Revised Common Lectionary (Semicontinuous)
વિશ્રામવાર માટેનું સ્તુતિગીત.
1 યહોવાની સ્તુતિ કરવી અને આભાર વ્યકત કરવો અને તમારા નામના,
પરાત્પર દેવના સ્તોત્ર ગાન કરવા તે સારું છે.
2 દસ તારવાળા વાજીંત્ર તથા સિતાર
કે વીણાના મધુર સ્વર સાથે ગાવું તે ખરેખર સારું છે.
3 પ્રત્યેક સવારે તેમના માટે તમારો પ્રેમ વ્યકત કરો,
અને પ્રત્યેક રાત્રે તેમનામાં તમારો વિશ્વાસ વ્યકત કરો.
4 હે યહોવા, તમે તમારા કૃત્યોથી મને આનંદ પમાડ્યો છે;
હું તમારા હાથે થયેલાં કામને લીધે હર્ષનાદ કરીશ.
12 સદાચારી લોકો તાડના વૃક્ષની જેમ ખીલશે
અને લબાનોનના દેવદાર વૃક્ષોની જેમ વધશે.
13 યહોવાના મંદિરમાં જેઓને રોપવામાં આવેલા છે;
તેઓ આપણા દેવનાં આંગણામાં ખીલી ઊઠશે.
14 તેઓ ઘડપણમાં પણ ફળધારક થશે,
અને તેઓ તાજાં લીલાં વૃક્ષો જેવાં હશે.
15 તેથી તેઓ કહેશે કે, યહોવા સારા અને પ્રામાણિક છે.
તેઓ મારા ખડક છે, અને તેમના વિશે કઁઇ અન્યાયી નથીં.
8 યહોવાએ મને કહ્યું, હવે ચાલુ તું જઇને લોકોના દેખતાં એક તકતી પર લખી નાખ, અને તેને ટીપણાંમા કોતરી નાખ, જેથી ભવિષ્યમાં સદાને માટે એ સાક્ષી તરીકે કામ આવે,
9 કારણ કે તેઓ બળવાખોર લોકો અને બેવફા બાળકો છે. તેઓ યહોવાના શિક્ષણને સાંભળતા નથી. 10 તેઓ દષ્ટાઓને કહે છે, “જોશો નહિ.” પ્રબોધકોને કહે છે, “અમને સત્ય સંભળાવશો નહિ, અમને મીઠી મીઠી વાતો અને ભ્રામક દર્શનો વિષે કહેજો. 11 રસ્તો છોડો, અમારા માર્ગમાંથી ખસી જાઓ, ઇસ્રાએલના પરમપવિત્ર દેવની વાત અમારી આગળ ન કરશો.”
યહૂદાને ફકત દેવથી મદદ મળે છે
12 આથી ઇસ્રાએલના પરમ પવિત્ર દેવ પ્રત્યુત્તર આપે છે: “તમે આ ચેતવણીની ઉપેક્ષા કરો છો, અને અન્યાયમાં અને છળકપટમાં માનો છો અને એના પર જ આધાર રાખો છો, 13 એટલે જેમ ભીંતમાં પહોળી ફાટ પડે છે અને તે તૂટી પડે છે અને થોડી ક્ષણોમાં જ કકડભૂસ નીચે પડે છે, તેમ તમારા પર અચાનક વિનાશ આવી પડશે. 14 જેમ કોઇ ઘડાને જોરથી ફટકો મારે અને તેના ઝીણા ઝીણા ટુકડા થઇ જાય અને તેમાં એક પણ ટૂકડો એવો ન રહે, જેના વડે ચૂલામાંથી અંગારો અથવા ટાંકામાંથી પાણી લઇ શકાય, એવી તમારી દશા થશે.”
15 કારણ કે પ્રભુ યહોવા ઇસ્રાએલનો પવિત્ર દેવ કહે છે કે, “કેવળ મારી તરફ પાછા ફરીને અને મારી વાટ જોઇને તમે બચાવ પામી શકશો. શાંત રહેવામાં અને ભરોસો રાખવામાં તમારું સાર્મથ્ય રહેલું છે.”
પરંતુ તમારામાં આમાનું કશું નથી. 16 એટલે તમે કહ્યું, “ના, અમે તો ઘોડા પર બેસીને ભાગી જઇશું.” એટલે હવે તમારે ભાગવું પડશે. તમે કહ્યું, “અમે તો પવનવેગી ઘોડા પર ભાગી જઇશું.” એટલે હવે તમારો પીછો પકડનારાઓ પવનવેગે તમારો પીછો પકડશે. 17 તેઓમાંનો એક તમારા એક હજારને ભગાડી મૂકશે! તેઓમાંના પાંચ તમને એવી રીતે વિખેરી નાંખશે કે તમારામાંથી કોઇ બે વ્યકિતઓ ભેગી નહિ રહે. તમે દૂરના પર્વતોની ટોચ પરના એકલા ધ્વજદંડની જેમ મૂઠીભર બાકી રહેશો.
16 “હું તમને આ વચનો કહું છું તેથી તે લોકો તમારા વિશ્વાસનો નાશ કરવા શક્તિમાન થશે નહિ. 2 લોકો તમને તેમના સભાસ્થાનોમાંથી હાંકી કાઢશે. હા, એવો સમય આવે છે જ્યારે લોકો વિચારશે કે તમને મારી નાખવા તે દેવની સેવા છે. 3 લોકો આ કામ કરશે કારણ કે તેઓએ પિતાને ઓળખ્યો નથી. અને તેઓએ મને પણ ઓળખ્યો નથી. 4 મેં તમને હવે આ વચનો કહ્યાં છે. તેથી જ્યારે આ વસ્તુઓ થવાનો સમય આવે ત્યારે મેં તમને આપેલી ચેતવણી તમે યાદ કરશો.
પવિત્ર આત્માનું કાર્ય
“મેં તમને શરુંઆતમાં આ વચનો કહ્યાં ન હતા કારણ કે ત્યારે હું તમારી સાથે હતો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International