Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 65

નિર્દેશક માટે. પ્રશંસાનું દાઉદનું ગીત.

હે દેવ, સિયોનમાં અમે તમારી સ્તુતિ કરતાં શાંતપણે વાટ જોઇએ છીએ;
    અને અમે અમારી પ્રતિજ્ઞાઓ પૂર્ણ કરીએ છીએ.
તમે હંમેશા લોકોની પ્રાર્થનાઓ સાંભળો છો,
    અને તેથી બધાં તમારી પાસે પ્રાર્થના સાથે આવશે.
અમારા પાપો અમારા માટે ખૂબ ભારે બન્યાં છે,
    પણ તમે સર્વ પાપોને ભૂંસી નાંખો છો.
તેઓ કે જેઓને તમારા પવિત્ર મંડપનાં આંગણાઓમાં
    તમારી નજીક પહોંચવા તમે પસંદ કર્યા છે, તેઓ આશીર્વાદિત છે.
તમારા ઘરની, એટલે તમારા પવિત્ર મંદિરની
    સારી વસ્તુઓથી અમે તૃપ્ત થયા છીએ.
હે અમારા તારણનાં દેવ, ન્યાયીકરણથી
    તમે અદ્ભૂત કૃત્યો વડે અમને ઉત્તર દેશો;
તમે પૃથ્વીની સર્વ સીમાઓના તથા દૂરનાં સમુદ્રો સુધી,
    તમે સર્વ માનવ જાતનાં એકમાત્ર આશ્રય છો.
દેવે તેમની અદભૂત શકિતથી પર્વતો રચ્યાં.
    તેઓ સાર્મથ્યથી સુસજજીત હતા.
તોફાની “સમુદ્રોને” અને મોજાઓની ગર્જનાને,
    તથા લોકોનાં હુલ્લડને તમે શાંત કરો છો.
આખી પૃથ્વી પરના લોકો દેવનાં મહિમાવંત કાર્યો નિહાળશે, અને આશ્ચર્ય પામશે.
    સૂર્યનાં ઉદય અને અસ્તનાં સ્થળોએ તમે આનંદનાં ગીતો ગવડાવશો.
તમે એ છો જે પૃથ્વીની સંભાળ લે છે
    અને ભૂમિને પાણી આપે છે.
દેવની નદી પાણીથી ભરેલી છે
    જેથી તેના લોકોને સારી ફસલ મળે.
10 તમે ખેતરનાં ચાસોને
    વરસાદનું પાણી આપો છો,
વરસાદનાં ઝાપટાંથી તમે ભૂમિને નરમ કરો છો,
    અને તેમાં થતી ફસલને આશીર્વાદ આપો છો.
11 તમે વર્ષને પુષ્કળ ફસલથી આશીર્વાદિત કરો છો.
    તમે ઋતુઓના ચક્રને ખૂબ વિપુલતાથી પૂર્ણ કરો છો.
12 વેરાન ખેતરો ઘાસથી ભરાઇ ગયા છે
    અને ઘાસથી ભરેલી ટેકરીઓ આનંદથી ભરાઇ ગઇ છે.
13 વળી ઘાસનાં બીડો ઘેટાઓના ટોળાથી ઢંકાઇ જાય છે,
અને ખીણો ભરપૂર અનાજના પાકથી ઢંકાયેલી છે;
    આખી પૃથ્વી હર્ષનાદનાં પોકાર કરે છે.
    અને હા, તેઓ ગીતો ગાય છે.

યોએલ 2:12-22

યહોવા લોકોને પરિવતિર્ત થવાનું કહે છે

12 તોપણ, યહોવા કહે છે,
    “હજી સમય છે સાચા હૃદયથી
તમે મારી પાસે પાછા ફરો.
    ઉપવાસ કરી, રૂદન કરો, ને આક્રંદ કરો.”
13 તમારાં વસ્ત્રો નહિ,
    હૃદયો ચીરી નાખો.
તમારા યહોવા દેવ પાસે પાછા ફરો.
    તે દયાળુ અને કૃપાળુ છે.
તે ગુસ્સે થવામાં ધીમો છે
    અને તેની પાસે અનેરો પ્રેમ છે
અને તે ન્યાયના ચુકાદાને લગતો
    તેનો વિચાર બદલે છે.
14 કોણ જાણે છે? કદાચ તે તેના વિચાર બદલે
    અને સજાથી ફરી તમને આશીર્વાદ આપે.
ત્યારે તમારા દેવ યહોવાને ખાદ્યાર્પણ
    અને પેયાર્પણ રહેવા દે.

યહોવાની ઉપાસના કરો

15 સિયોનમાં રણશિંગડું વગાડો,
    પવિત્ર ઉપવાસ જાહેર કરો;
    અને ધામિર્ક સભા માટે લોકોને ભેગા કરો.
16 લોકોને ભેગા કરો,
    સમુદાયને પાવન કરો,
વડીલો, બાળકો અને ધાવણાં બાળકોને ભેગા કરો.
    વર અને કન્યાએ તેમનો લગ્ન મંડપ છોડી આવવું જાઈએ.
17 યાજકો, જે યહોવાના સેવકો છે,
    તેમણે ઓસરી અને વેદી વચ્ચે રડવું અને કહેવું કે,
“હે યહોવા, તારા લોકો પર દયા કર.
    વિદેશીઓને તેમને હરાવવા ન દો.
    તમારા લોકોને વિદેશીઓ સમક્ષ લજ્જિત થવા ન દો,
જેઓ દરેકને કહે છે,
    ‘તેઓનો દેવ કયાં છે?’”

યહોવા તમને તમારી ભૂમિ પાછી અપાવશે

18 ત્યારે યહોવાને પોતાના દેશને માટે લાગણી થઇ,
    ને તેને પોતાના લોકો પર દયા આવી.
19 યહોવાએ પોતાના લોકોને જવાબ આપ્યો,
“જુઓ, હું તમને સંતોષ થાય તેટલા પૂરતાં અનાજ,
    દ્રાક્ષારસ, અને તેલ મોકલીશ. હવે હું
    તમને વિદેશીઓ સમક્ષ હજી વધારે લજ્જિત થવા નહીં દઉ.
20 પણ હું આ સૈન્યોને ઉત્તરમાંથી ખસેડી
    અને તેઓને દૂર દેશમાં મોકલી દઇશ.
હું તેઓને ઉજ્જડ તથા વેરાન દેશમાં પાછા મોકલી દઇશ.
    તેઓમાંના અડધાને મૃત સરોવરમાં
અને બાકીનાને ભૂમધ્ય સમુદ્રમાં ધકેલીશ.
    પછી તેઓ દુર્ગંધીત થશે અને તેમની ગંધ ઉચે ચઢશે કારણકે
તેણે શકિતશાળી કાર્યો કર્યાં છે.”

ભૂમિને ફરીથી નવી બનાવાશે

21 હે ભૂમિ, ગભરાઇશ નહિ,
    હવે ખુશ થા અને આનંદ કર.
    કારણકે યહોવાએ મહાન કાર્યો કર્યા છે.
22 હે વનચર પશુઓ, તમે ડરશો નહિ;
    કારણકે ગૌચરની જગ્યાઓ ફરીથી હરિયાળી થશે.
વૃક્ષો પોતાના ફળ ઉપજાવશે,
    અંજીરવૃક્ષો અને દ્રાક્ષાવેલાઓ ફરીથી ફળવંતા થશે.

લૂક 1:46-55

મરિયમ દેવની સ્તુતિ કરે છે

46 પછી મરિયમે કહ્યું,

47 “મારો આત્મા પ્રભુની સ્તુતિ કરે છે.
    મારું હ્રદય આનંદ કરે છે કારણ કે દેવ મારો તારનાર છે.
48 દેવે તેની સામાન્ય
    અને દીન સેવિકા પર કૃપાદષ્ટિ કરી છે.
હવે પછી,
    બધા લોકો કહેશે કે હું આશીર્વાદીત છું,
49 કારણ કે સર્વસમર્થ દેવે મારા માટે મહાન કાર્યો કર્યા છે.
    તેનું નામ પવિત્ર છે.
50 જે લોકો તેની સ્તુતિ કરે છે તેના ઉપર દેવ હંમેશા તેની દયા દર્શાવે છે.
51 દેવે તેના હાથોનું સામથ્યૅ બતાવ્યું છે.
    તેણે અહંકારીઓને તેઓના મનની યોજનાઓ સાથે વેર વિખેર કરી નાખ્યા છે.
52 દેવે રાજ્યકર્તાઓને રાજ્યશાસન પરથી ઉતારી પાડ્યા છે,
    અને તેણે દીન માણસોને ઊંચા કર્યા છે.
53 પ્રભુએ ભૂખ્યાં લોકોને સારા વાનાંથી તૃપ્ત કર્યા છે.
    પણ તેણે જે લોકો ધનવાન અને સ્વાર્થી છે તેઓને ખાલી હાથે પાછા કાઢ્યા છે.
54 દેવ ઈસ્ત્રાએલના બચાવ માટે આવ્યો છે. દેવે તેની સેવા માટે ઈસ્ત્રાએલના લોકોને પસંદ કર્યા છે.
    દેવે તેમને મદદ કરી છે અને એમના પર દયા બતાવી છે.
55 દેવે આપણા પૂર્વજ ઈબ્રાહિમ અને તેનાં સંતાનોને આપેલું વચન હંમેશા પાળ્યું છે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International