Revised Common Lectionary (Semicontinuous)
યહોવા પોતાના લોકો પર દયાળુ રહ્યાં
7 યહોવાના ઉપકારો હું સંભારીશ
અને આપણે માટે એણે જે કાઇં કર્યું છે
તે માટે હું તેના ગુણગાન ગાઇશ.
પોતાની અપાર કરુણા
અને દયાથી પ્રેરાઇને
તેણે ઇસ્રાએલના લોકોનું ભારે મોટું કલ્યાણ કર્યું છે.
8 તેણે કહ્યું, “ખરેખર તેઓ મારી પ્રજા છે,
મારા સંતાન છે;
તેઓ મને દગો નહિ દે.”
9 અને તેણે તેઓને બધાં સંકટોમાંથી ઉગારી લીધા.
તેઓને બચાવવા માટે
તેણે કોઇ દૂત નહોતો મોકલ્યો,
તે જાતે આવ્યા હતા.
તેણે ઊંચકીને ભૂતકાળમાં બધો સમય
તેઓને ઉપાડ્યા કર્યા.
1 યહોવાની સ્તુતિ કરો!
આકાશમાંથી તેમની સ્તુતિ કરો!
ઉચ્ચસ્થાનમાંથી તેમની સ્તુતિ કરો!
2 તમે બધાં દેવદૂતો તેમની સ્તુતિ કરો;
તેમનાં સર્વ સૈન્યો તેમની સ્તુતિ કરો!
3 સૂર્ય તથા ચંદ્ર, તમે તેની સ્તુતિ કરો!
સર્વ ઝગઝગતાં તારા તેમની સ્તુતિ કરો!
4 આકાશોનાં આકાશ તમે યહોવાની સ્તુતિ કરો!
આકાશ ઉપરના પાણી તેમની સ્તુતિ કરો!
5 તમે બધાં જેનું તેમણે સર્જન કર્યુ છે તે યહોવાનાં નામની સ્તુતિ કરો;
કારણ તેના હુકમથીજ તમે જન્મ્યા.
6 દેવે આ બધી વસ્તુઓ, સદાકાળ માટે સ્થાપન કરી છે તેમણે જે નિયમ પ્રસ્થાપિત કર્યા છે
તેનો અંત કદાપિ આવશે નહિ અને ઉલ્લંધન કરી શકે નહિ.
7 હે પૃથ્વી પરના બધાં જ જીવો, તમે યહોવાની સ્તુતિ કરો;
હે મહાસાગરનાં ઊંડાણોમાં વસતાં સૌ જીવો તેમની સ્તુતિ કરો.
8 અગ્નિ તથા કરા, હિમ તથા મેઘ;
આંધીના વાયુ, જે એનુ વચન પૂરુ કરે છે.
9 તમે પર્વતો તથા ડુંગરો;
ફળવૃક્ષો તથા સર્વ દેવદારો.
10 હિંસક પ્રાણીઓ તથા સર્વ પશુઓ;
પેટે ચાલનારાં જીવજંતુ તથા ઊડનારાં પક્ષીઓ;
11 પૃથ્વીના રાજાઓ, અને સર્વ પ્રજાઓ,
તથા તેઓના અધિકારીઓ તેમજ ન્યાયાધીશો;
12 યુવાનો અને કન્યાઓ,
વૃદ્ધો અને બાળકો;
13 તમે સર્વે યહોવાની સ્તુતિ કરો
કારણકે ફકત તેમનું એકલાનું જ નામ પ્રતિષ્ઠાપાત્ર છે!
આકાશ અને પૃથ્વી પરની
તમામ વસ્તુઓ તેમની સ્તુતિ કરો!
14 તે તેમના લોકોની તાકાત વધારશે,
તેના વફાદાર સંતો તેમની સ્તુતિ કરો.
સર્વ ઇસ્રાએલીઓ જે લોકો તેમની ખૂબ નજીક છે તે તેમની સ્તુતિ કરો.
10 દેવે સર્વસ્વ બનાવ્યું છે. અને તે પોતાના મહિમાને અર્થે બનાવ્યું છે. આ મહિમામાં ઘણા લોકો ભાગ લે તેવું દેવ ઇચ્છતો હતો. તેથી દેવને એક (ઈસુ) પરિપૂર્ણ તારનાર બનાવવો પડ્યો જે ઘણા લોકોને તેમના તારણ તરફ દોરી જાય છે. અને તે ઘણાને તે મુક્તિમાર્ગે દોરી ગયો. દેવે તે કર્યું.
11 જે એક (ઈસુ) લોકોને પવિત્ર બનાવે છે અને જે લોકો પવિત્ર બનાવાયા છે તે એક જ પરિવારના છે. એટલે તે (ઈસુ) તેઓને પોતાના ભાઈઓ અને બહેનો કહેતાં જરાપણ શરમ અનુભવતો નથી. 12 ઈસુ કહે છે,
“હે દેવ, હું મારા ભાઈઓ અને બહેનોને તારા વિષે કહીશ.
તારા સર્વ લોકો આગળ હું તારાં સ્તોત્રો ગાઇશ.” (A)
13 તે એમ પણ કહે છે,
“હું દેવ પર ભરોસો રાખીશ” (B)
અને તે કહે છે,
“દેવે મને આપેલા બાળકો અને હું અહીંયા છીએ.” (C)
14 તે માણસો માંસ અને લોહીનાં બનેલા માનવ દેહ ધરાવે છે. તેથી ઈસુએ પણ માનવદેહમાં જન્મ લીધો, તેથી કરીને તે મરણ સહન કરીને, દુ:ખો સહીને તે શેતાનનો નાશ કરી શકે. 15 ઈસુ લોકો જેવો થયો અને મરણ પામ્યો અને જીવનપર્યત મરણના ભયને લીધે દાસ જેવી દશામાં જીવતા મનુષ્યોને છુટકારો અપાવી શકે. 16 એ સ્પષ્ટ છે કે ઈસુ દૂતોને નહિ, પરંતુ મનુષ્યો જે ઇબ્રાહિમનાં[a] સંતાનો છે તેમને મદદ કરે છે. 17 આ કારણે ઈસુ ખ્રિસ્ત પોતાના ભાઈઓ અને બહેનોમાં બધા બાબતોમાં સમાન બને એ જરુંરી હતું, એ માટે તે આપણા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે એવો દયાળુ અને આપણા લોકોના પાપનું પ્રાયશ્ચિત કરીને દેવ સમક્ષ સજા ભોગવે એવો વિશ્વાસુ પ્રમુખ યાજક થાય. 18 ઈસુ જે લોકો પરીક્ષણમાંથી પસાર થઈ રહ્યા છે, તેઓને મદદ કરવા શક્તિમાન છે કારણ કે તે પોતે જાતે યાતનાઓમાંથી પસાર થયો હતો અને તેનું પરીક્ષણ થયું હતું.
ઈસુને લઈને માતા પિતાનું મિસર જવું
13 જ્ઞાની માણસોના ગયા પછી, યૂસફને સ્વપ્નમાં પ્રભુનો દૂત દેખાયો. દૂતે કહ્યું કે, “ઊભો થા! બાળક અને તેની માને લઈને મિસરમા નાસી જા. હેરોદ બાળકની તપાસ શરૂ કરશે. તે તેને મારી નાખવા માગે છે. હું જ્યાં સુધી કહું કે બધું સલામત નથી, ત્યાં સુધી મિસરમાં જ રહેજે.”
14 તેથી યૂસફ ઊઠયો અને બાળક અને તેની માને પોતાની સાથે લઈને મિસર જવા ચાલી નીકળ્યો. તેઓ રાત્રીના સમયે ચાલી નીકળ્યા. 15 હેરોદ મરણ પામ્યો ત્યાં સુધી યૂસફ મિસરમાં રોકાયો. પ્રભુએ પ્રબોધક દ્વારા જણાવ્યું હતું તે સાચું પડે માટે આમ બન્યું, “મેં મારા પુત્રને મિસરમાંથી બહાર બોલાવી લીઘો.”(A)
હેરોદે બેથલેહેમમાં કરેલી બધા જ બાળકોની હત્યા
16 જયારે હેરોદે જોયું કે જ્ઞાની માણસોએ તેને મૂર્ખ બનાવ્યો છે ત્યારે તે ખૂબજ ગુસ્સે થયો. તેથી તેણે હૂકમ કર્યો કે બેથલેહેમ અને તેની આસપાસના વિસ્તારમાં બધા જ છોકરાઓને મારી નાખો. હેરોદે જ્ઞાની માણસો પાસેથી બાળકના જન્મનો સમય જાણી લીધો. કે જે (હાલના સમયથી) બે વર્ષ પહેલાનો સમય હતો તેથી તેણે બે વર્ષની ઉંમરના કે તેથી નાના દરેક બાળકને મારી નાખાવનો હુકમ કર્યો. 17 પ્રભુએ પ્રબોધક યર્મિયા દ્વારા જે ભવિષ્યવાણી જણાવીહતી તે પરિપૂર્ણ થઈ:
18 “રામામાં એક અવાજ સંભળાયો.
તે કારમા રૂદનનો અને અત્યંત શોકયુક્ત હતો.
રાહેલ તેના બાળકો માટે રૂદન કરી રહી છે;
તે દિલાસો મેળવવાનો નકાર કરે છે, કારણ કે તેના બાળકો મરણ પામ્યા છે.” (B)
યૂસફ અને મરિયમનું મિસરમાંથી પુનરાગમન
19 હેરોદના મરણ પછી, પ્રભુનો દૂત સ્વપ્નમાં યૂસફ પાસે આવ્યો. જ્યારે યૂસફ મિસરમાં હતો ત્યારે આમ થયું હતું. 20 દૂતે કહ્યું કે, “ઊભો થા! બાળક અને તેની માને લઈને ઈસ્રાએલ ચાલ્યો જા. જે લોકો બાળકને મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા તે મરણ પામ્યા છે.”
21 તેથી યૂસફ બાળક અને તેની માને લઈને ઈસ્રાએલ ગયો. 22 પછી યૂસફે સાભળ્યું કે હેરોદના મરણ પછી તેનો પુત્ર આખિલાઉસ રાજા થયો છે ત્યારે યૂસફને ત્યાં જતાં ડર લાગ્યો ત્યારે સ્વપ્નમાં ચેતવણી મળી તેથી તે યહૂદિયાને બદલે ગાલીલ પ્રાંતમાં ગયો. 23 યૂસફ નાસરેથ ગામમાં ગયો. આમ એટલા માટે થયું, જેથી પ્રબોધકોનું કહેલુ પૂણ થાય. દેવે કહ્યું કે ખ્રિસ્ત નાઝારી[a] કહેવાશે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International