Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 1

ભાગ પહેલો

(ગીત 1–41)

દુષ્ટ લોકોની સલાહ જેઓ સ્વીકારતાં નથી,
    પાપીઓનાં માર્ગમાં જેઓ ઉભા રહેતા નથી,
દેવની હાંસી ઉડાવનારા સાથે બેસતા નથી,
    તેઓ સાચેજ સુખી છે, તેઓને ધન્ય છે.
યહોવાના નિયમશાસ્ત્રથી તેઓ આનંદ માણે છે,
    રાત દિવસ યહોવાનાં વચનોનું જે મનન કરે છે;
    અને યહોવામય જીવન જીવવાં વિચાર્યા કરે છે,
તેઓ નદી કિનારે રોપાયેલાં વૃક્ષો જેવા છે,
    એ વૃક્ષો ઋતુ પ્રમાણે ઉત્તમ ફળો આપે છે;
તેઓનાં પાંદડા કદી કરમાતાં નથી.
    તેઓ જે કાઇ કામ કરે છે,
તેમાં સફળ થાય છે.

પણ દુષ્ટો એવા નથી હોતા, તેઓની વાત જુદી છે.
    તેઓ ખરેખર પવનમાં ઉડતાં ફોતરાં જેવા છે.
તેથી દુષ્ટો ન્યાયાસન આગળ ટકશે નહિ;
    ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહિ.
યહોવા ન્યાયીઓની સંભાળ રાખે છે;
    પરંતુ તે દુષ્ટ લોકોનો વિનાશ કરે છે.

યર્મિયા 29:10-19

10 સત્ય તો આ છે: “તમે 70 વર્ષ બાબિલમાં રહેશો, પરંતુ ત્યાર પછી હું યહોવા આવીશ અને મેં આપેલા વચન પ્રમાણે સર્વ સારી બાબતો હું તમારે માટે કરીશ અને તમને ફરીથી યરૂશાલેમમાં પાછા લાવીશ. 11 તમારા માટે મારી જે યોજનાઓ છે તે હું જાણું છું,” એમ યહોવા કહે છે. “તે યોજનાઓ છે તમારા સારા માટે, નહિ કે તમારું ભૂંડું થાય તે માટે. તે તો તમને ઊજળું ભાવિ અને આશા આપવા માટે છે. 12 તે સમય દરમિયાન તમે મારી પાસે આવીને પ્રાર્થના કરશો તો હું તમારું સાંભળીશ. 13 તમે મારી શોધ કરશો તો મને પામશો, કારણ, તમારી શોધ પ્રામાણિક હૃદયની હશે.” 14 યહોવા કહે છે, “હા, હું તમને જરૂર મળીશ અને તમારી ગુલામીનો અંત લાવીશ અને તમારી સમૃદ્ધિ તમને પાછી આપીશ, અને જે જે પ્રજાઓમાં અને દેશોમાં મેં તમને વેરવિખેર કરી નાખ્યા હશે, ત્યાંથી હું તમને પાછા એકઠા કરીશ; જ્યાંથી મેં તમને દેશવટે મોકલ્યા હતાં ત્યાંથી હું તમને પાછા લાવીશ.” આ હું યહોવા બોલું છું.

15 “પણ જે જૂઠાં પ્રબોધકો તમારી મધ્યે છે, તેઓનો તમે સ્વીકાર કરો છો અને કહો છો કે યહોવાએ તેમને મોકલ્યા છે.” 16 દાઉદની ગાદી પર બેસનાર રાજાને વિષે અને આ શહેરમાં વસતાં સૌ લોકો વિષે, તમારા જે દેશબંધુઓ તમારી સાથે દેશવટે નહોતા આવ્યા તેમને વિષે સૈન્યોનો દેવ યહોવાએ આ પ્રમાણે કહેલું છે: 17 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “એ લોકોને હું યુદ્ધ, દુકાળ અને રોગચાળાનો ભોગ બનાવીશ; હું એમને ખાઇ ન શકાય એવાં સડેલાં અંજીર જેવા બનાવી દઇશ. 18 હું, યુદ્ધ, દુકાળ અને મરકીથી તેઓનો પીછો કરીશ અને તેઓની એવી દશા કરીશ કે, સમગ્ર દુનિયાના લોકો તે જોઇને ધ્રૂજી ઊઠશે. અને મેં તેમને જે જે પ્રજાઓમાં વેરવિખેર કરી નાખ્યા છે તે પ્રજાઓમાં એ લોકોની નામોશી અને હાંસી થશે અને તેમનું નામ શાપરૂપ લેખાશે. 19 આ બધું એટલા માટે બન્યું છે કે મારા પ્રબોધકો મારફતે મેં વારંવાર તેઓની સાથે વાત કરી પણ તેઓએ મારું સાંભળવાની ના પાડી દીધી.” આ યહોવાના વચન છે.

1 કરિંથીઓ 16:13-24

પાઉલના પત્રની પૂર્ણાહૂતિ

13 સાવધાન રહો. વિશ્વાસમાં દઢ રહો. હિંમત રાખો અને વફાદાર રહો. અને શક્તિશાળી બનો. 14 બધી જ વસ્તુ પ્રેમપૂર્વક કરો.

15 તમે જાણો છો કે અખાયામાં સ્તેફનાસનું કુટુંબ વિશ્વાસ ધરાવવામાં પ્રથમ હતું. તેઓએ તેઓની જાતને દેવના લોકોના ચરણોમાં ધરી દીઘી હતી. ભાઈઓ અને બહેનો હું તમને વિનંતી કરું છું, 16 લોકોને અને અન્ય વ્યક્તિઓ કે જેઓ તેઓની સાથે સેવા અને કામ કરે છે, તેમને દોરવામાં આ રીતે અનુસરો.

17 મને આનંદ છે કે સ્તેફનાસ, ફોર્તુનાતુસ અને અર્ખેકસ આવ્યા છે. તમે અહી નથી, પરંતુ તમારી ખોટ તેઓએ પૂરી કરી છે. 18 તેઓએ તમારા અને મારા આત્માને ઉત્તેજિત કર્યા છે અને તેથી આવા લોકોનું મહત્વ તમારે સમજવું જોઈએ.

19 આસિયાની મંડળીઓ તમારું અભિવાદન કરે છે. પ્રભુ થકી અકુલાસ અને પ્રિસ્કા પણ તમને ઘણા અભિવાદન મોકલે છે. અને મંડળી કે જે તેઓના ઘરમાં એકત્રિત થાય છે તે પણ તમને અભિવાદન મોકલે છે. 20 બધા જ ભાઈઓ અને બહેનો તમને અભિવાદન મોકલે છે, અને જ્યારે તમે મળો ત્યારે એકબીજાને પવિત્ર ચુંબન આપો તેમ ઈચ્છે છે.

21 હું પાઉલ છું, અને આ અભિવાદન હું મારા સ્વહસ્તે લખી રહ્યો છું.

22 જો કોઈ વ્યક્તિ પ્રભુને પ્રેમ કરતો ના હોય તો પછી ભલે તેને દેવથી વિમુખ થવા દો અને કાયમને માટે ખોવાઈ જવા દો!

ઓ પ્રભુ, આવ![a]

23 પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર થાઓ.

24 ખ્રિસ્ત ઈસુમાં મારી પ્રીતિ તમો સર્વની સાથે થાઓ. આમીન.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International