Revised Common Lectionary (Semicontinuous)
1 પરાત્પર દેવના આશ્રયસ્થાનમાં જે વસે છે,
તે સર્વસમર્થની છાયામાં રહેશે.
2 હું યહોવાને કહું છું કે, “તમે મારો આશ્રય અને ગઢ છો એજ મારા દેવ છે,
હું તમારો વિશ્વાસ કરું છું.”
3 કારણકે તે તને સર્વ ફાંદાઓથી
અને જીવલેણ રોગ મરકીથી બચાવશે.
4 તેની પાંખો પ્રસરાવીને તે તારું રક્ષણ કરશે,
તમને તેની પાંખો નીચે આશ્રય મળશે,
તેની સત્યતા તમારું રક્ષણ કરતી ઢાલ અને દીવાલ જેવાં હશે.
5 હવે તું રાત્રે બીશ નહિ
કે દિવસે ઊડતા તીરોથી તું બીશ નહિ.
6 અંધકારમાં ફેલાતા ભયંકર ચેપી રોગથી
કે મધ્યાહને આવતી પ્રાણઘાતક બિમારીથી તું ગભરાઇશ નહિ.
14 યહોવા કહે છે, “તે મને ચાહે છે તેથી હું તેને મુકત કરીશ,
હું તેને મહાન બનાવીશ, કારણકે તે મારું નામ જાણે છે.
15 તે પોકાર કરશે એટલે હું ઉત્તર દઇશ;
સંકટમાં હું તેની સાથે રહીશ
અને તેને છોડાવીને સન્માનીશ.
16 હું તેને દીર્ઘ આયુષ્યથી તૃપ્ત કરીશ,
અને હું મારું તારણ તેને આપીશ.”
23 “શું હું એ દેવ છું કે જે દૂરના સ્થળે રહે છે?
અથવા શું હું એ દેવ છું
જે પોતાના લોકોની નજીક રહે છે?
24 શું કોઇ મારાથી પોતાને સંતાડી શકે?
શું હું આકાશ તથા પૃથ્વીમાં સર્વત્ર હાજર નથી?”
આ યહોવાના વચન છે.
25 તેઓ કહે છે, “ગઇ રાત્રે યહોવા તરફથી મને એક સ્વપ્નદર્શન થયું. તે સાંભળો, ‘અને પછી તેઓ મારા નામે જૂઠી વાતો કરે છે.’ 26 આવું કયાં સુધી ચાલશે? જો તેઓ ‘પ્રબોધકો’ છે તો તેઓ જૂઠા પ્રબોધકો છે અને તેઓ જે કહે છે તે સર્વ ઉપજાવી કાઢેલું છે. 27 તેઓ એકબીજાને સ્વપ્નોની વાત કહીને મારું નામ ભૂલાવી દેવાની કોશિશ કરે છે. બરાબર એવી જ રીતે-જેમ તેમના પિતૃઓ મારું નામ ભૂલીને બઆલદેવનું નામ લેતા થયા હતા. 28 આ જૂઠાં પ્રબોધકોને પોતાનાં સ્વપ્નો કહેવા દો અને મારા સંદેશાવાહકોને પણ વિશ્વાસપૂર્વક મારું પ્રત્યેક વચન કહેવા દો. ઘઉંની તુલનામાં તેનાં ફોતરાની શી કિંમત? 29 મારુ વચન આગ જેવુ નથી? ખડકના ચૂરેચૂરા કરનાર હથોડા જેવુ નથી?
30 “એટલે મારો વિરોધ એકબીજાના શબ્દો ચોરી લઇ એને મારે નામે ખપાવનાર પ્રબોધકો સામે છે. 31 જે પ્રબોધકો પોતાની વાણીને મારી વાણી તરીકે ખપાવે છે. તેમની સામે મારો વિરોધ છે. 32 જુઓ હું તે બધા પ્રબોધકોની વિરુદ્ધમાં છું જેમના સ્વપ્નો કેવળ નિર્લજ્જ જૂઠાણાં છે અને જેઓ મારા લોકોને જૂઠાણાં દ્વારા અને મોટી મોટી વાતો દ્વારા પાપમાં દોરી જાય છે. મેં તેઓને મોકલ્યા નથી. અને મારા લોકને માટે તેઓની પાસે કોઇ સંદેશો નથી, જેઓ તેમના માટે કઇક છે.” એમ યહોવા કહે છે.
મૃત્યુથી જીવન તરફ
2 ભૂતકાળમાં તમારા પાપો અને દેવ વિરુંદ્ધના અનુચિત વ્યવહારને કારણે તમારું આત્મીક જીવન મરી ગયું હતું. 2 હા, ભૂતકાળમાં તમે જગત જે રીતે જીવે છે તે રીતે જીવ્યા અને તે અપરાધોમાં તમે દુષ્ટ વાયુની સત્તાના અધિકારીને અનુસર્યા. અને જે લોકો દેવના આજ્ઞાંકિત નથી તેમને તે જ આત્મા અત્યારે પ્રભાવિત કરી રહ્યો છે. 3 ભૂતકાળમાં આપણી પાપી જાતને પ્રસન્ન કરવાના પ્રયત્નો કરીને તે લોકોની જેમ જ આપણે જીવતા હતા. આપણા શરીર અને મનની બધી જ લાલસા સંતોષવા આપણે બધું જ કરતા હતા. આપણે દુષ્ટ લોકો હતા અને તે માટે આપણે દેવના ક્રોધને યોગ્ય હતા કારણ કે બીજા બધા લોકોના જેવા જ આપણે હતા.
4 પરંતુ દેવની દયા મહાન છે, અને આપણા પ્રત્યેનો તેનો પ્રેમ ગાઢ છે. 5 આપણે દેવની વિરુંદ્ધ જે અનુચિત વ્યવહાર કરેલો તે કારણે આત્મિક રીતે આપણે મરી ચૂક્યા હતા. પરંતુ દેવે આપણને ખ્રિસ્તની સાથે નવું જીવન આપ્યું, તેની કૃપાથી તમારો ઉદ્ધાર થયો છે. 6 દેવે આપણું ખ્રિસ્ત સાથે ઉત્થાન કર્યુ અને તેની સાથે સ્વર્ગીય સ્થાનોમાં આપણને સ્થાન આપ્યું. જે ખ્રિસ્તમય છે તેવા આપણા માટે દેવે આમ કર્યુ. 7 દેવે આમ કર્યુ કે જેથી બધી ભાવિ પેઢીને તેની કૃપાની મહાન સમૃદ્ધિના દર્શન કરાવી શકે. આપણને ખ્રિસ્તમય બનાવવાની કૃપા કરીને દેવે તેની ભલાઈના આપણને દર્શન કરાવ્યા.
8 હું એમ કહેવા માંગુ છું કે તમે કૃપાથી તારણ પામ્યા છો. અને તે કૃપા તમને વિશ્વાસથી મળેલી છે. તમે તમારી જાતે તારણ પામ્યા નથી. તે દેવનું દાન છે. 9 ના! તમારા કાર્યોથી તમારું તારણ થયું નથી. અને તેથી કોઈ પણ વ્યક્તિ પોતાની જાતે તારણ પામી છે તેવી બડાઈ ન મારી શકે. 10 દેવે આપણને જેવા બનાવ્યા, તેવા આપણે છીએ. કારણ કે આપણે તેની કૃતિ છીએ, અને સારી કરણીઓ કરવાને ખ્રિસ્ત ઈસુમાં આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા છે. તે સારી કરણીઓ વિષે દેવે અગાઉથી એમ ઠરાવ્યું કે આપણે તે પ્રમાણે ચાલીએ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International