Revised Common Lectionary (Semicontinuous)
નુન
105 મારા પગોને માટે તમારાં વચન દીવારૂપ છે;
મારા માર્ગમા પ્રકાશ પાથરી, તે મને ઠોકર ખાતાં બચાવે છે.
106 એવી પ્રતિજ્ઞા મેં કરી હતી,
“હું તમારા યથાર્થ ન્યાય શાસનો પાળીશ,” અને મેં તે પાળ્યા પણ ખરા.
107 હે યહોવા, હું દુ:ખમાં કચડાઇ ગયો છું;
તમારા વચનો પ્રમાણે મને જિવાડ.
108 હે યહોવા, મારા મુખનાં રાજીખુશીથી આપેલાં અર્પણોનો તમે સ્વીકાર કરો;
અને તમારાં ન્યાય વચનો મને શીખવો.
109 મારો પ્રાણ સદા મારી મુઠ્ઠીમાં છે;
છતાં હું ભૂલતો નથી તારા નિયમને.
110 દુષ્ટ શત્રુઓએ મારે માટે પાશ રાખ્યો છે;
છતાં હું તમારાં શાસનોથી ભાગી ગયો નથી.
111 હું તમારા સાક્ષ્યોને સદાકાળ અનુસરીશ; કારણ,
તે મારા હૃદયનો આનંદ છે.
112 મેં મારા જીવનનાં અંત સુધી સદા તમારા નિયમોનું પાલન કરવા માટે
મારા હૃદયથી જવાબદારી સ્વીકારી છે.
યહોવાના પ્રકાશમાં ચાલો
2 એક બીજો સંદેશ જેની ભવિષ્યવાણી આમોસના પુત્ર યશાયાએ યહૂદા અને યરૂશાલેમ માટે કરી, તે આ પ્રમાણે છે.
2 છેલ્લા કાળમાં, યહોવાના મંદિરનો પર્વતના શિખરો પર સ્થાપન થશે.
અને બીજા બધા શિખરોથી ઉંચો જશે.
દેશવિદેશનાં અસંખ્ય લોકોનો પ્રવાહ
ત્યાં પગે ચાલતો આવશે.
3 દરેક જણ કહેશે,
“ચાલો, આપણે યહોવાના પર્વત પાસે,
યાકૂબના દેવના મંદિર પાસે, ચઢી જઇએ;
જેથી તે આપણને પોતાનો જીવનમાર્ગ બતાવે
અને આપણે તેના માર્ગે ચાલીએ.”
કારણ, યહોવા નિયમશાસ્ત્ર સિયોન નગરીમાંથી અને યરૂશાલેમમાંથી પોતાનાં વચન આપનાર છે,
અને તેની વાણી ત્યાંથી પ્રગટ થનાર છે.
4 તે વિદેશીઓમાં ન્યાય કરશે.
તે અસંખ્ય પ્રજાઓનો ન્યાય કરશે.
ત્યારે લોકો તરવારને ટીપીને હળનાં ફળાં બનાવશે
તથા ભાલાઓનાઁ દાંતરડાં બનાવશે;
પ્રજાઓ એકબીજા સામે તરવાર નહિ
ઉગામે કે કદી યુદ્ધની તાલીમ નહિ લે.
ઈસુનો બોધ લોકોનો ન્યાય કરશે
44 પછી ઈસુએ મોટા સાદે કહ્યું, “જે વ્યક્તિ મારામાં વિશ્વાસ કરે છે તેણે ખરેખર જેણે (દેવે) મને મોકલ્યો છે તેનામાં પણ વિશ્વાસ કરે છે. 45 જે વ્યક્તિ મને જુએ છે તે ખરેખર જેણે મને મોકલ્યો છે તેને જુએ છે. 46 હું પ્રકાશ છું અને હું આ જગતમાં આવ્યો છું. હું આવ્યો છું જેથી કરીને પ્રત્યેક વ્યક્તિ જે મારામાં વિશ્વાસ કરે છે તે અંધકારમાં રહે નહિ.
47 “હું જગતમાં લોકોનો ન્યાય કરવા આવ્યો નથી. હું જગતના લોકોને બચાવવા માટે આવ્યો છું. તેથી જે લોકો મારી વાતોને સાંભળે છે પણ પાલન કરતા નથી તેનો ન્યાય જે કરે છે તે હું નથી. 48 જે વ્યક્તિ મારામાં વિશ્વાસ કરવાની ના પાડે છે જે કહું છું તેનો સ્વીકાર કરતાં નથી તેનો ન્યાય કરનાર એક છે. જે વાત મેં કહી છે તે જ છેલ્લે દિવસે તે વ્યક્તિનો ન્યાય કરશે. 49 શા માટે? કારણ કે આ વાતો મારી પોતાની નથી. પિતાએ જેણે મને મોકલ્યો છે તેણે શું કહેવું અને શું શીખવવું તે મને કહ્યું છે. 50 પિતા જે આજ્ઞા કરે છે તેમાંથી અનંતજીવન આવે છે તે હું જાણું છું, તેથી હું જે કઈ કહું છું તે પિતાએ મને કહ્યું છે તે જ હું કહું છું.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International