Revised Common Lectionary (Semicontinuous)
દાઉદ ગુફામાં હતો તે સમયે લખાયેલી તેની પ્રાર્થના. દાઉદનું માસ્કીલ.
1 હું મોટા સાદે યહોવાને આજીજી કરું છું;
અને દયા માટે ઊંચા સ્વરે વિનંતી કરું છું.
2 હું તેમની આગળ મારી ફરિયાદો વરસાવું છું
અને મારી મુશ્કેલીઓ વિષે હું તેમને જણાવું છું.
3 હું બેહોશ થવાનો હોઉં,
ત્યારે મને શું થાય છે તે તમે જાણો છો પણ જે રસ્તે હું ચાલું છું;
તેમા તેઓએ ફંદા ગોઠવ્યા છે.
4 જ્યારે હું આજુબાજુ જોઉં છું,
હું કોઇ મિત્રને જોતો નથી,
જે મને મદદ કરી શકે,
અથવા મારી સંભાળ રાખી શકે અથવા મારો બચાવ કરી શકે.
5 હે યહોવા, મારી પ્રાર્થનામાં મે તમને પોકાર કર્યો અને કહ્યું,
“યહોવા, મારી સંતાવાની જગા માત્ર તમે જ છો.
આ જીવનમાં મારી પાસે જે બધું છે તે તમે છો.”
6 મારા પોકારો સાંભળો,
કેમકે હું દુ:ખી છું;
જેઓ મારી પાછળ પડ્યાં છે તેમનાથી મને બચાવો;
કારણકે તેઓ મારા કરતાં વધુ બળવાન છે.
7 મને બંદીવાસમાંથી બહાર લાવો,
જેથી હું તમારો આભાર માની શકું.
તમારી સર્વ મદદને માટે દેવનો ભય રાખનારા
મારી સાથે આનંદ કરશે તમે મારા માટે ઉદાર છો.
હબાક્કુકની પ્રાર્થના
3 પ્રબોધક હબાક્કુકે આ પ્રાર્થના યહોવાને કરી, રાગ શિગ્યોનોથ.
2 હે યહોવા, તમારા વિષે હવે મેં સાંભળ્યું છે,
અને મને ચિંતા થાય છે,
ભૂતકાળમાં જેમ તમે કર્યું હતું
તેમ અમારી જરૂરિયાતના આ સમયમાં ફરી વાર અમારી સહાય કરો.
આ જરૂરિયાતના સમયમાં તમારી જાતને બતાવો,
તમારા ક્રોધમાં દયાળુ થવાનું ભૂલતા નહિ.
3 દેવ તેમાનથી આવે છે,
પવિત્ર દેવ પારાનના પર્વત પરથી આવે છે.
તેનો પ્રકાશ આકાશમાં પથરાય છે;
તેની કિતીર્ પૃથ્વી પર ફેલાય છે.
4 સૂર્ય જેવું છે તેનું અનુપમ તેજ, કિરણો પ્રગટે છે તેના હાથમાંથી;
ત્યાં જ છુપાયેલું છે તેનુ સાર્મથ્ય.
5 મરકી જાય છે તેની આગળ આગળ,
ને રોગચાળો જાય છે તેને પગલે-પગલે.
6 તે ઊભા થાય છે
અને પૃથ્વીને હલાવે છે,
તેની નજરથી લોકોને
વિખેરી નાખે છે,
પ્રાચીન પર્વતોના ટૂકડે ટૂકડા થઇ જાય છે,
પ્રાચીન ટેકરીઓ નમી જાય છે,
તેઓ હંમેશા આવાજ હતા.
7 મેં કૂશાનના તંબુઓને વિપત્તિમાં જોયા છે;
મેં મિદ્યાનમાં તંબુઓને હલતા જોયા છે.
8 હે યહોવા, તમે નદીઓ પર ગુસ્સે થયા છો?
શું તમે ઝરણાઓ પર રોષે ભરાયા છો?
શું તમારો ક્રોધ સમુદ્ર પર છે?
જેને કારણે તમે ઘોડાઓને, વિજ્યી રથો પર સવારી કરી રહ્યાં છો?
9 જ્યારે તમે તમારું મેઘધનુષ્ય બહાર કાઢો છો,
તે તમે લોકોને આપેલા વચનની નિશાની હતી,
પૃથ્વીએ નદીઓને વહેંચી નાખી છે.
10 થરથર ધ્રુજે છે તને જોઇને પર્વતો,
મૂશળધાર વરસે છે વરસાદ,
અને સાગર કરે છે ઘોર ગર્જના,
ને હેલે ચડે છે તેના મોજા કેવા!
11 રા વેગીલા બાણોના ઝબકારથી,
અને તારા ચકચકતા ભાલાના ચળકાટથી;
સૂર્ય અને ચંદ્ર પોતપોતાના સ્થાનમાં થંભી ગયા છે.
12 તમે ગુસ્સામાં પૃથ્વી પર પગ પછાડો છો,
અને ક્રોધમાં, પ્રજાઓને પગતળે કચડી નાખો છો.
13 તમે તમારા લોકોના ઉધ્ધારને માટે,
વળી તમારા અભિષિકતના
ઉધ્ધારને માટે પણ બહાર ગયા.
તમે દરેક દુષ્ટ કુળના નેતાઓને કાપી નાખો છો
અને જમીનથી ગળા સુધી તેમને ખુલ્લા પાડો છો.
14 તમે લડવૈયાઓના માથા તેમના
પોતાના જ ભાલાઓથી વીંધી નાખો છો.
જ્યારે તેઓ વાવાઝોડાની જેમ
અમને મારી નાખવા આવ્યા.
સંતાઇ ગયેલા ગરીબોને ભસ્મસાત કરનારા
લોકોની જેમ તેઓ આનંદ માને છે.
15 તમે જ્યારે તમારા ઘોડા પર સવાર થઇને સાગરમાંથી પાછા ફરો છો,
ત્યારે પાણી ખળભળી જાય છે.
16 એ સાંભળીને તો હું ધ્રુજી ઊઠું છું;
મારા હોઠ અને મારા પગતળેથી ધરતી ખસી જાય છે,
મારાઁ હાડકાં સડી જાય છે, મારું આખું શરીર ધ્રુજે છે,
પણ હું ધીરજપૂર્વક આફતના દિવસની રાહ જોઉં છું જ્યારે
તે લોકોનું લશ્કર અમારી સામે ચઢી આવશે.
5 મારી તમને મદદ કરવાની ઈચ્છા છે. કેટલીક બાબતો યાદ રાખો જે તમે બધીજ રીતે જાણો છો: યાદ રાખો પ્રભુએ તેના લોકોને ઈજીપ્તની (મિસરની) ભૂમિમાંથી બહાર લાવીને તેઓનો બચાવ કર્યો. પરંતુ પાછળથી પ્રભુએ જે લોકો અવિશ્વાસીઓ હતા, તે બધાનો નાશ કર્યો. 6 અને દૂતોને પણ યાદ રાખો જેઓની પાસે અધિકાર હતો પણ તેઓએ તે રાખ્યો નહિ. તેઓએ તેઓનાં પોતાનાં રહેવાનાં સ્થાન છોડ્યાં. તેથી પ્રભુએ આ દૂતોને અંધકારમાં રાખ્યા છે. તેઓએ સનાતન બંધનની સાંકળે બાંધ્યા. તેણે તેઓને મોટા દિવસના ન્યાયીકરણ સુધી રાખ્યા છે. 7 સદોમ અને ગમોરા અને તેઓની આજુબાજુનાં બીજા શહેરોને પણ યાદ રાખો. તેઓ પણ પેલા દૂતો જેવાં જ છે. આ શહેરો એ જ રીતે વ્યભિચારમાં અને અનુચિત દુરાચારમાં ગરક થઈને નિરંતર અગ્નિદંડની શિક્ષા સહન કરે છે. તેઓની શિક્ષા આપણા માટે ઉદાહરણરુંપ છે.
8 એ લોકો સાથે બન્યું છે એ જ રીતે તમારા સમૂહમાં પ્રવેશ્યા છે તેઓ સ્વપ્નોથી દોરાયા છે. તેઓ પાપ વડે તેઓની જાતને ગંદી બનાવી રહ્યા છે. તેઓ દેવના નિયમની અવગણના કરે છે. અધિકાર અને દૂતોના ગૌરવની નિંદા કરે છે. 9 પ્રમુખ દૂત મિખાયેલે જ્યારે શેતાનની સાથે મૂસાના શબ વિષે તકરાર કરીને વિવાદ કર્યો, ત્યારે તેણે નિંદા કરીને તહોમત મૂકવાની હિંમત કરી નહિ. પણ મિખાયેલે કહ્યું કે; “પ્રભુ તને શિક્ષા કરે.”
10 પરંતુ આ લોકો જે વિષે સમજતા નથી તેની ટીકા કરે છે. તેઓ કેટલીક બાબતો સમજ્યા. પણ તેઓ આ વિષે વિચાર કરીને સમજ્યા નહોતા, પરંતુ લાગણીથી, જે રીતે મુંગા પ્રાણીઓ વસ્તુઓ સમજે તેમ સમજ્યા હતા. અને આ બાબતો જ તેઓને તેઓના વિનાશ તરફ દોરી જાયછે. 11 તેઓને અફસોસ! આ લોકો કાઈન જે માર્ગે ગયો તેને અનુસર્યા. પૈસા બનાવવાની ઈચ્છાથી તેઓ પોતે બલામ જે ખોટા માર્ગે ગયો તેની પાછળ ગયા. કોરાહની જેમ આ લોકો દેવની વિરૂદ્ધમાં લડ્યા છે. અને કોરાહની માફક જ, તેઓનો નાશ થશે.
12 આ લોકો તમે જે વિશિષ્ટ ભોજનમાં સાથે સહભાગી બનો છો તેમા ગંદા ડાઘ જેવા છે. તેઓ ભય વિના તમારી સાથે ખાય છે. તેઓ ફક્ત પોતાની જાતની જ સંભાળ રાખે છે. તેઓ વરસાદ વિનાનાં વાદળાં છે. પવન તેઓને આજુબાજુ ઘસડે છે. તેઓ ફળ વિનાનાં વૃક્ષો જેવાં છે. જ્યારે ફળનો સમય આવે ત્યાંરે તેઓને ફળ આવતાં નથી તેથી જમીનમાંથી ઉખેડી કાઢવામાં આવે છે. તેથી તેઓ બે વખત મરણ પામે છે. 13 તેઓ સમુદ્રમાં આવતાં જંગલી મોજા જેવા છે મોજાઓ ફીણ બનાવે છે. આ લોકો, મોજાંઓ જેમ ફીણ બનાવે છે તેમ આ લોકો શરમજનક કાર્યો કરે છે. આ લોકો તારાઓ જેવા છે જે ભટકનારા છે. આવા લોકો માટે ઘોર અંધકાર સર્વકાળ માટે રાખવામાં આવેલો છે.
14 આદમથી સાતમા પુરુંષ હનોખે આ લોકો વિષે ભવિષ્યકથન કર્યું છે કે: “જુઓ, પ્રભુ હજારોની સંખ્યામાં તેના પવિત્ર દૂતો સાથે આવે છે. 15 પ્રભુ પ્રત્યેક વ્યક્તિનો ન્યાય કરશે. પ્રભુ બધા લોકોનો ન્યાય કરવા અને જે લોકો દેવની વિરૂદ્ધ છે તેઓને શિક્ષા કરવા આવે છે. તે આ લોકોને દેવની વિરુંદ્ધ તેઓએ કરેલાં દુષ્ટ કાર્યો માટે શિક્ષા કરશે. અને દેવ આ પાપીઓ જે દેવની વિરુંદ્ધ છે તેઓને શિક્ષા કરશે. તે તેઓને તેમણે દેવની વિરૂદ્ધ કહેલાં બધાં સખત ટીકાત્મક વચનો માટે શિક્ષા કરશે.”
16 આ લોકો હંમેશા બીજા લોકોમાં ભૂલો શોધે છે અને ફરિયાદ કરે છે. તેઓ હંમેશા તેઓની ઈચ્છા મુજબ દુષ્ટ કૃત્યો કરે છે. તેઓ પોતાની જાત વિશે દંભ કરે છે. તેઓ ફક્ત પોતાની ઈચ્છા પ્રમાણે પ્રાપ્ત કરવા, સ્વાર્થ સાધવા માટે બીજા લોકો માટે સારું બોલે છે.
ચેતવણી અને કરવાનાં કાર્યો
17 પ્રિય મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેરિતોએ પહેલા શું કહ્યું છે તે યાદ કરો. 18 પ્રેરિતોએ તમને કહ્યું છે, “અંત સમયે દેવના વિશે મશ્કરી કરનારા લોકો ત્યાં હશે.” આ લોકો ફક્ત તેઓની ઈચ્છા મુજબ કરવાનાં કાર્યો જે દેવની વિરૂદ્ધ છે તે જ કરે છે. 19 આ લોકો જ તમારામાં ભાગલા પાડે છે. આ લોકો પોતાની પાપી સ્વાર્થી અધર્મી ઉત્કંઠા પ્રમાણે જ ફક્ત કાર્યો કરે છે. તે લોકોમાં આત્મા નથી.
20 પણ પ્રિય મિત્રો, તમે તમારું જીવન પવિત્ર વિશ્વાસના પાયા પર વધારે દ્રઢ બનાવો અને પવિત્ર આત્મા વડે પ્રાર્થના કરો. 21 તમારી જાતને દેવના પ્રેમમાં રાખો. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની દયા વડે તમને જે અનંતજીવન પ્રાપ્ત થવાનું છે તેની રાહ જુઓ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International