Revised Common Lectionary (Semicontinuous)
આસાફના સ્તુતિગીતોમાંનુ.
1 હે દેવ, તમે છાના ન રહો;
હે દેવ, તમે ચૂપ ન રહો;
અને શાંત ન રહો.
2 જુઓ, તમારા શત્રુઓ હુલ્લડ મચાવે છે.
અને જેઓ તમને ધિક્કાર છે તેમણે તમારી સામે માથું ઊંચું કર્યું છે.
3 તેઓ તમારા લોકો વિરુદ્ધ કપટભરી યોજનાઓ કરે છે,
અને તમારા લોક જેઓ તમને મૂલ્યવાન છે, તેઓની વિરુદ્ધ પ્રપંચ રચે છે.
4 તેઓ કહે છે, “ચાલો, પ્રજા તરીકેના તેમના અસ્તિત્વનો આપણે સંપૂર્ણ નાશ કરીએ;
જેથી ઇસ્રાએલના નામનું સ્મરણ કદી ન રહે.”
5 તેઓ નિર્ણય સર્વાનુમતે કરે છે, અને યોજનાઓ કરે છે;
તેઓ તમારી વિરુદ્ધ કરાર કરે છે.
6 તંબુમાં રહેનાર અદોમીઓ, ઇશ્માએલીઓ, મોઆબીઓ તથા હાગ્રીઓ,
7 ગબાલ, તથા આમ્મોન ને અમાલેક;
અને તૂર દેશના લોકો પલિસ્તીઓ કરાર કરે છે.
8 તેઓની સાથે આશ્શૂર પણ સામેલ થાય છે;
અને લોતના વંશજોને સહાય કરી છે.
9 તમે જે મિદ્યાન સાથે વ્યવહાર કર્યો હતો, કીશોન નદી પર સીસરા તથા યાબીન સાથે;
તેવોજ વ્યવહાર તમે તેઓની સાથે કરો.
10 એન-દોરમાં તેઓ નાશ પામ્યા,
અને ભૂમિ મૃતદેહોના કહોવાણથી ફળદ્રુપ થઇ.
11 જેમ ઓરેબ તથા ઝએબ મૃત્યુ પામ્યા, તેમ તેઓના સર્વ શૂરવીરો મૃત્યુ પામો;
સર્વ અધિકારીઓના હાલ ઝેબાહ તથા સાલ્મુન્ના જેવા થાઓ.
12 તેઓએ કહ્યું, ચાલો આપણે પોતાને માટે
દેવના નિવાસસ્થાનને કબજે કરીએ.
13 હે મારા દેવ, તેઓને વંટોળિયાની ધૂળ જેવા;
અને પવનથી ઊડતાં ફોતરાં જેવા કરો.
14 જેમ અગ્નિ જંગલોને ભસ્મ કરે છે,
અને આગ પર્વતોને સળગાવે તેમ વિનાશ કરો.
15 તમારા વંટોળિયાઓ અને તોફાનોથી
તેમનો પીછો કરો અને તેમને ડરાવો.
16 તેઓ લજ્જિત થઇ પોતાનાં મુખ સંતાડે તેમ કરો.
હે યહોવા, તેઓ તમારું નામ શોધે.
17 તેઓ હંમેશા લજ્જિત થાઓ, અને ગૂંચવાઇ જાઓ;
તેઓ અપમાનિત થાઓ અને નાશ પામો.
18 જેથી તેઓ જાણે કે તમારું નામ છે,
“યહોવા” છે અને તમે એકલાં જ સમગ્ર પૃથ્વી પર પરાત્પર દેવ છો.
5 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “ત્યાર પછી હું ન્યાય કરવા તમારી પાસે આવીશ, અને જાદુગરો તેમજ વ્યભિચારીઓને તથા જૂઠા સોગંદ ખાનારાઓની વિરુદ્ધ, મજૂર પર તેની મજૂરીના સંબંધમાં, વિધવા તથા અનાથો પર જુલમ કરનારની વિરુદ્ધ, અને વિદેશીઓના હક્ક પચાવી પાડનાર તથા મારો ડર નહિ રાખનારની વિરુદ્ધ હું સાક્ષી પૂરવા તત્પર રહીશ.”
દેવના લોકો દેવને લૂટે!
6 “હું યહોવા, ફરી જતો નથી, અને તેથી હે યાકૂબના વંશજો, તમારો સર્વનાશ થયો નથી. 7 તમારા પિતૃઓના સમયથી મારા નિયમોની ઉપેક્ષા કરી છે. મારી પાસે પાછા આવો, હું તમારી પાસે પાછો આવીશ.
“પણ તમે કહેશો, ‘અમે તમારી પાસે પાછા કેવી રીતે આવીએ?’
8 “હું પુછું છું, શું માણસ દેવને લૂંટી શકે? છતાં તમે મને લૂંટો છો.
“પણ તમે કહો છો, ‘અમે શી રીતે તમને લૂંટીએ છીએ?’
“તમારા પાકનો એક દશાંશમો ભાગ મને નહિ આપીને, તમે મને લૂંટયો છે. 9 તમે શાપ પામીને શાપિત થયા છો; કારણકે તમે, સમગ્ર પ્રજા, મને લૂંટો છો.”
10 “ઊપજનો પૂરો દશમો ભાગ લાવો, તો મારો ભંડાર ભરેલો રહે. એ પછી તમે મારી કસોટી કરી જુઓ કે, હું તમારા માટે સ્વર્ગના દ્વાર ઉઘાડીને તમારા પર મબલખ આશીર્વાદ વરસાવું છું કે નહિ? 11 હું તીડોને મનાઇ કરીશ, જેથી તેઓ તમારાં ખેતરના પાકને ખાઇ ન જાય અને તમારા દ્રાક્ષના વેલા ફળ્યા વગર ન રહે.” આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે.
12 “ત્યારે બધી પ્રજાઓ કહેશે તમે સુખી છો, કારણ, તમારો દેશ ઇચ્છનીય હશે.” આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે.
ઈસુનું પક્ષઘાતી માણસને સાજા કરવું
(માથ. 9:1-8; લૂ. 5:17-26)
2 થોડા દિવસો પછી, ઈસુ ફરી પાછો કફર-નહૂમમાં આવ્યો. તે સમાચાર પ્રસરી ગયા કે ઈસુ ઘેર પાછો ફર્યો હતો. 2 ઘણા લોકો ઈસુનો ઉપદેશ સાંભળવા ભેગા થયા હતા. ઘર ભરેલું હતું. ત્યાં દરવાજા બહાર પણ ઊભા રહેવાની જગ્યા ન હતી. ઈસુ આ લોકોને ઉપદેશ આપતો હતો. 3 કેટલાક લોકો એક પક્ષઘાતી માણસને ઊંચકીને લાવતા હતા. 4 પણ તેઓ તે માણસને ઈસુ પાસે લાવી શક્યા નહિ કારણ કે ઘર લોકોથી ભરેલું હતુ. તેથી તે માણસો ઈસુ જ્યાં હતો તે છાપરાં પર ગયા અને છાપરામાં બકોરું પાડ્યું પછી તેઓએ પક્ષઘાતી માણસ જે ખાટલામાં પડેલો હતો તે ખાટલો નીચે ઉતાર્યો. 5 ઈસુએ જોયું કે આ માણસોને ખૂબ વિશ્વાસ છે, તેથી તે પક્ષઘાતી માણસને કહ્યું, “જુવાન માણસ, તારા પાપો માફ થયાં છે.”
6 કેટલાક શાસ્ત્રીઓ ત્યાં બેઠેલા હતા. ઈસુએ જે કર્યુ તે તેઓએ જોયું, અને તેઓએ તેઓની જાતને કહ્યું, 7 “આ માણસ આમ કેમ કહે છે? તે જે કહે છે તે દેવની વિરૂદ્ધ છે. ફક્ત દેવ જ પાપોને માફ કરા શકે.”
8 ઈસુએ જાણ્યું કે આ શાસ્ત્રીઓ તેના વિષે આવી બાબતો વિચારતા હતા. તેથી ઈસુએ તેઓને કહ્યું, “તમારા મગજમાં આવા વિચારો કેમ આવે છે? આ પક્ષઘાતી માણસને શું કહેવું સરળ છે, તારા પાપ માફ થયા છે, કે તેને કહેવું, ઊભો થા, તારી પથારી લઈને ચાલ? 9-10 પણ હું તમને સાબિત કરાવી આપીશ કે માણસના પુત્રને પૃથ્વી પર પાપો માફ કરવાનો અધિકાર છે.” તેથી ઈસુએ પક્ષઘાતી માણસને કહ્યું. 11 હું તને કહું છું, “ઊભો થા, તારી પથારી ઊચકીને તારે ઘેર ચાલ્યો જા.”
12 તે પક્ષઘાતી માણસ ઊભો થયો. તેણે તેની પથારી લીધી અને ઓરડામાંથી બહાર ચાલ્યો ગયો. બધા લોકો તેને જોઈ શક્યા. લોકો નવાઇ પામ્યા અને દેવની સ્તુતિ કરી. તેઓએ કહ્યું, “આજ સુધી જોયેલી સૌથી આશ્ચર્યકારક બાબત આ છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International