Revised Common Lectionary (Semicontinuous)
બાબિલમાં નિર્વાસિતો પર યર્મિયાનો પત્ર
29 યકોન્યા રાજા, રાજમાતા, રાજ્યના અધિકારીઓ, કુળોના આગેવાનો અને કુશળ કારીગરોને બાબિલમાં બંદીવાન તરીકે નબૂખાદનેસ્સાર લઇ ગયો.
4 યરૂશાલેમમાંથી બાબિલના બંદીવાસમાં તેમણે મોકલેલા સર્વ પર સૈન્યોનો દેવ યહોવા, ઇસ્રાએલના દેવ તરફથી આ સંદેશો છે: 5 “તમે ઘર બાંધો અને ઠરીઠામ થઇને રહો, દ્રાક્ષાનીવાડીઓ રોપો અને તેનાં ફળો ખાઓ, કારણ કે તમે ત્યાં ઘણાં વર્ષો સુધી રહેવાના છો. 6 તમે પરણો અને પ્રજા પેદા કરો. પછી તમારાં છોકરાં-છોકરીઓને પરણાવો. જેથી તેઓ પણ પ્રજા પેદા કરે. તમારે તમારી સંખ્યા વધારવાની છે, ઘટવા દેવાની નથી. 7 તે શહેરની શાંતિ અને સમૃદ્ધિ માટે કાર્ય કરો. જ્યાં મેં તમારો દેશનિકાલ કર્યો છે. તેના માટે પ્રાર્થના કરો. કારણ કે જ્યારે તે સમૃદ્ધ થશે ત્યારે તમે પણ આબાદ થશો.”
નિર્દેશક માટે. સ્તુતિગીત.
1 હે સર્વ પૃથ્વીવાસી લોકો,
તમે દેવ સંમુખ હર્ષના ગીત ગાઓ.
2 તેમનાં નામનાં ગૌરવની સ્તુતિ ગાઓ.
સ્તુતિગાનથી તેમને મહિમાવાન કરો.
3 દેવને કહો, તમારા કામ કેવાં અદ્ભૂત છે!
શત્રુઓ તમારા સાર્મથ્યથી તમારી આગળ નમે છે.
4 આખી પૃથ્વીની બધી પ્રજાઓ તમારી આગળ નમી જશે,
અને તમારી ઉપાસના કરશે, તેઓ તમારા નામનાં ગૌરવની સ્તુતિ ગાશે.
5 આવો, અને દેવના મહાન કૃત્યો નિહાળો;
કેવાં આશ્ચર્યકારક કાર્યો તેમણે લોકો માટે કર્યા છે!
6 સૂકવી નાખ્યો તેણે સમુદ્રને,
તેનાં લોકોએ પગે ચાલીને નદી પાર કરી.
ત્યાં અમે તેનામાં આનંદિત થયા.
7 તે પોતાના પરાક્રમથી સદાકાળ રાજ કરે છે;
પ્રજાઓની સર્વ હિલચાલ તેની આંખો જુએ છે,
બંડખોર પ્રજાજનો દેવ વિરુદ્ધ માથું ઊંચુ નહિ કરે.
8 હે પ્રજાજનો, આપણા દેવને,
ધન્યવાદ આપો અને તેનાં સ્તવનનો ધ્વનિ સંભળાવો.
9 તે આપણા આત્માને જીવનમાં સુરક્ષિત રાખે છે,
અને આપણા પગને લપસી જવા દેતાં નથી.
10 હે યહોવા, તમે અમારી કસોટી કરી છે;
અમને ચાંદીની જેમ અગ્નિથી શુદ્ધ કર્યા છે.
11 તમે અમને તમારી જાળમાં પકડ્યાં છે;
અને અમારી પીઠ પર ભારે બોજો મૂક્યો છે.
12 તમે અમારા શત્રુઓને અમારા ઉપર ચાલવા દીધાં,
અમને અગ્નિ અને પાણીમાંથી ચાલવું પડ્યું;
પણ તમે અમને અંતે સંપત્તિ અને સમૃદ્ધિનાં સ્થળે લઇ આવ્યા.
8 ઈસુ ખ્રિસ્તને યાદ રાખ. તે દાઉદના સંતાનનો છે. ઈસુ મૃત્યુ પામ્યો પછી તેને મૂએલામાંથી ઉઠાડવામાં આવ્યો હતો. આજ સુવાર્તા હું લોકોને કહું છું. 9 કારણ કે એ સુવાર્તા હું કહેતો ફરું છું. તેથી હું ગુનેગારની જેમ દુ:ખ સહન કરું એમ મને ગુનેગાર વ્યક્તિની જેમ સાંકળોથી પણ બાંધી રાખ્યો છે. પરંતુ દેવનો ઉપદેશ કઈ બંધનમાં નથી. 10 તેથી આ બધી મુશ્કેલીઓ હું ધીરજપૂર્વક સ્વીકારું છું. દેવે પસંદ કરેલા બધા લોકોને મદદ કરવા ખાતર હું આ કરું છું. હું આ યાતનાઓ એટલા માટે સ્વીકારું છું. જેથી એ લોકોનું ખ્રિસ્ત ઈસુમાં તારણ થાય. તે તારણથી જે મહિના પ્રાપ્ત થાય છે તે અનંત છે.
11 આ ઉપદેશ સાચો છે:
જો આપણે તેની સાથે મર્યા હોઇશું, તો તેની સાથે આપણે જીવીશું પણ ખરા.
12 જો આપણે યાતનાઓ સ્વીકારીએ, તો આપણે પણ ઈસુની સાથે રાજ કરીશું.
જો આપણે ઈસુને સ્વીકારવાનો નકાર કરીએ, તો તે આપણને અપનાવવાનો નકાર કરશે.
13 આપણે જો વિશ્વાસુ નહિ હોઇએ, તો પણ તે તો વિશ્વાસુ જ રહેશે,
કારણ કે તે પોતાની જાતને કદી બદલી શકતો નથી.
પસંદગી પામેલ કાર્યકર
14 લોકોને આ બધી વાતો કહેવાનું તું ચાલુ રાખજે. અને દેવ આગળ એ લોકોને તું ચેતવજે કે તેઓ શબ્દો વિષે દલીલબાજી ન કરે. શબ્દો વિષે દલીલબાજી કરનાર કઈજ ઉપયોગી કરી શકતો નથી. અને તે સાંભળનાર લોકોનો તો સર્વનાશ થાય છે. 15 દેવ તને પસંદ કરે છે એવી પાત્રતા મેળવવા તું સર્વોત્તમ કાર્યો કર, અને તું દેવને પૂર્ણ સમર્પિત થઈ જા. પોતાના કામની બાબતમાં જે શરમ અનુભવતો નથી એવો કાર્યકર તું થા-કે જે કાર્યકર સાચા ઉપદેશનો યોગ્ય રીતે ઉપયોગ કરે છે.
આભારી બનો
11 ઈસુ યરૂશાલેમમાં મુસાફરી કરતો હતો. તે ગાલીલમાં થઈને સમરૂન ગયો. 12 તે એક નાના ગામમાં તેને દશ માણસો મળ્યા હતા. આ માણસો ઈસુની નજીક આવ્યા નહિ, કારણ કે તે બધા રક્તપિત્તિયા હતા. 13 પણ તે માણસોએ ઘાંટો પાડીને કહ્યું, “ઈસુ! સ્વામી! કૃપા કરી અમને મદદ કર!”
14 જ્યારે ઈસુએ માણસોને જોયા, તેણે કહ્યું કે, “જાઓ તમે તમારાં શરીરને યાજકોને દેખાડો.”
જ્યારે દશ માણસો યાજકો પાસે જતા હતા ત્યારે, તેઓ સાજા થયા. 15 જ્યારે તેઓના એક માણસે જોયું કે તે સાજો થયો હતો, તે ઈસુ પાસે પાછો ગયો. તેણે મોટા અવાજે દેવની સ્તુતિ કરી. 16 તે ઈસુના પગમાં પડ્યો. તે માણસે ઈસુનો આભાર માન્યો. (તે માણસ સમરૂની હતો યહૂદિ નહિ.) 17 ઈસુએ ઉત્તર આપ્યો, “દશ માણસો સાજા થયા હતા; બીજા નવ ક્યાં છે? 18 દેવનો આભાર માનવા આવનાર આ વિદેશી સમરૂની માણસ જ પાછો આવ્યો?” 19 પછી ઈસુએ તેને કહ્યું, “ઊભો થા, તું જઇ શકે છે. તું સાજો થઈ ગયો છે કારણ કે તને વિશ્વાસ છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International