નિયમ જીવન લાવે છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે. 3 આપણી પાપમય જાતે નિયમને બિનઅસરકારક બનાવ્યો. જે નિયમ ન કરી શકે તે દેવે કર્યું. બીજા લોકો માનવજીવનનો ઉપયોગ પાપકર્મમાં કરે છે. પણ દેવે તેના દીકરાને માનવજીવનના રૂપમાં પૃથ્વી પર પાપ માટે પોતાને મતને બલિદાન અર્પણ કરવા મોકલ્યો. આમ પાપનો નાશ કરવા દેવે માનવજીવનનો ઉપયોગ કર્યો. 4 આપણા જીવનમાં નિયમની પરિપૂર્ણતાના હેતુ માટે દેવે આમ કર્યું. હવે આપણે આપણી પાપમય જાતના હુકમ પ્રમાણે જીવતા નથી. પણ હવે આપણે આત્માને અનુસરીને જીવીએ છીએ.
5 ફક્ત પાપમય દુર્વાસનાઓની જ ઈચ્છાઓ વિષે જે લોકો વિચારે છે, તે પાપમય દુર્વાસનાઓને અનુસરીને જીવે છે. પણ જે લોકો આત્માને અનુસરે છે તેઓ હંમેશા આત્મા તેમની પાસે જે કરવાની અપેક્ષા રાખે છે તેનો વિચાર કરે છે. 6 જો કોઈ વ્યક્તિના વિચારો પર તેના દૈહિક મનનો કાબૂ હશે, તો તેનું આધ્યાત્મિક મૃત્યુ છે. પરંતુ જો કોઈ વ્યક્તિના વિચારો પર આત્માનો કાબૂ હોય તો ત્યાં જીવન તથા શાંતિ હોય છે. 7 આ સત્ય કેમ છે? જો કોઈ વ્યક્તિના વિચારો પર તેના દૈહિક મનનો કાબૂ હશે તો તે વ્યક્તિ દેવથી વિમુખ છે. એવી વ્યક્તિ દેવનો નિયમ પાળવાનો ઈન્કાર કરે છે. અને ખરેખર તો એવી વ્યક્તિ દેવનો આદેશ પાળી શકતી નથી. 8 જે લોકો દૈહિક છે તેઓ દેવને પ્રસન્ન કરી શકતા નથી.
9 પરંતુ તમારા પર દૈહિક મનની સત્તા નથી. જો દેવનો આત્મા તમારામાં ખરેખર વસતો હોય તો તમારા પર આત્માની સત્તા ચાલે છે, પરંતુ જો કોઈ વ્યક્તિના હૃદય પર ખ્રિસ્તના આત્માનો પ્રભાવ નહિ હોય, તો ખ્રિસ્ત પાસે તેનું સ્થાન નથી. 10 પાપને કારણે તમારું શરીર મરેલું છે. પરંતુ જો તમારામાં ખ્રિસ્ત (વસતો) હશે, તો આત્મા તમને જીવન આપશે, કેમ કે તમને દેવ સાથે ન્યાયી ઠરાવવામાં આવ્યા છે. 11 જો દેવે ઈસુને મૃત્યુમાંથી ઊઠાડ્યો, અને જો દેવનો આત્મા તમારામાં વસતો હશે, તો તમારા ર્મત્ય શરીરોને પણ તે નવું જીવન આપશે. ખ્રિસ્તને મૃત્યુમાંથી ઊઠાડનાર એક માત્ર દેવ છે. અને એ જ રીતે તમારામાં રહેતો તેનો પવિત્ર આત્મા દ્વારા તમારા નાશવંત શરીરોને જીવન આપશે.
ઈસુ બીજ વાવનારનું દૃષ્ટાંત કહે છે
(માર્ક 4:1-9; લૂ. 8:4-8)
13 તે જ દિવસે ઈસુ ઘરમાંથી નીકળીને સરોવરના કિનારે જઈને બેઠો. 2 ઘણા લોકો તેની આસપાસ ભેગા થયા. તેથી તે હોડીમાં પ્રવેશ્યો અને બેઠો. લોકો કિનારે ઊભા રહ્યાં. 3 ઈસુએ દૃષ્ટાંતો દ્વારા ઉપદેશ આપવાનું શરૂ કર્યુ. તેણે કહ્યું,
“એક ખેડૂત ખેતરમાં વાવવા માટે બહાર ગયો. 4 જ્યારે ખેડૂત વાવણી કરતો હતો ત્યારે કેટલાંએક બી રસ્તાની બાજુએ પડયાં. પક્ષીઓ આવ્યાં અને તે ખાઈ ગયાં. 5 કેટલાંએક બી પથ્થરવાળી જમીન પર પડ્યાં. ત્યાં પૂરતી માટી નહોતી. અને માટીનું ઊંડાણ નહોતું. તેથી બી વહેલા ઊગી નીકળ્યાં. 6 પણ સૂર્યના તાપથી બધા જ કુમળા છોડ ચીમળાઈ ગયા અને સુકાઈ ગયા. કારણ તેમનાં મૂળ ઊડાં ન હતાં. 7 કેટલાએક બી કાંટા ઝાંખરામાં પડ્યાં. ઝાંખરા ઉગ્યાં પણ સારા બી ના છોડને ઉગતા જ દબાવી દીધા. 8 કેટલાંક સારી જમીનમાં પડ્યાં અને તેમાંથી છોડ ઊગ્યા, અને અનાજ ઉત્પન્ન કર્યુ. કેટલાંક છોડે સોગણાં, કેટલાંક સાઠગણાં અને કેટલાંકે ત્રીસગણાં ફળ ઉત્પન્ન કર્યા. 9 તમે લોકો જે મને સાંભળી રહ્યાં છો, તે ધ્યાનથી સાંભળો!”
ઈસુ બી નો અર્થ સમજાવે છે
(માર્ક 4:13-20; લૂ. 8:11-15)
18 “બી વાવનાર ખેડૂતનાં દૃષ્ટાંતનો અર્થ ધ્યાનથી સાંભળો:
19 “જે બીજ રસ્તા ઉપર પડ્યા છે તેનો અર્થ શો? એનો અર્થ એ કે જે રાજ્ય વિષેની સંદેશ સાંભળે છે પણ તે સમજી શકતો નથી, ત્યારે શેતાન આવીને તેના મનમાં જે વાવેલું છે તે છીનવીને લઈ જાય છે. રસ્તાની કોરે જે વાવેલું તે એ જ છે.
20 “અને ખડકાળ પ્રદેશમાં બી પડે છે, તેનો અર્થ શો? એ બી એવા માણસ જેવું છે કે જે ઉપદેશ સાંભળે છે અને તરત જ આનંદથી સ્વીકારી લે છે. 21 તો પણ તેના પોતામાં જડ નહિ હોવાથી તે થોડીવાર ટકે છે અને જ્યારે વચનને લીધે વિપત્તિ અથવા સતાવણી આવે છે ત્યારે તે તરત ઠોકર ખાય છે તે માણસનાં હૃદય સુધી તે ઉપદેશની અસર થાય અને જયારે તેને સ્વીકારેલા સંદેશને લીધે સતાવણી થાય છે ેત્યારે ઝડપથી સિધ્ધાંતો ત્યજી દે છે અને પાછો પડે છે.
22 “અને જે બી કાંટા અને ઝાંખરામાં પડ્યાં છે તે એવી વ્યક્તિ જેવા છે કે જે ઉપદેશ સાંભળે છે પણ જ્યારે દુન્યવી ચિંતાઓ અને સંપત્તિના પ્રલોભનો આવે છે ત્યારે સંદેશને ગુંગળાવી નાખે છે. અને તેને ઊગતા અટકાવે છે. અને તે કોઈ ફળ ધારણ કરી શકતા નથી.
23 “સારી જમીન ઉપર પડેલા બી નો અર્થ એ છે કે જે વ્યક્તિ આ ઉપદેશ સાંભળે છે અને સમજે છે તે તેનાં ફળ પામે છે અને કોઈવાર તે જીવનમાં સો ગણાં, કોઈવાર સાઠ ગણાં અને કોઈવાર ત્રીસ ગણાં ફળ ધારણ કરે છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International