Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
યોએલ 2:1-2

દેવ પોતાનો આત્મા રેડશે

સિયોનમાં રણશિંગડું વગાડો,
    મારા પવિત્ર પર્વત પર ભય સૂચવતો ચેતવણીનો સૂર સંભળાવો.
દેશના સર્વ લોકો, થરથરી ઊઠો,
    કારણકે યહોવાનો ન્યાયનો દિવસ આવી રહ્યો છે.
    તે છેક નજીક છે.
અંધકાર અને વિષાદનો તે દિવસ છે.
    વાદળો અને અંધકારનો દિવસ.
પર્વતો પર પથરાતા ઘાટા પડછાયા જેવું બળવાન
    અને વિશાળ સૈન્ય જેવું દેખાય છે.
એવું પહેલાં કદી બન્યું નથી કે, ભવિષ્યમાં કદી જોવા નહિ મળે,
    મોટી તથા બળવાન પ્રજા આવશે.

યોએલ 2:12-17

યહોવા લોકોને પરિવતિર્ત થવાનું કહે છે

12 તોપણ, યહોવા કહે છે,
    “હજી સમય છે સાચા હૃદયથી
તમે મારી પાસે પાછા ફરો.
    ઉપવાસ કરી, રૂદન કરો, ને આક્રંદ કરો.”
13 તમારાં વસ્ત્રો નહિ,
    હૃદયો ચીરી નાખો.
તમારા યહોવા દેવ પાસે પાછા ફરો.
    તે દયાળુ અને કૃપાળુ છે.
તે ગુસ્સે થવામાં ધીમો છે
    અને તેની પાસે અનેરો પ્રેમ છે
અને તે ન્યાયના ચુકાદાને લગતો
    તેનો વિચાર બદલે છે.
14 કોણ જાણે છે? કદાચ તે તેના વિચાર બદલે
    અને સજાથી ફરી તમને આશીર્વાદ આપે.
ત્યારે તમારા દેવ યહોવાને ખાદ્યાર્પણ
    અને પેયાર્પણ રહેવા દે.

યહોવાની ઉપાસના કરો

15 સિયોનમાં રણશિંગડું વગાડો,
    પવિત્ર ઉપવાસ જાહેર કરો;
    અને ધામિર્ક સભા માટે લોકોને ભેગા કરો.
16 લોકોને ભેગા કરો,
    સમુદાયને પાવન કરો,
વડીલો, બાળકો અને ધાવણાં બાળકોને ભેગા કરો.
    વર અને કન્યાએ તેમનો લગ્ન મંડપ છોડી આવવું જાઈએ.
17 યાજકો, જે યહોવાના સેવકો છે,
    તેમણે ઓસરી અને વેદી વચ્ચે રડવું અને કહેવું કે,
“હે યહોવા, તારા લોકો પર દયા કર.
    વિદેશીઓને તેમને હરાવવા ન દો.
    તમારા લોકોને વિદેશીઓ સમક્ષ લજ્જિત થવા ન દો,
જેઓ દરેકને કહે છે,
    ‘તેઓનો દેવ કયાં છે?’”

યશાયા 58:1-12

સાચો ઉપવાસ

58 યહોવા કહે છે, “કોઇ પણ સંકોચ વિના મોટે સાદે પોકાર કર કઇ પણ બાકી ન રાખ.
    રણશિંગા જેવો તારો સાદ ઊંચો કર.
મારા લોકો યાકૂબના વંશજોને
    તેઓના પાપ વિષે જણાવી દે.
રોજ રોજ તેઓ મારી ઉપાસના કરવા આવે છે,
    તેઓ કહે છે કે, તેમને મારા માર્ગો જાણવાનું ગમે છે,
જો કે તેઓ ન્યાયનું આચરણ કરનારી પ્રજા છે
    અને જેમણે પોતાના દેવના શાસનનો અંત લાવ્યો નથી.
તેઓએ મારી પાસે ન્યાયની અને સત્યની માગણી કરી
    અને તેઓ દેવની નજીક રહેવા માગે છે.”

લોકો પૂછે છે કે, “યહોવા, તમે જો જોતા જ ન હોય તો પછી અમે ઉપવાસ શા માટે કરીએ? તું જો ધ્યાન જ ન આપતો હોય તો અમે શા માટે અમારી જાતને નમાવીએ?”

પરંતુ યહોવા તેમને કહે છે, “તમે ઉપવાસ કરો છો ત્યારે પણ તમે તમારી મરજી મુજબ કરો છો અને તમારા મજૂરો ને ત્રાસ આપો છો. જુઓ, તમે ઉપવાસ કરો છો અને તે જ સમયે તમે લડો-ઝગડો અને એકબીજા સાથે હિંસક મારામારી કરો છો, પછી ઉપવાસ કરવાનો અર્થ શો? આ પ્રકારના ઉપવાસથી તમારો સાદ સ્વગેર્ નહિ પહોંચે. શું હું તમારી પાસેથી આ પ્રકારના ઉપવાસ સ્વીકારું છું? જેમાં આ પ્રમાણે પ્રાયશ્ચિત કરવું અને હવામાં બરૂની જેમ માથું નમાવવું અને શોકના વસ્ત્રો પહેરીને પોતાના શરીર ઉપર રાખ ચોપડવી? શું તમને લાગે છે કે યહોવા આ પ્રકારના ઉપવાસને સ્વીકારે છે?

“ના, હું એવા પ્રકારના ઉપવાસ સ્વીકારીશ જેમાં તમે ન્યાયથી વતોર્ અને કચડાયેલાને મુકત કરો. તમારે ભૂખ્યા સાથે વહેંચીને ખાવું, ઘર વગરનાને પોતાના ઘરમાં આશરો આપવો, ઉઘાડાને જોતાં તેને વસ્ત્ર પહેરાવવાં. અને માનવબંધુઓને ભીડમાં જોઇને આંખ આડા કાન કરવાં નહિ.”

જો તમે આ બાબતોનો અમલ કરશો, તો દેવ પોતાનો મહિમાવંત પ્રકાશ તમારા પર પાડશે; અને તમારા ઘા જલદી રૂઝાઇ જશે; તમારો સદાચાર તમને આગળ દોરી જશે અને યહોવાનો મહિમા તમને અનુસરશે. અને તમારી પાછળ યહોવાનો મહિમા પણ આવતો હશે. ત્યારબાદ તમે યહોવાને વિનંતી કરશો, તો તે તમને અવશ્ય પ્રત્યુત્તર આપશે, તે ઝડપથી પ્રત્યુત્તર આપતાં કહેશે; “હા હું આ રહ્યો.”

તમારે કેવળ આટલું કરવાનું છે: નિર્બળ પર ત્રાસ આપવાનું બંધ કરો. કોઇના તરફ આંગળી ચીંધીને ખોટા આક્ષેપો કરવાનું છોડી દો; 10 જો ભૂખ્યાઓને તમે તમારો રોટલો આપો અને દીન દુ:ખીજનની આંતરડી ઠારો, તો પ્રકાશ અંધકારમાં પ્રકાશી ઊઠશે અને સંધ્યાકાળ તમારે માટે બપોરની જેમ ઝળાંહળાં થશે.

11 હું સતત તમને દોરતો રહીશ, અને મરુભૂમિમાં પણ તમને કશાની ખોટ નહિ પડવા દઉં. હું તમારા અંગોમાં બળ પૂરીશ. અને તમે જળ સીંચેલી વાડી જેવા, સદા વહેતાં ઝરા જેવા બની જશો.

12 ઘણા સમયથી ખંડેર પડેલા તમારા નગરોને તમારાં સંતાનો ફરીથી બાંધશે, અને “ભીતો અને ધોરી માર્ગોને બાંધનારા લોકો” એવા નામથી તમે ઓળખાશો.

ગીતશાસ્ત્ર 51:1-17

નિર્દેશક માટે. દાઉદનું ગીત.જ્યારે નાથાન પ્રબોધક દાઉદને મળ્યો, બાથશેબા સાથે પાપ કર્યા ત્યાર પછી લખાયું છે.

હે પ્રેમાળ દયાળુ દેવ!
    મારા પર દયા કરો.
તમારી મહાન સહાનુભૂતિથી
    મારા પાપો ભૂંસી નાખો.
હે યહોવા, મારા અપરાધ
    અને પાપોથી મને ધુઓ અને મને પરિશુદ્ધ કરો.
હું મારા શરમજનક કૃત્યોની કબૂલાત કરું છું,
    હું હંમેશા મારા પાપો વિશે વિચારું છું.
મેં તમારી વિરુદ્ધ પાપ કર્યાં છે,
    હા તમારી વિરુદ્ધ;
જે ભયંકર કૃત્યો મેં કર્યા છે તે તમે જોયા છે.
    તેથી તમે તમારા નિર્ણયો
    અને મારી વિરુદ્ધ લીધેલા ઠરાવોમાં સાચા અને ન્યાયી છો.
હું પાપમાં જન્મ્યો હતો,
    મારી માતાએ પાપમાં મારો ગર્ભ ધારણ કર્યો.
તમે માંગો છો અંત:કરણની સત્યતા અને પ્રામાણિકતા,
    મારામાના ઊંડાણમાં સાચું જ્ઞાન મૂકો.
મારા પાપો ઝુફાથી દૂર કરો, જેથી હું શુદ્ધ થઇશ;
    અને તેથી મને હિમથી પણ શ્વેત બનાવવા માટે ધુઓ.
મને સુખ અને આનંદ આપો, અને ભલે મારા હાડકાં,
    જે તમે કચડી નાંખ્યા હતાં તે ફરીથી આનંદ પામે.
મારા પાપો તરફ જોશો નહિ,
    ભૂંસી નાખો મારા સર્વ પાપ.
10 હે દેવ, મારામાં નવું શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો,
    અને મારા આત્માને મજબૂત કરો!
11 મને તમારી સંમુખથી સદાકાળ માટે દૂર કરશો નહિ,
    અને તમે મારી પાસેથી તમારો પવિત્ર આત્મા છીનવી ન લેશો.
12 જ્યારે તમે મને બચાવતા જે આનંદ આપ્યો હતો તે મને પાછો આપો.
    મારા આત્માને મજબૂત,
    તૈયાર અને તમને અનુસરવા તત્પર બનાવો.
13 ત્યારે હું ઉલ્લંધન કરનારાઓને તમારા માર્ગો શીખવીશ,
    અને પાપીઓ તમારા તરફ ફરશે.
14 હે મારા દેવ, મારા તારણહાર;
    મને મૃત્યુદંડથી બચાવો;
હું આનંદથી તમારી સ્તુતિ ગાઇશ,
    અને હું તમારી નિષ્પક્ષતા વિષે બોલીશ.
15 હે યહોવા, તમે મારા હોઠ ઉધાડો;
    એટલે મારું મુખ સ્તુતિ પ્રગટ કરશે.
16 તમે યજ્ઞોથી રીઝતા નથી, નહિ તો હું તે અર્પણ કરત;
    તમને વેદી પર અર્પણ કરેલાં દહનાર્પણ પસંદ નથી.
17 દેવને જે અર્પણ જોઇએ છે તે છે ભંગિત, ખેદિત,
    પશ્ચાતાપી આત્મા. હે દેવ, નમ્ર અને આજ્ઞાંકિત હૃદયના વ્યકિતનો અસ્વીકાર તમે કરશો નહિ.

2 કરિંથીઓ 5:20-6:10

20 તેથી ખ્રિસ્ત વતી ઉદબોધન કરવા અમને મોકલવામાં આવ્યા છે. જાણે કે અમારા થકી દેવ લોકોને વિનંતી કરે છે. જ્યારે અમે તમને દેવ સાથે સુલેહ કરવાનું વિનવીએ છીએ ત્યારે અમે ખ્રિસ્ત વતી જ બોલીએ છીએ. 21 ખ્રિસ્ત નિષ્પાપી હતો, માટે જેણે પાપ જાણ્યું નહોતું તેને તેણે આપણે માટે પાપરૂપ કર્યો. દેવે આમ અમારાં માટે કર્યુ કે જેથી અમે ખ્રિસ્તમાં દેવ સાથે સત્યનિષ્ઠ બની શકીએ.

દેવ સાથે આપણે સહકાર્યકર છીએ. તેથી અમે તમને અરજ કરીએ છીએ. દેવ તરફથી તમને જે કૃપા મળી છે તેને વ્યર્થ ન જવા દેશો. દેવ કહે છે કે,

“યોગ્ય સમયે મેં તમને સાંભળ્યા,
    અને તારણના દિવસે મેં તમને મદદ કરી.” (A)

હું તમને કહું છું કે, “યોગ્ય સમય” હમણાં છે. અને “તારણનો દિવસ” પણ હમણાં છે.

અમે નથી ઈચ્છતા કે લોકો અમારા કાર્યમાં કશી ક્ષતિ જુએ. જેથી અન્ય લોકો માટે સમસ્યારૂપ બને તેવું અમે કશું જ કરતા નથી. પરંતુ બધા જ સંજોગોમાં હું દર્શાવવાનો પ્રયત્ન કરું છું કે અમે દેવના સેવકો છીએ: આપત્તિમાં મુશ્કેલીમાં અને ગંભીર સમસ્યાઓમાં, ઘણી કઠિન વસ્તુઓનો સ્વીકાર કરીને. જ્યારે અમને મારવામાં આવ્યા છે અને જેલમાં પૂરવામાં આવ્યા છે. જ્યારે લોકો બેચેન થઈ જાય છે અને અમારી સાથે ઝઘડે છે, જ્યારે અમે સખત કામ કરીએ છીએ અને જ્યારે અમને આહાર કે નિંદ્રા મળતાં નથી. અમારી સમજશક્તિથી, અમારા ધૈર્યથી, અમારી મમતાથી અને અમારા નિર્મળ જીવનથી અમે દર્શાવીએ છીએ કે અમે દેવના સેવકો છીએ. પવિત્ર આત્મા થકી, સાચા પ્રેમ થકી, સત્ય કહેવાથી, અને દેવના પરાક્રમથી, અમે અમારા ન્યાયી રીતે જીવવાના માર્ગનો ઉપયોગ અમારા વિરૂદ્ધની દરેક વસ્તુથી અમારી જાતને બચાવવા અમે કરીએ છીએ.

કેટલાએક લોકો અમને માન આપે છે, પરંતુ બીજા લોકોથી અમે શરમિંદા થઈએ છીએ. કેટલાએક લોકો અમારા વિષે સારું બોલે છે, પરંતુ બીજા કેટલાએક લોકો અમારા વિષે ખરાબ બોલે છે. કેટલાએક લોકો કહે છે કે અમે જૂઠા છીએ, પરંતુ અમે સત્ય બોલીએ છીએ. કેટલાએક લોકો અમારાથી અજાણ્યા છે, પરંતુ અમે ખૂબ જાણીતા છીએ. અમે મૃતપ્રાય: દેખાઈએ છીએ, પરંતુ જુઓ! અમે જીવી રહ્યા છીએ. અમને શિક્ષા થઈ છે. પરંતુ માર્યા નથી ગયા. 10 અમારામાં ઘણો જ વિષાદ છે, પરંતુ અમે કાયમ પ્રફૂલ્લિત રહીએ છીએ, અમે દરિદ્ર છીએ, પરંતુ ઘણા લોકોને અમે વિશ્વાસમાં સમૃદ્ધ બનાવ્યા છે. અમારી પાસે કશું જ નથી, પરંતુ વાસ્તવમાં અમારી પાસે બધું જ છે.

માથ્થી 6:1-6

ઈસુ દાન વિષે શિક્ષણ આપે છે

“સાવધાન રહો! તમે કોઈપણ સત્તકાર્યો કરો તો તે લોકોની સમક્ષ કરશો નહિ. લોકો તમને સારા કાર્યો કરતાં જુએ તે રીતે ના કરો. એમ કરશો તો આકાશના પિતા તરફથી તમને કોઈ જ બદલો મળશે નહિ.

“જ્યારે તમે ગરીબોને આપો તો તેની જાહેરાત કરશો નહિ. દંભી લોકો દાન આપતાં પહેલાં તેનાં બણગાં ફૂંકે છે અને લોકો તેમને આપતા જુએ એ રીતે જાહેરમાં ધર્મસ્થાનો અને શેરીઓમાં આપે છે. કારણ બીજા લોકો તેમને માન આપે તેવું તેઓ ઈચ્છે છે. હું તમને સત્ય કહું છું તેમને જે બદલો મળ્યો છે તે એટલો જ છે. જેથી જ્યારે તમે ગરીબોને આપો તો ખાનગીમાં આપો, તમે શું કરો છો તેની કોઈને જાણ પણ થવા દેશો નહિ. તમારું દાન ગુપ્ત હોવું જોઈએ. તમે જે કાંઈ ગુપ્ત રીતે કરો છો તે તમારો પિતા કે જે ગુપ્ત રીતે જે કાંઈ થાય છે તે જોઈ શકે છે. તે તમને બદલો આપશે.

ઈસુ પ્રાર્થના વિષે શિક્ષણ આપે છે

(લૂ. 11:2-4)

“જ્યારે તમે પ્રાર્થના કરો, ત્યારે દંભી લોકોની જેમ ના કરો. દંભી લોકો સભાસ્થાનોએ શેરીઓના ખૂણા પાસે ઉભા રહી મોટા અવાજથી પ્રાર્થના કરે છે. જેથી લોકો તેમને જોઈ શકે. હું તમને સત્ય કહું છું કે તેમને તેનો પૂરો બદલો મળી ગયો છે. જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે તમારા ઓરડામાં જાઓ અને તમારા ઓરડાના બારણાં બંધ કરો. પછી તમારા પિતાને પ્રાર્થના કરો. તમારો પિતા ગુપ્ત રીતે કરવામાં આવેલાં કામ જોઈ શકે છે. અને તે તેનો તમને બદલો આપે છે.

માથ્થી 6:16-21

ઈસુ ઉપવાસ વિષે શિક્ષણ આપે છે

16 “જ્યારે તમે ઊપવાસ કરો, ત્યારે તમારી જાતને ઉદાસ દેખાડશો નહિ, દંભીઓ એમ કરે છે. તેઓ તેમના ચહેરા વિચિત્ર બનાવી દે છે જેથી લોકોને બતાવી શકે કે તેઓ ઉપવાસ કરી હ્યા છે. હું તમને સત્ય કહું છું કે તે દંભી લોકોને તેનો બદલો પૂરેપૂરો મળી ગયો છે. 17 જ્યારે તું ઉપવાસ કરે ત્યારે, તારા માથા પર તેલ ચોપડ અને તારું મોં ધોઈ નાખ. 18 ત્યારે લોકોને ના જણાવો કે તમે ઉપવાસ કર્યા છે, તમારા પિતા જેને તમે જોઈ શક્તા નથી તે બધુંજ જુએ છે. તમે ગુપ્ત રીતે જે કંઈ કરો છો તે તમારા આકાશમાંના પિતા જુએ છે. અને તે તમને તેનો બદલો જરૂરથી આપશે.

ધન કરતાં દેવનું વધુ મહત્વ

(લૂ. 12:33-34; 11:34-36; 16:13)

19 “તમારા માટે અહી પૃથ્વી ખજાનાનો સંગ્રહ ન કરો કારણ કે પૃથ્વી પર કીડા તથા કાટ ખજાનાનો નાશ કરે છે. ચોર ખાતર પાડીને ચોરી જાય છે. 20 આકાશમાં ખજાનાઓને સંગ્રહ કરો, આકાશમાં તમારા ખજાનાઓને નાશ ઉધઈ કે કાટ કરી શકશે નહિ કે તેને ચોર ચોરી જશે નહિ. 21 જ્યાં તમારું ધન હશે ત્યાં જ તમારું ચિત્ત રહેશે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International