Revised Common Lectionary (Semicontinuous)
ભાગ બીજો
(ગીત 42–72)
નિર્દેશક માટે. કોરાહનાં કુટુંબઓનું માસ્કીલ.
1 હરણ જેમ પાણીના ઝરણાં માટે તલપે છે,
તેમ હે યહોવા, હું તમારા માટે તલપું છું.
2 મારો આત્મા જીવતા દેવ માટે તરસે છે.
હું મારી જાતને એમની સમક્ષ ક્યારે હાજર કરી શકીશ?
3 મારા આંસુ રાત દિવસ મારો ભોજન થયા છે.
શત્રુ મહેણા મારે છે, “તારા દેવ ક્યાં છે?”
4 હે મારા આત્મા, તે સમય કયાંથી વીસરી શકાય?
ઉત્સવના દિવસોમાં હું મોટા લોકસમુદાયમાંથી પસાર થયો,
જેઓ આનંદથી યહોવાના સ્તુતિગીતો ગાતા હતાં
અને હું સૌને એક સાથે દેવના મંદિરમાં દોરી જતો હતો.
એનું સ્મરણ કરતાં, મારું હૃદય ભાંગી જાય છે.
5 હે મારા આત્મા, તું ઉદાસ કેમ થયો છે?
તું આટલો અસ્વસ્થ અને વ્યાકુળ કેમ થયો છે?
દેવની મદદ માટે રાહ જો!
તેમની કૃપા અને મદદ માટે હું હજી
પણ તેમની પ્રાર્થના કરીશ.
6 હે મારા દેવ, મારો આત્મા નિરાશ થયો છે.
તેથી હું તમારી કૃપાનું મિઝાર પર્વત પરથી જયાં હેમોર્ન પર્વત
અને યર્દન નદી મળે છે ત્યાંથી હું સ્મરણ કરું છું.
7 ઘરતીના ઊંડાણનું પાણી ભાંગી ને
ઘોઘમાં પડવાનો અવાજ મને સંભળાય છે.
તમારા બધા મોજાઓ
અને મોટા મોજાઓ મારા પર ફરી વળ્યાઁ છે.
8 અને છતાં યહોવા મારા માટે તેમનો સાચો પ્રેમ પ્રતિદિન દર્શાવે છે.
અને રોજ રાત્રે હું તેમના સ્તુતિગીત ગાઉં છું, એટલે મારા જીવનદાતા દેવની પ્રાર્થના કરું છું.
9 દેવ મારા ખડક છે, હું તેમને કહીશ કે,
“તમે કેમ મને ભુલી ગયા? મને કેમ તજી દીધો છે?
શા માટે શત્રુઓના જુલમ મારે સહન કરવા પડે?”
10 તારો દેવ ક્યાં છે એમ મશ્કરીમાં રોજ પૂછીને
મારા શત્રુઓના મહેણાં મારા હાડકાં ને કચરી નાખે છે.
11 હે મારા આત્મા, શા માટે તું આટલો દુ:ખી છે?
તું શા માટે આટલો અસ્વસ્થ અને વ્યાકુળ બની ગયો છે?
દેવની મદદ માટે રાહ જો!
જે મારા મુખનું તારણ તથા મારો દેવ છે,
તેનું હું હજી સ્તવન કરીશ.
એક સારો સમય આવી રહ્યો છે
17 થોડા જ વખતમાં લબાનોનના ગાઢ જંગલો ખેતરો જેવા ગણાશે અને ખેતરો ફકત ઝાડીઓ જેવા જ ગણાશે. 18 તે દિવસે બહેરો ગ્રંથ વંચાતો સાંભળશે અને અભેદ્ય અંધકાર દૂર થતાં આંધળાની આંખો જોશે. 19 દીનજનો અને ગરીબો ફરી ઇસ્રાએલના પરમપવિત્ર યહોવા તરફથી મળતાં સુખ અને આનંદ ભોગવશે.
20-21 કારણ, જુલમીઓનો અંત આવ્યો હશે અને હાંસી ઉડાવનાર હતો ન હતો થઇ ગયો હશે; અને બધા દુષ્કર્મો કરવાને ટાંપી રહેનારા, જેઓ બીજાને ગુનેગાર ઠરાવવા માટે ખોટી સાક્ષી આપનારા, ન્યાયાધીશોને લાંચ આપવાનો પ્રયત્ન કરનારા, તથા પાયા વગરની દલીલથી નિર્દોષને ન્યાય મળતો રોકનારા નાશ પામ્યા હશે.
22 તે માટે જેણે ઇબ્રાહિમનો ઉદ્ધાર કર્યો, તે યહોવા યાકૂબના વંશજો વિષે કહે છે કે, “તેમણે હવે કદી શરમાવું નહિ પડે, તેમનો ચહેરો કદી ફિક્કો નહિ પડી જાય. 23 કારણ કે મેં જે તેમના માટે કર્યુ છે તેને, તે તથા તેના બાળકો જોશે ત્યારે તેઓ મારા નામનું સન્માન કરશે. તેઓ યાકૂબના પવિત્ર દેવની સ્તુતિ કરશે અને ઇસ્રાએલના દેવનો આદર કરશે. 24 જેઓ આત્મામાં ભૂલા પડ્યા છે તેઓ જ્ઞાન પામશે અને જેઓ બડબડાટ કરે છે તેઓ પણ શિખામણ માથે ચડાવશે.”
દેવ તરફથી સાબિતી
12 પ્રેરિતોએ ઘણાં અદભૂત ચમત્કારો અને પરાક્રમો કર્યા. બધા લોકોએ આ બધી વસ્તુઓ જોઈ. પ્રેરિતો સુલેમાનની પરસાળમાં ભેગા થયા હતા. તેઓ બધાનો હેતુ સામાન્ય હતો. 13 બીજા લોકોમાંથી કોઇની પણ હિંમત તેઓની સાથે ઊભા રહેવાની ન હતી. બધા જ લોકો પ્રેરિતોના વિષે સારું બોલતાં હતા. 14 વધારે ને વધારે લોકો પ્રભુમાં વિશ્વાસ કરતાં થયા-ઘણા માણસો અને ઘણી સ્ત્રીઓ વિશ્વાસીઓના સમૂહમાં ઉમેરાવા લાગ્યા. 15 તેથી લોકો તેઓના માંદાઓને શેરીઓમાં લાવવા લાગ્યાં. લોકોએ સાંભળ્યું કે પિતર બાજુમાં આવી રહ્યો છે. તેથી લોકોએ તેઓના માંદા માણસોને પથારીઓમાં તથા ખાટલાઓમાં સુવાડ્યા. તેઓએ વિચાર્યુ કે જો માંદા લોકો નજીકમાં હોય તો પિતરના પડછાયાનો તેઓને સ્પર્શ થાય તો, તેઓને સાજા થવા માટે પૂરતું છે. 16 યરૂશાલેમની આજુબાજુ બધા શહેરોમાંથી લોકો આવ્યા. તેઓ તેઓના માંદા લોકોને અને જે લોકો અશુદ્ધ આત્માથી પીડાતા હતા તે સૌને લાવ્યા. તેઓમાંના બધાને સાજા કરવામાં આવ્યા હતા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International