Revised Common Lectionary (Semicontinuous)
એક ગરીબ માણસની પ્રાર્થના. જ્યારે તે દુ:ખી હોય છે ત્યારે તે દેવને ફરિયાદ કરે છે.
1 હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો;
મારા પોકારને કાન પર આવવા દો.
2 મારા સંકટને દુ:ખના સમયમાં તમે મારાથી મુખ અવળું ના ફેરવો;
કાન ધરીને તમે મને સાંભળો અને તમે મને જલ્દી ઉત્તર આપો.
3 કારણ, મારા દહાડા; ધુમાડાની જેમ વીતી જાય છે,
અને મારા હાડકાં ખોયણાની જેમ બળે છે.
4 મારું હૃદય તો ઘાસના જેવું કપાયેલું અને ચીમળાયેલું છે;
તે એટલે સુધી કે રોટલી ખાવાનું પણ હું ભુલી જાઉં છું.
5 મારા ઘેરા વિષાદ ને નિસાસાને કારણે ફકત ચામડીથી
ઢંકાયેલા હાડપિંજર જેવો હું થઇ ગયો છું.
6 હું દૂરના રણનાં ઘુવડ જેવો થઇ ગયો છું;
વિધ્વંસની વચ્ચે જીવતા એક ઘુવડ જેવો.
7 હું જાગતો પડ્યો રહું છું,
છાપરે બેઠેલી એકલવાયી ચકલીના જેવો થઇ ગયો છું.
8 મારા શત્રુ આખો દિવસ મને મહેણાઁ મારે છે;
અને બીજાને શાપ દેવા મારા નામનો ઉપયોગ કરે છે.
9 રોટલીને બદલે હું રાખ ખાઉં છું;
મારા આંસુ વહીને મારા પ્યાલામાં પડે છે.
10 તે તમારા રોષ તથા કોપને કારણે છે;
કેમકે તમે મને ઊંચો કરી નીચે ફેંકી દીધો છે.
11 મારા દિવસો નમતી છાયા જેવા છે;
ઘાસની જેમ હું કરમાઇ ગયો છું.
12 પરંતુ હે યહોવા, તમે સદાકાળ શાસન કરશો!
પેઢી દર પેઢી સુધી તમે યાદ રહેશો.
13 મને ખબર છે; તમે ચોક્કસ આવશો અને તમે સિયોન પર તમારી કૃપા વરસાવશો.
તમારા વચન પ્રમાણે, મદદ કરવાનો અને તેના પર કૃપા વરસાવવાનો આજ સમય છે.
14 કારણકે તમારા સેવકો તેની દીવાલનાં પ્રત્યેક પથ્થરને ચાહે છે,
અને તેની શેરીઓની ધૂળ પ્રત્યે તેઓ મમતા ધરાવે છે.
15 પ્રજાઓ બીશે અને યહોવાના નામનો આદર કરશે,
અને તેમના રાજાઓ તમારા ગૌરવનો આદર કરશે!
16 કારણ, યહોવા સિયોનને ફરીથી બાંધ્યું છે;
અને તે તમારી સમક્ષ પોતાનાં સંપૂર્ણ મહિમા સહિત પ્રગટ થયો છે!
17 તે લાચાર અને દુ:ખીની પ્રાર્થનાઓ સાંભળશે;
અને તેમની પ્રાર્થનાની અવગણના કરી નથી.
વિશ્વના રાષ્ટ્રો સાથે ન્યાય
15 ઇસ્રાએલના દેવ યહોવાએ મને આ પ્રમાણે કહ્યું, “મારા ક્રોધથી છલોછલ ભરેલો દ્રાક્ષારસનો આ પ્યાલો મારા હાથમાંથી લે. જે સર્વ પ્રજાઓની પાસે હું તને મોકલું તે સર્વને તેમાંથી પીવડાવજે. 16 તેઓ બધા એ પીધા પછી લથડીયાં ખાશે. અને તેમની વચ્ચે મેં મોકલેલા યુદ્ધથી ભાન ભૂલી જશે.”
17 આથી મેં યહોવાના હાથમાંથી તે પ્યાલો લીધો. અને યહોવાએ મને જે જે પ્રજાઓમાં મોકલ્યો તેમને મેં પાયો. 18 હું યરૂશાલેમ તથા યહૂદિયાના નગરોમાં ગયો અને તે પ્યાલામાંથી તેઓના રાજાઓએ તથા સરદારોએ પીધું. પરિણામે તે દિવસથી આજ સુધી તેઓ ઉજ્જડ, ધિક્કાર પામેલા તથા શાપરૂપ થયેલા છે.
19 મિસરના રાજા ફારુનને, તેના અમલદારોને તેના દરબારીઓને અને બીજા બધા લોકોને મેં આ પીણું પાયું હતું.
20 તેમ જ મિસરમાં વસતા બધા વિદેશીઓને, ઉસના બધા રાજાઓને, પલિસ્તીઓનાં શહેરો આશ્કલોન, ગાઝા અને એક્રોનના રાજાઓને અને આશ્દોદના બચી ગયેલા વતનીઓને,
21 અદોમ, મોઆબ અને આમ્મોનના લોકોને,
22 તૂરના અને સિદોનના બધા રાજાઓને ભૂમધ્ય કાંઠાના બધા રાજાઓને, 23 દદાન, તેમા અને બૂઝના શહેરોને, અને એ બધાં જેઓએ તેમના વાળ પોતાના માથાની બાજુ પરથી કાપ્યાં હતાં, 24 અરબસ્તાનના રણમાં વસતી જાતિઓમાં વસતા બધા રાજાઓને, 25 ઝિમ્રીના, એલામના તથા માદીઓના સર્વ રાજાઓ; 26 એક પછી એક નજીકના અને દૂરના, ઉત્તરના બધા રાજાઓને અને પૃથ્વીના પડ પરના બધાં રાજ્યોને સૌથી છેલ્લો બાબિલનો રાજા પણ એ પીશે.
27 “પછી તું તેઓને કહેજે કે, સૈન્યોનો દેવ યહોવા, ઇસ્રાએલના દેવ કહે છે કે, ‘પીધા જ કરો મદમસ્ત થઇને ઊલટી કરો અને એવા પડી જાઓ કે ફરીથી ઊઠી ન શકો. કારણ કે હું તમારા પર ભયાવહ યુદ્ધો મોકલી રહ્યો છું.’
28 “જો તેઓ તારા હાથમાંથી પ્યાલો લઇને પીવાની ના પાડે તો તારે તેમને કહેવું. ‘આ સૈન્યોનો દેવ યહોવાની આજ્ઞા છે; તમારે એ પીવો જ પડશે! આ યહોવાના વચન છે. 29 તારે આવું કરવું જ પડશે કારણ કે આ શહેર મારા નામથી ઓળખાય છે. હું તેની પર આફત લાવવાનો જ છું. અને એવી અપેક્ષા રાખતો નહિ કે તને સજા નહી મળે. કારણ કે હું આ સૃષ્ટિના બધા લોકો પર યુદ્ધ મોકલાવીશ.’” આ સૈન્યોના દેવ યહોવાના વચન છે.
30 “તારે તેઓની વિરુદ્ધ પ્રબોધ કરવો જ પડશે. તેઓને કહે કે,
‘યહોવા તેના પોતાના લોકોની વિરુદ્ધ
તથા પૃથ્વી પર વસનારા સર્વની
વિરુદ્ધ પોતાના પવિત્ર મંદિરમાંથી ગર્જના કરશે.
રસ બનાવવા માટે દ્રાક્ષ છુંદનારા લોકોની જેમ તે ઘાંટા પાડશે.
31 એમનો હોકારો પૃથ્વીના છેડા સુધી પહોંચશે.
યહોવા બધી પ્રજાઓ સામે આરોપ મૂકે છે,
તે બધા માણસોનો ન્યાય કરે છે.
તે દુષ્ટોનો તરવારથી સંહાર કરશે.’”
આ યહોવાના વચન છે.
32 સૈન્યોના દેવ યહોવા જાહેર કરે છે,
“જુઓ, આફત એક દેશમાંથી બીજા દેશમાં,
એક પ્રજામાંથી બીજી પ્રજામાં ફેલાઇ રહી છે,
પૃથ્વીના દૂર દૂરને છેડેથી
પ્રચંડ વાવાઝોડું ફૂંકાય છે.”
5 આ બાર જણને બહાર મોકલતી વખતે ઈસુએ તેમને આજ્ઞા કરી કે “જ્યાં બિન-યહૂદીઓ વસે છે ત્યાં જશો નહિ અને કોઈપણ સમરૂનીઓના નગરમાં જશો નહિ. 6 પણ ઈસ્રાએલના લોકો પાસે જાઓ. તે યહૂદીઓ ખોવાયેલા ઘેંટા જેવાં છે. 7 જેવા તમે જાઓ કે તરત જ તેઓને ઉપદેશ આપો કે, ‘આકાશનું રાજ્ય ટૂંક સમયમાં આવી રહ્યું છે.’ 8 માંદા લોકોને સાજા કરો. મરેલાને જીવતા કરો. રક્તપિત્તના રોગીઓને સાજા કરો અને અશુદ્ધ આત્માઓને કાઢો. હું તમને આ સાર્મથ્ય વિના મૂલ્યે આપું છું. માટે તમે પણ દરેકને વિના મૂલ્યે આપો. 9 તમારી સાથે સોનું, રૂપું કે તાંબુ કે કોઈપણ પ્રકારનું નાંણુ રાખશો નહિ. 10 મુસાફરી દરમ્યાન તમારી સાથે ફક્ત તમે જે કપડા પહેર્યા છે તે તથા જે પગરખા પહેર્યા છે તે જ રાખશો. ચાલવા માટે લાકડી પણ લેશો નહિ. વધારાનાં કપડાં કે પગરખાં પણ ના રાખશો કારણ કે કામ કરનાર ને તેની જરૂરિયાતની વસ્તુઓ આપવામાં આવશે જ.
11 “જ્યારે તમે જે નગરમાં કે ગામમાં પ્રવેશો, ત્યારે કોઈ લાયક વ્યક્તિની શોધ કરો અને બીજા સ્થળે જવાનું થાય ત્યાં સુધી તેને ઘેર જ રહો. 12 જે ઘરમાં તમને આવકાર મળે તેમને કહો, ‘શાંતિ તમારી સાથે રહો.’ 13 જો ઘરના લોકો લાયક હશે તો તમારા આશીર્વાદ એમની સાથે રહેશે. પણ જો તેઓ લાયક નહિ હોય તો તમે આપેલી શાંતિની આશિષ તમારી પાસે પાછી આવશે. 14 અને જો કોઈ શહેર અથવા ઘર તમારો સત્કાર ના કરે, તો ત્યાંથી તરત જ નીકળી જાઓ અને ત્યાંની ધૂળ તમારા પગે લાગી હોય તો તે ખંખેરી નાખો. 15 હું તમને સત્ય કહું છું કે, ન્યાયના દિવસે સદોમ અને ગમોરા નગરોની હાલત તે નગરના કરતાં સારી હશે. તથા તેમના તરફ વધારે ઉદારતા બતાવાશે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International