Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 1

ભાગ પહેલો

(ગીત 1–41)

દુષ્ટ લોકોની સલાહ જેઓ સ્વીકારતાં નથી,
    પાપીઓનાં માર્ગમાં જેઓ ઉભા રહેતા નથી,
દેવની હાંસી ઉડાવનારા સાથે બેસતા નથી,
    તેઓ સાચેજ સુખી છે, તેઓને ધન્ય છે.
યહોવાના નિયમશાસ્ત્રથી તેઓ આનંદ માણે છે,
    રાત દિવસ યહોવાનાં વચનોનું જે મનન કરે છે;
    અને યહોવામય જીવન જીવવાં વિચાર્યા કરે છે,
તેઓ નદી કિનારે રોપાયેલાં વૃક્ષો જેવા છે,
    એ વૃક્ષો ઋતુ પ્રમાણે ઉત્તમ ફળો આપે છે;
તેઓનાં પાંદડા કદી કરમાતાં નથી.
    તેઓ જે કાઇ કામ કરે છે,
તેમાં સફળ થાય છે.

પણ દુષ્ટો એવા નથી હોતા, તેઓની વાત જુદી છે.
    તેઓ ખરેખર પવનમાં ઉડતાં ફોતરાં જેવા છે.
તેથી દુષ્ટો ન્યાયાસન આગળ ટકશે નહિ;
    ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહિ.
યહોવા ન્યાયીઓની સંભાળ રાખે છે;
    પરંતુ તે દુષ્ટ લોકોનો વિનાશ કરે છે.

યર્મિયા 24

અંજીર સંબંધી યર્મિયાનું દર્શન

24 યહૂદિયાના રાજા યહોયાકીમના પુત્ર કોન્યાહને બાબિલના રાજા નબૂખાદનેસ્સારે દેશ નિકાલ કર્યો અને તેને યહૂદિયાના સરદારો તથા સુથારી અને લુહારી કામનાં નિપૂણ કારીગરોને બાબિલમાં બંદીવાસમાં મોકલી દીધા, પછી યહોવાના મંદિરની સામે બહાર મૂકેલી અંજીરની બે ટોપલીઓ યહોવાએ મને દેખાડી. યરૂશાલેમમાં મંદિરની સામે અંજીરની ભરેલી બે ટોપલીઓ મેં જોઇ, એક ટોપલીમાં તાજાં અને હમણાંજ પાકેલા અંજીર હતા. પરંતુ બીજી ટોપલીમાં બગડી ગયેલા અને ખાવાને લાયક નહિ એવાં અંજીર હતાં.

પછી યહોવાએ મને કહ્યું, “યર્મિયા તું શું જુએ છે?”

મેં ઉત્તર આપ્યો, “અંજીર, તેમાનાં કેટલાક બહુ સારા છે અને કેટલાંક ખૂબજ બગડી ગયા છે, તે એટલાં ખરાબ છે કે ખવાય પણ નહિ.”

ત્યારે યહોવાએ મને કહ્યું, આ ઇસ્રાએલના દેવ યહોવાના વચન છે. “યહૂદિયામાંથી જે લોકો દેશવટે ગયા છે. જેમને મેં અહીંથી બાબિલમાં દેશવટે મોકલી આપ્યા છે તેમને હું આ સારાં અંજીર જેવા સારા માનું છું. તેઓ સાથે સારો વ્યવહાર કરવામાં આવે તેવું હું કરીશ અને તેઓને ફરીથી આ દેશમાં પાછા લાવીશ. તેઓને સહાય કરીશ અને તેઓને હાની થશે નહિ, હું તેઓને રોપીશ અને તેઓને ઉખેડી નાખીશ નહિ. હું તેમને બુદ્ધિ આપીશ, જેથી તેઓ મને ઓળખે કે હું યહોવા છું. પછી તેઓ મારા લોકો થશે અને હું તેમનો દેવ થઇશ; કારણ, તેઓ પૂરા દિલથી મારી પાસે પાછા આવશે.

“પણ યહૂદિયાના રાજા સિદકિયા તો ખાઇ ન શકાય તેવા સડેલા અંજીર જેવો હશે. સિદકિયા, અને તેના ઉચ્ચ અમલદારો અને યરૂશાલેમમાંના બાકીના લોકોને, જેઓ આ દેશમાં જ રહ્યાં હોય કે યહૂદિયાના તે બધાં લોકો જેઓ મિસરમાં રહેતા હોય, એ બધા ખવાય પણ નહિ એવા ખરાબ અંજીર જેવા હશે. હું તે લોકોને સજા કરીશ તેમને થયેલી સજા જોઇને પૃથ્વીના બધા લોકો થથરી જશે, લોકો યહૂદિયાના લોકોની ઠેકડી ઉડાવશે, લોકો તેમના વિષે મજાક મશ્કરી કરશે અને મેં તેમને જ્યાં જ્યાં વિખેરી નાખ્યાં છે ત્યાં લોકો તેમને શાપ આપશે. 10 હું તેમના પર તરવાર, ભૂખમરો અને રોગચાળો મોકલીશ. તેઓ જ્યાં સુધી નષ્ટ ન થઇ જાય ત્યાં સુધી હું તેમના પર ત્રાટકીશ પછી તેઓનું અસ્તિત્વ ભૂમિ પરથી મટી જશે જે મેં તેમને અને તેમના પિતૃઓને આપી હતી.”

1 કરિંથીઓ 16:1-12

અન્ય વિશ્વાસીઓ માટે સંગ્રહ

16 હવે હું દેવના લોકો માટે પૈસા એકત્ર કરવા વિષે લખીશ. ગલાતિયાની મંડળીઓને મેં જે કરવા સૂચવ્યું છે તે જ પ્રમાણે તમે કરો: પ્રત્યેક સપ્તાહના પ્રથમ દિવસે તમારામાંની પ્રત્યેક વ્યક્તિએ તમારી આવકમાંથી શક્ય હોય તેટલા પૈસા બચાવવા જોઈએ. તમારે આ પૈસા કોઈ વિશિષ્ટ જગ્યાએ રાખવા જોઈએ જેથી હું આવું પછી તમારે તમારા પૈસા એકત્ર કરવાના ન રહે. જ્યારે હું આવું ત્યારે હું કેટલાએક માણસોને મોકલીશ કે જે તમારા દાનને યરૂશાલેમ સુધી પહોંચાડે. આ એવા લોકો હશે કે તમે બધા સંમત થશો કે તેમણે જ જવું જોઈએ. હું તેઓને પરિચયપત્રો આપીને મોકલીશ. જો મારા માટે ઉચિત હશે તો તે લોકો મારી સાથે આવશે.

પાઉલની યોજનાઓ

હું મકદોનિયા થઈને જવા માંગુ છું. તેથી મકદોનિયા ગયા પછી હું તમારી પાસે આવી શકીશ. હું કદાચ તમારી સાથે થોડો સમય રોકાઈશ. હું કદાચ આખો શિયાળો પણ તમારી સાથે કાઢીશ. જેથી તમે મને જ્યાં કઈ પણ હું જાઉં ત્યાં મને મદદ કરી શકો. અત્યારે જતાં તમારી મુલાકાત લેવાની મારી ઈચ્છા નથી. જો પ્રભુ રજા આપશે તો તમારી સાથે થોડો સમય રહેવાની મારી ઈચ્છા છે. પરંતુ પચાસમાના પર્વ[a] સુધી હું એફેસસમાં રહેવાનો છું. હું અહીં રોકાઈશ, કારણ કે મહાન અને વિકસતું કાર્ય કરવાની સુંદર તક મને આપવામાં આવી છે અને ઘણા લોકો આ કાર્યનો વિરોધ કરે છે.

10 કદાચ તિમોથી તમારી પાસે આવે તો તેને રાહત લાગણીનો તમારી સાથે અનુભવ કરાવજો. મારી જેમ જ તે પ્રભુના કાર્યમાં રોકાયેલો છે. 11 અને તેથી તેને અપનાવવાનો ઈન્કાર કોઈએ પણ ન કરવો. તેની યાત્રા શાંતિપૂર્ણ બને તે માટે તેને મદદરુંપ થજો કે જેથી તે પાછો મારી પાસે આવે. બીજા ભાઈઓ સાથે તે મારી પાસે આવશે તેમ હું ધારું છું.

12 હવે આપણા ભાઈ અપોલોસ વિષે: બીજા ભાઈઓ સાથે તમારી મુલાકાત લેવા મેં તેને ઘણો પ્રોત્સાહિત કર્યો. પરંતુ અત્યારે નહિ આવવા માટે તે ઘણો જ મક્કમ હતો. પરંતુ જ્યારે તેને તક મળશે ત્યારે તે આવશે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International