Revised Common Lectionary (Semicontinuous)
સુલેમાનનું ગીત.
1 હે દેવ, તમે રાજાને ન્યાય કરવા માટે તમારા જ્ઞાન અને અધિકાર આપો,
અને રાજાનાં પુત્રોને તમારું ન્યાયીપણું આપો.
2 તેઓ તમારા લોકોનો નિષ્પક્ષતાથી ન્યાય કરશે.
તમારાં ગરીબ લોકોને તેઓ ન્યાય કરશે.
3 પર્વતો અને ડુંગરો ન્યાયીપણે લોકો માટે શાંતિ,
આબાદી ને સમૃદ્ધિ લાવશે.
4 તે લોકોમાં ન્યાય કરશે દીનદુ:ખીઓનો, દરિદ્રીઓનાં દીકરાઓનો ઉદ્ધાર કરશે;
અને જુલમગાર પાપીઓને કચડી નાખશે.
5 તે લોકો, તેઓની પેઢી દર પેઢી આકાશમાં સૂર્ય
અને ચંદ્ર રહે ત્યાં સુધી બીહો અને રાજાને માન આપો.
6 જેમ ખેતરો પર વરસાદ પડે છે,
વરસાદનાં ઝાપટાં જમીન પર પડે છે તેમ રાજા રહે.
7 તેના શાસનકાળમા ન્યાયીઓની આબાદી થશે,
અને જ્યાં સુધી ચંદ્ર રહેશે શાંતિ ટકી રહેશે.
8 વળી તે સમુદ્રથી સમુદ્ર સુધી
અને યુફ્રેતિસ નદીથી પૃથ્વીના છેડા સુધી તે રાજ કરશે.
9 તેની સમક્ષ રણવાસીઓ નમશે,
અને તેનાં સર્વ શત્રુઓ ધૂળ ચાટશે.
10 તાશીર્શના રાજાઓ, અને ભૂમધ્ય સમુદ્રના કિનારાના રાજાઓ,
તેમના માટે ભેટો લાવશે અને શેબાના રાજાઓ તેમની ખંડણી તેઓ પાસે લાવશે.
11 સર્વ રાજાઓ તેને નમન કરશે,
અને સર્વ રાષ્ટ્રો તેની સેવા કરશે.
12 કારણકે તે ગરીબ અને જરુરીયાતવાળા લોકોને બચાવે છે જે તેમને મદદ માટે પોકારે છે,
પણ જેમનો કોઇ મદદગાર નથી, તેમને તે બચાવે છે.
13 તે લાચાર તથા દરિદ્રીઓ ઉપર દયા બતાવશે,
અને દરિદ્રીઓના આત્માનું તારણ કરશે.
14 તે તેઓનાં આત્માઓને જુલમ અને હિંસાથી છોડાવશે;
તેઓની નજરોમાં તેઓનું રકત મૂલ્યવાન છે.
15 શેબાનું સોનું તેમને આપવામાં આવશે,
રાજા ઘણું લાંબુ જીવો!
તેમના માટે નિત્ય પ્રાર્થનાઓ થશે;
ધન્યવાદ આપશે સર્વ લોકો સદા તેને.
16 દેશમાં પર્વતોનાં શીખરો પર
પુષ્કળ ધાન્યનાં ઢગલાં થશે,
તેનાં ફળ લબાનોનનાં ફળ જેવાં થાઓ,
ઘાસની જેમ વધશે નગરનાં રહેવાસીઓ.
17 તેમનાં નામનો સર્વકાળ આદર કરવામાં આવશે;
અને તેમનું નામ સૂર્ય તપે ત્યાં સુધી ટકશે;
તેમનાથી સર્વ લોકો આશીર્વાદ પામશે;
તેમને દેશનાં સર્વ લોકો ધન્યવાદ આપશે.
18 ઇસ્રાએલના દેવને, યહોવા દેવને ધન્ય હોજો;
એકલા તેઓ જ આશ્ચર્યકારક કર્મો કરે છે.
19 તેમનાં મહિમાવંત નામની સર્વદા
સ્તુતિ થાઓ! સમગ્ર પૃથ્વી તેમનાં મહિમાથી ભરપૂર થાઓ!
આમીન તથા આમીન!
20 યશાઇના પુત્ર દાઉદની પ્રાર્થનાઓ અહીં પૂર્ણ થાય છે.
દેવનું ઘર બેથેલ
10 યાકૂબે બેર-શેબા છોડયું અને ત્યાંથી તે હારાન તરફ ગયો. 11 યાત્રા સમયે સૂર્યાસ્ત થઈ ગયો હોવાથી તે એક જગ્યાએ રાતવાસો કરવા માંટે રોકાયો. યાકૂબે ત્યાં એક પથ્થર જોયો, તેથી સૂઈ જવા માંટે તેના પર માંથું મૂકયું. 12 યાકૂબને એક સ્વપ્ન આવ્યું; તેણે જોયું કે, એક સીડી પૃથ્વી પર મૂકેલી છે, જેની ટોચ આકાશ સુધી પહોંચે છે, 13 અને યાકૂબે જોયું તો દેવદૂતો સીડી ઉપરથી ચઢતા-ઊતરતા હતા. અને યહોવા સીડી પાસે ઊભા હતા. યહોવાએ કહ્યું, “હું તમાંરા પિતા ઇબ્રાહિમનો દેવ યહોવા છું. હું ઇસહાકનો દેવ છું. જે જમીન પર તું સૂતો છે તે જમીન હું તને અને તારા વંશજોને આપીશ. 14 પૃથ્વી પર માંટીના જેટલાં રજકણ છે તેટલા તારા વંશજો હશે. તેઓ પૂર્વ-પશ્ચિમ તથા ઉત્તર દક્ષિણમાં ફેલાશે. અને તારા તથા તારા વંશજોને કારણે પૃથ્વી પરની બધી પ્રજાઓ આશીર્વાદ પ્રાપ્ત કરશે.
15 “હું તમાંરી સાથે છું અને હું તમાંરું રક્ષણ કરીશ. તમે જયાં જશો ત્યાંથી હું તમને પાછો આ ભૂમિ પર લઈ આવીશ. મેં તને જે કરવાનું વચન આપ્યું છે તે જયાં સુધી પૂરું નહિ કરી લઉં ત્યાં સુધી હું તારો સાથ છોડવાનો નથી.”
16 પછી યાકૂબ ઊંઘમાંથી જાગ્યો અને બોલ્યો, “મને ખબર છે કે, યહોવા આ જગ્યા પર છે. પરંતુ જયાં સુધી હું અહીં સૂતો ન હતો, ત્યાં સુધી જાણતો નહોતો કે, તે અહીં છે.”
17 યાકૂબને બીક લાગી, તેણે કહ્યુ, “આ તો કોઈ મહાન જગ્યા છે. આ તો દેવનું ઘર છે. આ તો આકાશનું દ્વાર છે.”
18 બીજે દિવસે સવારે યાકૂબ વહેલો ઊઠયો, અને જે પથ્થર તેને માંથા નીચે મૂકયો હતો તે ઊઠાવ્યો. અને તેને સ્માંરકસ્તંભ તરીકે ઊભો મૂકી દીધો. પછી તેણે તેના પર તેલ રેડ્યું. આ રીતે તેણે આ પથ્થરને દેવનો સ્માંરક સ્તંભ બનાવ્યો. 19 આ જગ્યાનું નામ પહેલાં લૂઝ હતું પરંતુ યાકૂબે તે જગ્યાનું નામ બેથેલ પાડયું.
20 પછી યાકૂબે એક પ્રતિજ્ઞા કરી. તેણે કહ્યું, “જો દેવ માંરી સાથે રહેશે, અને હું પ્રવાસમાં જયાં જયાં જાઉં ત્યાં દેવ માંરી રક્ષા કરશે અને મને ખાવાને અન્ન અને પહેરવાને વસ્રો આપશે. 21 જેથી હું માંરા પિતાને ઘેર સુરક્ષિત પાછો આવીશ. તો યહોવાને હું માંરા દેવ માંનીશ. 22 આ જગ્યા પર જયાં મેં પથ્થર ઊભો કર્યો છે, તે જગ્યા પવિત્ર સ્થાન બનશે. અને દેવ તું મને જે કાંઈ આપશે તેનો દશમો ભાગ હું તને અર્પણ કરીશ.”
13 આ બધાજ માણસો મરણ પામ્યા ત્યાં સુધી દેવે વચનો આપ્યાં તેમાંથી કાંઇજ મેળવી શક્યા નહિ છતાં વિશ્વાસથી જીવ્યા, તેઓએ પેલાં વચનો દુરથી જોયા. અને તેમનું સ્વાગત કર્યુ અને તેઓએ એ પણ જાણ્યું કે આ પૃથ્વી અમારું કાયમી ઘર નથી, અહીં તો અમે માત્ર મુસાફરો જ છીએ. 14 આ પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ એક દેશની શોધમાં છે જે તેમનો પોતાનો દેશ છે. 15 જો તેઓ એવા દેશ વિષે વિચારતા હોય કે જેને તેમણે છોડી દીધો છે, તો તે એ દેશમાં ફરી પાછા આવી શક્યા હોત. 16 પણ એ માણસો એક વધુ સારા દેશની કે જે સ્વર્ગીય દેશ હશે તેની રાહ જોઈને બેઠા હતા. એટલે દેવને તેમનો દેવ કહેવામાં કોઈ સંકોચ ન હતો. તેણે એ લોકો માટે એક શહેર તૈયાર કરી રાખ્યું છે.
17-18 દેવે ઈબ્રાહિમના વિશ્વાસની કસોટી કરી. જ્યારે તેની કસોટી થઈ ત્યારે, ઇબ્રાહિમે વિશ્વાસથી ઈસહાકનું બલિદાન આપ્યું. એટલે જેને વચનો આપવામાં આવ્યાં હતાં ને જેને કહેવામાં આવ્યું હતું કે, ઈસહાકથી તારો વંશ ગણાશે, તેણે પોતાના એકના એક પુત્રનું બલિદાન આપ્યું. 19 ઈબ્રાહિમ માનતો હતો કે દેવ મૂએલાંઓને પાછા ઉઠાડી શકે છે, અને ખરેખર દેવે જ્યારે ઈબ્રાહિમને ઈસહાકનું બલિદાન આપતા રોક્યો, ત્યારે તે તેને મૂએલામાંથી પાછા બોલાવવા જેવું હતું.
20 વિશ્વાસના કારણે જ ઈસહાકે તેના દીકરા યાકૂબ અને એસાવને ભવિષ્ય સબંધી આશીર્વાદ આપ્યો. 21 વિશ્વાસના કારણે જ મરણની ઘડીએ યાકૂબે લાકડીના ટેકે ઊભા થઈને યૂસફના બંને પુત્રોને આશીર્વાદ આપ્યો અને તેણે ઉપાસના કરી.
22 વિશ્વાસના કારણે જ યૂસફે પોતાના અંતકાળે ઇજીપ્તના ઇસ્ત્રાએલના લોકોના છૂટા પડવાની વાત કરી, અને તેના શબ વિષે સૂચનો કર્યા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International